ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર કમલજિત રેએ કહ્યું હતું કે અરબી સમુદ્રમાં ડેવલપ થયેલું વેસ્ટર્ન ડિપ્રેશન કાંઠાના વિસ્તારોથી દૂર હોવાથી હજી ઉત્તરીય પવનોની અસર છે, જેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડ વેવની અસર વર્તાશે અને અન્ય ભાગોમાં ઠંડીમાં ઘટાડો જોવા મળશે.
ગઈ કાલે ઠંડીની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં વર્તાઈ હતી. કચ્છનું નલિયા ગુજરાતનું સૌથી ઠંડું શહેર હતું. નલિયાનું મિનિમમ ટેમ્પરેચર ૫.૬ ડિગ્રી રહ્યું હતું; જ્યારે ખાવડામાં ૭.૩, મુંદ્રામાં ૮.૪, ભુજમાં ૧૦ અને કંડલામાં ૧૨.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી ઠંડું શહેર જૂનાગઢ હતું. જૂનાગઢનું લઘુતમ તાપમાન ૯ ડિગ્રી હતું; જ્યારે અમરેલી અને રાજકોટમાં ૯.૮, જામનગરમાં ૧૦.૧, પોરબંદરમાં ૧૦.૪, ભાવનગરમાં ૧૨.૨ અને સુરેન્દ્રનગરમાં ૧૨.૯ ડિગ્રી લઘુતમ તાપમાન હતું. ગુજરાતના અન્ય ભાગોમાં કોલ્ડ વેવથી રાહત રહી હતી; પણ વલસાડમાં ૯.૪, ગાંધીનગરમાં ૧૦.૫, વડોદરામાં ૧૧.૪, સુરતમાં ૧૧.૫, અમદાવાદમાં ૧૨.૪ અને વલ્લભવિદ્યાગનરમાં ૧૨.૮ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું હતું.