(ફ્રાઇડે-ફલક- કિરણ કાણકિયા)
એક બહુ જાણીતી વાત યાદ આવી ગઈ. પતિ-પત્ની વચ્ચે નાની વાતમાં વડછડ થતાં પત્નીથી બોલાઈ ગયું કે ‘અમે તમારાં કામ કરી શકીએ, પણ તમે અમારાં કામ ન કરી શકો.’
પતિએ વળતો ઉત્તર આપ્યો કે ‘હોશિયારી કરવી રહેવા દે... તમારે બૈરાંઓને કામ શું હોય? બે ટાઇમ રસોઈ, છોકરાઓને ઉછેરવા, બપોરે બે કલાક ઘોરવાનું અને નવરા બેઠાં ટીવી જોવાનું, પાડોશણ સાથે પંચાત કરવાનું. આ બધાં કામમાં બુદ્ધિ ક્યાં વાપરવાની...’
આ સાંભળતાં જ પત્ની બોલી ઊઠી, ‘જરા કરી તો જુઓ અમારાં કામ... નાકે દમ આવી જશે. આમાં શી ધાડ મારી... ફટાફટ કરી નાખીએ,’ પતિ ઉવાચ.’
‘તો લગાવો શરત... એક મહિનો નહીં. એક અઠવાડિયું, પણ ન ફાવે તો માત્ર એક દિવસ અમારા રોજિંદા કામ તમે પુરુષો કરી શકો તો હું માનું.’
પત્નીએ ચૅલેન્જ ફેંકી અને પતિ મહાશયે હા પાડી.
બીજે દિવસે પત્ની બનીથનીને તૈયાર થઈ ઓફિસે ગઈ અને પતિ મહાશય કિચનમાં... કહેવાની જરૂર નથી ચામાં સાકરને બદલે મીઠું અને દાળ, શાકમાં ઠેકાણાં નહીં તો રોટલીનો આકાર જાણે નકશો. બાળકોને તૈયાર કરતાં, સ્કૂલબૅગ ગોઠવતાં દમ નીકળી ગયો. જેમતેમ આખો દિવસ પૂરો કર્યો. બધાં જ કામમાં છબરડા... આ બાજુ પત્ની શિક્ષિત હોવાથી તેણે પતિનાં બધાં કામો બરાબર પાર પાડ્યાં. રાત્રે પતિ બોલી ઊઠuો, ‘અમે હાર્યા તમે જીત્યાં.’ આ તો જેનાં કામ જે કરે.
બ્રિટનમાં થયેલો સર્વે
આ વાત એટલા માટે યાદ આવી કે હાલમાં જ બ્રિટનમાં થયેલા એક સર્વે મુજબ પુરુષો ઘરનાં
નાનાં-મોટાં કામ કરવામાં આનાકાની કરે છે, તેથી પત્નીઓ તેના પતિને ઘરનાં કામ કરવવા માટે ઘૂસ (લાંચ)ની મદદ લે છે. આ ઘૂસ પતિને સ્પોટ્ર્સ ચૅનલ જોવાનો મોકો આપવા જેવી હોય છે. તે તેને ત્યારે પોતાની પસંદગીની ચૅનલ જોવા દે છે, જ્યારે પતિ દીવાલ પર તસ્વીર ટાંગવી, ઘરના ફર્નિચરની સાફસફાઈ ને જાળવણી, બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવાની જવાબદારી લે છે. આ સિવાય પોતાની પસંદનાં મોંઘાં ગૅજેટ ખરીદવાની પરવાનગી, પોતાના મિત્રો સાથે બૉય્ઝ નાઇટ આઉટ એટલે કે રાત્રે ફરવાની આઝાદી. આ પ્રકારે પત્નીઓ પતિઓને ઘરેલુ કામમાં મદદગાર બનાવે છે.
ફરમાનનો ડુંગર
ભારતીય સ્ત્રીઓની સ્થિતિ પણ આ બાબતમાં કંઈ જુદી નથી. તેની પાસે પણ ઘર-પરિવાર, પતિ, બાળકો, ઑફિસ, કરીઅર, સંબંધો નિભાવવા, વ્યવહાર સાચવવો વગેરે જવાબદારીઓનું લાંબું લિસ્ટ હોય છે. એમાં દર વખતે સુપર મોમ, સુપર વાઇફ, સુપર કરીઅર વુમન બનવાની આશા રખાય છે. આવામાં ઑફિસ અને ઘરની વચ્ચે તાલમેલ બેસાડવા સ્ત્રી ઘણી ન ગમતી બાજુઓ પર ઝઝૂમે છે.
એમાં વળી પતિ દ્વારા ફરમાન થયા કરે ‘ડિયર, મારા બૂટ ક્યાં છે. મારું ટિફિન પૅક કર્યું? મારા પિન્ક શર્ટનું બટન તૂટી ગયું છે, જલદી ટાંકી દે. પૅન્ટની ઇસ્ત્રી બરાબર નથી, ગિઝર ચાલુ કર્યું કે નહીં? મારી અગત્યની ફાઇલ ક્યાં મુકાઈ ગઈ? મારો સેલફોન અને ગાડીની ચાવી આપ તો જરા... તું કોઈ પણ કામ ઢંગથી નથી કરતી... તને ખબર છે હું આવાં બધાં કામો નથી કરી શકતો તો તારે ધ્યાન રાખવું જોઈએને? આવાં ફરમાનો-ફરિયાદોનો ડુંગર કોઈ પણ પત્નીને ભીતરથી ખળભળાવી દે છે. જે કામોની ફરિયાદ પતિ કરી રહ્યો છે એ કામો તો એ પોતે જ કરી શકે છે, પરંતુ કેટલાક પતિઓ આ બધાં કામો પત્નીનાં છે, એવું સમજે છે.
એકબીજાના પૂરક
આપણા સમાજમાં છોકરીઓને નાનપણથી જ ઘરપરિવારનાં કામો કરવાના સંસ્કાર અપાય છે. જેમ-જેમ છોકરી મોટી થતી જાય એમ મા તેને કેળવતી જાય છે, કેમ કે તેને પારકે ઘરે મોકલવાની હોય છે. તે પરણીને સાસરે આવે એટલે તેની પાસેથી બધાં જ કામોની અપેક્ષા રખાય છે, જેમ કે રસોઈ બનાવવી, ઘરની સાફસફાઈ, બાળકોની સંભાળ, શાકભાજી, કરિયાણું લાવવું અને વળી, ઑફિસ સંભાળવી. આ બેવડી જવાબદારી તેના શિર પર ઠોકી દેવાય છે.
એમાંય જો પત્ની બે દિવસ માટે ઘરની બહાર જાય તો તેનો સેલફોન વારંવાર રણકે છે. કંઈ ચીજ ક્યાં મૂકી છે એવું પતિ વારંવાર પૂછે છે અને ઘરે પાછી આવે તો ઘરમાં પથારા જ પથારા દેખાય છે. થાકેલીપાકેલી ઘરે આવે પણ હાશકારાને બદલે હડિયાપણ થાય છે. સ્ત્રી-પુરુષ તો બન્ને એકબીજાનાં પૂરક છે. તો પછી પુરુષો તેને ઘરેલુ કામમાં કેમ મદદરૂપ થતા નથી.
સાચા અર્થમાં સહયોગી
એક બૉલીવુડની અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે તારા થનારા પતિમાં શું ખૂબી હોવી જોઈએ? તો તેણે જવાબ આપ્યો કે ‘હું ઇચ્છું છું કે મારો થનારો પતિ સાચા અર્થમાં મારો સહયોગી, મારા લાઇફ પાર્ટનર હોય. તે દરેક પળે, સુખ-દુ:ખમાં મને સાથ આપે. તેનામાં એવો ઈગો ન હોય કે આ કામ મારું નથી. હું ન કરી શકું.’
ખરેખર, આજની દરેક શિક્ષિત કરીઅર માઇન્ડેડ યુવતી એવો જ પાર્ટનર ઇચ્છે છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં તેને પૂરો સહયોગ આપે. તેની લાગણી ભાવનાને સમજે. તેને સમાન અધિકાર આપે. તેના ઘરના કામમાં પૂરી મદદ કરે. વાત પણ સાચી છે, જ્યારે પત્ની ઘરની બહાર જઈને પતિને આર્થિક સપોર્ટ આપે છે તો પતિ પાસે ઘરનાં કામોની આશા રાખવી એ ખોટું નથી.
પતિનો સહયોગ જરૂરી
ઘરના કામમાં પતિ હાથ બટાવે તો જીવન કેવું સરળ ને સુખદ બની રહે છે એવું શિક્ષિકા નિકિતા કહે છે. મારા દીકરા હર્ષનો જન્મ થયો. ડિલિવરીની રજા પૂરી થતાં હું સ્કૂલમાં જવા સવારે સાડાછ વાગ્યે ઘરમાંથી નીકળી જતી. મારા પતિ ઘરનું બધું જ કામ સુપેરે સંભાળતા. રસોઈ બનાવીને હું જતી, પરંતુ હર્ષની દૂધની બાટલી ભરવી, ડાયપર બદલાવાં, માલિશવાળી બાઈ પાસે બધું બરાબર કરાવવું, ઘરનાં નાનાં-મોટાં કામ સાથે હર્ષને બરાબર સાચવે. હું નચિંત બની જતી અને ઘરે આવ્યા પછી બધી જ જવાબાદારી મારી. હવે તો મારો દીકરો મોટા થઈ ગયો. ખરેખર, મારા પતિના સહયોગને કારણે જ હું નિિત બની નોકરી નિભાવી શકી.’
આનાથી વિપરીત કેટલાક આળસુ ને અહંકારી પતિઓ ઘરે આવતાં જ હુકમ છોડતા હોય છે. ગરમાગરમ ચા-નાસ્તો કરીને ટીવીમાં ન્યુઝ જોવા બેસી જાય. ભાવતી વાનગીની ડિમાન્ડ કરે અને બાળકોને ધમકાવ્યા કરે.
જો પતિ માત્ર પત્ની પાસે જ ઘરનાં કામોની આશા રાખે અને જરા પણ મદદ ન કરાવે તો પત્નીની હાલત કેવી થાય? જો બોલે તો ઝઘડો થાય અને ન બોલો તો સહન કરવાનું. આવા સંબંધમાં કટુતા ફેલાય અને ઘરનો માહોલ તનાવભર્યો રહે.
પતિ પાસે કામ કરાવવાની ટિપ્સ
પુરુષ પ્રકૃતિથી જ સ્વતંત્ર અને લાપરવા હોય છે, પરંતુ એવું નથી કે તે ઘરનાં કામ નથી કરી શકતા. કેટલાક પુરુષો ઘરનાં કામ કરવામાં નાનમ અનુભવે. ઘરનાં કામો પોતાની શાનની વિરુદ્ધ છે એવુ સમજે. કેટલાકને ઑર્ડર કરતાં બધું જ મળી જાય છે. તો તે આળસુ બની જાય છે અને ઘરનાં કામ કરતાં કતરાય છે, દૂર ભાગે છે. આવામાં પત્નીઓ તેઓ પાસે ઘરનાં કામ કરાવવા માટે નીચેના ઉપાયો કરી શકે છે.
પતિને જ્યાં સુધી કહેવામાં નથી આવતું ત્યાં સુધી તે મદદ કરતો નથી, તેથી તેને કામ સોંપો. કામની આદત પાડો.
ઘરનાં કામોની જવાબદારી વહેંચી લો.
પહેલાં નાનાં-નાનાં કામ કરાવવાની શરૂઆત કરો.
થોડો પ્રેમ, થોડી સમજણ અને થોડી ધીરજ ધરીને કામ કરાવવાની ટેવ પાડો.
જ્યારે પતિ ઘરનાં કામોમાં મદદ કરે તો તેની પ્રશંસા કરો. તેનાં કામમાં ટીકા-ટિપ્પણ ન કરો.
ખરાબ કામ થવાથી પતિ પર છણકા ન કરો. તેને બદલે બન્ને સાથે મળીને કામ સુધારો.
પતિને કામ ન સોંપાય, ‘પતિ એટલે પરમેશ્વર’ એવી લઘુતાગ્રંથિમાંથી બહાર આવો. પ્રૅક્ટિકલ બનો.
‘સાથી હાથ બઢાના’ સૂત્ર પર વિશ્વાસ રાખી જીવનનૈયાને સડસડાટ ચલાવો અને જીવનનાં સુખદુ:ખ સાથે વહેંચીને ચાલો.
ઘણા વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન છોડી રહ્યા છે
7th March, 2021 07:15 ISTમુંબઈ : ફી વસૂલવા દો, નહીં તો સ્કૂલોને તાળાં લાગશે
5th March, 2021 07:32 ISTબોર્ડની પરીક્ષા તો જાહેર કરી, પણ બાકીના વિદ્યાર્થીઓનું શું?
3rd March, 2021 08:56 ISTહવે ટ્વિટર - ટ્રેન્ડ બન્યો બોર્ડના ચિંતાગ્રસ્ત વિદ્યાર્થીઓનો અવાજ
1st March, 2021 11:02 IST