તું મને પહેલાં જેવો પ્રેમ નથી કરતો

Published: 20th September, 2020 18:14 IST | Kana Bantwa | Mumbai

ઘર કી મુર્ગી દાલ શા માટે બની જાય છે? એવું કયું તત્ત્વ છે જેને લીધે કહી દેવું પડે છે, ‘મુઝસે પહલી સી મુહબ્બત મેરે મહબૂબ ન માંગ...’

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક મિત્રની પત્ની લગ્નનાં ૨૦ વર્ષ પછી પતિને કહેતી રહે છે કે તું મને પહેલાં જેવો પ્રેમ નથી કરતો. આ મિત્ર જરાયે વિચલિત થયા વિના ઉમેરે છે કે શ્રીમતીજી વર્ષોથી આવું કહેતી જ રહે છે છતાં અમારું ગાડું ચાલતું રહ્યું છે. એક સુંદર યુવા યુગલ હજી બે મહિના પહેલાં જ આખી જિંદગી એકબીજા સાથે જીવવાના કૉલ આપી ચૂક્યું છે અને અત્યારથી જ ફરિયાદ શરૂ થઈ ગઈ છે કે તું મને પહેલાં જેવો પ્રેમ નથી કરતો. આ બે ઘટનાઓ જરાય યુનિક નથી. આ બહુ જ સામાન્ય બાબત છે. મોટા ભાગનાં યુગલોમાં આવું જ બનતું હોય છે. કોઈ કહે છે, કોઈ કહેતાં અચકાય છે, કોઈ વળી એવું છે જેને કહેવાની કશી પડી જ નથી અને કોઈ એવા પણ છે જેને ખબર છે કે કહેવા કે ન કહેવાથી કશો જ ફરક પડવાનો નથી, પણ જે યુગલો હજી પ્રેમના પથ પર ચાલવાની શરૂઆત કરી રહ્યાં હોય તેઓ આવી સ્થિતિને સુધારવા માટે અથાક મહેનત કરે છે. જે યુગલો લાંબો સમય સાથે રહ્યાં હોય, લગ્નજીવન ભોગવ્યું હોય, સંસાર-સંતાનોની પળોજણમાં પડી ગયાં હોય તેઓ આવી પરિસ્થિતિ સુધારવા માટે પ્રયત્ન નથી કરતાં, જે સ્થિતિ છે એ સ્વીકારી લેવાનું પસંદ કરે છે, પડ્યું પાનું નિભાવી લેવાની મજબૂરી સાથે. બહુધા લોકોને લાગે છે કે પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી હવે. એ તીવ્રતા, એ અદમ્ય ઝંખના, એ ચાહત, એ ઉત્સુકતા, એ તડપ, એ અદમ્ય આકર્ષણ, એ ખેંચાણ સમય જતાં ઓછાં થતાં જતાં હોવાનું કેમ અનુભવાય છે? ઘર કી મુર્ગી દાલ શા માટે બની જાય છે?

‘મુઝસે પહલી સી મુહબ્બત મેરે મહબૂબ ન માંગ

મૈંને સમઝા થા કી તૂ હૈ તો દરખ્શાં હૈ હયાત

તેરી સૂરત સે હૈ આલમ મેં બહારોં કો સબાત

તેરી આંખોં કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ?

તૂ જો મિલ જાએ તો તકદીર નિગોં હો જાએ

યૂં ન થા, મૈંને ફક્ત ચાહા થા યૂં હો જાએ.

ઔર ભી દુખ હૈ ઝમાને મેં મુહબ્બત કે સિવા.

રાહતેં ઔર ભી હૈ વસ્લ કી રાહત કે સિવા...’

ફૈઝ અહમદ ફૈઝની આ નઝ્‍મ જેવું શા માટે થાય છે એ સમજતાં પહેલાં થોડી રસપ્રદ વાત આ અદ્ભુત રચના વિશે કરી લઈએ, ભલે ગાડી પાટા પરથી થોડી ઊતરી જાય. વિદાયની, વિયોગની આ નઝ્‍મ અત્યંત લોકપ્રિય છે. વિવિધ ગાયકોએ એ ગાઈ છે અને ફિલ્મોમાં એનો ઉપયોગ થયો છે. નઝ્‍મના મુખડા પરથી એવું લાગે છે કે પ્રેમમાં જુદાઈ-વિદાયને કેટલી ગજબ રીતે રજૂ કરવામાં આવી છે, પણ ફૈઝ તો ક્રાન્તિકારી કવિ હતો. તેની આ નઝ્‍મમાં ઇન્કિલાબની સુવાસ છે. ફૈઝે શરૂઆતમાં પ્રેમની ઉત્કટતા દર્શાવી છે. પ્રેમિકા વગર જગતમાં કશું જ મહત્ત્વનું નથી એવું તે કેવા શક્તિશાળી શબ્દોમાં કહે છે, ‘મૈંને સમઝા થા કી તૂ હૈ તો દરખ્શાં હૈ હયાત. તું છે તો જિંદગી રોશન છે. તારા ચહેરાથી આ દુનિયામાં બહાર યથાવત્ છે, તારી આંખો સિવાય આ દુનિયામાં બીજું છે પણ શું? તું જો મળી જાય તો તકદીર પણ મારી સામે ઝૂકી જાય.’ કેટલા ઉત્કટ ભાવ, પણ પછી ફૈઝ કહે છે, ‘જગતમાં મિલનની રાહત સિવાયનનાં સુખ પણ છે અને મોહબ્બત સિવાયનાં દુ:ખ પણ છે. અહીંથી આગળ ફૈઝ દુનિયાનું બદરંગ ચિત્ર દોરે છે. દુ:ખની વણજાર ખડી કરે છે અને અંતે ‘અબ ભી દિલકશ હૈ તેરા હુશ્ન મગર કયા કીજે...’ કહીને લાચારી દર્શાવે છે, સંકેત આપે છે કે પ્રેમથી વિમુખ થઈને વિદાય નથી લઈ રહ્યો, પ્રાયોરિટી જગતનાં બીજાં દુ:ખ છે એ તરફ જઈ રહ્યો છું. આડવાત પૂરી. આ બહાને ગમતા સર્જકની ગમતી નઝ્‍મના મૂળ તરફ જવાની તક ઝડપી લીધી એટલું જ. હવે મૂળ મુદ્દા પર આવીએ. પહલી સી મુહબ્બત શા માટે નથી રહેતી? એવું શું થઈ જાય છે?

  જ્યારે કશુંક નવું હોય ત્યારે તે એક્સાઇટિંગ હોય છે, મનગમતું હોય છે, રોમાંચક હોય છે. ત્યારે શરીરમાં ડોપામાઇન નામના હૉર્મોનનો ટેમ્પરરી રશ હોય છે. એનાથી મગજને મજા આવે છે. ડોપામાઇનને કારણે તમને એ ચીજ મેળવવાની ઇચ્છા થાય છે, ગમતું શોધવાની ઇચ્છા થાય છે, ગમતાની સાથે જ રહેવાની ઇચ્છા થાય છે. એનાથી ધ્યેય ગમે તે ભોગે સિદ્ધ કરવા માટેની મનોવૃત્તિ પેદા થાય છે. ડોપામાઇન માણસને ઉત્તેજિત રાખે છે. હૉર્ની, યુ નો? અને જ્યારે આ પ્લેઝર કેમિકલ તરીકે ઓળખાતા ડોપામાઇનનો સ્રાવ ઓછો થઈ જાય ત્યારે? કેમિકલ લોચા ઓછા થઈ જાય. એ આકર્ષણ ન રહે. એ ઉતેજના ન રહે. બસ આટલું જ કારણ હતું? માત્ર એક-બે કેમિકલના જ લોચા હતા? ના. એવું નથી. આટલું તો વિજ્ઞાને લૅબોરેટરીમાં પ્રયોગ કરીને શોધી કાઢ્યું છે, પણ મન તો અત્યંત ગહન ચીજ છે. એ કરે એ સરળ ન હોય. મનનાં કારણ પણ સરળ ન હોય, કૉમ્પ્લેક્સ જ હોય. ગૂંચવણનું બીજું નામ મન છે. ન્યુરોન્સનાં અબજો કનેક્શન ધરાવતા મગજના પોતાની મેળે શીખતા, વિકસતા રહેતા સૉફ્ટવેર જેવું મન અબજો ગૂંચળાં ધરાવે છે અને આકર્ષણ, પ્રેમ, સ્નેહ, રતિ, પ્રીતિ વગેરે માત્ર મગજનાં કેમિકલ અને શરીર દ્વારા એની પ્રતિક્રિયા દ્વારા માત્રથી પેદા થનારા ભાવ નથી. આ ભાવ સ્થૂળ કરતાં સૂક્ષ્મ વધુ છે. પ્રેમ તો મનને પણ અતિક્રમી જાય છે, એટલે જ્યારે પ્રેમ શા માટે ઓછો થઈ જતો હશે એવો પ્રશ્ન ઉકેલવા બેસીએ ત્યારે મનની ઊંડાઈથી પણ વધુ ઊંડું ઊતરવું પડે અને જ્યારે પ્રેમની વાત કરીએ ત્યારે તો એમાં બાહ્ય પરિબળો અને ભૌતિક પરિબળો પણ ઉમેરવાં પડે. જેમ ચેસની રમતમાં ચાલ આગળ વધતી જાય એમ સંભાવનાઓ લાખો ગણી થવા માંડે એમ આ બધાં પરિબળો ગણ્યા પછી સંભાવનાઓ અનેક થઈ જાય.

  કેટલાક માણસો એવા હોય છે જેમને ચાહેલી વસ્તુ મેળવવા કરતાં એ મેળવવાની જર્ની વધુ મજેદાર લાગતી હોય છે. ઇચ્છિત વસ્તુ પાછળની દોટ તેને આનંદ આપે છે. એ વસ્તુ મળી જાય પછી પેલી દોટની મજા રહેતી નથી. તેના મનમાં મળી જનાર વસ્તુનું મૂલ્ય એટલું રહેતું નથી, જેટલું મૂલ્ય તેને ઇચ્છતી વખતે હોય. જે વસ્તુ મળી જાય એમાં નાવીન્ય રહેતું નથી. એમાં કશું અનએક્સ્પેક્ટેડ રહેતું નથી. કશું આશ્ચર્યજનક નથી રહેતું. સંબંધનો સૌથી મોટો દુશ્મન પ્રીડિક્ટેબિલિટી છે. ધારેલું બધું ફિક્કું લાગે છે, જે ધાર્યા કરતાં અલગ છે એ રોમાંચિત કરે છે. આશ્ચર્યનું તત્ત્વ રસ જાળવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. કેટલાક લોકો નાવીન્યના એટલા દીવાના હોય છે કે એના વગર તેને જીવન વ્યર્થ લાગવા માંડે છે. તેને રોજ આંગળાં જ નહીં, આખો હાથ કરડી ખાવો પડે એવાં એક્સાઇટમેન્ટની જરૂર પડે છે. માણસ ઍડ્વેન્ચર એટલે જ પસંદ કરે છે. દુર્ગમ પહાડ ચડવા જનાર કે પૅરૅશૂટમાંથી કૂદકા મારનાર કે એકલા જ ડેથ વૅલી પાર કરવા નીકળનાર કે પતંગ બાંધીને ખીણમાં કૂદકો મારનાર કે સર્ફિંગ કરનાર કે એકલા દરિયો ખેડવા નીકળનાર કે જંગલમાં એકલા ભટકનાર કે સ્કાય ડાઇવિંગ કરનાર જોખમ સામે રોમાંચ માટે જ લડે છે. જોખમ ખેડતાં જે એડ્રિનાલિન રશનો અનુભવ થાય છે એ તેમને માટે આનંદનું ઉત્કૃષ્ટ સાધન છે. આ માટે તેઓ જીવને જોખમમાં મૂકવા માટે પણ તૈયાર થઈ જાય છે. અત્યંત ઝડપથી કાર ડ્રાઇવ કરવામાં પણ એ જ એડ્રિનાલિન રશનો આનંદ મળે છે. આવો જ રોમાંચ પ્રેમમાં પડેલાઓ અનુભવે છે. પણ સમસ્યા એ છે કે રોમાંચ પેદા કરનાર સંજોગો જૂના થઈ જાય છે. એ પણ ઘરેડમાં જ પલટાઈ જાય છે.

  સમસ્યા સાવ જ જુદી છે. કારણ સાવ જ અલગ છે. જે ફેડ થઈ જાય છે, ઓછું થઈ જાય છે, ઘસાઈ જાય છે એ પ્રેમ નથી, રોમાંચ છે, થ્રિલ છે, ઉત્તેજના છે. આપણે આ જ બધી ચીજોને પ્રેમ માની લઈએ છીએ એ પ્રૉબ્લેમ છે. પ્રેમ હોય તો આ બધું જ આવે; થ્રિલ, રોમાંચ, ઉત્તેજના બધું જ, પણ આ બધું હોય એટલે પ્રેમ હોય એવું નથી હોતું. હોઈ પણ ન શકે. આ બધું તો બીજી કેટલીયે રીતે મેળવી શકાય. પ્રેમ ન હોય તો પણ કોઈ વિજાતીય વ્યક્તિ સાથે હોવાથી પણ આ અનુભવી શકાય. ઍડ્વેન્ચરથી પણ મેળવી શકાય. નશીલી ડ્રગ્સથી પણ મેળવી શકાય, પણ પ્રેમ આવી કોઈ ચીજોથી મેળવી શકાતો નથી. પ્રેમ બહુ જ અલગ ચીજ છે. એ તો દિલની ઊંડાઈમાંથી ઉદ્ભવે. એ થાય, કરી ન શકાય. એટલે જ્યારે એવું લાગે કે સામેનું પાત્ર પહેલાં જેવો પ્રેમ નથી કરતું ત્યારે એમ સમજવું કે આકર્ષણમાં ઓટ આવી છે, રોમાંચમાં ઘટ આવી છે, એક્સસાઇટમેન્ટમાં ઓછપ વર્તાય છે અને આ બધું તો વિવિધ ઉપાયોથી વધારી શકાય, સાચુંને?

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK