સ્ક્રીન સ્ટડી સ્ટુડન્ટ્સનું ઘડતર કરી શકશે ખરું?

Published: May 08, 2020, 23:03 IST | Varsha Chitalia | Mumbai

આવનારા સમયમાં શૈક્ષણિક ક્ષેત્રે ટેક્નૉલૉજીનો મહત્તમ ઉપયોગ થશે તેમ જ ઑનલાઇન સ્ટડી સ્ટુડન્ટ્સને પ્રભાવિત કરશે એવું લાગી રહ્યું છે. ક્લાસરૂમના બ્લૅકબૉર્ડને બદલે દરેક વિદ્યાર્થીના હાથમાં ટૅબ હશે.

વાલીઓ અને વિદ્યાર્થીઓ આ નવી સિસ્ટમથી ઘણા પ્રભાવિત થયા છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓ આ નવી સિસ્ટમથી ઘણા પ્રભાવિત થયા છે.

આવનારા સમયમાં શૈક્ષણિક ક્ષેત્રે ટેક્નૉલૉજીનો મહત્તમ ઉપયોગ થશે તેમ જ ઑનલાઇન સ્ટડી સ્ટુડન્ટ્સને પ્રભાવિત કરશે એવું લાગી રહ્યું છે. ક્લાસરૂમના બ્લૅકબૉર્ડને બદલે દરેક વિદ્યાર્થીના હાથમાં ટૅબ હશે. ટીચરની સામે નહીં, ઘરેબેઠાં સ્ક્રીન સામે બેસીને બેસીને ભણવાના આ બદલાવ વિશે આ જ ફીલ્ડ સાથે સંકળાયેલા નિષ્ણાતો પોતે શું માને છે એ જાણીએ...

કોવિડ-૧૯ મહામારીના કારણે આ વર્ષે સ્કૂલ-કૉલેજો સપ્ટેમ્બર મહિના પહેલાં શરૂ નહીં થાય એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. વિદ્યાર્થી જીવનના મહત્ત્વના ચાર-પાંચ મહિના અભ્યાસ કર્યા વગરના જાય એની અસર આગામી શૈક્ષણિક વર્ષ પર પડે તેથી હાલમાં અનેક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઑનલાઇન સ્ટડીનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ આ નવી સિસ્ટમથી ઘણા પ્રભાવિત થયા છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આવનારા સમયમાં ભારતની શિક્ષણપદ્ધતિમાં પરિવર્તનનો પવન ફૂંકાશે. ઑનલાઇન સ્ટડીનું ફ્યુચર બ્રાઇટ છે? આપણા દેશમાં આ પદ્ધતિની અનિવાર્યતા કેટલી? એ સફળ થવાના ચાન્સિસ કેટલા? આવા અનેક સવાલોના જવાબ આપણે એજ્યુકેશન ફીલ્ડ સાથે જોડાયેલા એક્સપર્ટ્સ પાસેથી જાણવાની આજે કોશિશ કરીએ.
હ્યુમન ટચ જરૂરી
એજ્યુકેશન સિસ્ટમમાં ટ્રાન્સફૉર્મેશન તો આવશે. નવા-નવા કોર્સ ઇન્ટ્રોડ્યુસ થતાં બ્રાઇટ અને ઇન્ડિપેન્ડન્ટ લર્નરને લાભ થશે. જોકે પાયાના ભણતરમાં હ્યુમન ટચ જોઈએ એવો અભિપ્રાય આપતાં ઇન્ટરનૅશનલ સ્કૂલનાં સેકન્ડરી કો-ઑર્ડિનેટર નિશા ભાટિયા કહે છે, ‘ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ટેક્નૉલૉજીના વપરાશમાં ઘણા આગળ છે તેમ છતાં હું માનું છું કે પચીસ ટકા ઑનલાઇન અને ૭૫ ટકા ઑફલાઇન એજ્યુકેશન હોવું જોઈએ. સ્કૂલની અનિવાર્યતા ઍકૅડેમિક એજ્યુકેશન સુધી સીમિત નથી. અહીં તેઓ સોશ્યલ વૅલ્યુઝ શીખે છે. મિત્રો બનાવવા, એકબીજાને મદદરૂપ થવું, સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવું તેમ જ સામાજિક પ્રવાહમાં કઈ રીતે જીવવાનું છે એની કેળવણી માટે શિક્ષકોનું માર્ગદર્શન અને હાજરી જરૂરી છે. સ્કૂલ તેમને એક્સપ્રેશન માટેનું પ્લૅટફૉર્મ આપે છે. ફેસ ટુ ફેસ જે કમ્યુનિકેશન થાય એવું ઑનલાઇન શક્ય જ નથી. ઘણા વાલીઓનું માનવું છે કે લૉકડાઉનના લીધે ભણવાનો જે ગૅપ પડી ગયો હતો એ ઑનલાઇન ક્લાસના કારણે ભરાઈ ગયો છે અને તેમનાં સંતાનોની સ્ટડીનું નુકસાન નથી થયું. મારું કહેવું છે કે ત્રણ-ચાર મહિના અભ્યાસ કર્યા વગર કંઈ બગડી જવાનું નથી. ઘરમાં તેઓ લાઇફ સ્કિલ શીખી રહ્યાં છે. આ પણ એક પ્રકારનું એજ્યુકેશન છે. જો તમારાં સંતાનોની સ્કૂલે ઑનલાઇન સિસ્ટમ અપનાવી નથી તો અફસોસ વ્યક્ત કરવાની જરૂર નથી.’
ટેક્નૉલૉજી ટીચર્સનું રિપ્લેસમેન્ટ ન હોઈ શકે એવું ભારપૂર્વક જણાવતાં વિલે પાર્લેની ઉષા પ્રવીણ ગાંધી કૉલેજની ફિલ્મ, ટેલિવિઝન ઍન્ડ ન્યુ મીડિયા પ્રોડક્શન (એફટીએનએમપી) ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ હૅડ આશિષ મહેતા કહે છે, ‘માતા-પિતા વગર જેમ બાળકનો ઉછેર ન થાય એવી જ રીતે શિક્ષકના માર્ગદર્શન વગર વિદ્યાર્થીનું ઘડતર ન થાય. કરુણા, દયા, હાસ્ય, પ્રેમ આ બધા જીવનના રસ છે. ભારતીય શિક્ષણની પરિભાષા આ રસની અભિવ્યક્તિમાં છુપાયેલી છે. ઑનલાઇન અને ઑફલાઇન એજ્યુકેશન એ બે તદ્દન જુદા કલ્ચરની વાત છે. ટેક્નૉલૉજી માનવની શોધ છે અને એ આપણા મગજ પર હાવી ન થવી જોઈએ. પશ્ચિમના દેશોનું અનુકરણ કરવા જશો તો મૉરલ વૅલ્યુ ઝીરો થઈ જશે. વીસ વર્ષની ઉંમર સુધી તમે જે શિક્ષણ લો છો એમાં શિક્ષકની નિગરાણી અને સમીક્ષા જરૂરી છે. કેટલાક નિયમો અને સંસ્કારો પુસ્તકોમાં લખાયા નથી, પરંતુ એને જીવનમાં પાળતાં શીખવાનું હોય છે. શિક્ષકને ગુરુનો દરજ્જો કંઈ અમસ્તો નથી આપવામાં આવ્યો. હા, કેટલાક સંજોગોમાં ઍકૅડેમિકને ધ્યાનમાં રાખી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે લૉકડાઉનના કારણે મારે ઑનલાઇન ક્લાસ લેવા પડે છે. જોકે એમાં પણ ફૅમિલી બૉન્ડિંગ સ્ટ્રૉન્ગ થાય એવો પ્રયાસ કર્યો છે. પ્રોડ્યુસર અને ઍક્ટર બનવા માગતા વિદ્યાર્થીઓને ફૅમિલી મેમ્બર સાથે મળીને ઍડ્વર્ટાઇઝમેન્ટ બનાવી વિડિયો મોકલવા જેવા પ્રોજેક્ટ આપવામાં આવે છે.’
સુવિધાનો અભાવ
આજના યુગમાં ટેક્નૉલૉજીનો શ્રેષ્ઠતમ ઉપયોગ થવો જોઈએ, પરંતુ આપણા દેશમાં સુવિધાનો અભાવ છે એવો મત વ્યક્ત કરતાં ટીચર્સ ડેમોક્રેટિક ફ્રન્ટના વાઇસ પ્રેસિડન્ટ રાજેશ પંડ્યા કહે છે, ‘વિશ્વ સાથે કદમ મિલાવવા સરકાર ઑનલાઇન એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા ઇચ્છે તો પણ હાલના તબક્કે ખૂબ કામ કરવું પડશે. ભારતમાં ઘરે-ઘરે ઇન્ટરનેટની સુવિધા નથી. બીએમસીની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ફોન નથી. ઘરમાં પેરન્ટ્સ પાસે હોય તો એક ફોનમાં કેટલાં બાળકો ભણશે? હાઈ સ્પીડ નેટ તેમના ખિસ્સાને પરવડશે નહીં. વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષકો સુધ્ધાં આવી સુવિધાથી વંચિત છે. સ્કૂલ પ્રશાસનના આદેશના લીધે અત્યારે અનેક શિક્ષકો ઘરેથી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આમાંથી કેટલા શિક્ષકોનો નેટનો ખર્ચ સ્કૂલ કે સરકાર ઉપાડવાની છે એ બાબત કોઈ સ્પષ્ટતા નથી. ભવિષ્યમાં ઑનલાઇન પદ્ધતિથી શિક્ષણ આપવાનું શરૂ કરવું હશે તો પહેલાં શિક્ષકોને તમામ સુવિધા આપી અપગ્રેડ કરવા પડશે. છેલ્લા થોડા સમયથી ઉત્તરવહીઓને ઑનલાઇન તપાસવાનું શરૂ કરવામાં આવ્યું છે એમાં જોઈએ એવી સફળતા મળી નથી. ઑનલાઇન ચકાસણી ઝડપી હોવી જોઈએ તેમ છતાં પરિણામ જાહેર કરવામાં તેમને દોઢ મહિનાનો સમય લાગી જાય છે. પાવરકટ્સ મોટો પડકાર છે. ઑનલાઇન એજ્યુકેશનને પ્રોત્સાહન આપવું હશે તો સરકારે આ ત્રુટિઓને દૂર કરવી પડશે.’
આ સંદર્ભે વાત કરતાં નિશા ભાટિયા કહે છે, ‘એજ્યુકેશન સિસ્ટમમાં ટ્રાન્સફૉર્મેશનથી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીના ભાગે ભોગવવાનું વધુ આવશે. લિમિટેડ રિસોર્સિસના લીધે તેમને કોપઅપ કરતાં સમય લાગશે. જોકે આજે ગ્રામીણ વિસ્તારમાં ઘરે-ઘરે ઍન્ડ્રૉઇડ ફોન આવી ગયા છે. સરકાર આ દિશામાં પ્રયાસ કરે તો ઑનલાઇન ઍપની સહાયથી તેઓ ઘણું શીખી શકે એમ છે.’
સરકારી પૉલિસી
ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરવાના પ્રયાસો સફળ થતાં મોટા ભાગની સર્વિસિસ ઑનલાઇન થઈ ગઈ છે. એવી જ રીતે ઑનલાઇન એજ્યુકેશન સિસ્ટમને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ઘણા વખતથી ચાલે છે. કોરોનાએ આ સિસ્ટમને કિક મારવાનું કામ કર્યું છે એમ જણાવતાં ચેમ્બુરની વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટના ઍકૅડેમિક ડીન ડૉ. સંદીપ ભારદ્વાજ કહે છે, ‘સરકારી પૉલિસી અનુસાર બે વર્ષના મૅનેજમેન્ટ કોર્સમાં કુલ એક હજાર કલાક ક્લાસરૂમમાં બેસીને ભણવું ફરજિયાત છે. એટલે વર્ષમાં કલાકનાં પાંચસો લેક્ચર થવાં જોઈએ. લૉકડાઉનના લીધે આ કલાકો મિસ થઈ જતાં ઑનલાઇન ટીચિંગની અનિવાર્યતા ઊભી થઈ છે. આ ટેમ્પરરી સગવડ છે. એ પછી તમારે સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ચાલવું પડશે. પ્રાઇવેટ સ્કૂલો કે કૉલેજો કદાચ ઑનલાઇન એજ્યુકેશન વિશે વિચારી શકે, પરંતુ સરકારનો કન્ટ્રોલ હોય એવી શૈક્ષણિક સંસ્થાએ સરકારના આદેશનું પાલન કરવું પડે. ઑનલાઇન પદ્ધતિમાં વિદ્યાર્થીની ઉંમરનો રોલ પણ એટલો જ મહત્ત્વનો છે. મૅનેજમેન્ટ લેવલના સ્ટુડન્ટ્સ ઑનલાઇન ભણી શકે એટલા મૅચ્યોર્ડ છે. નાનાં બાળકોના હાથમાં સ્ક્રીન આપવામાં જોખમ છે. પેરન્ટ્સે સતત નજર અને સાવચેતી રાખવી પડે. જોકે મારું અંગતપણે માનવું છે કે જેમ વૃક્ષની સૂકી ડાળમાંથી નવા વૃક્ષનું પ્લાન્ટેશન ન થાય એવી જ રીતે સ્ટુડન્ટ-ટીચર્સ ઇન્ટરૅક્શન વગરની શિક્ષણનો વિસ્તાર શક્ય નથી. જે વિદ્યાર્થીઓને ભણવાની પ્રબળ ઇચ્છા છે તેઓ ઑનલાઇન કે ઑફલાઇન જેવી સિસ્ટમના મોહતાજ નથી રહેવાના.’
લૉકડાઉનના લીધે ઑનલાઇન એજ્યુકેશન તરફ ઝુકાવ વધ્યો છે, પરંતુ આ સિસ્ટમ એક ફૅશન ટ્રેન્ડથી વિશેષ કંઈ નથી. આશિષ મહેતા કહે છે, ‘આ સિસ્ટમનો વ્યાપ વધારવો સોશ્યલ આઇસોલેશન સમાન છે. ઑનલાઇન એજ્યુકેશનથી ઓછા ખર્ચે ડિગ્રી હાંસલ કરી શકાય, કેળવણી નહીં. દરેક વ્યક્તિના જીવન ઘડતરમાં શિક્ષકનો ફાળો મહત્ત્વનો હોય છે. ભારત જેવા દેશમાં ટેક્નૉલૉજી ટીચર્સનું સ્થાન લઈ લેશે એવું સ્વપ્નેય વિચારી ન શકાય.’

સ્કૂલની અનિવાર્યતા ઍકૅડેમિક સુધી સીમિત નથી. અહીં વિદ્યાર્થીઓ સોશ્યલ વૅલ્યુઝ શીખે છે. મિત્રો બનાવવા, એકબીજાને હેલ્પ કરવી, સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવું તેમ જ સામાજિક પ્રવાહમાં કઈ રીતે જીવવાનું છે એની કેળવણી માટે હ્યુમન ટચ જરૂરી છે. મારા મતે ૨૫ ટકા એજ્યુકેશન ઑનલાઇન અને ૭૫ ટકા ઑફલાઇન હોવું જોઈએ
- નિશા ભાટિયા, સેકન્ડરી સ્કૂલ કો-ઑર્ડિનેટર

વિશ્વ સાથે કદમ મિલાવવા સરકાર ઑનલાઇન એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા ઇચ્છે તો પણ હાલના તબક્કે ખૂબ કામ કરવું પડશે. ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન નથી તો શિક્ષકો પાસે હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા નથી. પાવરકટ્સ મુખ્ય સમસ્યા છે. આવી અનેક ત્રુટિઓને દૂર કર્યા વગર ઑનલાઇન શિક્ષણપદ્ધતિ વિશે વિચારી ન શકાય
- રાજેશ પંડ્યા, ટીચર્સ ડેમોક્રેટિક ફ્રન્ટના વાઇસ પ્રેસિડન્ટ

ઇન્ડિયામાં ઑનલાઇન એજ્યુકેશનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ઘણા વખતથી ચાલે છે. કોરોનાએ આ સિસ્ટમને કિક મારવાનું કામ કર્યું છે. જોકે વૃક્ષની સૂકી ડાળમાંથી નવા વૃક્ષનું રી-પ્લાન્ટેશન ન થાય એવી જ રીતે સ્ટુડન્ટ-ટીચર્સ ઇન્ટરૅક્શન વગરનું ભણતર નકામું છે. ભણવાની પ્રબળ ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ ઑનલાઇન કે ઑફલાઇન જેવી સિસ્ટમના મોહતાજ નથી
- ડૉ. સંદીપ ભારદ્વાજ, મૅનેજમેન્ટ કૉલેજના ડીન

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK