Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દુનિયાભરમાં લોકશાહી પદ્ધતિએ શિક્ષણની હિમાયત થઈ રહી છે ત્યારે...

દુનિયાભરમાં લોકશાહી પદ્ધતિએ શિક્ષણની હિમાયત થઈ રહી છે ત્યારે...

10 November, 2020 04:07 PM IST | Mumbai
Taru Kajaria

દુનિયાભરમાં લોકશાહી પદ્ધતિએ શિક્ષણની હિમાયત થઈ રહી છે ત્યારે...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકામાં જન્મેલી અને ઊછરેલી સત્તર વર્ષની પ્રિયા એક તેજસ્વી કિશોરી છે. નાનપણથી ભણવામાં ખૂબ જ હોશિયાર. વિજ્ઞાનના વિષયોમાં તેને વિશેષ રુચિ. છએક મહિના પહેલાં તે અમેરિકાના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રહેવા આવી અને તેને નવી સ્કૂલમાં પ્રવેશ લેવો પડ્યો. આ અરસામાં લૉકડાઉનને કારણે મોટે ભાગે તો ઑનલાઇન ભણવાનું બન્યું. પરંતુ આ દરમિયાન તેનો મૅથ્સનો પર્ફોર્મન્સ કથળી ગયો. ગ્રેડ્સ પણ ગબડ્યા. મમ્મી-પપ્પાએ તપાસ કરી તો ખબર પડી કે ચીની ટીચરની ઍક્સેન્ટ પ્રિયાને સમજાતી નહોતી. તેમણે પ્રિયાને કહ્યું કે ન સમજાય એ ટીચરને પૂછવાનું. તું પૂછતી કેમ નથી? પ્રિયાનો જવાબ કોઈ પણ ટીનેજર જેવો જ હતો : ‘વારંવાર પૂછું તો ટીચરને તેમની ઍક્સેન્ટ વિશે હું ફરિયાદ કરી રહી છું, હું તેમનું અપમાન કરી રહી છું એમ લાગે. વળી બધાની વચ્ચે હું ડમ્બ જ લાગુંને?’ ટીચરને ફરી સમજાવવાનું કહેવામાં પ્રિયાને સંકોચ થતો હતો. તે જાતમહેનતે નેટ પરથી શીખવા મથતી હતી. એવામાં તેની મૅથ્સની ઑનલાઇન ટેસ્ટ આવી. પ્રિયાએ પોતાનું ચાર પાનાંનું જવાબપત્રક મેઇલ કર્યું. નેટવર્કના પ્રૉબ્લેમ કે બીજી કોઈ ટેક્નિકલ ખામીને લીધે ટીચરને એક જ પાનું મળ્યું! ટીચરે એના આધારે ગ્રેડ્સ આપ્યા. અને પ્રિયાનો ટૉપ રૅન્કરનો રેકૉર્ડ જ નહીં, તેનો આત્મવિશ્વાસ પણ તૂટ્યો. પ્રિયાએ ટીચર સમક્ષ પોતાની વાત રજૂ કરી. સ્કૂલ પ્રિન્સિપાલે કહ્યું કે અચ્છા, તમે જે આન્સરશીટ ટીચરને મેઇલ કરી હતી એ મને મોકલો. એ મળ્યા બાદ પણ પ્રિયાની મૅથ્સ ટીચર તો તેના ગ્રેડ્સ બદલવા તૈયાર ન થઈ પરંતુ પ્રિન્સિપાલને પ્રિયાની સ્થિતિ વધુ સમજાઈ હોય એમ લાગ્યું. પ્રિયાની મમ્મીએ અગાઉ તેમને પ્રિયાની ટીચર બદલવાની વિનંતી કરેલી ત્યારે તેમણે કહેલું કે નવું સેમેસ્ટર શરૂ થશે ત્યારે જોઈશું. પરંતુ પ્રિયાની આન્સરશીટ જોયા બાદ જાણે તેમનું હૃદયપરિવર્તન થયું અને તેમણે તરત પ્રિયાને બીજી ટીચરના વર્ગમાં મૂકી દીધી. પ્રિયાને હવે મૅથ્સમાં કોઈ તકલીફ નથી. તે ખુશી-ખુશી પોતાનાં અસાઇનમેન્ટ્સ કરે છે અને પોતાનાં ભાવિનાં આયોજનોમાં વ્યસ્ત થઈ ગઈ છે.

આ કિસ્સો સાંભળ્યો ત્યારે મને બહુ નવાઈ લાગી હતી. પ્રિયાની ટીચર બદલવાની માગણી કેટલી યોગ્ય? એવો સવાલ પણ પારંપરિક શિક્ષણપદ્ધતિના માળખાથી ટેવાયેલા મનમાં ઊઠેલો અને તરત જ મને દલીલ કરેલી કે અન્ય સ્ટુડન્ટ્સ પણ એ ટીચર પાસે ભણતા જ હશેને! બીજી દલીલ એ પણ થયેલી કે પરીક્ષાના જવાબપત્રક જેવા મહત્ત્વના દસ્તાવેજો મેઇલ કરતી વખતે એ બરાબર ગયા છે અને પહોંચ્યા છે એની ચોકસાઈ કરવાનું પણ વિદ્યાર્થીએ શીખવું ન જોઈએ? અલબત્ત, આ વિચાર તો કદાચ આ ઘટનામાંથી સાંપડેલી શીખ હતી. ટૂંકમાં સ્કૂલ પાસેથી પ્રિયાની સહજ અપેક્ષા આપણા માળખામાં વધુપડતી લાગે એવી હતી.



આ સમગ્ર ઘટના અને એ વિશે થયેલું મનોમંથન ગયા અઠવાડિયે ‘ઇન્ટરનૅશનલ ડેમોક્રેટિક એજ્યુકેશન કૉન્ફરન્સ’ આઇડેકના કેટલાક સેશન્સમાં હાજરી આપવાનું બન્યું ત્યારે યાદ આવી ગયાં. નામ સાંભળતાં જ સમજાઈ ગયું હશે કે લોકશાહી ઢબે શિક્ષણ આપવાના હિમાયતી શિક્ષણવિદો અને ચારિત્રઘડતરના ક્ષેત્રે કામ કરતાં સામાજિક કાર્યકરોની આ સંસ્થા છે. એના દ્વારા આ કૉન્ફરન્સ યોજાય છે. પશ્ચિમી વિશ્વમાં આ ડેમોક્રેટિક સ્કૂલ્સની વિભાવના વધુ પ્રચલિત છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે ત્યાં પણ આ પ્રકારની શિક્ષણસંસ્થાઓ સક્રિય થયેલી છે. આ પ્રકારની સ્કૂલ્સ કે શિક્ષણસંસ્થાઓ બાળકોને ઘણીબધી ફ્રીડમ આપે છે. આવી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને શું ભણવું છે, કોની પાસેથી ભણવું છે, કેટલી વાર સુધી ભણવું છે, કયા વર્ગમાં બેસીને ભણવું છે જેવી પસંદગી કરવાની છૂટ આપવામાં આવે છે. પારંપરિક સ્કૂલોમાં નિયમો, શિસ્ત, ચુસ્ત રૂટીન ઇત્યાદિની જે ઔપચારિકતા હોય છે એ ડેમોક્રેટિક સ્કૂલ્સમાં ગેરહાજર હોય છે.


છેલ્લાં થોડાંક વર્ષોથી યોજાતી આ કૉન્ફરન્સમાં શિક્ષણજગત સાથે સંકળાયેલી અને ડેમોક્રેટિક પદ્ધતિએ શિક્ષણ આપતી વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાતની એક સંસ્થા પણ આ કૉન્ફરન્સમાં આમંત્રિત થાય છે. વડોદરાની ‘ઓએસિસ’ સંસ્થા જે બાળકોનું ચારિત્રઘડતર આવા મુક્ત માહોલમાં કરવામાં માને છે અને એ અઘરું લાગતું કામ સફળતાપૂર્વક કરે છે. આ વર્ષે આઇડેક નેપાલમાં યોજાયેલી. પરંતુ કોવિડ-19ના પ્રતાપે એને વર્ચ્યુઅલ કૉન્ફરન્સનું સ્વરૂપ મળ્યું હતું. એટલે દુનિયાભરમાંથી ડેમોક્રેટિક એજ્યુકેશન શૈલીના સમર્થકો અને પ્રૅક્ટિશનર્સ  આ વખતે આઇડેકના વેબિનાર્સમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. મેં જે કેટલાક સેશન્સમાં હાજરી આપી એમાં ડેમોક્રસી અને ડેમોક્રેટિક શૈલીએ ભણવા અને શીખવવામાં રસ ધરાવનાર વ્યક્તિઓના અનેક અનુભવો સાંભળવા મળ્યા. લોકશાહીમાં પ્રાપ્ત થતાં વિચાર, વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનું તેમને મન જે મૂલ્ય જોયું અને એ અધિકારોનું જતન કરવા માટેની જે ખેવના જોઈ ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારો ઉપર જે દ્વેષપૂર્ણ અને દમનકારી કાર્યવાહી ચાલી રહી ‍છે એ નજર સામે રમતી હતી. શાસકો વિરુદ્ધ કે સત્તાધીશોને અણગમતી કોઈ વાત ઉચ્ચારી ન શકાય એ સ્થિતિ એક લોકશાહી દેશમાં કેવી રીતે શક્ય બની શકે?  ‘સત્તા સામે શાણપણ નકામું’ માનીને જે રીતે આજે મોટા ભાગના મીડિયાકર્મીઓ આ બાબતે મૌન ધારણ કરી રહ્યા છે એ ખરેખર ખૂંચે એવું છે. સ્વતંત્ર અવાજ અને સ્વાયત્તતાની ઝુંબેશ ચલાવનારાઓ પણ આજે આ મામલા વિશે જે ઉપેક્ષાત્મક વલણ અપનાવી રહ્યા છે તેમને ખ્યાલ નથી કે આજે ભલે તમારો પ્રતિસ્પર્ધી ઝડપાયો, આવતી કાલે તમે પણ ઝડપાઈ શકો છો. અભિવ્યક્તિ સંદર્ભે સત્તાધીશોની આવી અને આટલી અસહિષ્ણુતા આપખુદશાહી કે તાનાશાહી શાસનવ્યવસ્થામાં વાસ્તવિકતા હોઈ શકે, પરંતુ લોકશાહી શાસનવ્યવસ્થામાં તો આ અસહિષ્ણુતા પછી એ સત્તાધીશોની હોય કે જનસમૂહની, એક ગંભીર બીમારીની એંધાણી છે. અને વહેલી નહીં તો મોડી પણ આ બીમારી તમામ દેશવાસીઓને અસર કરશે. એના ઇલાજમાં સત્વરતા, ચોકસાઈ અને શાણપણની સામેલગીરી અનિવાર્ય છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2020 04:07 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK