Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભાઈ, તમારી ઉપરવાળાને જરૂર પડી છે, એના ઇશારાઓને રૂપાંતર કરવાની અલવિદા!

ભાઈ, તમારી ઉપરવાળાને જરૂર પડી છે, એના ઇશારાઓને રૂપાંતર કરવાની અલવિદા!

11 June, 2020 04:16 PM IST | Mumbai
Latesh Shah

ભાઈ, તમારી ઉપરવાળાને જરૂર પડી છે, એના ઇશારાઓને રૂપાંતર કરવાની અલવિદા!

ઉત્તમ લેખક: મારા નિર્માણ કરેલા નાટક ‘રાફડા’ એ તેમનું રૂપાંતર કરેલું પહેલું ત્રિઅંકી નાટક

ઉત્તમ લેખક: મારા નિર્માણ કરેલા નાટક ‘રાફડા’ એ તેમનું રૂપાંતર કરેલું પહેલું ત્રિઅંકી નાટક


મૂળ વાત પર પધારીએ. 

ગયા ગુરુવારે મેં તમને જણાવ્યું કે બે વિદ્યાર્થીઓ રિહર્સલમાંથી કેવી રીતે નૌ દો ગ્યારહ થઈ ગયા. હતાશ એવા મારી પાસે અજિતસરને જણાવવા સિવાય કોઈ ચારો નહોતો. અજિતસર જે આર્ટિસ્ટો ત્યાં હતા તેમના પર કામ કરતા હતા. મેં ખચકાતાં તેમને વાત કરી. તેમણે સ્માઇલ આપ્યું અને કહ્યું, ‘ડોન્ટ વરી, હમ ઇસમેં સે દો કો ડબલ રોલ દેંગે. રિલૅક્સ. તુમ અપને કૅરૅક્ટર પર કૉન્સન્ટ્રેટ કરો.’ તેઓ એટલા સૉફ્ટ અને પ્રૉમ્પ્ટ હતા કે તેમણે તરત ટેન્સ થવાની જગ્યાએ સરળ ઉપાય દેખાડીને કામ આગળ વધાર્યું. મેં તેમને ૬ દિવસનાં રિહર્સલમાં ક્યારેય ગુસ્સે થતા નહોતા જોયા. હંમેશાં દરેક આર્ટિસ્ટ પર અને સ્ટેજ-મૂવમેન્ટ પર વર્ક કરવા માટે તૈયાર જ હોય. દરેકને તેમનાં પાત્ર ડિટેઇલમાં સમજાવે. અમારા કરતાં સમયના પાબંદ અજિત શાહ (એક્સ ચીફ જસ્ટિસ એ. પી. શાહ) ૧૨ કલાક રિહર્સલ કરાવે, પણ થાકે નહીં કે પાકે નહીં. ચા કે કૉફી વગર, સિગારેટ વગર, ખાવાની કોઈ ડિમાન્ડ વગર ઉપરથી નિઃશુલ્ક. તેમના જેવા પ્રેમાળ માણસ અને મહેનતુ દિગ્દર્શક મને ઓછા મળ્યા છે. તેમની સાથે એ જમાનાના હિન્દી સ્ટેજના નામાંકિત કલાકાર ઉસ્માન મેમન પણ રિહર્સલમાં અજિતસરને સપોર્ટ કરવા આવતા. તેમણે અને શક્તિમાન તથા ભીષ્મ તરીકે વિશ્વવિખ્યાત મુકેશ ખન્નાએ ગવર્નમેન્ટ લૉ કૉલેજ તરફથી ઘણાં નાટકો કર્યાં. તેમણે પણ અમારો કૉન્ફિડન્સ વધારી દીધો. એ નાટક ઑલ ઇન્ડિયા ડ્રામા કૉમ્પિટિશનમાં સેકન્ડ બેસ્ટ પ્લેનું ઇનામ જીતી આવ્યું અને મને થર્ડ બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો. પહેલી વાર પુરસ્કાર મળ્યો. હું અજિતસરને ભેટી પડ્યો. તેમણે પ્રેમથી કહ્યું, ‘આ જ રીતે મહેનત કર અને હિન્દી ભાષા અને ઉચ્ચારો સુધાર, ખૂબ આગળ આવશે.’ એટલું કહી સ્માઇલ આપીને સોનેરી સલાહ આપીને વગર અપેક્ષાએ જતા રહ્યા. ૧૯૭૬ સુધી હું તેમને મળતો રહ્યો. તેઓ તેમના લૉના અભ્યાસમાં ઓતપ્રોત રહેતા. ત્યાર બાદ આજ સુધી મળ્યા નથી કે મેં તેમને જોયા નથી, પણ ૨૦૨૦માં મારા માનસપટ પર તેમનો ચહેરો અંકાયેલો છે. ગુસ્સા વગરનો જુસ્સો એટલે અજિત પ્રકાશ શાહ. લવ યુ, મિસ યુ અને થૅન્ક યુ સર. ઉત્તમ માણસ અને એ સમયના સર્વોત્તમ દિગ્દર્શક. 



ઉત્તમ પરથી ઉત્તમ ગડાની યાદ આવી ગઈ. તેઓ હાલે જ સ્વર્ગે સિધાવ્યા. શું ભગવાનને તેમના સંદેશાઓને રૂપાંતર કરાવવાની જરૂર પડી હશે? ઉત્તમ ગડા જેવો ઉત્તમ લેખક ગુજરાતી રંગભૂમિ પાસેથી છીનવાઈ ગયો. મારા નિર્માણ કરેલા નાટક ‘રાફડા’ એ તેમનું રૂપાંતર કરેલું પહેલું ત્રિઅંકી નાટક; જે સુજાતા મહેતા, તીરથ વિદ્યાર્થી, તરલા જોષી ઍન્ડ ગિરેશ દેસાઈએ ભજવ્યું, દિનકર જાનીએ ડિરેક્ટ કર્યું અને નિર્માતા તરીકે મેં પરેશ રાવલનું નામ આપેલું. ‘રાફડા’ નાટક ચાલ્યું નહીં, પણ વખણાયું ખૂબ. ‘વેરોનિકા’સ રૂમ’ પરથી રૂપાંતર કરેલા આ નાટકમાં ઉત્તમ ગડાના સંવાદો ખૂબ વખણાયા. મેં એ નાટકને ત્રણ વાર રિલીઝ કર્યું. બે વાર ‘રાફડા’ના નામે અને એક વાર રજૂ થયું ‘માનસી’ના નામે. રંગકર્મીઓ આ નાટક જોવા વારંવાર આવતા હતા. સુજાતાનો અભિનય આ નાટકમાં ખૂબ વખણાયો. આ નાટક જોઈને બિપિન મહેતા નામના ડાયમન્ડના વેપારી ફ્લાવર-બુકે લઈને સુજાતાને મળવા આવ્યા અને તેમણે  સુજાતા સાથે નવા નાટકનું  નિર્માણ કરવાની ઑફર આપી જેમાંથી ‘ચિત્કાર’ નાટકનો જન્મ થયો અને ‘ચિત્કાર’ પરથી સુજાતાને ‘પ્રતિઘાત’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મળી.


 ઉત્તમ ગડાના ‘રાફડા’ નાટકના લખાણનાં ખૂબ વખાણ થયાં. તેમનો એક જ વાતને લઈને જાની સાથે રિહર્સલમાં વિવાદ થયેલો કે તેમણે લખેલા સંવાદો તો શું, કોમા પણ નહીં બદલવાનો. કચ્છી કોમનો ઉત્તમ બુદ્ધિશાળી લેખક ઉત્તમ ગડા આજે આપણી વચ્ચે નથી અને તેમની ખોટ હંમેશાં સાલશે. હું હંમેશાં પ્રભુ, અલ્લાહ, ગૉડને પ્રાર્થના કરું છું કે બધાને લઈ જા, પણ લેખકોને પૃથ્વી પર રહેવા દેજે. લેખકોથી જ તારું અસ્તિત્વ જળવાયું છે અને જળવાશે. સર્જનહારનો પનોતો પુત્ર તો સર્જક (લેખક) જ ગણાય. ઉત્તમ ગડા તો ઉત્તમ લેખક હતા. ‘રાફડા’ બાદ તો તેમને ત્યાં નાટક લખાવવા લાઇન લાગતી. તેમની એક જ શરત હતી કે વિષય તેમને ગમવો જોઈએ, તો જ તેઓ લખે. તેમણે પરેશ રાવલ માટે નાટકો લખ્યાં. મહેન્દ્ર જોષી, મનોજ શાહ, રસિક દવે, સંજય ગોરડિયા માટે નાટકો લખ્યાં. સથવારો, મહારથી, રેશમી તેજાબ, મૂળરાજ મૅન્શન, મહાપુરુષ, યુગપુરુષ, ચિરંજીવ, શિરચ્છેદ, ડિયર ફાધર, ફાઇવસ્ટાર આન્ટી મળીને લગભગ ૨૦ ગુજરાતી હિન્દી નાટકોનું લેખન કર્યું. ‘યું હોતા તો ક્યા હોતા’ અને ‘ખિલાડી ૪૨૦’ જેવી ફિલ્મો પણ લખી. તેમની રહસ્ય-નાટકો પર હથોટી હતી. તેમણે કૉમેડી અને સામાજિક નાટકો પણ લખ્યાં હતાં. એકાદ-બે સિરિયલ પણ લખી હતી. પ્રોફેશનલી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને દિગ્દર્શક દિનકર જાનીના સિડનહૅમ કૉલેજમાં સહાધ્યાયી. દિનકર જાનીએ તેમને થિયેટ્રિકલ રાઇટિંગ માટે પ્રૅક્ટિકલી તૈયાર કર્યા હતા. 

હું, મહેન્દ્ર જોષી, પરેશ રાવલ દિનકર જાનીના ચેલા એટલે ઉત્તમભાઈના લેખનથી અંજાયેલા હતા અને રસિક દવે, સંજય ગોરડિયા, મનોજ શાહ મારા હાથ નીચે ઘડાયેલા એટલે ઉત્તમની ઉત્તમ કલમના જાણકાર હતા. આમ પણ રંગભૂમિમાં લેખકોની કમી રહી છે. સારા લેખકોને સિરિયલ્સ અને ફિલ્મવાળા ઉપાડી જાય અને ફાઇનલી તુકબંદીવાળાઓને લેખક માનીને તેમના સહારે રંગભૂમિ બિચારી સ્ટૅન્ડ-અપ કૉમેડી કે ફારસમાં ફસડાઈ જાય. એમાં ઉત્તમ ગડા જેવા માતબર લેખકને ઉપરવાળાએ જલદી ઉપાડી લીધા અને એય અમેરિકા બોલાવીને, મુંબઈ રંગભૂમિથી દૂર કરીને એક્ઝિટ કરાવી. તેમનાં ધર્મપત્ની અને સંતાનોએ સુંદર સંદેશ મોકલાવ્યો છે, ‘ઉત્તમ ગડા ૨૦૨૦ની છઠ્ઠી જૂને અવસાન પામ્યા છે. અમે તેમને બુદ્ધિશાળી, હાજરજવાબી અને શાંત આત્મા તરીકે યાદ કરીશું. તેમનો વાંચનનો શોખ અને લેખક તરીકેની સર્જનાત્મકતા તેમ જ આર્ટ અને જાઝ પ્રત્યેનો પ્રેમ અમને હંમેશાં યાદ રહેશે. તેમણે તેમની જિંદગીને પૂરેપૂરી માણી અને જાણી તથા પૂરેપૂરા આનંદમાં જીવ્યા છે છતાં અમે અને આપણે બધા તેમને મિસ કરીશું. આપ સૌ તેમનાં અચીવમેન્ટ્સ ને  ઉત્સવો સેલિબ્રેટ કરો’ 


 - યોગિની (ધર્મપત્ની), વિસ્મય, વૈશાલી અને અવિવા (સંતાનો).

કમાલની વાત તો એ છે કે તેમણે પહેલો પ્લે (રાફડા) અને છેલ્લો પ્લે (બંધ હોઠની વાત) તેમના કૉલેજકાળના સાથી અને દિગ્દર્શક દિનકર જાની સાથે કર્યો. કુદરત પણ કમાલ છે, બધાને ભેગા કરે છે કંઈક સર્જવા અને નિષ્ઠુર થઈને છૂટા પાડીને ટૅલન્ટેડ લોકોને પોતાની પાસે બોલાવી લે છે. હવે રડ્યાખડ્યા સર્જક આત્માઓને રહેવા દેજે ઈશ્વર એ જ અભ્યર્થના. ૨૦૨૦માંથી પાછા ૧૯૭૨-’૭૩માં આવીએ. 

અજિત પ્રકાશ શાહની વાતો ઘણો સમય મારો પીછો કરતી રહી. તેમને અને જાનીને સાંજે હું સત્કારમાં મળતો. અવનવી રંગભૂમિની વાતો થાય એટલે ટેસડો પડી જાય. દુનિયાભરની કૃતિઓ પર વિચારવિમર્શ થાય. ચા પીવાય અને નવરા બેઠા નાટકોની ચર્ચા થાય. બધાને ચા પીતા જોઈને આપણે પણ ચા પીવાની શરૂઆત કરી દીધી. મારો તો સ્વાર્થ એક જ હતો કે મને તેમની પાસેથી નવાં નાટકો કરવા મળે. હું મારી કૉલેજમાં જાણીતો-માનીતો થઈ ગયો હતો. કૉલેજની ઑથોરિટી મને નાટકો કરવાની છૂટ આપતી હતી, પણ મારા ખર્ચે. મારા પપ્પા પાસે તો નાટક માટે પૈસા મગાય નહીં. હું નવા રસ્તા શોધવા લાગ્યો. મેં કૉલેજમાં છઠ્ઠા માળનો હૉલ એક મિત્ર સાથે પાર્ટનરશિપ કરીને ભાડે લીધો અને ૧૫ દિવસ બાદ કૉલેજ સોશ્યલ જાહેર કર્યું. ફી રાખી ૩૦ રૂપિયા. આશા હતી કે સોએક વિદ્યાર્થીઓ આવશે એટલે લગભગ ૩૦૦૦ રૂપિયા ભેગા થશે. ૧૦૦૦ રૂપિયાનો નાસ્તાનો ખર્ચ થશે એટલે ૨૦૦૦ રૂપિયા બચશે. બન્નેને ૧૦૦૦-૧૦૦૦ રૂપિયા મળશે. ત્રણેક નાટકનો ખર્ચ નીકળી જશે. આ રીતે ફાઇનૅન્સર મિત્ર (અલી)ને સમજાવ્યું. અલીના બાપનો બેકરીનો ધંધો હતો. રોજ કૉલેજમાં રૉયલ એન્ફીલ્ડ પર આવે. મારા ક્લાસમાં ભણે. મેં તેને મારું નાટક દેખાડીને મિત્ર બનાવી લીધો હતો. તેને પણ નાટક કરવાનો ચસ્કો લાગ્યો હતો એટલે એ તેનો પ્રૉફિટ પણ નાટકના ખર્ચ માટે આપવા તૈયાર થયો. બીજા દિવસથી પૅમ્ફ્લેટ છપાવ્યાં અને ત્રીજા દિવસથી વહેંચ્યાં. અમારી કૉલેજમાં પહેલી વાર સોશ્યલ થઈ રહ્યું હતું એટલે ઇન્ક્વાયરી આવવા લાગી. ત્રણ-ચાર દિવસમાં પચાસેક ટિકિટો વહેંચાઈ ગઈ. અમે બન્ને તો ક્લાઉડ નાઇન પર હતા. લાગ્યું કે ૨૦૦ લોકો તો આવશે જ. ૪૦૦૦ રૂપિયાનો નફો દેખાતો હતો. અમે ગ્રાઉન્ડ ફ્લોર પર બુક-સ્ટૉલ પાસે બેસીને હિસાબ લખતા હતા. ત્યાં સલીમ નામનો છોકરો આવ્યો. અમને કહે, ‘આપકો ગનીખાનભાઈને બુલાયા હૈ. કૅન્ટીન મેં ચલો. ગની  ખાન એટલે ભાઈઓનો ભાઈ. બધા કૉલેજના ભાઈલોકો તેના શરણમાં. અમે ટેન્શનમાં આવી ગયા. બન્ને કૅન્ટીનમાં ગયા. કબીર બેદી જેવો લાગતો ગની ખાનનો ચહેરો જ અમને ડરાવવા માટે પર્યાપ્ત હતો. ગનીભાઈ એક ખુરસી પર બેઠા હતા. તેમનાં શૂઝ વગરના પગ બીજી ખુરસી પર હતા અને તેની સિગારેટનાં બે પાકીટ ત્રીજી ખુરસી પર. ચોથી ખુરસી ખાલી હતી, પણ બેસવાની હિંમત નહોતી થતી. શું થશે? ભાઈઓં કા ભાઈ શું ચેતવણી આપશે એ ટેન્શન‍. હું અને અલી એકબીજાને જોવા લાગ્યા. એ જે બોલ્યો એ સાંભળીને અમારી હવા બંધ થઈ ગઈ. રૂંવાડાં ઊભાં થઈ ગયાં... ચાલો, આવતા ગુરુવારે મળીને એની છણાવટ કરીશું.

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2020 04:16 PM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK