ત્રણ વખત બટન દબાવવાથી લિફ્ટ જલદી આવી જાય છે?

Updated: 26th December, 2018 20:53 IST | મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

ચિડાયા વગર કે ચિંતા કર્યા વગર કોઈ પણ વિલંબ, સમસ્યાઓ કે પીડાને સ્વીકારી લેવાની અથવા સહન કરવાની ક્ષમતા એટલે ધીરજ

આજના સ્પર્ધાત્મક વિશ્વમાં ધીરજ તો ભાગ્યે જ કોઈનામાં જોવા મળે છે. આથી જ ક્રિકેટની મૅચો પાંચ દિવસમાંથી એક-દિવસીય બની અને હવે T૨૦ની બોલબાલા છે. આ જ રીતે સ્ટૉકમાર્કેટમાં લાંબા ગાળાના રોકાણનું સ્થાન ઇન્ટ્રા-ડે ટ્રેડિંગે લઈ લીધું છે. હોમિયોપથી અને આયુર્વેદ કરતાં ઍલોપથી વધારે લોકપ્રિય હોવાનું પણ આ જ કારણ છે. છૂટાછેડાનું પ્રમાણ પણ આ જ કારણસર વધી રહ્યું છે. આથી જ વધુ ને વધુ લોકો સતત નોકરીઓ બદલતા રહે છે. આ જ કારણસર સંબંધોમાં તંગદિલી વધી ગઈ છે.

મેં લિફ્ટનું બટન વારંવાર દબાવતા લોકોને જોયા છે. શું બટન વધારે વખત દબાવવાથી લિફ્ટ જલદી આવી જવાની? આ જ રીતે શું બજાર પર વારંવાર નજર નાખવાથી વળતર વધી જવાનું? જો તમે રોકાણકાર હો તો સતત ભાવ જોતા રહેવાનો કોઈ અર્થ હોતો નથી. એને બદલે તમારા પોર્ટફોલિયોમાં જે કંપનીઓના શૅર છે એમનાં નાણાકીય પરિણામો પર તથા એમને લગતી ઘટનાઓ પર નજર રાખવી. એ રોકાણ રાખી મૂકવું કે વેચી દેવું એનો નિર્ણય લેવાનું આવી રીતે નજર રાખવાથી સહેલું બની જશે.

જીવનમાં ઉતાવળે બધું કરવાની લાયને કારણે આપણે શું ગુમાવીએ છીએ એના વિશે શાંતચિત્તે વિચાર કરવો જરૂરી છે. અધીરા બનીને ભાગદોડ કરવાથી ટૂંકા કે મધ્યમ ગાળામાં તમે અન્ય લોકો કરતાં આગળ નીકળી શકો છો, પણ લાંબા ગાળે તો તમને જ નુકસાન થશે.

સસલા અને કાચબાની વાર્તા ફક્ત વાર્તા નથી, વાસ્તવિકતાનું નિરૂપણ કરનારી છે. વર્તમાન સંજોગોમાં તો એ વધારે લાગુ પડે છે. અંગ્રેજીનો LIFE શબ્દ લઈએ તો એને લંબાવીને આ રીતે વર્ણવી શકાય. Living, Investing, Finance અને Economics હું મારું જીવન કેવી રીતે જીવવા માગું છું એ નક્કી કરવું એટલે Living. Investing એટલે રોકાણ કરવાની તમારી શૈલી. આ શૈલી દરેક વ્યક્તિની અલગ-અલગ હોય છે. એનું કારણ એ કે દરેક વ્યક્તિનાં કારણો અને પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. Living  અને Investing એ બન્ને બાબતો આત્મકેન્દ્રી છે, જ્યારે Finance અને Economics  બાહ્ય જગત સાથે સંબંધ ધરાવે છે. એના દ્વારા હું એવું કહેવા માગું છુ કે દરેક વ્યક્તિએ ફાઇનૅન્સ અને ઇકૉનૉમિક્સ વિશે અભ્યાસ કરવો જોઈએ, જેથી પોતાનાં નાણાંને લગતા નિર્ણયો સમજદારીપૂર્વક લઈ શકાય અને બજારની પ્રતિકૂળ પરિસ્થિતિથી પોતાનું રક્ષણ કરી શકાય. પોતાના પરિવારની રક્ષા કાજે આમ કરવું જોઈએ.

એ શક્ય બને એ માટે દરેક માણસ પોતાની ભૂલો સ્વીકારવા જેટલો નમ્ર હોવો જોઈએ. ભૂલો સ્વીકારી લીધા બાદ એવું મૉડલ કે પ્રક્રિયા વિકસાવવાં જોઈએ જે પેચીદા નિર્ણયો લેવામાં ઉપયોગી થાય. આમ કરવાથી ભૂલોનું પુનરાવર્તન થતું અટકશે. શૈક્ષણિક લાઇન ગમે એ હોય, નાણાકીય બાબતોનું જ્ઞાન દરેકની પાસે હોવું જોઈએ.

વિશ્વવિખ્યાત વિદ્વાનોનું લખાણ વાંચતાં રહેવાથી વિચારશક્તિ ખીલે છે. તમને જાણવા મળશે કે દરેક વિદ્વાન માણસ ધીરજ રાખવાની અને જીવનમાર્ગમાં વચ્ચે-વચ્ચે થોભીને વિચાર કરવાની સલાહ આપતો હોય છે. મહત્વ અલગ-અલગ કાર્યો કરવાનું નહીં, પણ એક જ કાર્ય અલગ-અલગ રીતે કરવાનું હોય છે. એ પણ શિસ્તબદ્ધ અને સાતત્યપૂર્ણ રીતે કરવાનું હોય છે.

 

લિફ્ટનું બટન ત્રણ વખત દબાવવાથી લિફ્ટ જલદી આવવાની નથી એ ઉદાહરણ પરથી તમે સમજી શકશો કે ધીરજ રાખવાથી તમે ચિંતામુક્ત રહી શકો છો અને તમારું બ્લડ-પ્રેશર કાબૂમાં રહી શકે છે.

First Published: 23rd December, 2018 20:35 IST
Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK