યાદ રહે, કોરોના અકબંધ છે: શું મહામારીનાં પગલાં ઘર સુધી આવે ત્યારે જ આપણે ગંભીર થઈશું

Published: 20th November, 2020 12:24 IST | Manoj Joshi | Mumbai

હસવામાં જ નીકળી રહી છે આ મહામારી. દરેકેદરેકને એવું જ લાગે છે કે શિખામણ આપનારાઓ ટાઇમપાસ કરે છે. એવું ધારી લેવામાં આવે છે કે કોરોનાથી એનો ફાયદો હશે અને એવું પણ મન મનાવી લેવામાં આવે છે કે કુદરતે જે ઇચ્છ્યું હશે એ જ થવાનું છે તો પછી શું કામ ભાર રાખવો!

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હસવામાં જ નીકળી રહી છે આ મહામારી. દરેકેદરેકને એવું જ લાગે છે કે શિખામણ આપનારાઓ ટાઇમપાસ કરે છે. એવું ધારી લેવામાં આવે છે કે કોરોનાથી એનો ફાયદો હશે અને એવું પણ મન મનાવી લેવામાં આવે છે કે કુદરતે જે ઇચ્છ્યું હશે એ જ થવાનું છે તો પછી શું કામ ભાર રાખવો!
મોતને મજાક બનાવવાનું કામ જો કોઈ કરી શકે તો એ આપણે ભારતીય કરી શકીએ. મોઢા પર માસ્ક નથી. સૅનિટાઇઝ કરવાની કે પછી થવાની માનસિકતાનો પણ અભાવ છે. દરેક વાતમાં એવું જ ધારી લેવાનું છે કે આ તો સરકારી કાવતરું છે અને આ તો મેડિકલ-ફીલ્ડની આવક વધારવાનું સાધન છે. એવું પણ માની લેવામાં આવે કે કેન્દ્ર સરકારે પણ કોઈ સાઠગાંઠ કરી હશે અને એવું પણ ધારી લેવામાં આવે છે કે ભગવાનથી મોટો કોઈ છે નહીં. ભલા માણસ, ભગવાનથી મોટો કોઈ છે નહીં એટલે જ તમે બચેલી અવસ્થામાં છો. બચેલા રહેવાની આ જે અવસ્થા છે એ અવસ્થાને કાયમી સ્વરૂપ આપી રાખવા માટે જ સાવચેત રહેવાનું છે, જાગ્રત રહેવાનું છે અને બને ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી ક્યાંય જવાનું નથી.
સાચું કહું તો અત્યારે દેશમાં બે પ્રકારનો વર્ગ ઊભો થઈ ગયો છે. એક વર્ગ છે જે એવું માનવા માંડ્યો છે કે પછી માનતો હોવાનો દેખાવ કરે છે કે ભગવાનથી મોટું બીજું કોઈ છે નહીં, કુદરત કરશે એ જ થવાનું છે. માફ કરે ઈશ્વર, પણ કહેવાનું મન થાય છે કે આવું માનનારાથી વિશેષ મૂરખ કોઈ હોઈ ન શકે. બીજો એક વર્ગ એવો છે જે આ કોવિડને હસી કાઢવામાંથી ઊંચો નથી આવતો. તેને મન આ હાસ્યપ્રેરક સંજોગો છે અને તે એવું જ ધારે છે કે કોવિડથી ડરવાની જરૂર નથી અને જે ડરે છે તેઓ પર હસવાથી વિશેષ કોઈ ટિપ્પણી થઈ ન શકે. બે દિવસ પહેલાં અડધા દિવસમાં કોવિડના કેસમાં જે વધારે થયો એ આંખ ખોલનારો હતો. આ જ પરિસ્થિતિ રહેશે તો કોવિડ વકરશે અને બેફામ રીતે ફેલાશે.
હું કહીશ કે ગયા નવેમ્બર-ડિસેમ્બરમાં જે પરિસ્થિતિ ચાઇનાની થઈ હતી એવી જ પરિસ્થિતિ આપણે ત્યાં ઊભી થઈ શકે એવી બેદરકારી આપણે દાખવી રહ્યા છીએ. એવા-એવા લોકોનાં મૃત્યુના સમાચાર સાંભળવા મળી રહ્યા છે જે હવે તમારા ઇનર-સર્કલના કહેવાય એવા છે. હવે અજાણ્યાઓના આંકડા નહીં, પણ જાણીતા, વહાલા કે સગાંઓના આંકડા ગણવાનો સમય શરૂ થયો છે અને એ સમયમાં તો વધારે ચીવટ રાખવાની છે. પાડોશમાં આવે કે પછી કુટુંબમાં કોઈએ કોવિડને કારણે હૉસ્પિટલ જવું પડે એવું બને એ પછી આંખો ખોલવાનું બને એના કરતાં તો બહેતર છે કે સમય અને સંજોગો મુજબ આંખો ખોલી નાખવામાં આવે. અનુભવ લઈને શીખવાને બદલે બહેતર છે કે અનુભવી પાસેથી શીખી લેવામાં આવે. દરેક વાતનો, દરેક ઘટનાનો અને દરેક અવહેલનાનો અનુભવ કરવો જરૂરી નથી અને એવું ગાંડપણ દેખાડવું પણ ન જોઈએ. ગાંડપણ દેખાડો એમાં કોઈનું કશું જતું નથી અને જવાનું નથી, પણ હા, તમારો પરિવાર તેનો આપ્તજન ગુમાવી બેસે કે પછી એવી આશંકા વચ્ચે જીવતો થઈ જાય એવું ચોક્કસ બની શકે. સારું એ તમારું. કાં શિખામણ પર હસો અને કાં તો શિખામણને અમલમાં મૂકીને સાવધાન રહો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK