Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માનશો, પહેલું ચર્ચગેટ સ્ટેશન દરિયાને અડીને આવ્યું હતું?

માનશો, પહેલું ચર્ચગેટ સ્ટેશન દરિયાને અડીને આવ્યું હતું?

19 September, 2020 02:11 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

માનશો, પહેલું ચર્ચગેટ સ્ટેશન દરિયાને અડીને આવ્યું હતું?

ચર્ચગેટ સ્ટેશન અને દરિયાકિનારો – અડખેપડખે!

ચર્ચગેટ સ્ટેશન અને દરિયાકિનારો – અડખેપડખે!


આપણા દેશમાંથી અંગ્રેજોનું રાજ ગયું એ પછી આખા દેશની જેમ મુંબઈમાં પણ જાહેર ઇમારતો, રસ્તાઓ, રેલવે-સ્ટેશનો વગેરે સાથે જોડાયેલાં અંગ્રેજોનાં નામ દૂર કરવાનું શરૂ થયું જે આજ સુધી ચાલુ રહ્યું છે. હજી થોડા વખત પહેલાં જ એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનનું નામ બદલીને પ્રભાદેવી કરવામાં આવ્યું છે. કંઈ નહીં તોય એક દાખલો આના કરતાં ઊંધો જોવા મળે છે. એક બગીચો અને એની આસપાસના વિસ્તાર સાથે જોડાયેલું એક અંગ્રેજનું નામ દૂર કરીને બીજા અંગ્રેજનું નામ જોડવામાં આવ્યું અને એ નામ આજ સુધી સચવાઈ રહ્યું છે, એ નામ છે હૉર્નિમન સર્કલ, જે પહેલાં એલ્ફિન્સ્ટન સર્કલ હતું એ અને આ બન્યું ૧૯૪૮-’૪૯ના અરસામાં એટલે કે દેશને આઝાદી મળી એ પછી લગભગ તરત જ.

આજે આ હૉર્નિમનનાં નામ-કામ લગભગ ભુલાઈ ગયાં છે એટલે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે આ હૉર્નિમન હતા કોણ અને તેમણે એવું તે શું કરેલું કે દેશ આઝાદ થયા પછી પણ મુંબઈના એક લૅન્ડમાર્ક સાથે તેમનું નામ જોડાયું? આખું નામ બેન્જામિન ગાય હૉર્નિમન. ઇંગ્લૅંડના સસેક્સ પરગણાના ડવ કોર્ટ ખાતે જન્મ. પિતા વિલિયમ હૉર્નિમન રૉયલ નેવીમાં કામ કરતા. બેન્જામિન પહેલાં પોર્ટ્સમાઉથની ગ્રામર સ્કૂલમાં અને પછી મિલિટરી ઍકૅડેમીમાં ભણ્યા, પણ પછી ૧૮૯૪માં થયા પત્રકાર. એ વર્ષે તેઓ ‘પોર્ટ્સમાઉથ ઇવનિંગ મેલ’ નામના અખબારમાં પત્રકાર તરીકે જોડાયા, પછી ‘ડેઇલી ક્રૉનિકલ’ અને ‘મૅન્ચેસ્ટર ગાર્ડિયન’ જેવાં છાપાંઓમાં કામ કર્યું. ૧૯૦૬માં હિન્દુસ્તાન આવ્યા અને કલકત્તાના ‘ધ સ્ટેટ્સમૅનના ન્યુઝ એડિટર બન્યા. સર ફિરોઝશાહ મહેતાનું ધ્યાન તેમના તરફ ગયું. તેમણે ૧૯૧૦માં મુંબઈથી ‘ધી બૉમ્બે ક્રૉનિકલ’ નામનું અખબાર શરૂ કર્યું હતું. એ વખતનાં મુંબઈનાં ઘણાંખરાં અંગ્રેજી છાપાં અંગ્રેજ રાજવટની તરફેણ કરનારાં હતાં. હિન્દીઓ અને કૉન્ગ્રેસની નીતિ અને કામગીરીની તરફેણ કરવાની જરૂર જણાતાં તેમણે આ છાપું શરૂ કરેલું. કલકત્તામાં હતા ત્યારે પણ હૉર્નિમનનું વલણ હિન્દુસ્તાનીઓની તરફેણમાં હતું એટલે ફિરોઝશાહ મહેતાએ તેમને ૧૯૧૩માં પોતાના ‘બૉમ્બે ક્રૉનિકલ’માં તંત્રી તરીકે જોડાવાનું આમંત્રણ આપ્યું અને હૉર્નિમન મુંબઈ આવી એમાં જોડાયા. એ છાપું આઝાદી માટેની ચળવળને ટેકો આપતું એક મહત્ત્વનું સાધન બની રહ્યું હતું.



સાલ ૧૯૧૯. મહિનો એપ્રિલ, તારીખ ૧૩. બ્રિટિશ રાજવટ દરમ્યાન અગાઉ ક્યારેય બન્યું નહોતું એવું એ દિવસે બન્યું: જલિયાંવાલા હત્યાકાંડ. જનરલ ડાયરના હુકમથી પોલીસે લોકો પર આડેધડ ગોળી ચલાવી. એ દિવસ હતો વૈશાખીનો, પંજાબીઓના નવા વરસનો. બાગમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. લગભગ ૧૦ મિનિટ સુધી સતત ગોળીબાર ચાલુ રહ્યો. કુલ ૧૬૫૦ ગોળી પોલીસે છોડી જેમાં જનરલ ડાયરના અહેવાલ પ્રમાણે ૨૦૦-૩૦૦ માણસો મરાયા. એ વખતે દેશમાં અંગ્રેજ સરકારની કડક સેન્સરશિપ હતી એટલે બીજાં છાપાં આ બનાવ વિશે ભાગ્યે જ કશું છાપી શક્યાં, પણ હૉર્નિમન જેમનું નામ! અહેવાલ મેળવ્યા, ફોટો મેળવ્યા અને એ બધું બેધડક ‘બૉમ્બે ક્રૉનિકલ’માં છાપ્યું. એમાંથી પહેલાં યુરોપનાં અને પછી બ્રિટનનાં છાપાંઓએ આ બધું પ્રગટ કર્યું. બ્રિટનમાં પણ હોહા થઈ ગઈ. આ બનાવ વિશે તપાસ કરવા માટે ‘હન્ટર કમિશન’ નિમાયું, જેણે જનરલ ડાયરને દોષી ઠેરવ્યા, પણ મુંબઈ સરકાર ચોંકી ઊઠી. આ માણસ તો ખતરનાક છે. બ્રિટિશ છે, પણ ઊભો રહે છે હિન્દીઓની તરફેણમાં. જો કોઈ ‘દેશી’ તંત્રી હોત તો તાબડતોબ જેલભેગો કરી દીધો હોત, પણ આ તો એક અંગ્રેજ અને પાછો પ્રતિષ્ઠિત પત્રકાર. ગોવર્ધન દાસ નામના ખબરપત્રીને તો ૩ વરસની જેલની સજા ઠોકી દીધી. હૉર્નિમનને પકડ્યા તો ખરા, પણ પછી ફરમાવી દેશનિકાલની સજા. એટલે હૉર્નિમને છાપું છોડ્યું, મુંબઈ છોડ્યું, હિન્દુસ્તાન છોડ્યું, પણ પોતાને સાચી લાગેલી વાત છોડી નહીં.. જલિયાંવાલા બાગની ઘટના વિશે ‘બ્રિટિશ ઍડ્મિનિસ્ટ્રેશન ઍન્ડ ધ અમ્રિતસર મેસેકર’ નામનું પુસ્તક લખ્યું જે ૧૯૨૦માં પ્રગટ થયું. દેશનિકાલના હુકમમાં રહી ગયેલું કાનૂની છીંડું શોધીને પાછા હિન્દુસ્તાન આવ્યા અને ફરી ‘બૉમ્બે ક ક્રૉનિકલ’ના તંત્રી બન્યા. ૧૯૨૯માં પોતાનું છાપું કાઢ્યું ‘ધી ઇન્ડિયન નૅશનલ હેરાલ્ડ.’ ૧૯૩૩થી ૧૨ વરસ સુધી મુંબઈથી ‘બૉમ્બે સેન્ટિનલ’ નામનું સાંજનું દૈનિક ચલાવ્યું અને પછી રિશી કરંજિયા અને દિનકર નાડકર્ણી સાથે મળીને ૧૯૪૧માં સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’ શરૂ કર્યું. ૧૯૪૮માં હૉર્નિમનનું અવસાન થયું એ પછી થોડા વખતે એલ્ફિન્સ્ટન સર્કલનું નામ બદલીને હૉર્નિમન સર્કલ કરવામાં આવ્યું.


આ સર્કલ નજીકની મેડોઝ સ્ટ્રીટ પર ‘બૉમ્બે ક્રૉનિકલ’ની ઑફિસ અને છાપખાનું હતાં. જનરલ સર વિલિયમ મેડોઝ ૧૭૮૮થી ૧૭૯૦ સુધી મુંબઈના ગવર્નર હતા. તેમનો જન્મ ૧૭૩૮ના ડિસેમ્બરની ૩૧મીએ. ૧૭૫૬માં બ્રિટિશ લશ્કરમાં જોડાયા. ૧૭૮૮ના સપ્ટેમ્બરની ૬ઠ્ઠીથી ૧૭૯૦ની બીજી જાન્યુઆરી સુધી તેઓ મુંબઈના ગવર્નર અને લશ્કરના જનરલ હતા. એ પછી તેમની બદલી મદ્રાસના ગવર્નર અને લશ્કરના જનરલ તરીકે થઈ. ટીપુ સુલતાન સાથેની લડાઈની શરૂઆતમાં તેઓ મદ્રાસ લશ્કરના વડા હતા, પણ પછીથી ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવોલિસે પોતે એ લશ્કરનું વડપણ સંભાળ્યું એટલે મેડોઝ તેમના હાથ નીચે રહીને લડ્યા. એક હુમલામાં પોતાની ભૂલને કારણે નિષ્ફળતા મળવાથી તેમણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. લડાઈમાં જીત મળ્યા પછી તેમને ૫૦૦૦ પાઉન્ડનું ઇનામ મળ્યું જે રકમ તેમણે પોતે ન રાખતાં પોતાના લશ્કરના સૈનિકોમાં વહેંચી દીધી અને ૧૭૯૨માં સ્વદેશ પાછા ગયા. લાંબી લશ્કરી કારકિર્દી પછી ૧૮૧૩ના નવેમ્બરની ૧૪મીએ લંડનથી ૯૭ માઇલ દૂર આવેલા બાથ નામના શહેરમાં તેમનું અવસાન થયું. રોમનોએ બાંધેલા જાહેર બાથ (સ્નાનગૃહ)ને કારણે આ શહેરને ‘બાથ’ એવું નામ મળ્યું છે.   

આ મેડોઝ સ્ટ્રીટનું આજનું નામ નગીનદાસ માસ્તર માર્ગ. તેમનો જન્મ ૧૮૭૫માં. વકીલાતનો વ્યવસાય. મુંબઈની પહેલવહેલી બાર કાઉન્સિલના સભ્ય. એની બેસન્ટની હોમરૂલની ચળવળ સાથે અને ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ સાથે નજીકથી જોડાયેલા. બ્રિટિશ માલના બહિષ્કારમાં સક્રિય ભાગ લીધેલો. ૬ મહિનાની જેલની સજા ભોગવી. ૧૯૪૪માં મુંબઈના મેયર બન્યા. આ રોડ પર સેન્ટ પીટર્સ ચર્ચ આવેલું છે જે મુંબઈનું એકમાત્ર આર્મેનિયન ચર્ચ છે. ૧૬૭૦ના અરસામાં અહીં આર્મેનિયનો મોટા પ્રમાણમાં વસ્યા હતા. 


સર વિલિયમ મેડોઝનું જ્યાં અવસાન થયું એ બાથ શહેર અને મુંબઈ વચ્ચે પણ સીધો સંબંધ છે. બાથ શહેરમાંના રોમન બાથ જેમ જાણીતા છે એમ ત્યાં આવેલો ધ રૉયલ ક્રેસન્ટ વિસ્તાર અને એની અર્ધગોળાકાર અને ૧થી ૩૦ નંબર ધરાવતી ઇમારતો પણ ખૂબ જાણીતી છે. જૉન વુડ ધ યંગર નામના સ્થપતિએ તૈયાર કરેલી આ ઇમારતનું બાંધકામ ૧૭૬૭થી ૧૭૭૪ દરમ્યાન થયું હતું. એનું સ્થાપત્ય જ્યૉર્જિયન શૈલીનું છે. ઊંચા, ખમતીધર થાંભલા એ એની ખાસિયત છે. આ ઇમારત બંધાઈ હતી પણ જરા જુદી રીતે. માત્ર મોખરાનો અર્ધગોળાકાર ભાગ જ બાંધવામાં આવ્યો હતો અને એને ૧થી ૩૦ સુધીના નંબર આપેલા. ખરીદનારાઓએ એમાંનો કોઈ ભાગ ખરીદવાનો અને પછી મોખરાની પાછળની ઇમારત પોતાની ઇચ્છા મુજબ બાંધવાની! એટલે આગળથી જોતાં એકસરખી લાગતી આ ઇમારતો પાછલી બાજુએથી જોઈએ તો જુદી-જુદી લાગે! હા, બધી ઇમારતની ઊંચાઈ એકસરખી અને દરેકને માથે અગાસી રાખવાનું ફરજિયાત. આ ઇમારતો બંધાઈ રહ્યા પછી ‘શહેરમાં વસેલું ગામડું’ તરીકે પણ ઓળખાતી થઈ, કેમ કે દરેક ઇમારતની અગાસી પરથી સામેનું મોટું, ખુલ્લું મેદાન દેખાય. મુંબઈમાં બૉમ્બે ગ્રીન્સ પર જે ઇમારતો બાંધવામાં આવી એ આ ધ રૉયલ ક્રેસન્ટને નમૂના તરીકે નજર સામે રાખીને બંધાઈ હતી. દિલ્હીનું કૉનોટ પ્લેસ પણ એને જ નમૂના તરીકે રાખીને બંધાયું છે. પછી તો આપણા દેશનાં ઘણાં શહેરોમાં આ રીતે ગોળાકાર કે અર્ધગોળાકાર ઇમારતો બંધાઈ છે. હૉર્નિમન સર્કલની ઇમારતોમાં વચમાં ઘણાં વરસ તો માલિકો કે ભાડૂતો મનફાવે એ રીતે ફેરફારો કરતા, બહારની દીવાલ પર નામનાં પાટિયાં આડેધડ લગાડતા. જુગારીઓ અને ગંજેડીઓ સિવાય બીજું કોઈ વચમાંના ગોળાકાર બગીચામાં દાખલ થવાની હિંમત ભાગ્યે જ કરતું, પણ હવે સ્થિતિ થોડી સુધરી છે.

હવે આ ગોળ-ગોળ ઇમારતો છોડીને ચાલો ચર્ચગેટ સ્ટ્રીટ પર. આજના હૉર્નિમન સર્કલ અને ફ્લોરા ફાઉન્ટન વચ્ચે આવેલો આ રસ્તો અસલના કોટ વિસ્તારના જૂનામાં જૂના રસ્તાઓમાંનો એક છે. મુંબઈના કિલ્લાને ત્રણ દરવાજા હતા એમાંનો એક ચર્ચગેટ. એ દરવાજાથી સીધો ચર્ચ સુધી આ રસ્તો જતો હતો એથી એ ચર્ચગેટ સ્ટ્રીટ તરીકે ઓળખાયો. આમ પહેલાં ચર્ચ, પછી રસ્તો, પછી કિલ્લાનો ગેટ. જીવણજી જમશેદજી મોદીનાં અને બીજાં કેટલાંક લખાણો પરથી જાણવા મળે છે કે ‘દેશી’ લોકો આ દરવાજાને પવનચક્કી દરવાજા તરીકે અને રસ્તાને પવનચક્કી રોડ તરીકે ઓળખતા. કારણ, એ ગેટની બહાર ખુલ્લા મેદાનમાં એક મોટી પવનચક્કી આવેલી હતી જ્યાં ઘણા લોકો સાંજે ‘હવા ખાવા’ જતા. પછીથી ૧૮૭૦માં ચર્ચગેટ રેલવે-સ્ટેશન બંધાયું ત્યારે એ સ્ટેશન સુધીનો રસ્તો પણ ચર્ચગેટ સ્ટ્રીટ બન્યો. માનશો? એ વખતે દરિયો અને ચર્ચગેટ સ્ટેશન અડોઅડ આવેલાં હતાં! આજે પણ સ્ટેશન તો એ જ જગ્યાએ છે, પણ દરિયો એનાથી દૂર ગયો છે. મરીન ડ્રાઇવની પાળ સુધી.

કિલ્લાની દીવાલો બંધાઈ ત્યારે જ આ ચર્ચગેટ પણ બંધાયો હતો, પણ એ મૂળ દરવાજાને તોડીને એ જ જગ્યાએ ૧૮૪૦માં નવો ગેટ બંધાયો, પણ એનું આયુષ્ય હતું માંડ વીસ-બાવીસ વરસનું. ૧૮૬૨ના અરસામાં કિલ્લો તોડી નાખવામાં આવ્યો ત્યારે એ ગેટ પણ ભોંયભેગો થયો. જોકે કિલ્લાની ઉપયોગિતા કેટલી રહી છે એ વિશેની ચર્ચા તો છેક ૧૮૪૧થી શરૂ થઈ ગઈ હતી. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ ૧૮૪૧માં લખ્યું હતું, ‘મુંબઈના કિલ્લાને જાળવી રાખવાની હવે કોઈ જરૂર રહી નથી. શહેરના રહેવાસીઓ માટે હવે એ માથાનો દુખાવો બની ગયો છે અને સરકાર એની પાછળ જે પૈસા ખર્ચે છે એ નકરો બગાડ છે. એમાં વળી હમણાં જ સરકારે ૩૦,૦૦૦ રૂપિયા ખર્ચીને ચર્ચગેટ નવેસરથી બાંધ્યો છે. આ કિલ્લો હવે શહેરને ગળે બાંધેલા ઘંટીના પડ જેવો બની ગયો છે.’

પણ બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ? ૧૮૬૨માં સર બાર્ટલ ફ્રેરે મુંબઈના ગવર્નર બન્યા. તેમને ગળે આ વાત શીરાની જેમ ઊતરી ગઈ અને તેમણે કિલ્લો તોડી પાડવાનો હુકમ કર્યો. ફોર્ટ કહેતાં કોટ ગયો, પણ નામ રહી ગયું. આજે આ કિલ્લાનો કોઈ અવશેષ જોવા મળે ખરો? ના. કોટ વિસ્તારમાં જ એક દીવાલને આ કિલ્લાની દીવાલ તરીકે ઘણી વાર ઓળખાવવામાં આવે છે, પણ હકીકતમાં એ દીવાલ મુંબઈના કિલ્લાની નહીં, પણ ફોર્ટ સેન્ટ જ્યૉર્જની છે. જ્યારે મુંબઈના કોટની અંદરની જગ્યા ઓછી પડવા લાગી ત્યારે એ કિલ્લાની નજીક આ ફોર્ટ સેન્ટ જ્યૉર્જ બાંધવામાં આવ્યો હતો. કહેવાય છે કે જેનું નામ તેનો નાશ, પણ અહીં તો ફોર્ટ કહેતાં કોટ ગયો તોય તનું નામ રહી ગયું. કિલ્લો તોડ્યા પછી શું-શું થયું એની વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2020 02:11 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK