અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા વેસ્ટર્ન ડિપ્રેશનને કારણે ગુજરાતમાં ઠંડીમાં સારો એવો ઘટાડો

Published: 28th December, 2011 05:02 IST

અરબી સમુદ્ર પર સર્જાયેલા વેસ્ટર્ન ડિપ્રેશનને કારણે ઉત્તરીય પવનોએ દિશા બદલતાં ગુજરાતમાં કોલ્ડ વેવમાંથી રાહત મળી હતી. વેસ્ટર્ન ડિપ્રેશનને કારણે આવતા બે દિવસમાં હજી પણ ઠંડીમાં ઘટાડો થશે એવી આગાહી ગઈ કાલે ગુજરાત હવામાન વિભાગે કરી હતી.

 

ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘અરબી સમુદ્ર પર વેસ્ટર્ન ડિપ્રેશન ઊભું થતાં ઉત્તરીય પવનોની દિશા બદલાય છે અને ગુજરાતમાં પશ્ચિમી પવન શરૂ થયા છે. એને કારણે ઉત્તર-મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના કોસ્ટલ એરિયામાં તાપમાન નૉર્મલ થશે. જોકે કચ્છ અને સૌરાષ્ટ્રનાં અમુક ગામોમાં ઠંડીનું પ્રમાણ જળવાયેલું રહેશે.’

કોલ્ડ વેવની આગાહી વચ્ચે ગઈ કાલે ગુજરાતના મિનિમમ ટેમ્પરેચરમાં એકથી ત્રણ ડિગ્રીનો ઉછાળો આવ્યો હતો અને ઠંડીમાં અસરકારક ઘટાડો દેખાયો હતો. ગઈ કાલે ગુજરાતના સૌથી ઠંડા શહેરની યાદીમાં નલિયા અને ગાંધીનગર બન્ને રહ્યાં હતાં. આ બન્ને શહેરોમાં ૭.૨ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું હતું; જ્યારે અમદાવાદમાં ૯.૨, ડીસામાં ૯.૬, રાજકોટમાં ૯.૭, અમરેલીમાં ૧૦, વલસાડમાં ૧૦.૧, ભુજમાં ૧૦.૭, વડોદરામાં ૧૧.૧, કંડલામાં ૧૧.૬, પોરબંદરમાં ૧૧.૮, સુરેન્દ્રનગરમાં ૧૧.૯, સુરત અને વલ્લભવિદ્યાનગરમાં ૧૨ અને ભાવનગરમાં ૧૨.૪ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK