બિહારમાંથી આરોપીઓને પકડવામાં ક્ષતિ હશે તો અમે સુધારીશું : પોલીસ-કમિશનર

Published: 2nd September, 2012 04:36 IST

આઝાદ મેદાનમાં તોફાનો કરનારા આરોપીઓની બિહારમાંથી ધરપકડ કરવા દરમ્યાન અમારા ઑફિસરોથી કાર્યપદ્ધતિમાં કોઈ ક્ષતિ રહી ગઈ હશે તો અમે એ સુધારવાનો પ્રયાસ કરીશું એવું ગઈ કાલે મુંબઈના પોલીસ-કમિશનર સત્યપાલ સિંહે કહ્યું હતું.

satyapal-biharઆઝાદ મેદાનમાં ૧૧ ઑગસ્ટે થયેલાં તોફાનો બાદ અરૂપ પટનાઈકનું સ્થાન લેનારા કમિશનર સત્યપાલ સિંહે ગઈ કાલે પત્રકારો સમક્ષ બોલતાં કહ્યું હતું કે ‘બિહારના ડીજીપી તરફથી અમને લેટર આવ્યો છે, પણ મારે હજી જોવાનો બાકી છે. બિહારના ડીજીપી બહુ મદદશીલ છે એટલે કોઈ સમસ્યા ઉદ્ભવે એવું મને નથી લાગતું. અમે એકબીજાને સહકાર આપતા હોઈએ છીએ એટલે બિહારમાંથી પકડીને લાવવામાં આવેલા આરોપીઓની ધરપકડની પ્રક્રિયામાં કોઈ સમસ્યા હશે તો અમે એનો યોગ્ય રીતે ઉકેલ લાવીશું.’

૧૯ વર્ષના અબ્દુલ અન્સારીની મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે ગયા સોમવારે બિહારના સીતામઢી ગામથી અમર જવાન સ્મારકને નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ ધરપકડ કરી હતી. એની સામે બિહાર પોલીસની મંજૂરી લીધા વગર બિહારમાંથી કઈ રીતે તેની ધરપકડ કરવામાં આવી એવો સવાલ બિહારના સચિવે મુંબઈપોલીસને કર્યો હતો. આ સામે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ વિરોધ દર્શાવી મહારાષ્ટ્રમાંથી ઘૂસણખોર બિહારીઓને હાંકી કાઢવામાં આવશે એવી ધમકી આપી હતી અને રાજકીય સ્તરે વાતાવરણ ગરમ થઈ જતાં આ પૂરો વિવાદ વકરી ન જાય એ માટે ગઈ કાલે મુંબઈના પોલીસ-કમિશનરે આ વિવાદનો શાંતિપૂર્વક ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK