ભારતીય લગ્નોની ઝાકઝમાળ થશે ઝાંખી?

Published: May 09, 2020, 19:58 IST | Varsha Chitaliya | Mumbai Desk

પોસ્ટ-લૉકડાઉન યંગ કપલ્સમાં પ્રી-વેડિંગ ફોટોગ્રાફી, સંગીતસંધ્યા, ડેસ્ટિનેશન વેડિંગ અને હનીમૂન પાછળ લખલૂટ ખર્ચ કરવાનો ક્રેઝ ઘટશે એવું વિશ્લેષકોનું કહેવું છે ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની દૂરદૃષ્ટિ શું કહે છે એ જાણી લો

પ્રિયંકા ચોપડા, નિક જોનાસ
પ્રિયંકા ચોપડા, નિક જોનાસ

વર્ષે અંદાજે ચાર હજાર અબજનું ટર્નઓવર ધરાવતી વેડિંગ-ઇન્ડસ્ટ્રીને કોવિડ-૧૯ મહામારીના કારણે મરણતોલ ફટકો પડ્યો છે. પરંપરાગત લગ્નોમાં થતા ભવ્ય જલસા પર હવે બ્રેક લાગી શકે છે. પોસ્ટ-લૉકડાઉન યંગ કપલ્સમાં પ્રી-વેડિંગ ફોટોગ્રાફી, સંગીતસંધ્યા, ડેસ્ટિનેશન વેડિંગ અને હનીમૂન પાછળ લખલૂટ ખર્ચ કરવાનો ક્રેઝ ઘટશે એવું વિશ્લેષકોનું કહેવું છે ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની દૂરદૃષ્ટિ શું કહે છે એ જાણી લો

અક્ષય તૃતીયાના શુભ મુરત સાથે ભારતમાં લગ્નની મોસમ શરૂ થાય. વેડિંગ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને આ સીઝનમાં સમ ખાવા પૂરતો સમય હોતો નથી. પ્રી-વેડિંગ ફોટોશૂટ, સંગીતસંધ્યા, લગ્નની મુખ્ય વિધિ, રિસેપ્શન, ડેસ્ટિનેશન વેડિંગ વગેરે પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પ્રાપ્ત આંકડા અનુસાર વર્ષે પચાસ બિલ્યન ડૉલર (અંદાજે ચાર હજાર અબજ રૂપિયા)નો બિઝનેસ ધરાવતી આ ઇન્ડસ્ટ્રી આપણા દેશના અર્થતંત્રમાં મહત્ત્વનું યોગદાન આપે છે. જોકે કોવિડ-૧૯ મહામારીના કારણે આ વર્ષે મોટા ભાગનાં લગ્નો મુલતવી રાખવામાં આવ્યાં છે તો અનેક પરિવારોએ ઘરમેળે લગ્ન આટોપી લીધાં છે. પોસ્ટ-લૉકડાઉન આ ઉદ્યોગ ફરીથી ધમધમતો થશે કે પછી મંદીનો માર ખમવો પડશે? શું પરંપરાગત ભારતીય લગ્નની ભવ્યતા ઝાંખી પડશે? ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ ઘટશે? વિશ્લેષકોનું માનવું છે કે આવનારા સમયમાં લોકો સામાજિક મેળવાડામાં ભાગ લેવાનું ટાળશે પરિણામે કોર્ટ મૅરેજ અને ઑનલાઇન મૅરેજ કરનારાં કપલ્સની સંખ્યામાં વધારો થશે. આ સંદર્ભે વેડિંગ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની દૂરદૃષ્ટિ શું કહે છે એ જાણીએ.

બે વર્ષ માટે એન્ટરટેઇનમેન્ટ ભૂલી જાઓ
આ મહિને રાજકોટમાં આયોજિત એક ભવ્ય લગ્નમાં દાંડિયારાસ અને અન્ય ફંક્શન મળીને પાંચ દિવસના એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ માટે તેર જણની ટીમ સાથે જવાનું હતું. લગ્ન ઠેલાઈ જતાં કુલ ૨૬ ટિકિટ કૅન્સલ કરવી પડી છે. ઉપરથી ઍરલાઇન્સે પૈસા પાછા આપવાની જગ્યાએ ક્રેડિટ્સ આપ્યા જે તમારે એક વર્ષમાં વાપરી નાખવાના છે. પ્રૅક્ટિકલી આ શક્ય નથી. આ પહેલો ફટકો પડ્યો. બ્યુટિશ્યન, ડ્રેસ-ડિઝાઇનર, ફોટોગ્રાફી, ડેકોરેશન, જમણવાર એ બધાનું બજેટ પૂરું થાય પછી છેલ્લે એન્ટરટેઇનમેન્ટ આવે. તેથી સૌથી પહેલો કાપ મહેમાનોના મનોરંજન પર મુકાશે. સંગીતસંધ્યામાં મ્યુઝિક્લ પ્રોગ્રામનો ક્રેઝ વધતાં આર્ટિસ્ટોને કામ મળતું હતું. હવે બે વર્ષ માટે બધાએ હાથ પર હાથ ધરીને બેઠા રહેવું પડશે. વાસ્તવમાં મ્યુઝિકલ પ્રોગ્રામ માટે પાર્ટીએ એક વધુ દિવસ હૉલ બુક કરવો પડે. ડેકોરેશન અને જમણવાર રાખવા પડે. ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારો વધારાના બીજા ખર્ચાઓ બચાવવા વિધિ દરમિયાન લગ્નગીતો ગાવાવાળાને બોલાવી મન મનાવી લેશે. શ્રીમંત પરિવારના પ્રસંગોમાં મોટા આર્ટિસ્ટોને બોલાવવામાં આવે છે તેથી તેમને અસર નહીં થાય, પરંતુ નાના આર્ટિસ્ટોની હાલત કફોડી થવાની છે. આ વર્ષે નવરાત્રિ પણ ફીકી જશે. મારા મતે કેટરિંગના બિઝનેસને બેઠા થવાની તક મળી રહેશે. આજકાલ બધા હૉલમાં ડેકોરેશન અને કેટરિંગની મૉનોપોલી હોય છે. સાદાઈથી લગ્ન કરો તોય સગાંવહાલાંઓને જમાડવાના તો છે જ. કેટરિંગવાળાને અત્યારે જે નુકસાન થયું છે એની ભરપાઈ તેઓ ડિશના ભાવ વધારીને કરી લેશે, જ્યારે આર્ટિસ્ટો માટે સર્વાઇવ કરવું અઘરું થશે. -ગિરીશ મહેતા, મ્યુઝિશ્યન

ટેમ્પરરી ફેઝ છે, યંગ કપલ્સનો ક્રેઝ ઓછો નહીં થાય
ઇન્ડિયામાં હોલી સેલિબ્રેશન પર બ્રેક લાગી ત્યારથી વેડિંગના પ્લાન કૅન્સલ થવા લાગ્યા હતા. એપ્રિલ મહિનામાં બે લગ્નના પ્રોજેક્ટસમાં ફૉરેનથી ગેસ્ટ આવવાના હતા, પરંતુ લૉકડાઉનના કારણે કૅન્સલ થઈ ગયા એટલું જ નહીં, છેક ડિસેમ્બર સુધીના તમામ પ્રોજેક્ટ્સ હોલ્ડ પર રાખવા માટે ક્લાયન્ટ્સના ફોન આવી ગયા છે. ફેબ્રુઆરીની ઇવેન્ટ્સનાં તો પેમેન્ટ પણ નથી આવ્યાં. સાઉન્ડ અને ડેકોરેશન માટે હેલ્પ કરતા અનેક વર્કરો અત્યારે શાકભાજી અને ફ્રૂટ્સ વેચીને ગુજરાન ચલાવે છે. વર્ષના અંત સુધી મને નથી લાગતું કે લગ્નનો જલસો થાય. બહારગામથી કે વિદેશથી આવનારા મહેમાનો વગર લગ્ન આટોપી લેવાની તૈયારી હશે એવી પાર્ટી નાના પાયે આયોજન કરશે. બજેટ કટ્સના લીધે સંગીતસંધ્યા અને પૂલ પાર્ટી જેવાં પ્રી-વેડિંગ એન્ટરટેઇનમેન્ટ ફંક્શનો પર બ્રેક લાગતાં ક્લાયન્ટ્સને અમારી જરૂર પડશે નહીં. આપણા કલ્ચર પ્રમાણે વડીલો વેવિશાળને લાંબો સમય ન રાખવાની સલાહ આપતા હોય છે. વડીલોના દબાણ અને રીતિરિવાજોને અનુસરી ઘણાં કપલ્સ સાદાઈથી લગ્ન કરી લેશે. જોકે આ ટેમ્પરરી ફેઝ છે. વેડિંગ- ઇન્ડસ્ટ્રીને બેઠાં થતાં લાંબો સમય લાગશે એવું મને નથી લાગતું. ધૂમધામથી લગ્ન કરવા માગતી ફૅમિલીનાં સંતાનો આવતા વર્ષ સુધી વેઇટ કરવા તૈયાર છે. યંગ જનરેશનમાં પ્રી-વેડિંગનો ક્રેઝ રહેવાનો છે. ભારતીય લગ્નોની ભવ્યતા ઝાંખી પડવાની નથી. આ વર્ષે આર્થિક ફટકો પડ્યો છે તો આવતા વર્ષે કામ ડબલ મળે એવું બની શકે છે. હું આ બાબત પૉઝિટિવ અપ્રોચ ધરાવું છું. -પાર્થ શુક્લ, વેડિંગ-પ્લાનર

બ્રાહ્મણોની દશા પાક વગરના ખેડૂત જેવી થઈ ગઈ
લગ્નગાળો બ્રાહ્મણોની આજીવિકાનું મુખ્ય સાધન છે. તેમની કોઈ ફિક્સ આવક નથી. શુભાશુભ પ્રસંગોમાં યજમાનો દ્વારા આપવામાં આવતી દક્ષિણામાં તેમનું ગુજરાન ચાલે છે. વૈશાખ મહિનામાં પુષ્કળ લગ્નો હોય છે. આ મહિનામાં વેકેશનનો લાભ મળે છે તેથી શનિ-રવિની રજા સિવાયના મુરતમાં પણ લગ્નો લેવાતાં હોય છે. વર્તમાન પરિસ્થિતિના કારણે આ મહિનો સાવ કોરો ગયો છે. વાતાવરણ અનુકૂળ બનશે ત્યાં સુધીમાં લગ્નની મોસમ પૂરી થઈ જશે. બ્રાહ્મણોની દશા પાક વગરના ખેડૂત જેવી થઈ ગઈ છે. તેમનું ગાડું ચાલવાનું નથી, કારણ કે આવતા વર્ષે મુરત બહુ જ ઓછાં છે. સામાન્ય રીતે કારતકથી વૈશાખ મહિના સુધીનાં મુરત લેવાનાં હોય છે, પરંતુ હવે પછીના વૈશાખમાં શુક્રનો અસ્ત હોવાથી મહા મહિનામાં લગ્નો પૂરાં થઈ જશે. વર-કન્યાની રાશિના ચંદ્ર પ્રમાણે લગ્નનું મુરત નીકળે તેથી કદાચ આવતા વર્ષે ઘણાનાં લગ્ન લઈ શકાશે નહીં. જેમને ઉતાવળ હશે તેઓ સંજોગોને અનુકૂળ મનને મનાવી આર્ય સમાજ વિધિ, મંદિર કે કોર્ટમાં જઈ લગ્નો કરી લેશે. આવાં લગ્નોથી બ્રાહ્મણોને કોઈ લાભ થશે નહીં. શાસ્ત્રોક્ત વિધિમાં માનનારા કેટલાક યજમાનો અને બ્રાહ્મણોને છેક આવતા વર્ષે દેવઊઠી એકાદશી સુધી રાહ જોવી પડશે. સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાનો માટે આ કપરો સમય છે. તેઓ સ્વમાની છે તેથી યજમાન સામે આ બાબતની રજૂઆત કરતાં અચકાય છે. પ્રસંગોપાત્ત તમારી પાસે અપેક્ષા રાખતા બ્રાહ્મણો હાલમાં સીધું લેવા આવી શકે એમ નથી. તમારા હાથ નીચે કામ કરતા અન્ય લોકોને જે રીતે સહાય કરો છો એવી જ ભાવના રાખી યજમાન સ્વેચ્છાએ સહાય કરે તો જ તેમનું ઘર ચાલશે. -હાર્દિક અધ્યારુ, ગોરમહારાજ

લગ્નમાં મહેમાનોની સંખ્યા ઘટતાં આર્થિક નુકસાન થશે
ચાળીસ વર્ષથી કેટરિંગના બિઝનેસમાં છું. ૧૯૯૭ની મંદી જોઈ છે તો નોટબંધીનો પણ અનુભવ છે. આ વર્ષે કોરોના મહામારીના લીધે વેડિંગ-ઇન્ટસ્ટ્રી ટોટલી કૉલેપ્સ થઈ ગઈ છે. જૂન-જુલાઈમાં થનારાં લગ્નો રદ થઈ ગયાં છે. આગળનાં પેમેન્ટ આવ્યાં નથી ને નજીકના ભવિષ્યમાં બીજા ઑર્ડરો મળે એવી શક્યતા દેખાતી નથી. પોસ્ટ-લૉકડાઉન બાદ સામાજિક દૂરી રાખવી જરૂરી હશે. લાંબા સમય સુધી સરકાર દ્વારા ગેટ ટુગેધરની પરવાનગી આપવામાં નહીં આવે અથવા મર્યાદિત મહેમાનોને બોલાવવાની છૂટ આપવામાં આવશે. આપણે ત્યાં લગ્નનો પ્રસંગ આવે છે ત્યારે દાગીના, કપડાં, ડેકોરેશન, જમણવાર એમ કંઈ કેટલાય ખર્ચા લઈને આવે છે. પોસ્ટ- લૉકડાઉન આર્થિક મંદીની અસર શુભ પ્રસંગોમાં દેખાશે. આ આખી સાઇકલ ઠપ થઈ ગઈ છે. હવે સૌકોઈ બચત વિશે પહેલાં વિચારશે. એક હજાર મહેમાનોને બોલાવનારી પાર્ટી છસો મહેમાનોને બોલાવશે તો કેટરિંગના બિઝનેસને નુકસાન થવાનું જ છે. ડેસ્ટિનેશન વેડિંગને તો હાલના તબક્કે ભૂલી જ જાઓ. બિગ ફૅટ વેડિંગ ઓછાં થઈ જતાં આવતા વર્ષે બિઝનેસમાં ૨૦થી ૨૫ ટકાનો માર ખમવો પડશે એવું અનુમાન છે. પ્રસંગમાં જમણવાર નહીં થાય એવું નથી પણ મેનુના લિસ્ટમાં ખાસ્સો ફરક પડી જશે. લિમિટેડ આઇટમના લીધે પંદરેક ટકાની બીજી નુકસાનીનો અંદાજ છે. કેટરિંગના બિઝનેસ સાથે ઘણા નાના માણસો જોડાયેલા હોય છે. એક પ્રસંગના જમણવારને પહોંચી વળવા સેંકડો હેલ્પરને કામે લગાવવા પડે છે. ચિંતા એ છે કે આ બધા હેલ્પરો ડેઇલી વર્કરની શ્રેણીમાં આવે છે. તેમના માટે ગુજરાન કરવું કપરું થશે. સરકારે આ હેલ્પરોની આજીવિકા વિશે વિચારવું પડશે. વર્ષે બિઝનેસમાં ૨૦થી ૨૫ ટકાનો માર ખમવો પડશે એવું અનુમાન છે. પ્રસંગમાં જમણવાર નહીં થાય એવું નથી પણ મેનુના લિસ્ટમાં ખાસ્સો ફરક પડી જશે. લિમિટેડ આઇટમના લીધે પંદરેક ટકાની બીજી નુકસાનીનો અંદાજ છે. કેટરિંગના બિઝનેસ સાથે ઘણા નાના માણસો જોડાયેલા હોય છે. એક પ્રસંગના જમણવારને પહોંચી વળવા સેંકડો હેલ્પરને કામે લગાવવા પડે છે. ચિંતા એ છે કે આ બધા હેલ્પરો ડેઇલી વર્કરની શ્રેણીમાં આવે છે. તેમના માટે ગુજરાન કરવું કપરું થશે. સરકારે આ હેલ્પરોની આજીવિકા વિશે વિચારવું પડશે.- અતુલ ગાલા, કેટરિંગ બિઝનેસ


મેમરેબલ ઇવેન્ટને કૅપ્ચર કરવા અમારી જરૂર પડશે
આવનારા સમયમાં દરેક ક્ષેત્રમાં આર્થિક કટોકટી આવવાની છે. વેડિંગ-ઇન્ડસ્ટ્રીમાં પણ એની અસર દેખાશે. સરકારી માર્ગદર્શિકા પ્રમાણે એકાદ વર્ષ મોટા ગ્રાઉન્ડમાં લક્ઝરી લગ્નો થશે એવું લાગતું નથી. મહેમાનોની સંખ્યા ઘટી જતાં અને બૅન્ક્વેટ હૉલમાં લગ્નનું આયોજન થવા લાગશે તો મલ્ટિ કૅમેરા હાયર કરવાની જરૂર નહીં પડે. બિગ બજેટ લગ્નોમાં ફોટોગ્રાફર અને વિડિયો શૂટિંગ મળીને પાંચથી છ જણની ટીમ કામ કરે છે. નંબર ઑફ ઇવેન્ટ્સ ઘટી જતાં કામ ઓછું થઈ જશે. હવે એક ફોટોગ્રાફર અને એક વિડિયો શૂટિંગવાળાને હાયર કરવાનો જૂનો ટ્રેન્ડ પાછો આવી જશે. જોકે એના કારણે અમારા પર આધારિત કૉન્ટ્રૅક્ટ ફોટોગ્રાફરની આજીવિકાને અસર થશે. ઘણાએ તો હમણાંથી પોતાના આધુનિક કૅમેરા વેચવા કાઢ્યા છે. તેમની પાસે આ ઉપકરણો ખરીદવા માટે લીધેલી લોનના હપ્તા ચૂકવવા પૈસા નથી. બીજી તરફ આડેધડ ખર્ચ કરતી યંગ જનરેશનને લૉકડાઉનમાં રહીને પૈસાનું મહત્ત્વ સમજાયું છે. તેઓ હવે બજેટ-ફ્રેન્ડ્લી વેડિંગને પ્રાધાન્ય આપશે. કોર્ટ મૅરેજ કે ઑનલાઇન લગ્નો કરે એવું તો સાવ નથી લાગતું, પરંતુ તેઓ આપણી પરંપરાને જાળવી ઓછા બજેટમાં લગ્ન કરવાનું પ્રિફર કરશે. લગ્ન એટલે લાર્જર ધૅન લાઇફ ઇવેન્ટ. આ પ્રસંગને કૅપ્ચર કર્યા વગર નહીં ચાલે. ફોટોગ્રાફરની ડિમાન્ડ રહેવાની છે. એમાં લોકો કૉમ્પ્રોમાઇઝ નહીં કરે. પાર્ટી વીસ પેજનું આલબમ બનાવવાની જગ્યાએ પંદર પેજનું આલબમ બનાવડાવશે એટલો ફરક પડશે. માર્કેટમાં ટકી રહેવા અમારે વધુ ક્રીએટિવિટી આપવી પડશે. ફેબ્રુઆરી મહિનાથી આ ફીલ્ડને બૂસ્ટર મળશે એવી અપેક્ષા છે. -વસંત દોશી, ડિજિટલ ફોટોગ્રાફર


ડેસ્ટિનેશન વેડિંગ અને હનીમૂન-ટૂર તો હમણાં ભૂલી જ જવાનું
છેલ્લાં કેટલાંક વર્ષોથી ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધ્યો છે. આવા વેડિંગમાં ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના બિઝનેસને ખાસ્સી કમાણી થાય છે. વૈશ્વિક મહામારીથી ટૂરિઝમના બિઝનેસને મરણતોલ ફટકો પડ્યો છે. બીજી બાજુ અનેક ટિકિટો કૅન્સલ થતાં રીફન્ડ આપવામાં તકલીફ ઊભી થઈ છે. આ સંદર્ભે વાત કરતાં નામ ન આપવાની શરતે એક ટ્રાવેલ કંપનીના મૅનેજરે જણાવ્યું હતું કે ‘અમારા વ્યવસાયને સો ટકા અસર થઈ છે. ઇન્કમનો સોર્સ જ બંધ થઈ ગયો છે. આવતા એક વર્ષ સુધી તો સરકારે બુકિંગ લેવાની પણ ના પાડી છે. જ્યાં સુધી વૅક્સિન નહીં આવે લોકો વિદેશ જવાનું ટાળશે. કપલ્સનાં હનીમૂન કૅન્સલ થયાં છે. ફૉરેન ડેસ્ટિનેશન વેડિંગ થવાનાં નથી. દેશની અંદર પણ કંઈ દશા સારી નથી. હાલમાં જ રાજસ્થાનમાં એક ભવ્ય લગ્ન માટે કરવામાં આવેલું ગ્રુપ બુકિંગ કૅન્સલ થયું છે. પ્રોગ્રામ કૅન્સલ થાય ત્યારે માત્ર ફ્લાઇટ્સની ટિકિટ નથી હોતી, એની સાથે હોટેલ્સનાં બુકિંગ પણ હોય છે. આમ ડબલ માર પડે છે. પોસ્ટ-લૉકડાઉન કદાચ કોઈ ડેસ્ટિનેશન વેડિંગ કરવા માગતું હશે તો તેમને અલીબાગ, લોનાવલા કે મહાબળેશ્વર સુધી નજર દોડાવવી પડશે. એમાં અમને ફાયદો નથી થવાનો. બીજા રાજ્યમાં લગ્નનું આયોજન કરવાની છૂટ મળતાં ખાસ્સો સમય લાગી જશે. વધીને મુંબઈની પાર્ટી ગોવામાં લગ્નની ઉજવણી કરી શકે તો. બાકી અમારા બિઝનેસને જે માર પડ્યો છે એમાંથી બહાર નીકળતાં વાર લાગવાની છે. ધંધા ન હોવાથી અમારે ફરજિયાતપણે સ્ટાફ ઓછો કરવો પડશે. પચીસ માણસનો સ્ટાફ ધરાવતી ટ્રાવેલ કંપની ટૂંક સમયમાં દસ માણસનો સ્ટાફ કરી નાખે તો નવાઈ નહીં.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK