પાકિસ્તાનમાં જતું પાણી રોકીને હરિયાણાને આપીશ : નરેન્દ્ર મોદી

Published: Oct 16, 2019, 11:15 IST | કુરુક્ષેત્ર

વડા પ્રધાન પાકિસ્તાન માટે પાણી પર સર્જિકલ સ્ટ્રાઇક કરશે, કલમ-૩૭૦ની મુક્તિથી લોકો ખુશ પણ કૉન્ગ્રેસ અને વિરોધી પાર્ટીઓને આ ન ગમ્યું : મને જેટલી ગાળો આપવી હોય એટલી આપો, પણ દેશની પીઠમાં ખંજર ભોંકવાનું બંધ કરો

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ મહારાષ્ટ્રની સાથે-સાથે હરિયાણામાં પણ ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર શરૂ કર્યો છે. ગઈ કાલે હરિયાણામાં એક જાહેર સભાને તેમણે સંબોધન કરતાં કહ્યું હતું કે પહેલાં હરિયાણામાં કેરોસીન માટે લાઇનો લાગતી હતી, પણ હવે એમાંથી લોકોને મુક્તિ મળી ગઈ છે.

તેમણે કહ્યું હતું કે હરિયાણાનો બમણો વિકાસ થઈ રહ્યો છે, કારણ કે કેન્દ્રમાં મોદી એન્જિન અને હરિયાણામાં મનોહર એન્જિન છે. હરિયાણાના લોકોએ એના પર મહોર લગાવી છે. લોકોના આશીર્વાદથી ફરી બીજેપીની સરકાર બનવા જઈ રહી છે.

તેમણે કહ્યું હતું કે સરકારે હવે કલમ-૩૭૦થી મુક્તિ અપાવી દીધી છે. એનાથી લોકો ખુશ છે, પણ કૉન્ગ્રેસ અને વિરોધી પાર્ટીઓને આ ગમી રહ્યું નથી. તેઓ અફવા ફેલાવે છે. કૉન્ગ્રેસે મને જેટલી ગાળો આપવી હોય એ આપે, બૅન્ગકૉક અને થાઇલૅન્ડથી ગાળો ઇમ્પોર્ટ કરવી હોય તો એ કરી લાવે, પણ દેશની પીઠમાં ખંજર ભોંકવાનું બંધ કરે.

પીએમ મોદીએ કહ્યું હતું કે આયુષ્માન યોજનાથી લોકોની સારવાર થઈ રહી છે. પશુઓની સારવાર માટે યોજના અમલમાં આવી છે. વન રૅન્ક વન પેન્શનનો વાયદો મારી સરકારે પૂરો કર્યો છે. હરિયાણાના બે લાખ સૈનિક પરિવારોને એનો ફાયદો મળ્યો છે. બીજેપીની સરકાર બનતાં જ હરિયાણાના ખેડૂતોના બૅન્ક-ખાતામાં જ સીધી મદદ પહોંચશે. હરિયાણાના ખેડૂતોના હકનું પાણી ૭૦ વર્ષથી પાકિસ્તાન જતું હતું એ રોકીને હું તમારા ઘર સુધી પહોંચાડીશ. આ માટે મેં કામ શરૂ કરી દીધુ છે. આ પાણી પર તમારો, પંજાબનો, રાજસ્થાનનો હક છે. આ માટે હું લડાઈ લડી રહ્યો છું. નાના ખેડૂતોને પેન્શન યોજના સાથે જોડવાની વાત બીજેપીએ કરી હતી. સરકાર બનતાં જ આ કામ થઈ ગયું છે. ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા દર મહિને પેન્શન મળશે.

તેમણે કહ્યું હતું કે હું હરિયાણામાં વોટ માગવા કે પ્રચાર કરવા નથી આવતો. મને હરિયાણા ખેંચી લાવ્યું છે. હું આપોઆપ અહીં ચાલ્યો આવું છું. અહીં તેમણે કુશ્તીમાંથી રાજકારણમાં પ્રવેશ કરનાર રેસલર બબીતા ફોગાટના સમર્થનમાં મત માગ્યા. તેમણે કહ્યું કે હરિયાણામાં ‘મ્હારી છોરી છોરો સે કમ હૈ કે’નો નારો એક અભિયાન બની ગયું છે. આવો અવાજ જ્યારે આંદોલન બને ત્યારે દુનિયા કહેવા માટે મજબૂર થાય છે કે હિન્દુસ્તાનની દીકરીઓ ધાકડ છે.

આ પણ વાંચો : 75 વર્ષનાં માજીએ આપ્યો દીકરીને જન્મ, 600 ગ્રામની છે બાળકી

પીએમે કહ્યું કે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મને કહ્યું કે તેમણે દંગલ ફિલ્મ જોઈ છે તો મને હરિયાણાની દીકરીઓ પર ગર્વ થયો. આપને જણાવી દઈએ કે દંગલ ગર્લ બબીતા ફોગાટ ચરખી દાદરીથી બીજેપી ઉમેદવાર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK