ક્વિટ વૉટ્સઍપ

Published: 17th January, 2021 14:57 IST | Rashmin Shah | Mumbai

એવું તે શું બન્યું કે જે વૉટ્સઍપ વિના ચાલતું નહોતું એ જ વૉટ્સઍપ માત્ર ૧૦ દિવસમાં લાખો લોકોએ પડતું મૂકી દીધું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હા, રીતસરની આવી એક મૂવમેન્ટ શરૂ થઈ છે અને એને લીધે વિશ્વની સૌથી જાયન્ટ એવી સોશ્યલ મીડિયા કંપનીએ પણ પોતાના નિર્ણયથી પાછા પગ કરવા પડ્યા. જોકે એ પાછા પગ છે, નિર્ણય પાછો ખેંચવાની વાત નથી અને એટલે જ જાણવાની જરૂર છે કે એવું તે શું બન્યું કે જે વૉટ્સઍપ વિના ચાલતું નહોતું એ જ વૉટ્સઍપ માત્ર ૧૦ દિવસમાં લાખો લોકોએ પડતું મૂકી દીધું

પહેલી વાત, વૉટ્સઍપે પાછા પગ ખેંચી લીધા છે અને જે નવી શરતો પહેલાં ૮ ફેબ્રુઆરીથી લાગુ થવાની હતી એ નવી શરતો હવે ૧૫મી મેથી લાગુ થવાની છે એટલે ત્યાં સુધી વૉટ્સઍપ સુરક્ષિત છે, પણ મુદ્દો એ છે કે વૉટ્સઍપ કયા કારણે અસુરક્ષિત લાગવા માંડ્યું હતું અને એવું તે શું બન્યું કે એન્જેલિના જોલીથી માંડીને કરણ જોહર, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર અને આદિત્ય ચોપડા જેવી સેલિબ્રિટીએ રાતોરાત એ વાપરવાનું બંધ કરી દીધું? એવું તે શું બન્યું કે વૉટ્સઍપ જેવી દુનિયાની સૌથી જાયન્ટ સોશ્યલ મીડિયા કંપનીએ પણ પહેલી વાર પ્રિન્ટ મીડિયાનો આશરો લઈને સ્પષ્ટતા કરવી પડી કે તમે સમજો છો એવું કંઈ નથી, અમે તમારી વિન્ડોમાં ડોકિયું કરવાના નથી.

આ આખી કન્ટ્રોવર્સી સમજવી અનિવાર્ય છે અને એ પણ અઘરા શબ્દો વિના.

વિવાદનું મૂળ

વૉટ્સઍપે એવું જાહેર કર્યું કે નક્કી કરીએ છીએ એ દિવસથી અમે તમારા તમામ મેસેજ જોઈશું અને કૉલ સાંભળીશું, આ પ્રક્રિયા કરવા ઉપરાંત અમે અમારી ગ્રુપ-કંપની એટલે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પણ સમયાંતરે તમારા મેસેજ આપી શકીશું, જેનો એ ઉપયોગ કરી પોતાનું ક્લાયન્ટલ સ્ટ્રૉન્ગ કરશે. વાત આગળ વધારતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા, આ જ શબ્દોમાં વૉટ્સઍપે નથી કહ્યું પણ એનો સીધો ભાવાર્થ આ જ અને આવો જ થાય છે. હવે જે વાતને વૉટ્સઍપે કહી છે એને સહજ રીતે ઉદાહરણ સાથે સમજીએ. વૉટ્સઍપ કહે છે કે તમારી ચૅટ, તમારા કૉલ પરથી અનુમાન લગાવી શકે છે કે તમે શું વાત કરો છો અને શું કામ એ ચર્ચા કરી રહ્યા છો. ધારો કે તમે તમારી વાઇફ સાથે ભવિષ્યનું પ્લાનિંગ કરતા હો તો વૉટ્સઍપ એના આઇવીએફ ક્લાયન્ટને એ વાત આપી શકે છે અને વૉટ્સઍપ એ વાતના આધારે તમને એવી ઍડ્વર્ટાઇઝમેન્ટ પણ દેખાડી શકે છે. આગળની અને જરા વધારે આકરી વાત હવે આવે છે. તમારી આ વાતોના આધારે વૉટ્સઍપ તમને તમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એ મુજબના કૉન્ટૅક્ટ પણ સજેસ્ટ કરી શકે છે. સાંભળવામાં કે વાંચવામાં સરળ લાગે ,પણ વિચાર કરો કે ઇન્ટિમસીની થઈ રહેલી વાતો પછી તમને એ પ્રકારના વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિઓના કૉન્ટૅક્ટ્સ સામેથી આવવા માંડે તો વાત ક્યાં પહોંચે? જરા નરમાશથી વાત કરીએ, તમે તમારા ઘર માટે હળદર લેવાની વાત કરતા હો અને એવા સમયે તમારી આંખ સામે ઑનલાઇન મળતી હલદીઓની જાતજાતની સ્કીમ આવવા માંડે તો શું થાય? ધારો કે તમે નવપરિણીત છો અને તમે સેફ સેક્સની વાત કરતા હો એવા સમયે તમારા કે તમારા જીવનસાથીના સોશ્યલ મીડિયા પર એકધારી એવી ઍડ્સ દેખાવાની શરૂ થઈ જાય તો કેવા સંજોગો સર્જાઈ જાય?

બસ, આ વિવાદનું મૂળ અને આ વિવાદની ધરોહર. અહીંથી વિવાદની શરૂઆત થઈ અને એ વિવાદ સાથે જ લોકો વૉટ્સઍપ છોડીને ભાગતા થયા.

ભાગો, ભાગો

હા, આ જ માહોલ ઊભો થયો છે અત્યારે. વૉટ્સઍપે જેવી એની નવી નીતિઓ જાહેર કરી કે તરત જ દેકારો બોલી ગયો અને લોકોએ વૉટ્સઍપ છોડીને ટેલિગ્રામ અને નવી જ આવેલી ચૅટ ઍપ એવી સિગ્નલ પર ધસારો બોલાવી લીધો. જરા વિચારો તમે કે છેલ્લાં એકધારાં બે વર્ષથી વર્લ્ડમાં નંબર-વન રહેલું વૉટ્સઍપ મેસેન્જર ૧૦ દિવસમાં પાછળ ધકેલાયું અને ઍપસ્ટોરમાં સિગ્નલ અને ટેલિગ્રામની ડિમાન્ડ નીકળી આવી. ટેલિગ્રામે એક વીકમાં પાંચ મિલ્યન નવા યુઝર મેળવ્યા તો નવી-નવી સિગ્નલ આવેલી સિગ્નલ પણ ઍપસ્ટોરમાં ૧૪મા નંબરથી ત્રીજા નંબરે આવી ગઈ. કમાલ એમની નહોતી, વૉટ્સઍપની પૉલિસીની હતી. લોકો બેફામ રીતે વૉટ્સઍપ છોડવા માંડ્યા એટલે બગડતી બાજી સુધારવા માટે વૉટ્સઍપે નવી અનાઉન્સમેન્ટ કરી દીધી અને સ્પષ્ટતા પણ કરી, પરંતુ એ પછી પણ વૉટ્સઍપ છોડવાનું બંધ નથી થયું, એ ધસારો તો ઢાળની દિશાનો જ છે અને વૉટ્સઍપ સડસડાટ બંધ થઈ રહ્યાં છે.

વૉટ્સઍપ બંધ કરી દેવામાં ભલભલી સેલિબ્રિટીઓ છે. આગળ કહ્યું એમ, કરણ જોહર, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર અને આદિત્ય ચોપડા તથા સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન જેવી નવી જનરેશનના સ્ટાર્સ પણ છે તો સાઈરામ દવે જેવા લોકસાહિત્યકારનો પણ એમાં સમાવેશ છે.

વૉટ્સઍપ ઉવાચ

વૉટ્સઍપે સ્પષ્ટતા કરતાં કહ્યું કે અમે તમારા મેસેજ નથી જોવાના અને કૉલ્સ સાંભળવાના નથી, અમે તમારો એક પણ ડેટા રેકૉર્ડ પણ નથી કરવાના. તમે અત્યારે કયા લોકેશન પર છો એની પણ અમે જાણકારી રાખતા નથી અને કૉન્ટૅક્ટ્સ પણ અમે અમારી ગ્રુપ-કંપનીને આપવાના નથી. વૉટ્સઍપે ચોખવટ કરતાં કહ્યું કે કૉમનમૅનને અમારી નવી પૉલિસી લાગુ પડવાની નથી, પણ હા, વૉટ્સઍપનું બિઝનેસ અકાઉન્ટ જે વાપરે છે તેમની નીતિમાં આ નવો ચેન્જ લાગુ પડવાનો છે.

અહીં પણ એક નાનકડી સ્પષ્ટતા વધારે જરૂરી છે. વૉટ્સઍપનું બિઝનેસ અકાઉન્ટ ઓપન કરવાનો આપણે ત્યાં હમણાં થોડા સમયથી ટ્રેન્ડ શરૂ થયો છે. કામધંધાનો ઉપયોગ ન કરવાનો હોય એવા લગભગ બાવીસ લાખ લોકોએ વૉટ્સઍપનું બિઝનેસ વર્ઝન ડાઉનલોડ કરીને એનો પર્સનલ ઉપયોગ શરૂ કર્યો છે. નૅચરલી પર્સનલ વૉટ્સઍપ અને બિઝનેસ વૉટ્સઍપના ફીચર્સમાં ઘણો ફરક છે અને એમાં ઘણી છૂટછાટ પણ મળે છે. ઑટો રિપ્લાય જેવાં ફીચર્સથી માંડીને બલ્ક મેસેજમાં પણ એમાં લિમિટ હોતી નથી. માત્ર ટાઇમપાસ કરવા માટે વૉટ્સઍપનું બિઝનેસ વર્ઝન વાપરનારા આ લોકોએ વૉટ્સઍપ કંપનીના મનમાં ખોટી છાપ ઊભી કરી હોય અને એને લીધે વૉટ્સઍપ મૅનેજમેન્ટ એવું માનતું થયું હોય કે વૉટ્સઍપ હવે બિઝનેસના ક્ષેત્રમાં વધારે વપરાય છે એવું ધારી શકાય. નવી પૉલિસીમાં વૉટ્સઍપે કહ્યું છે કે બિઝનેસ ઍપ્લિકેશન પર તમે બિઝનેસ માટે કેવી રીતે સંપર્ક કરો છો એનાથી સંબંધિત ડેટા શૅર થશે અને જે-તે બિઝનેસ સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિની સામે પણ એ રિક્વાયરમેન્ટ મૂકવામાં આવશે તો સાથોસાથ ગ્રુપ-કંપની એવી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની હોસ્ટિંગ સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. વૉટ્સઍપના કહેવા મુજબ, આ હોસ્ટિંગ સેવાઓનો ઉપયોગ કરવાથી બિઝનેસમૅનને લાભ થવાનો છે. આ ઉપરાંત એ પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે બિઝનેસ વૉટ્સઍપ વાપરનારાઓનો તમામ ડેટા પબ્લિકલી જાહેર થઈ શકે છે. ડેટા મતબલ, એ મોબાઇલ-નંબરથી માંડીને ઈ-મેઇલ ડિટેઇલ અને એ બૉક્સ પર થતી તમામ બિઝનેસની વાતો. જો એવું બને તો એકને ખોળ અને બીજાને ગોળ આપવાની નીતિ પર પ્રકાશ પડશે અને વેપારી અલગ-અલગ નીતિ રાખી નહીં શકે, પણ એવું નક્કી કરવાનો હક પણ વૉટ્સઍપને કોઈએ આપ્યો નથી.

આ ઉપરાંત વૉટ્સઍપ બિઝનેસ પર જો તમે કોઈની પાસે ફિક્સ્ડ ડિપોઝિટના રેટ મગાવ્યા તો વૉટ્સઍપ એ તમામને એ ડેટા આપશે જે ફિક્સ્ડ ડિપોઝિટના બિઝનેસ સાથે જોડાયેલા છે. વૉટ્સઍપે કહ્યું છે કે ભવિષ્યમાં એ સામેથી એવા કસ્ટમરને બીજાના રેટ પણ મોકલશે, જેથી કસ્ટમરને ફાયદો થાય. જોકે આ વાત કેટલા અંશે યોગ્ય છે એ તર્કનો પ્રશ્ન છે.

સિગ્નલને લાગી લૉટરી

વૉટ્સઍપની નવી નીતિને લીધે અમેરિકી ચૅટ બૉક્સ સિગ્નલને ત્યાં લાવ-લાવ ઊભી થઈ ગઈ છે એવું કહીએ તો એમાં જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય. સિગ્નલ નામની આ ઍપના ડેવલપર એ જ લોકો છે જેમણે અગાઉ વૉટ્સઍપ બનાવ્યું હતું અને માર્ક ઝકરબર્ગે એ ખરીદી લીધું. સિગ્નલની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ છે કે એ ટેક્સ્ટ બેઝ ચૅટ બૉક્સ છે એટલે કે તમે એને તમારા એસએમએસ બૉક્સ સાથે પણ જોડી શકો છો. જો એવું કરવામાં આવે તો તમારા ટેક્સ્ટ મેસેજ પણ સીધા એ બૉક્સમાં આવશે અને તમારે એસએમએસ અને મેસેન્જર એમ બન્નેને નહીં સાચવવા પડે.

સિગ્નલ ‘નહીં નફો, નહીં નુકસાન’ની નીતિથી શરૂ કરવામાં આવ્યું છે. એને તમે ડોનેશન પણ આપી શકો છો અને એ ડોનેશન પર જ પોતાની આવક રાખશે. આવું કરવાનું કારણ પણ એ છે કે સિગ્નલ ઇનડિરેક્ટલી એવું કહેવા માગે છે કે અન્ય મેસેન્જર કંપનીઓ તમારા ડેટાનો વેપાર કરે છે, પણ અમે એ નહીં કરીએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK