Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વક્ત મનસૂબોં મેં કંગાલી કા

વક્ત મનસૂબોં મેં કંગાલી કા

25 September, 2020 12:17 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

વક્ત મનસૂબોં મેં કંગાલી કા

ક્રિઝ પર હશો તો રન બનશે, ક્રિઝ પર હશો તો સપનાંઓને મંઝિલ મળશે પણ પ્રાથિમક જવાબદારી, શાંત ચિત્તે અને ધૈર્ય સાથે વિકેટ જાળવી રાખો.

ક્રિઝ પર હશો તો રન બનશે, ક્રિઝ પર હશો તો સપનાંઓને મંઝિલ મળશે પણ પ્રાથિમક જવાબદારી, શાંત ચિત્તે અને ધૈર્ય સાથે વિકેટ જાળવી રાખો.


સપનાં જોવામાં કંજૂસાઈ શું કામ? મહત્ત્વાકાંક્ષા રાખવામાં સંકોચ શું કામ? મનસૂબોં મેં કંગાલી ક્યૂં ભાઈ?
આ અને આવાં અનેક વિધાનો આપણે સાંભળી ચૂક્યા છીએ અને સાંભળેલાં એ વિધાનોને આધારે જ કહેવાતું રહેતું કે સપનાંઓ જોવામાં કચાશ રાખવી નહીં, મનસૂબાઓ ઘડવામાં કોઈ કસર છોડવી નહીં. પણ આ વાત ન્યુ નૉર્મલને લાગુ નથી પડતી. હા, યાદ રાખજો, આ વાત ન્યુ નૉર્મલને લાગુ નથી પડતી. સમય આવ્યો છે સપનામાં કરકસર કરવાનો અને સમય આવ્યો છે મનસૂબાઓને સંકુચિત બનાવવાનો. કોવિડના આ સમયને જો તમે હજી પણ સમજી ન શક્યા હો તો ધૂળ પડી તમારા જીવનમાં. જુઓ તમે, આજુબાજુમાં જે કંઈ બન્યું છે એ બધું પહેલી વાર બન્યું છે. તમારા જ નહીં, તમારા બાપદાદાના જીવનમાં પણ અગાઉ આવું ક્યારેય બન્યું નહોતું અને એ લોકો પણ આ બધું પહેલી વાર જોઈ રહ્યા છે. થિયેટર બંધ હોય એવું અગાઉ ક્યારેય સંભળાયું નહોતું. ક્યારેય નહીં. થિયેટરમાલિકનો બાપ મરી ગયો હોય અને બધા સ્મશાને ગયા હોય તો પણ અંદર ફિલ્મ ચાલુ હોય. શૂટિંગ ક્યારેય બંધ નહોતાં રહ્યાં. લીડ હીરો સાચે જ મરી જાય કે પછી લીડ ઍક્ટ્રેસની મમ્મીનું રામ નામ સત્ય થઈ જાય તો પણ શૂટિંગ બંધ નહોતું રહેતું, ટીવી પર નવા એપિસોડ જોવા મળતા. જે ટીવી-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે તેમને ખબર છે કે સમયસર નવો એપિસોડ પહોંચાડવાનું કામ કેવી રીતે થતું અને કઈ રીતે કરવામાં આવતું. પ્રોડક્શન હાઉસ જાણે છે કે નવો એપિસોડ ન પહોંચે કે પછી બીજાં કોઈ કારણસર જૂનો એપિસોડ ફરીથી દેખાડવો પડે તો ચૅનલ ત્રણસોથી પાંચસો ગણી પેનલ્ટી લેતી અને એ ચૂકવ્યાના દાખલાઓ પણ ઇન્ડસ્ટ્રીમાં છે અને એ પછી એકધારા સો દિવસ ના, સોથી પણ વધારે દિવસો ટીવી ચૅનલ પર એક નવો એપિસોડ રિલીઝ થયો નહીં. સ્કૂલો બંધ થઈ ગઈ અને આજે પણ સ્કૂલો બંધ છે, જે દિવાળી પહેલાં ખૂલવાની નથી. કલ્પના કરી હતી ક્યારેય આવી? લોકલ વિના મુંબઈની કલ્પના કરવી અઘરી હતી અને આ જ મુંબઈમાં માર્ચના ઉત્તર્રાધથી ટ્રેન બંધ છે, ટિલ ટુડે અને એ ટ્રેન ક્યારે શરૂ થશે એ પણ કોઈ દાવા સાથે કહી શકતું નથી. બધું જ્યારે અકળ હોય, બધું જ્યારે ધારણા બહારનું ચાલતું હોય ત્યારે મનસૂબાઓને કાબૂમાં લેવામાં ભલાઈ છે. સપનાંઓને લક્ષ્મણ રેખા આપવામાં શાણપણ છે. એવું નથી કે સપનાં જોવાનાં નથી, સપનાં જોવાનાં છે અને જોવાની ના કોઈએ પાડી નથી પણ આ સપનાંઓની સામે વાસ્તવિકતા ધરી રાખીને પ્રૉફિટમાં લૉસ સ્વીકારીને જમા ખાતાને વધારે સક્ષમ બનાવવાનું છે.
જે બની રહ્યું છે, જે થઈ રહ્યું છે અને જે જોવામાં આવી રહ્યું છે એ બધું પહેલી વાર છે. સૌકોઈને એ અકળાવનારું અને ડરાવનારું છે. આવા સમયે તમારામાં રહેલી બહાદુરીને સો તોપની સલામી આપવા પણ સૌકોઈ તૈયાર છે, પણ એ સો તોપની સલામી સ્વીકારવાનો આ સમય નથી. આઇપીએલની સીઝન ચાલુ છે ત્યારે આ જ વાતને ક્રિકેટની બોલીમાં પણ સમજી લેવી જોઈએ.
વિકેટ જ્યારે વિકટ બની જાય ત્યારે સૌથી પહેલું કામ બેટ્સમૅને ક્રિઝ પર સેટલ થવાનું કરવાનું હોય. જો ક્રિઝ પર ટકી રહેશો, જો આંખને બૉલ પર સેટ કરી શકશો અને જો નવા બૉલને પાસ કરવાની ત્રેવડ ઘડી લેશો તો સમય આવ્યે રન આપોઆપ બનશે પણ એ રન બને એ માટે બેઝિક શરત છે ક્રિઝ ટકાવીને રાખો. વિકેટ પડવી ખરાબ નથી પણ વિકેટ ફેંકવી ખરાબ છે. આઉટ થવું ખોટું નથી પણ હિટવિકેટ આઉટ થવું ગેરવાજબી છે. અત્યારે ક્રિઝ સાચવી રાખવાની છે, ક્રિઝ સચવાયેલી હશે તો રન પછી બનાવી લેવાશે પણ જો ક્રિઝ અકબંધ નહીં હોય તો કોઈ બીજો દાવ નહીં આપે. બહેતર છે કે આજના આ કપરા સમયને એ રીતે જોવામાં આવે, એ રીતે એનું મૂલ્યાંકન કરવામાં આવે. જરા વિચાર તો કરો હજારો એવા સ્ટુડન્ટ્સ છે જે એન્ટ્રન્સ એક્ઝામ આપવા માટે એજ-લિમિટની બૉર્ડર પર હતા. તે બૉર્ડર ક્રૉસ કરી ગયા. હજાર લોકો એવા છે જે ગવર્નમેન્ટ જૉબની વયમર્યાદા પર હતા અને ભ્રષ્ટાચાર કરીને પણ ગવર્નમેન્ટ જૉબ માટે મહેનત કરતા હતા. તે આ વયમર્યાદાની ગાડી ચૂકી ગયા છે. લાખો લોકોને બેકારી આવી ગઈ છે અને સેંકડો લોકોનો પોતાનો કામધંધો ક્યારે શરૂ થશે એની તેમને ખબર નથી. આ અવસ્થામાં જો સપનાંઓને થોડો સમય સ્ટૅચ્યુ કહેવાની વાત કરવામાં આવે તો ખોટું શું છે?
કપરા એવા આ સમયે મોતની વૅલ્યુ ઘટાડી નાખી છે. સ્વજનના દેહાંતની ઇન્ટેન્સિટી શૂન્ય તરફ પહોંચવા માંડી છે. ઘરેથી પંદર દિવસ પહેલાં રવાના થયેલા હસબન્ડ, ભાઈ કે પપ્પાના ચહેરાનાં અંતિમ દર્શન કરવા નથી મળતાં. ઘરેથી હસતાં-હસતાં રવાના થયેલા સ્વજનનો એ ચહેરો આંખ સામે સ્થિર થઈ ગયો છે, ગળામાં ડૂમો બાઝી ગયો છે અને હૈયામાં અવિશ્વાસ. આવું બની શકે, આમ છોડીને કોઈ ચાલ્યું જાય? હા અને બની રહ્યું છે, છોડીને જઈ રહ્યા છે. આવા સમયે અણીદાર બની ગયેલાં સપનાંઓના ધારદાર ખૂણાથી લોહીના ટશિયા ન ફૂટે એ જોવાની પ્રાથમિક જવાબદારી આપણી છે. સમય છે, પસાર થવાનો છે પણ એ પસાર થાય ત્યાં સુધી ક્રિઝ પર ટકી રહેવાની જવાબદારી તમારી છે. ક્રિઝ પર હશો તો રન બનશે, ક્રિઝ પર હશો તો સપનાંઓને મંઝિલ મળશે પણ પ્રાથિમક જવાબદારી, શાંત ચિત્તે અને ધૈર્ય સાથે વિકેટ જાળવી રાખો.

વિકેટ જ્યારે વિકટ બની જાય ત્યારે સૌથી પહેલું કામ બેટ્સમૅને ક્રિઝ પર સેટલ થવાનું કરવાનું હોય. જો ક્રિઝ પર ટકી રહેશો, જો આંખને બૉલ પર સેટ કરી શકશો અને જો નવા બૉલને પાસ કરવાની ત્રેવડ ઘડી લેશો તો સમય આવ્યે રન આપોઆપ બનશે પણ એ રન બને એ માટે બેઝિક શરત છે ક્રિઝ ટકાવીને રાખો. વિકેટ પડવી ખરાબ નથી પણ વિકેટ ફેંકવી ખરાબ છે. આઉટ થવું ખોટું
નથી પણ હિટવિકેટ આઉટ થવું ગેરવાજબી છે.



(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)
caketalk@gmail.com


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2020 12:17 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK