Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું લૉકડાઉન પછી પણ ડોમેસ્ટિક હેલ્પ વિના ચાલશે ખરું?

શું લૉકડાઉન પછી પણ ડોમેસ્ટિક હેલ્પ વિના ચાલશે ખરું?

28 May, 2020 09:39 PM IST | Mumbai
Bhakti Desai

શું લૉકડાઉન પછી પણ ડોમેસ્ટિક હેલ્પ વિના ચાલશે ખરું?

બધાં જ કામે વળગી ગયા છે, ગમે કે ન ગમે.

બધાં જ કામે વળગી ગયા છે, ગમે કે ન ગમે.


સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસો, અત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરનાં કામો જાતે કરતી થઈ ગઈ છે. પહેલાં એક દિવસ જો બાઈ ન આવવાની હોય તો ગૃહિણીઓને ટેન્શન થઈ જતું હતું પણ લગભગ બે મહિનાથી લોકો કોઈ મદદ વિના ઘરકામની બાબતમાં આત્મનિર્ભર થઈ ગયા છે. અત્યારે જાત મહેનત ઝિંદાબાદ સમજનારા પરિવારો ભવિષ્યમાં શું કરવા ધારે છે એ જાણીએ નૉવેલ કોરોના વાઇરસે જીવનમાં આવ્યા પછી લોકોનો જીવન જીવવાનો અને એની તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે. સૌથી મોટો બદલાવ એટલે લોકોમાં અનેક પ્રકારની આત્મનિર્ભરતા આવી ગઈ છે. કેટલાય સમયથી ઘરેલુ કામગારો કામ પર આવી નથી શકતા છતાં ઘરમાં કચરો કાઢવો, પોતું કરવું, ફર્નિચર પર લાગેલી ધૂળ સાફ કરવી, વાસણ ધોવાં રોજિંદા જીવન સાથે જોડાયેલાં અનેક કામ ઘરના બધા જ સભ્યો હળીમળીને કરી લે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલાં જ દેશવાસીઓને આત્મનિર્ભરતાના વિષય પર સંબોધન કર્યું હતું, પણ એ પહેલેથી જ લોકોએ પોતાની નાની-નાની આદતો બદલીને આત્મનિર્ભરતા તરફ પ્રયાણ કરવાની શરૂઆત કરી દીધી છે.

vidya



વિદ્યા બાલન હોય કે કૅટરિના કૈફ, લૉકડાઉને બધાને ઘરકામ કરતા કરી દીધા છે


ઘણી સોસાયટીમાં સફાઈ-કર્મચારીઓ દૂર રહેતા હોવાથી ન આવી શકતા હોય તો પોતાના ઘરનો કચરો થોડા અંતર પર મૂકેલી મોટી કચરા બાલદીમાં મૂકવા જવું, પોતાનાં કપડાં ઘરમાં જ ઇસ્ત્રી કરવા જેવા અનેક કામનો સમાવેશ થાય છે. જ્યારે જીવનમાં આવા કોઈ વાઇરસનો ભય નહોતો ત્યારે મહિનામાં બે દિવસ પણ જો કોઈ સફાઈ કામગાર અથવા ઘરેલુ કામગાર ન આવે તો કામ કરવું ભારે પડી જતું હતું. ઘરમાં જે પણ વ્યક્તિને આ બધાં કામ કરવા પડે તે સતત તે ઘરેલુ કામગારને યાદ કરીને તેમના ઘરમાં કામ કરી રહ્યા હોય એવી ઉપકારની લાગણી સાથે કામ કરતા. બે મહિનાના લૉકડાઉનમાં પરિસ્થિતિ બદલાઈ, પણ એ સાથે બદલાઈ ગઈ લોકોની માનસિકતા. ‘આ કામ અમે શું કામ કરીએ?’થી ‘ઘર તો આપણું જ છે ને આપણે જ ચોખ્ખું રાખવાનું છે’ એવી ભાવના વિકસી રહી છે.

હળીમળીને કરીશું તો થોડાક મહિના હજી ચલાવી શકીશું


વિલે પાર્લેમાં રહેતાં નિયતિ અજમેરા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. ઘરકામ જ નહીં, નાના-મોટા તમામ કામો હવે જાતે કરવા પડતા હોય છે ત્યારે ઘરમાં પુરુષો દ્વારા પણ બહુ સરસ સહકાર મળી રહ્યો છે એ વિશે તેઓ કહે છે, ‘કોરોના વાઇરસના આવ્યા પછી સાચે જ આદતો બદલાઈ ગઈ છે. ઑફિસમાં કોઈ ઝેરોક્સ કરાવવી હોય, કોઈને કોઈ દસ્તાવેજ મોકલવા હોય આ બધા જ માટે અન્ય વ્યક્તિ પાસેથી મદદ લેવાની આદત હતી, પણ હવે ફાઇલિંગથી લઈને ડિલિવરી સુધીના દરેક કામ હું જ કરું છું. અમારે ઘરે સવાર-સાંજ રસોઈમાં મદદ કરવા માટે એક બહેન આવતાં. ઘરની સાફસફાઈ માટે પણ ડોમેસ્ટિક હેલ્પ રહેતી. હવે તેમની અનુપસ્થિતિમાં ઘરનાં કામમાં બધા જ મદદ કરે છે અને અમે હળીમળીને કામ કરી લઈએ છીએ. એક વખાણવા યોગ્ય વાત એ પણ છે કે મારા સસરા અને મારા પતિ પણ દરરોજ ઘરનાં કામમાં મદદ કરે છે. અમારા ઘરમાં પાંચ સભ્યો છે અને બધા જ પોતાની રીતે કામની જવાબદારી લઈ લે છે. કોરોનાથી વધતા સંક્રમણની સ્થિતિ જોતાં એવું લાગે છે કે આવતા
ચાર-પાંચ મહિના સુધી બહારથી કોઈનું પણ ઘરમાં આવવું જોખમભર્યું જ રહેશે. ખાસ કરીને મારા ઘરના વડીલોના આરોગ્ય માટે વધારે સાવચેત રહેવું પડશે. તેથી માનસિક રીતે તૈયારી છે કે લૉકડાઉન ખૂલ્યા પછી પણ અમુક મહિનાઓ સુધી બધાં જ કામ પોતે જ કરવાનાં છે.’

ઘરનું કામ વધવાથી સંબંધો વધુ ગાઢ થયા છે

બોરીવલીમાં રહેતાં પૂજા શાહના પરિવારમાં દરેક સભ્યએ કામના વારા પાડી લીધા છે. તેઓ કહે છે, ‘અમારો પરિવાર પાંચ સભ્યોનો છે. મારાં સાસુ મારા કરતાં પણ વધારે કામ સંભાળી લે છે. મારા પતિ, દીકરો આયુષ, દીકરી હીર આ બધાં પણ કામમાં મદદ કરે છે. સાચું કહું તો મારાં સાસુ, આયુષ અને હીર સવાર, બપોર અને સાંજે જેટલાં પણ વાસણ થાય એ કરી લે છે. આયુષ અને હીર પણ અમારા દરરોજના ઘરના કામમાં જોડાઈ ગયાં છે તેથી કોઈ જ કામ અઘરું નથી લાગતું. પહેલાં જ્યારે મેઇડ ન આવતી તો એ એકાદ-બે દિવસ કામ કરવામાં ઘરમાં તૂતૂ-મૈંમૈં થઈ જતી હતી, હવે તો બધાં પોતાની મેળે જ કામે લાગી જાય છે. આનાથી એક વાત હજી ધ્યાનમાં આવી ગઈ છે કે આપણે આત્મનિર્ભર જરૂર બન્યાં છીએ, પણ માત્ર કામની બાબતમાં જ નહીં સંબંધોમાં પણ એ પુરવાર થયું છે. જે કામ આપણે પરિવારમાં બીજા પર પહેલાં ટાળી દેતા હતા, એ ઘરના અન્ય સભ્ય પાસેથી લઈને પોતે કરી લઈએ છીએ કે કોઈને કામનો વધુપડતો બોજ ન લાગે.’

સવાસો રોટલી અને ઘરનાં કામ એકલા હાથે

મુલુંડમાં રહેનાર નેહા યાજ્ઞિક એક ફૂડ સર્વિસ ચલાવે છે. તેમની મદદ માટે ત્રણ બહેનો બહારથી આવતાં. નેહાબહેન કહે છે, ‘હું પહેલાં દરરોજ પચાસ જેટલાં ટિફિન બનાવતી હતી. હું રસોઈ બનાવતી, એક બહેન રોટલીમાં મદદ કરતાં, બીજાં બહેન ટિફિન ભરતાં. ઘરના અન્ય કામ માટે પણ મદદ હતી. પછી મારા પતિ અને હું ટિફિન પહોંચાડવા જતાં, પણ હવે લૉકડાઉનને કારણે આ બહેનો આવી નથી શકતાં અને ઑફિસ બંધ છે તેથી ટિફિનના ઑર્ડર નથી હોતા. અમે માત્ર એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોને જ ટિફિન પહોંચાડવાનું કામ કરીએ છીએ. દિવસનાં દસ જેટલાં ટિફિન અને સવાસો રોટલીનું કામ હવે હું કરું છું. આ ઉપરાંત ઘરનાં અન્ય કામ જેમ કે વાસણ, ઝાડું, પોતાં, કપડાં આ બધું પણ મારે જ કરવાનું રહે છે. મારા પતિ શાકભાજી અને સામાન લાવી આપે છે તથા વરિષ્ઠ નાગરિકોને ટિફિન પહોંચાડે છે. આમ પોતાની મેળે અમે બધાં કામ કરી રહ્યાં છીએ. હવે હું પહેલાંથી વધારે કામ કરવા માટે આત્મનિર્ભર બની ગઈ છું છતાં જ્યારે પણ લૉકડાઉન ખૂલશે અને ઑફિસનાં ટિફિન શરૂ થશે ત્યારે કામને પહોંચી વળવા મદદની જરૂર પડશે એ પાકું છે.’

આત્મનિર્ભરતાની માનસિકતા લાભદાયી છે

બોરીવલીમાં રહેતા વરિષ્ઠ નાગરિક દિનકર સોની કહે છે, ‘મારા ઘરમાં મારી પત્ની જ્યોત્સ્ના અને હું અમે બન્ને રહીએ છીએ. બાળકો વિદેશમાં છે. કોરોના વાઇરસના સંક્રમણથી બચવા અમારી સોસાયટીમાં બહારના લોકોને પ્રવેશ નથી. અમારા ઘરે જે બહેન કામ કરે છે તે નાલાસોપારા રહે છે તેથી હમણાં જ્યાં સુધી બધું રાબેતા મુજબ ચાલવા નહીં લાગે ત્યાં સુધી તેમના આવવાનો પ્રશ્ન રહેતો જ નથી. ઘરમાં અમે બન્ને મળીને જેનાથી જે કામ થાય એ કરી લઈએ છીએ. બહારથી સામાન લાવવા હું જાઉં છું. અમારી સોસાયટીમાં સફાઈ-કર્મચારી પણ નથી આવતા. સોસાયટીના દરેક સભ્ય પોતાના ઘરનો કચરો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડબ્બામાં પોતે જ નાખવા જાય છે. સોસાયટીની સફાઈ વૉચમૅન કરી લે છે. કોરોના વાઇરસ આવ્યા પછી દરેક જણ કામની ફરિયાદ કર્યા વગર પોતાની જવાબદારી સમજીને કામ કરવા લાગ્યા છે. આ બદલાવ કોરોના વાઇરસના ગયા પછી કેટલા સમય સુધી રહેશે એ નથી ખબર, પણ લોકોની માનસિકતામાં આવેલી આત્મનિર્ભરતા જરૂર લાભદાયી બની રહેશે.’

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2020 09:39 PM IST | Mumbai | Bhakti Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK