પ્રાઇવેટ ડેટા શૅર થતો હોય તો તમે વૉટ્સઍપ ચાલુ રાખશો કે છોડશો?

Published: 17th January, 2021 14:49 IST | Bhakti D Desai | Mumbai

આવો જાણીએ વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી તેઓનો શું મત છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

માહિતી યુગમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ આપણે ખૂબ વધારે કરી રહ્યા છીએ, પણ આ સાથે જ એની તરફનો આપણો અભિગમ તદ્દન ઉપેક્ષાવાળો થઈ ગયો છે. આપણે કેટલી વાર કોઈ ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને એ ઇન્સ્ટૉલ કરીએ છીએ ત્યારે એ ઍપ્લિકેશન આપણી પાસે કઈ મંજૂરીઓ માગે છે એની વિગતોથી અવગત હોઈએ છીએ? ફક્ત આપણી નજર ‘અલાઉ’ ઑપ્શન પર હોય છે અને આંગળીઓ એના પર ક્લિક કરવા જાણે રાહ જ જોતી હોય છે. હાલમાં આનું બહુચર્ચિત ઉદાહરણ એટલે વૉટ્સઍપ. આશરે એકાદ દાયકાથી વપરાતું લોકપ્રિય વૉટ્સઍપ આજે ખાનગી ચૅટિંગ, વ્યવસાય અને ધંધાને લગતાં દરેક કામ, અન્ય કોઈ ડૉક્યુમેન્ટ્સ, રિપોર્ટ કે ફોટો શૅર કરવા માટે વપરાતું એક જરૂરી યુઝર-ફ્રેન્ડ્લી પ્લૅટફૉર્મ બની ચૂક્યું છે ત્યારે એની ફેસબુક સાથે ડેટા શૅર કરવાની પૉલિસી માટે અપડેટ કરવાની વાત સામે આવી છે. લોકોમાં અચાનક ખૂબ ચિંતા અનુભવાઈ. વૉટ્સઍપની પ્રાઇવસી પૉલિસીમાં પહેલાં બિઝનેસ ડેટાને શૅર કરવાની તેમની માગણી કરનાર પૉલિસી એના યુઝરને સ્વીકારવા ૨૦૨૧ની ૮ ફેબ્રુઆરીની ડેડલાઇન સેટ થઈ હતી અને આના અસ્વીકારરૂપે વૉટ્સઍપ છોડવું એ એકમાત્ર પર્યાય હતો. અચાનક સેલિબ્રિટીઝે વૉટ્સઍપ છોડીને ટેલિગ્રામ અથવા સિગ્નલ જેવી ઍપ્લિકેશન વાપરવાનો નિર્ણય લઈ લીધો.  જાણીતા સિતારાઓ, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ અને કૉર્પોરેટ્સની વૉટ્સઍપ છોડવાની તૈયારી અને લોકોમાં આને લઈને અનેક ગેરસમજણને જોતાં ગઈ કાલે વૉટ્સઍપ તરફથી અનેક ખુલાસા થયા છે અને હવે નવી અપડેટેડ પૉલિસીને લોકોને સમજવા વૉટ્સઍપે ૨૦૨૧ની ૧૫ મે સુધીનો સમય આપ્યો છે.

અહીં પ્રશ્ન એ છે કે ક્યારેય જો આવો સમય આવે અને પ્રશ્ન આપણી ગોપનીયતા ગુમાવવાનો હોય તો શું આપણે વૉટ્સઍપ છોડીશું કે આપણી માહિતી શૅર કરવાનો તેમને અધિકાર આપીશું?  આવો જાણીએ વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી તેઓનો શું મત છે...

બધું જાણતી હોવા છતાં વૉટ્સઍપ છોડવું અઘરું તો છે: નિકિતા મણિયાર

બોરીવલીમાં રહેતાં ગૃહિણી નિકિતા મણિયાર પોતાનો મત આપતાં કહે છે, ‘આ વિશે સાચું કહું તો હું વધારે ધ્યાન નથી આપી રહી, કારણ, મને જાણ છે કે વૉટ્સઍપ એક એવી જરૂરિયાત બની ગઈ છે કે એને છોડવું મારે માટે તો સહેલું નથી. હું જો અન્ય ઍપ્લિકેશન વાપરું તો પણ જરૂરી નથી કે મારા બધા મિત્રો અને પરિવારજનો પણ ત્યાં આવી જાય, તો હું કેવી રીતે સૌના સંપર્કમાં રહું? હું વૉટ્સઍપના સ્ટેટસને હવે મારા ઘરથી શરૂ કરેલા વેપાર માટે વાપરું છું અને મને એના પર લોકોનો પ્રતિસાદ અન્ય પ્લૅટફૉર્મ કરતાં સરળતાથી મળે છે. આજનાં સ્કૂલનાં બાળકો ઇન્સ્ટાગ્રામ અને સ્નૅપચૅટ વાપરે છે અને ત્યાં વૉટ્સઍપની એટલી જરૂર નથી, પણ હું વૉટ્સઍપના માધ્યમથી જ સૌને મળું છું તો માહિતીના ભોગે પણ વૉટ્સઍપને છોડવું અઘરું છે.’

ગોપનીયતા જેવું કંઈ રહ્યું નથી ત્યારે વૉટ્સઍપની માહિતી ફેસબુક સાથે શૅર કરવામાં વાંધો નથી:  જય શાહ

સાયનમાં રહેતા ફાઇનૅન્સ પ્રોફેશનલ જય શાહ એક ટેક્નૉસૅવી વ્યક્તિ છે અને આ વિશે ઊંડાણમાં  તેઓએ જે માહિતી મેળવી છે એના પરથી તેઓ કહે છે, ‘વૉટ્સઍપની નવી પૉલિસી સ્વીકારવી કે એને છોડવી એ વાતનો નિર્ણય લેવો સહેલો જ છે, કારણ ટેક્નૉલૉજીની અને આ સ્માર્ટફોનની દુનિયામાં હવે ગોપનીયતા જેવું કંઈ જ નથી. હું જ્યારે કોઈ પણ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરું છું ત્યારે મારા જેવો ભણેલો વ્યક્તિ પણ કોઈ માહિતી પર અલાવ ઑપ્શન ક્લિક કરું છું, એની વિગતના ઊંડાણમાં નથી જતો. જ્યારે મારું ગૂગલ-અકાઉન્ટ છે અને મારી દરેક પ્રવૃત્તિઓ એના પર નોંધાય છે, મારા ગમા-અણગમા, મારી બધી માહિતી એક ક્લિક માત્ર પર ઉપલબ્ધ છે એથી વૉટ્સઍપની માહિતી ફેસબુક સાથે શૅર કરવાનો અધિકાર આપવામાં વાંધો લેવા જેવું મને જરાય નથી લાગતું. બિઝનેસ અકાઉન્ટની વાત કરું તો ઘણી મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને વૉટ્સઍપ પર બિઝનેસ અકાઉન્ટ ખોલવાની જ મનાઈ કરી  છે અને મેં પણ એ નથી રાખ્યું. હું વૉટ્સઍપ પર્સનલ વપરાશ માટે વાપરું છું અને એ કરતો રહીશ.’

ડેટા ફેસબુક સાથે શૅર કરવા પાછળનો હેતુ એની સર્વિસ સુધારવાનો છે, જે મને મંજૂર છે: કૃણાલ ભટ્ટ

દહિસર રહેતા વેપારી કૃણાલ ભટ્ટ ઉદારમતવાદી છે. તેઓ કહે છે, ‘મારા હિસાબે બિઝનેસમાં કોઈ વ્યક્તિ એવી વિગત છુપાવતી હોય જે સામે આવવાથી તેમને કોઈ નુકસાન થાય તો બિઝનેસ અકાઉન્ટની માહિતી આપવાથી કોઈ ડરી શકે, પણ હું એક વાઇટ કૉલર વેપારી છું. ધંધામાં ફાયદો થાય કે નુકસાન, હું મારી આવક પર બધા ટૅક્સ આપું જ છું એથી જો કોઈક કારણસર વૉટ્સઍપ અથવા અન્ય કોઈ અધિકૃત સરકારી કંપની કાલે ઊઠીને મારા બિઝનેસ અકાઉન્ટ પર અધિકાર માગે તો પણ હું એ આપવા તૈયાર છું. વૉટ્સઍપ ઍન્ડ ટુ ઍન્ડ એન્ક્રિપ્ટેડ છે અને આપણી માહિતીનો દુરુપયોગ કે બધા મેસેજ બહાર આવવા જેવા કોઈ બનાવ આમાં બનવાની શક્યતા નથી. મારી સમજ પ્રમાણે આ ડેટા ફેસબુક સાથે શૅર કરવા પાછળનો હેતુ એની સર્વિસ સુધારવાનો છે, જે મને મંજૂર છે. આમાં આપણી કોઈ એવી માહિતી સામે લાવવાનો હેતુ  નથી, જેમાં આપણી ગોપનીયતા પર આંચ આવે. મારે પર્સનલ કે બિઝનેસ એ કોઈ પણ અકાઉન્ટની પ્રાઇવસી પર વૉટ્સઍપને અધિકાર આપવાની પસંદગી કરવાની આવે તો હું તૈયાર છું.’

એક આધાર નંબરથી આપણી બધી માહિતી કમ્પ્યુટર પર આવી જાય છે, જેનો કોઈ વાંધો નથી તો અહીં શું વાંધો હોય?: ચૈતાલી દોશી

બોરીવલી રહેતાં ગૃહિણી ચૈતાલી દોશી વૉટ્સઍપનાં આગ્રહી છે. તેઓ કહે છે, ‘આવો નિર્ણય વૉટ્સઍપનો છે એનાથી હું ખુશ છું. આપણી ગોપનીયતા રહેવી જોઈએ, પણ એના પર અંકુશ ન હોવાથી આવી ઍપ્લિકેશન્સ દ્વારા જે અસભ્ય પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એના પર ક્યાંક એક નિયંત્રણ આવી જશે. જો વૉટ્સઍપ કોઈ પણ કારણસર ફેસબુક સાથે બિઝનેસ અકાઉન્ટની માહિતી શૅર કરવાની પરવાનગી માગતી હોય તો સ્વાભાવિક છે કે કોઈ ખરાબ ઉપયોગ થવાનો નથી તો પછી ડરવું શું કામ જોઈએ? આજની તારીખમાં મારી બધી બૅન્કની અને અન્ય વિગતો આધાર કાર્ડ સાથે લિન્ક કરેલી છે, જે આધાર નંબર અને કાર્ડ શિર્ડીમાં દર્શન કરવા જઈએ તો પણ પાસ લેવા માટે દેખાડવું પડે છે. એક આધાર નંબરથી આપણી બધી માહિતી કમ્પ્યુટર પર આવી જાય છે એનો કોઈ વાંધો નથી તો અહીં તો શું વાંધો હોય?  ગુના, ખોટા ધંધા કે અન્ય કોઈ પણ ગેરકાયદે કારનામાં પકડાઈ જવાની બીક હોય તેમની વાત અલગ છે. જો વૉટ્સઍપની આવી માહિતી ફેસબુક પર નહીં, પણ સરકાર સાથે અને અન્ય અધિકારીઓ સાથે શૅર કરવાથી આવા ખરાબ ધંધા બંધ થતા હોય તો માહિતી આપવાનો આગ્રહ રાખવો જોઈએ. હું વૉટ્સઍપ સાથે છું અને આગળ પણ રહીશ.’

બિઝનેસ અકાઉન્ટ માટે હું બીજી ઍપ્લિકેશન પર જઈશ: કેવલ લખાની

મરીનલાઇન્સમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કેવલ લખાની આ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહે છે, ‘જ્યાં સુધી વૉટ્સઍપ  બિઝનેસ અકાઉન્ટનો પ્રશ્ન છે અને મારે એની માહિતી વૉટ્સઍપ સાથે શૅર કરવાની ફરજ પડશે તો હું બિઝનેસ અકાઉન્ટ માટે બીજી ઍપ્લિકેશન પર જઈશ, પણ પર્સનલ ચૅટ્સ માટે હું વૉટ્સઍપ પર રહેવાનું જ પસંદ કરીશ. આ વિશે વધુ વિચારતાં મને એવું લાગે છે કે જે લોકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે તેઓ ફેસબુક પર પોતાના ડેટાને શૅર કરવાનો અધિકાર આપે છે અને પોતાની ગોપનીયતા કોઈ ને કોઈ રીતે ગુમાવે જ છે તો મને આમાં વૉટ્સઍપ ડેટાની માહિતી શૅર કરવામાં કોઈ વાંધો નથી દેખાઈ રહ્યો. આ સિવાય જો કોઈ સાવચેતી વર્તવા જેવી ઘટના બને અને એવું લાગે કે અજાણ્યા અને કમર્શિયલ કૉલ્સ અને મેસેજ આ કારણથી વૉટ્સઍપ પર આવે છે તો જ વૉટ્સઍપને છોડવા જેવો નિર્ણય હું લઈશ અને ત્યાં સુધી તો હું આની સાથે જ છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK