આજથી શરૂ થઈ રહેલું સંસદનું શિયાળુ સત્ર ભારે તોફાની રહેશે એવી પૂરેપૂરી શક્યતા છે. છેલ્લે ચોમાસુ સત્રમાં લગભગ કોઈ કામગીરી થઈ ન હતી એટલે આ સત્રમાં સરકાર ઇન્શ્યૉરન્સ, પેન્શન સહિતનાં મહત્વનાં બિલો પસાર કરાવવા માગે છે ત્યારે વિપક્ષે એફડીઆઇ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે સરકારને ઘેરવા કમર કસી છે. ખાસ કરીને લોકસભા ચૂંટણીના આડે ૧૮ મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે સરકાર અને વિપક્ષ બન્ને માટે આ સત્ર અત્યંત મહત્વનું છે. આજથી શરૂ થઈ રહેલું શિયાળુ સત્ર ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે. સરકારની યોજના આ સત્રમાં ૨૫ બિલ પસાર કરાવવાની છે.
મમતા બૅનરજીની પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રેસે એફડીઆઇને મુદ્દે સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી દીધી છે અને આ પ્રસ્તાવ રજૂ કરવા મમતા મક્કમ છે. મમતાએ શિયાળુ સત્રના પહેલા જ દિવસે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાનું નક્કી કર્યું છે. આ તરફ એનડીએએ હજી સુધી મમતા બૅનરજીના પ્રસ્તાવને સપોર્ટ આપવાને લઈને પોતાનાં પત્તાં ખોલ્યાં નથી. એનડીએએ પણ એફડીઆઇના મુદ્દે ચર્ચા કરવા વોટિંગની જોગવાઈ સાથેનો ઠરાવ રજૂ કરવાનું નક્કી કર્યું છે.
લોકસભાનાં સ્પીકર મીરા કુમારે ગઈ કાલે સાંજે ઑલ પાર્ટી મીટિંગ બોલાવી હતી. આ બેઠકમાં તૃણમૂલ કૉન્ગ્રેસે અવિશ્વાસના પ્રસ્તાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે સંસદમાં તૃણમૂલ કૉન્ગ્રેસના પ્રસ્તાવનો રકાસ થવાના પૂરેપૂરા ચાન્સિસ છે, કારણ કે હજી સુધી કોઈ પાર્ટીએ તેને સપોર્ટ આપવાની ખાતરી આપી નથી. ડાબેરી પક્ષોએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે તે અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો નહીં આપે. જ્યારે એનડીએ દ્વારા હજી સુધી આ બાબતે કોઈ વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. તૃણમૂલ કૉન્ગ્રેસના લોકસભામાં ૧૯ સભ્યો છે. અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા માટે ઓછામાં ઓછા ૫૪ સંસદસભ્યોની સહી જરૂરી છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK