જો ભગવાન પણ ઘર રાખતા હોય તો આપણે ઘરથી ભાગવાની શી જરૂર?

Published: 17th October, 2011 20:33 IST

ઘરનું વળગણ એ કોઈ પાપ નથી. ઘર છોડતાં કેટલું કષ્ટ પડે છે એ તો એ જ વ્યક્તિ સમજી શકે જેણે ઉજાગરા વેઠીને ઘર બનાવ્યું હોય-સજાવ્યું હોય. કહેવા ખાતર ભલે આપણે કહેતા હોઈએ કે માણસ ઘરમાં વસે છે, કિન્તુ હકીકત એ છે કે ઘર ખુદ માણસમાં વસતું હોય છે. માણસ ઘરમાં વસે એ વ્યવસ્થા કહેવાય, પરંતુ ઘર માણસમાં વસે એને વળગણ કહેવાય.(મન્ડે મંથન - રોહિત શાહ)

જે લોકો પાસે ઘર જ ન હોય અને ફૂટપાથ પર પડ્યા રહીને જિંદગી પૂરી કરતા હોય તેમને તો વળગણ કરવા માટેય ઘર ક્યાં હોય છે? ઘરનું વળગણ તેને જ હોય જેની પાસે ઘર હોય. જેની પાસે ઘર નથી એવો પ્રેમી બિચારો તેની પ્રેમિકા સામે કેવી લાચારી ફીલ કરે છે એ વાત એક કવિએ આ રીતે કહી છે -

ઘર સુધી તું આવવાની જીદ ના કર,
ઘર નથી - નહીંતર ના પાડું તને?


ઘરની વ્યાખ્યા

કવિ નિરંજન ભગતનું કાવ્ય છે : ઘર તમે કોને કહો છો?

જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવી પડે;
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર - ટોપીનોય - માથેથી ઉતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ કહો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સહેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે કહો શું તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?


જ્યાં ભાર ઉતારી શકાય, જ્યાં આભાર ન માનવો પડે, જ્યાં ‘હાશ’ હોય - હતાશા ન હોય, જ્યાં મિત્રો-મહેમાનોનું અભિવાદન થતું હોય, ટપાલી આપણા પત્રો લાવતો હોય એવું એક સરનામું એટલે આપણું ઘર. જગદીશ જોશી ઘરની વ્યાખ્યા ટૂંકમાં પણ માર્મિક રીતે પતાવે છે :

ઘર એટલે ચાર દીવાલ?
ઘર એટલે ચાર દી’ વ્હાલ!


દીવાલો હોવા છતાં વહાલને વહેવામાં જ્યાં દીવાલોનું નડતર ન રહેતું હોય એને ઘર કહી શકાય.

ઘર છોડવાની ઘટના

ગમે તેટલું વળગણ હોય છતાં ક્યારેક ઘર છોડવું જ પડતું હોય છે. કવિ રાજેન્દ્ર શાહ ભલે આપણને લલચાવે કે

ઘર ત્યજીને જનારને
મળતી વિશ્વ તણી વિશાળતા...

છતાં ઘર છોડતી વખતે હૃદય ચિરાઈ જાય છે, હૈયું નંદવાઈ જાય છે. કોઈ વધુ અભ્યાસ માટે તો કોઈ વ્યવસાય માટે ઘર છોડીને અન્યત્ર જઈ વસે છે. દીકરી પરણીને સાસરે જાય ત્યારે ઘર છોડે છે. પરણેલો દીકરો સ્વતંત્રતાના સુખની તલાશમાં ઘર છોડે છે. ક્યારેક દીકરા-વહુના ત્રાસથી મા-બાપ ઘર છોડે છે. કોઈ વખત શુદ્ધ વૈરાગ્યભાવથી માણસ સ્વેચ્છાએ ઘર છોડે છે તો કોઈ વખત વ્યક્તિનાં કરતૂત જોઈને તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. કેટલીક વખત સ્વાર્થનાં સમીકરણો અને પલાખાં ગૂંથીને ગંદી રાજરમત દ્વારા કોઈકને ઘર છોડવા મજબૂર કરવામાં આવે છે. રામનો ૧૪ વરસનો વનવાસ યાદ કરી જુઓ.

પણ એક વાત નક્કી કે માણસ સ્વયં ઘર છોડે કે ભલે મજબૂરીથી તેણે ઘર છોડવું પડ્યું હોય, તે જ્યાં જાય છે ત્યાં એક નવું ઘર વસાવી લે છે. નવું ઘર હોટેલ હોય કે હોસ્ટેલ, ધર્મશાળા હોય કે પંચવટી, મઠ હોય કે ઉપાશ્રય; એથી શો ફરક પડે છે? વળગણ તો રહે જ છેને! ઘર કંઈ આસાનીથી છૂટતું નથી, બૉસ! માણસ મૃત્યુ પામે અને તેની ડેડ બૉડીની સ્મશાનમાં અંતિમ ક્રિયા પતી ગઈ હોય ત્યારે પણ આપણે એમ જ કહીએ છીએ કે ફલાણી વ્યક્તિ ભગવાનના ઘેર પહોંચી ગઈ.

તે શું ભગવાનને પણ ઘર હોય?

જો ભગવાન પણ ઘર રાખતા હોય તો આપણે ઘરથી ભાગવાની શી જરૂર વળી?

વળગણ છૂટતું નથી

ઘરનું વળગણ હોવું એ કંઈ પાપ નથી. એમાં કશી અપવિત્રતા નથી. ઘર બનાવવા માટે માણસ આખી જિંદગી ખરચી નાખે છે. ઘરને સજાવવા માટે માણસ પારાવર પુરુષાર્થ કરે છે. ‘મારું ઘર કેવું હોય..’ આ વિષય ઉપર નિબંધ લખતો વિદ્યાર્થી ઘરની વ્યાખ્યા કદાચ નહીં જાણતો હોય છતાં પોતાની કલ્પનાનું ઘર તેના દિમાગમાં રમતું હોય છે. ઘર કોને કહેવાય એની ખબર માત્ર તેને જ પડે છે જેણે પોતે પોતાના પરિશ્રમથી ઘર બનાવ્યું હોય. વડીલોપાર્જિત ઘર કે વારસામાં મેળવેલા ઘરમાં વસનારાને ‘ઘર બનાવવા’નો અનુભવ ન હોય. ઘર બનાવવા માટે લોહીનાં ટીપાંનું સિંચન કરવું પડે છે, તન તોડવું પડે છે, ઉજાગરા વેઠવા પડે છે, લોનના હપતા ભરવા પડે છે, જિંદગી આખી કરકસર કરવી પડે છે. આટઆટલું કર્યા પછી દીકરો-વહુ ઘરમાં રાખવા તૈયાર ન હોય અને લાચારીથી ઘરડાઘરમાં જવું પડે ત્યારે માણસને કેવું વસમું લાગે! જ્યાં સૌ સાથે મળીને મોજથી જીવીશું એવાં ખ્વાબ સેવ્યાં હોય એવા ઘરમાંથી પુત્ર-પુત્રવધૂ અલગ રહેવા ચાલ્યાં જાય ત્યારે ભીતરમાં કેવો ભાર પેદા થાય! ઘરનું વળગણ ઝટ છૂટતું નથી. ક્યારેક ગામડાના ઘરમાં એકલાં વૃદ્ધ માજી રહેતાં હોય અને આપણે પૂછીએ કે ‘માજી, તમારો દીકરો તો શહેરમાં મોટા બંગલામાં વસે છે. નોકર-ચાકર ને ભરપૂર સાહ્યબીમાં જીવે છે. તમે આ જૂના-પુરાણા અને કશીય સગવડ વગરના જર્જરિત ઘરમાં કેમ પડ્યાં રહ્યાં છો?’ ત્યારે હળવાં ઝળઝળિયાં સાથે માજી કહે છે, ‘આ ઘર સાથે મારા આયખાની પ્રત્યેક પળ જોડાયેલી છે. આ ઘરની ઈંટેઈંટ સાથે મારા જીવતરની સ્મૃતિઓ અને લાગણીઓ સંકળાયેલી છે. આ ઘરમાં જ છેલ્લો શ્વાસ છૂટે એટલી ઝંખના છે. દીકરો અને વહુ બિચારાં બહુ આગ્રહ કરે છે - બહુ જીવ બાળે છે. વારંવાર મને મળવા અહીં આવે છે અને સાથે લઈ જવા હઠ પણ કરે છે. પણ ભઈલા, આ ઘર તો મારી કાયા ઉપરની ચામડી જેવું છે; એને છોડીને શી રીતે જાઉં?

તો સમજવું કે...

પોતાના ઘરનું વળગણ હોય એટલું જ ઇનફ નથી. ક્યારેક તો આપણે એવું ઘર પણ ઝંખીએ છીએ જે આપણું ન હોવા છતાં આપણું લાગતું હોય. એ ઘર ભલે મિત્રનું હોય કે કોઈ સ્વજનનું હોય. જ્યાં જવા માટે અગાઉથી પરમશિન લેવી પડતી ન હોય, જે ઘરમાં હરવા-ફરવા માટે કશી જ ફૉર્માલિટી નિભાવવી પડતી ન હોય. અધિકારપૂર્વક એ ઘરના કિચનમાં કે બેડરૂમમાં પણ જઈ શકાતું હોય. જ્યાં આવકારની અપેક્ષા પણ ઓગળી ગઈ હોય એટલું પોતીકાપણું છલકાતું હોય એવું ઘર બહુ સદ્ભાગી વ્યક્તિને જ મળે છે. કવિ માધવ રામાનુજની પંક્તિ સાંભળો -

એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું!

પારકું હોવા છતાં પારકાપણું ન લાગે એવું એકાદ ઘર પણ મળી જાય તો સમજવું કે આ ભવનો ફેરો ફોગટ નથી ગયો.

rohitshah.writer@gmail.com

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK