Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આવું ઇમોશનલ ડિસ્ટન્સિંગ કેમ?

આવું ઇમોશનલ ડિસ્ટન્સિંગ કેમ?

22 June, 2020 07:01 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

આવું ઇમોશનલ ડિસ્ટન્સિંગ કેમ?

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત


સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની કહેવાતી ચમક પાછળ રહેલા અંધકાર પર પ્રકાશ પાડવાનું કામ કર્યું છે. કેવી રીતે અહીં એક સક્ષમ અભિનેતાને એકલો પાડી તેની કારકિર્દીનું ખૂન કરી નાખવામાં આવે છે એના પર આપણને વિચારવા પર મજબૂર કરી દીધા છે. આગામી વર્ષોમાં આપણે કોરોના જેવી બીમારીઓ સામે લડવા કદાચ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું પડે, પરંતુ શું આવું ઈમોશનલ ડિસ્ટન્સિંગ ગેરવ્યાજબી નથી?

2020નું વર્ષ ખરેખર ભારત માટે આકરું પુરવાર થઈ રહ્યું છે. એક બાજુ જ્યાં વિશ્વના અન્ય દેશોની સાથે આપણે પણ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યા છીએ ત્યાં જ બાકી રહી ગયું હોય એમ ચીન સાથે પણ સરહદ પર તનાવ વર્તાઈ રહ્યો છે. પરિણામે આ વર્ષ માટે જાતજાતના મેસેજો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવો શબ્દ આજ સુધી આપણી ડિક્શનરીમાં ક્યારેય નહોતો, પણ હવે એ ફક્ત આપણી ડિક્શનરીનો જ નહીં આપણા જીવનનો પણ અવિભાજ્ય અંગ બની ગયો છે. બીજી બાજુ આ જ સમયગાળા દરમિયાન આપણે આપણી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે ખ્યાતનામ અભિનેતા ઇરફાન ખાન તથા રિશી કપૂરને પણ ગુમાવી દીધા. તેમ છતાં એ બન્ને લાંબા સમયથી ભયાનક બીમારીથી પીડાતા હોવાની આપણને ખબર હોવાથી ક્યાંક તેમના જવાથી આપણને એટલો આઘાત નહોતો લાગ્યો જેટલો આઘાત તાજેતરમાં યુવાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે આપ્યો છે.
નાના પડદેથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સુશાંત સિંહ રાજપૂતે પોતાની અભિનયક્ષમતાના બળે બહુ ટૂંકા ગાળા તથા ઓછી ફિલ્મો છતાં રૂપેરી પડદે પણ પોતાનું અલગ નામ ઊભું કર્યું હતું, પરંતુ કહેવાય છે કે નાના શહેરમાંથી આવેલા અને કોઈ જ ફિલ્મી બૅકગ્રાઉન્ડ ન ધરાવતા આ યુવકની લોકપ્રિયતા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં અનેક મોટાં માથાંઓને આંખમાં કણીની જેમ ખૂંચી રહી હતી. તેથી તેમાંના કેટલાકે પોતાના વર્તુળમાં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને અન્યો પર પણ એવું કરવા માટે દબાણ કરી રહ્યા હતા. પરિણામે છેલ્લા કેટલાક મહિનાઓથી સુશાંત સિંહ ડિપ્રેશન નામની માનસિક બીમારી સામે સંઘર્ષ કરી રહ્યો હતો એટલું જ નહીં, આત્મહત્યા કરતાં પહેલાં પણ તેણે પોતાના કેટલાક ઘનિષ્ઠ મિત્રો તથા સ્વજનોને ફોન કરીને તેમની સાથે વાતચીત કરી હતી, પરંતુ આ ફોનકૉલ્સમાં પણ ખબર નહીં તેને એવું તે શું સાંભળવા મળ્યું કે જેને પગલે તેને મૃત્યુ વધુ સહેલું લાગ્યું. તેના નિધન બાદ આખી ઇન્ડસ્ટ્રીમાં જાણે હાહાકાર મચી ગયો હોય એમ બધા જ શોક પ્રકટ કરવા માંડ્યા, પણ જ્યારે તેને ખરેખર મદદની જરૂર હતી ત્યારે કોઈએ તેનો હાથ પકડ્યો નહીં અને એક ઊગતો સિતારો ધૂમકેતુની જેમ એકાએક જ ખરી પડ્યો.
પરંતુ આ ઘટના પછી મનમાં એક વિચાર આવ્યો. શું 4-જી, 5-જી, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આઇફોન, ફરારીથી ભરેલા ભારતનાં મેટ્રોપોલિસ શહેરો અને જ્યાં લોકોને આજે પણ સારી સુવિધાઓ નથી મળતી એવાં ભારતનાં પછાત કે ગરીબ રાજ્યો વચ્ચે પણ હવે સોશ્યલ ડિસ્ટન્સ વધી ગયું છે?
સુશાંત સિંહ રાજપૂત પટનાનો હતો. પટના જેવાં ભારતમાં ઘણાં શહેરો હશે જે વીસમી તથા એકવીસમી સદીના સંધિકાળમાં છે. જ્યાં કદાચ મેડિકલ, કલ્ચરલ, એજ્યુકેશનલ સુવિધાઓ આજેય વીસમી સદીના દોરની છે; પરંતુ ગ્લોબલ એક્સપોઝર, ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા એકવીસમી સદીના છે. ભારતમાં ટિકટૉક કે એમએક્સ પ્લેયર જેવાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ તથા ઓટીટી પ્લૅટફૉર્મ્સને સૌથી મોટો ગ્રાહકવર્ગ આવાં જ શહેરોમાંથી મળી રહ્યો છે. કરોડો યુવકો ત્યાં બેઠાં-બેઠાં આજે વિશ્વના લેટેસ્ટ ટ્રેન્ડ્સ, ફૅશન વગેરેની માહિતી મેળવી શકે છે. એમાંથી ઇચ્છા જન્મે છે, મહત્ત્વાકાંક્ષા જન્મે છે, અભિલાષા જન્મે છે અને તેઓ મુંબઈ-દિલ્હી જેવાં મોટાં શહેરો તરફ ભાગી આવે છે. નિર્દય બુલેટની ઝડપે ચાલતાં જીવનથી ભરેલાં આ શહેરોની ચકાચૌંધમાં તેમને મજા તો ખૂબ આવે છે, પરંતુ અહીંની આંધળી ઈર્ષ્યા અને ગળાકાપ હરીફાઈ તેમને માફક આવતી નથી. પરિણામે ઘણી વખત તેમની હાલત પેલા ટૉમ ઍન્ડ જેરી કાર્ટૂનમાં આવતા ટૉમ જેવી થઈને રહી જાય છે જે સતત મુસીબતથી પીછો છોડાવવા ભાગતો જ રહે છે.
કદાચ એટલે જ મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોમાં આવીને વસેલા બહારગામના વધુ સરળ જીવનશૈલી ધરાવતા આવા લોકો આ રેસમાં ભાગી-ભાગીને હતાશ થઈ જતા હશે. પર્ફોર્મન્સ પ્રેશર, સ્ટેટસ પ્રેશર, સોશ્યલ પ્રેશર વગેરે-વગેરેનો સામનો કરી-કરીને આખરે નિરાશ થઈ જતા હશે. સુશાંત સિંહ માટે કહેવાય છે કે તેની ઘણી સોશ્યલ મીડિયા પોસ્ટમાં તે લોકોને પોતાની ફિલ્મો જોવાની અપીલ કરતો અને કહેતો કે તેનું કોઈ ગૉડફાધર નથી તેથી તેની ફિલ્મો નહીં જુઓ તો તે બૉલીવુડમાંથી ફેંકાઈ જશે. ખુલ્લેઆમ આવી પોસ્ટ લખનાર સુશાંત પટનાથી પોતાની મહેનતના બળે મુંબઈ આવી તો ગયો, પરંતુ આટલાં વર્ષો મુંબઈમાં રહ્યા બાદ પણ કદાચ આ શહેર કે એના ઠેકેદારોએ તેને ખુલ્લા હાથે તથા ખુલ્લા હૃદયે સ્વીકાર્યો નહીં. આ ઇમોશનલ તથા સોશ્યલ ડિસ્ટન્સ ભલભલાને ભાંગી નાખે એવું હોય છે અને મેટ્રોપોલિસ શહેરોની આ જ વિડંબણા છે. દૂરદરાજનાં શહેરો કે ગામડાઓમાંથી આવેલા આવા લોકો બિચારા ગમેતેટલો સમય મેટ્રોમાં રહે, તેમના હૃદયના કોઈક ખૂણામાં એવી સાદગી, કોમળતા, નિર્દોષતા કે સહજતા રહી જતી હશે જેના લીધે મેટ્રોની માયાજાળમાં તેમને વારંવાર આઉટસાઇડર જેવી લાગણીનો અનુભવ થતો હશે.
વિકાસની રફતાર શહેરો, ગામડાઓ તથા મેટ્રોમાં અલગ-અલગ હોય છે. એટલે જ અગાઉ કહ્યું એમ ભારત એવો યુનિક દેશ છે જે ભારત અને ઇન્ડિયાની વચ્ચે ઝૂલ્યા કરે છે. ૧૯મી, ૨૦મી તથા ૨૧મી સદીમાં ઝૂલ્યા કરે છે. પગે ચાલીને હજારો કિલોમીટર ચાલીને વતન પરત ફરતા મજૂરો તથા પ્રાઇવેટ જેટ્સમાં ઊડાઊડ કરતા લોકો વચ્ચે ઝૂલ્યા કરે છે. મેટ્રોમાં અત્યારે વર્ક ફ્રૉમ હોમ કરી રહેલી વ્યક્તિને કદાચ એ ચિંતા છે કે તેના ઘરની વાઇફાઇની સ્પીડ કેમ કૉલ વચ્ચે ડ્રૉપ થઈ ગઈ? પરંતુ ત્યાં જ ઉત્તર પ્રદેશ અને બિહારનાં પોતાનાં નાનાં-નાનાં ગામડાઓમાં પાછા ફરી ગયેલા કરોડો મજૂરોને ચિંતા છે કે સાંજના ચૂલો સળગાવવા ઈંધણ તથા સળગાવ્યા પછી રાંધવા માટે અનાજ ક્યાંથી લાવવું?
એવું નથી કે ભારત એકલો જ આવી વિષમતાથી ભરેલો દેશ છે. વિકાસશીલ દેશોમાં લગભગ બધે જ આવી સ્થિતિ છે, પરંતુ આ ઇમોશનલ ડિસ્ટન્સિંગ ઘટાડવું એ આપણા સૌની ફરજ છે. ખાલી ફેસબુક કે ટ્વિટર પર લખવા પૂરતું નહીં; હકીકતમાં કોઈની પીડા કે દર્દને સમજીને, તેનો સાથ આપીને, તેનો હાથ પકડીને. તો જ કદાચ આવી હૃદયદ્વાવક ઘટનાઓ પર ક્યાંક કાપ મૂકી શકાશે. અલબત્ત એ ક્યારે અને કેવી રીતે થશે એનો તો ખ્યાલ નથી, પણ અત્યારે તો સુશાંત સિંહ રાજપૂતના નિધન પર થયેલો તમાશો જોતાં અમિતાભ બચ્ચનના પિતા અને હિન્દી સાહિત્યના ખ્યાતનામ કવિ હરિવંશરાય બચ્ચનની એક કવિતા હૃદયમાં લાગેલી ટીસની જેમ વારંવાર યાદ આવી રહી છે.
નભ કે સીમાહીન પટલ પર
એક ચમકતી રેખા ચલકર
લુપ્ત શૂન્ય મેં હોતી-બુઝતા એક નિશા કા દીપ દુલારા!
દેખો, ટૂટ રહા હૈ તારા!
હુઆ ન ઉડુગન મેં ક્રંદન ભી,
ગિરે ન આંસુ કે દો કણ ભી
કિસકે ઉર મેં આહ ઉઠેગી, હોગા જબ લઘુ અંત હમારા!
દેખો, ટૂટ રહા હૈ તારા!
યહ પરવશતા યા નિર્મમતા
નિર્બલતા યા બલ કી ક્ષમતા
મિટતા એક, દેખતા રહતા દૂર ખડા તારક-દલ સારા!
દેખો, ટૂટ રહા હૈ તારા!



ભારત એવો યુનિક દેશ છે જે ભારત અને ઇન્ડિયાની વચ્ચે ઝૂલ્યા કરે છે. પગે ચાલીને હજારો કિલોમીટર ચાલીને વતન પરત ફરતા મજૂરો તથા પ્રાઇવેટ જેટ્સમાં ઊડાઊડ કરતા લોકો વચ્ચે ઝૂલ્યા કરે છે. મેટ્રોમાં અત્યારે વર્ક ફ્રૉમ હોમ કરી રહેલી વ્યક્તિને કદાચ એ ચિંતા છે કે તેના ઘરની વાઇફાઇની સ્પીડ કેમ કૉલ વચ્ચે ડ્રૉપ થઈ ગઈ? પરંતુ ત્યાં જ ઉત્તર પ્રદેશ અને બિહારનાં પોતાનાં નાનાં-નાનાં ગામડાઓમાં પાછા ફરી ગયેલા કરોડો મજૂરોને ચિંતા છે કે સાંજના ચૂલો સળગાવવા ઈંધણ તથા સળગાવ્યા પછી રાંધવા માટે અનાજ ક્યાંથી લાવવું?


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2020 07:01 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK