કોલાબા વેધશાળાના કહેવા મુજબ મુંબઈમાં ધીમે-ધીમે ઠંડી પડવા માંડી છે. સામાન્ય રીતે ઑક્ટોબર અંતમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું થવા માંડે છે અને પારો નીચે ઊતરવા માંડે છે. નવેમ્બરમાં ૨૦થી ૧૫ ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે. હાલ નૉર્થ ઇન્ડિયાની સાથે મહારાષ્ટ્રનાં જ નાશિક, પુણે વગેરે શહેરોમાં શિયાળો બેસી ગયો છે. જોકે મુંબઈનું ભેજવાળું વાતાવરણ હોવાથી અન્ય શહેરોની માફક મુંબઈમાં ભારે ઠંડી પડતી નથી, પણ પારો જરૂરથી નીચે જતો હોય છે અને હળવી ઠંડી માણવા જરૂર મળે છે. સાંતાક્રુઝમાં છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનનો પારો ધીમે-ધીમે નીચે ઊતરવાનો શરૂ થઈ ગયો છે. બુધવારે સાંતાક્રુઝમાં ૧૯ ડિગ્રી પર તાપમાન પહોંચી ગયું હતું. ગુરુવારે રાતના ૧૭ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું તો ગઈ કાલે રાતનો પારો પણ ૧૭ ડિગ્રી પર જ હતો.