મનને કેમ એકના એક રોદણાં રડવાનું ગમે છે?

Published: 10th January, 2021 07:54 IST | Kana Bantwa | Mumbai

માણસ એક ને એક દુ:ખથી વારંવાર દુ:ખી થાય છે, પણ એક ને એક આનંદથી ખુશ કેમ થતો નથી? માંકડું મન ક્યાં ગોથું ખવરાવે છે?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક પ્રખર વક્તા પ્રવચન આપી રહ્યા હતા. જીવનમાંથી ઉદાસી, દુ:ખ, નિરાશા કઈ રીતે દૂર કરવાં એ વિશેના તેમના મૌલિક વિચારોથી શ્રોતાઓ અભિભૂત થઈ રહ્યા હતા. હકડેઠઠ ભરાયેલા વિશાળ ઑડિટોરિયમમાં બેઠેલા તમામ શ્રોતાઓ એકકાન થઈને તેમને સાંભળી રહ્યા હતા. વક્તાએ વક્તવ્યમાં એક રમૂજી જોક કહ્યો. જોક ખરેખર જ એટલો રમૂજી હતો કે શ્રોતાઓ ખડખડાટ હસી પડ્યા. હસી-હસીને લોટપોટ થઈ ગયા એમ જ કહોને. શ્રોતાએ જોક પછી વક્તવ્ય આગળ ચલાવ્યું. એકાદ મિનિટ પછી તેનો એ જ રમૂજી જોક તેમણે ફરીથી કહ્યો. શ્રોતાઓ ફરી પાછા હસી પડ્યા, પણ અગાઉની જેમ ખડખડાટ નહીં. ભાષણ આગળ ચાલ્યું. વળી વક્તાએ એ જ રમૂજી જોક ફરી કહ્યો. બહુ થોડા શ્રોતાઓ હસ્યા અને એ પણ માત્ર મલકાટ જેટલું જ. થોડી વાર રહીને જ્યારે વક્તાએ એ જ જોક ચોથી વખત કહ્યો ત્યારે કોઈ ન હસ્યું.

શાણા વક્તાએ ત્યારે કહ્યું, ‘તમે એક જ જોક પર વારંવાર હસી શકતા નથી, તમને હસવું આવતું નથી તો તમે એક ને એક પ્રૉબ્લેમ પર વારંવાર રડો છો શા માટે?’

વાત બહુ સાચી છે. આપણે એક ને એક વાત પર વારંવાર રડી શકીએ છીએ, પણ એક ને એક ખુશી પર વારંવાર ખુશ થઈ શકતા નથી, હસી શકતા નથી. આવું કેમ ? ખુશ થવા માટે કેમ કારણ જોઈએ? નવાં-નવાં કારણ જોઈએ. તાજાં-તાજાં કારણ જોઈએ અને રોદણાં રડવા માટે, ઉદાસ થવા માટે, નિરાશ થવા માટે જૂનું, ખીંટીએ ટાંગેલું કારણ પણ ચાલે? આપણે દુખી થવા માટેનાં થોડાં કારણો ખીંટીએ ટાંગેલાં જ રાખીએ છીએ. એ જૂનાંપુરાણાંથઈ જાય, જર્જરિત થઈને ફાટી જાય તો આપણે થીગડાં મારીને સીવી-સાંધી લઈએ છીએ એને, પણ એને છોડતા નથી. કોઈ નવું કારણ મળે તો એનો ઉપયોગ કરી લીધા પછી એને પણ ખીંટીએ લટકાવી દઈએ છીએ, બીજી વખત પહેરવામાં કામ આવે. અને કામમાં આવે જ છે. આપણે વારંવાર દુખી થવા માટેના એ કારણને પહેરી લઈએ છીએ, પણ ખુશ થવાનાં કારણો માટે એવું કરતા નથી. આપણે સુખદ યાદોને વારંવાર વાગોળી શકતા નથી. વાગોળીએ તો પણ ખુશ થઈ શકતા નથી. ઊલટું એ વાગોળવાથી તો ફરી એ સુખદ ક્ષણો મેળવવાની ઇચ્છા થાય, સ્વાભાવિકપણે અને પછી એ ક્ષણો, એ અનુભવ, એ સંતોષ, એ તૃપ્તિ, એ સુખ અત્યારે નથી એ યાદ કરીને આપણે ઉદાસ થઈ જઈએ. સુખદ યાદોને આપણે એવા તો કયા પટારામાં ગડી વાળીને ભંડારી દઈએ છીએ કે એને ફરી કાઢીને પહેરવાનું સૂઝતું જ નથી? સૂઝે તો એમાં એની અસલ તાજગી નથી. પીડા આપનાર કારણમાં તો તાજગીનો સવાલ જ નથી. એમાં તો સડાંધ જ હોય અને એ તો જેમ સમય વીતે એમ વધે. તીવ્ર થાય, અસહ્ય થાય.

મોટા ભાગના માણસો આવું જ કરે છે અને એની પાછળ કારણ પણ છે. એ કારણને જાણી લેશો તો કદાચ તમે આવું વર્તન ઓછું કરશો અથવા સભાનતાપૂર્વક કરશો. માનવમનનું મેકૅનિઝમ એવું છે કે એ સતત ઍનૅલિસિસ કરતું રહે છે અને સૌથી વધુ ફાયદાકારક બાબતોને મહત્ત્વ આપતું રહે છે. મન નામનું સૉફ્ટવેર મગજ નામના હાર્ડવેરમાં સતત ચાલતું જ રહે છે. માણસ ઊંઘી જાય ત્યારે પણ મન ઊંઘતું નથી, મગજ ઊંઘતું નથી. ઊંઘમાં તે પોતાનાં અલગ કામ કરે છે. માણસ ઊંઘે ત્યારે મન દિવસભર મળેલી માહિતીને અલગ-અલગ કરે છે. એને વર્ગીકૃત કર્યા પછી એની બરાબર ગોઠવણી કરે છે. એના સંબંધો મુજબ એને વિવિધ બાબતો સાથે જોડે છે. આ જોડવાનું કામ તો જો કે જાગ્રત અવસ્થામાં પણ ચાલુ જ હોય છે. મન એ માહિતીના લેબલ અને સિમ્બૉલ બનાવે છે. આ બધું કરીને પછી એ માહિતીને એના યોગ્ય ખાનામાં ગોઠવે છે. આગલા દિવસે અસ્તવ્યસ્ત કરેલું ઘર આપણે સવારમાં ઝાપટીને સરખું ગોઠવીએ એ જ રીતે મન પણ કામ કરે છે. એ માહિતીનું મહત્ત્વ નક્કી કરે છે. એના ઉપયોગો નક્કી કરે છે અને પછી એનું મૂલ્ય નક્કી કરે છે. જે બાબત સૌથી વધુ ઉપયોગી હોય એ સૌથી મૂલ્યવાન. જે બાબતો દુ:ખ આપતી હોય એ મન માટે વધુ મૂલ્યવાન હશે કે જે બાબતો વધુ આનંદ આપતી હશે એ? તમે કહેશો કે આનંદ આપતી હોય એ બાબતો જ મૂલ્યવાન હોયને. પણ મન માટે એ મૂલ્યવાન નથી, માણસ માટે હોય. મન તો રાક્ષસ જેવું છે. નિર્મમ, નિર્દય, સ્વાર્થી, એકલપેટુ. એ તો પોતાનું જ, પોતાને ધારણ કરનાર શરીરનું જ વિચારશે. એને માટે તો રડાવનાર બાબતો વધુ ઉપયોગી છે. માનવામાં નથી આવતુંને? મનને અલગ કરીને જોવાની માનવીને ટેવ જ નથી એટલે માન્યામાં નથી આવતું. મન દાનવ છે અને દેવ પણ છે. મન અસત છે અને સત પણ. મન નરક છે અને સ્વર્ગ પણ. મન પાપી છે અને પુણ્યશાળી પણ. મન પથ્થર છે અને પરમાત્મા પણ. મન ભ્રમ છે અને બ્રહ્મ પણ. મનને જેવું માનવી બનાવે એવું બને છે. સામાન્ય માણસનું મન જ્યારે આ વિશ્વમાં ઘડાય છે ત્યારે એ દાનવ જેવું જ ઘડાય છે, કારણ કે મનની પ્રથમ પ્રાયોરિટી જગતમાં ટકી રહેવાની છે અને આ ક્રૂર જગત બહુ બધું શીખવી દે છે. નાનું બાળક પણ ખોટું રડીને, કજિયો કરીને ભોજન મેળવતાં શીખી જાય છે. ખોટું હસીને પોતાનો ફાયદો મેળવતાં શીખી જાય છે. બાળકને એ ખબર નથી હોતી કે કજિયો એટલે શું. તેને થોડા દિવસના અનુભવથી એવું સમજાઈ ગયું હોય છે કે રડવાથી માતા ધાવણ આપે છે. તેને માટે રડવું એ સાધન છે. આવા નાના-નાના અનુભવથી બાળક શીખે છે, તેના મનનો પિંડ બંધાય છે. એમાં જે નેગેટિવ અને પૉઝિટિવ બન્ને પ્રકારના અનુભવો હોય છે. માત્ર અનુભવ જ નહીં, અન્યને જોઈને, વાંચીને, સમજીને પણ મન શીખતું રહે છે. મન ઑટો લર્નિંગ પ્રોગ્રામ છે. એ પોતાની મેળે શીખે છે. એટલે એ શું શીખે છે એના પર સામાન્ય રીતે માણસનું ધ્યાન રહેતું નથી. સંસ્કાર, નિયમો, ઉછેર વગેરે મનને યોગ્ય બાબતો શીખવવા માટેનાં સાધનો છે.

મન માટે ખુશીની યાદો કરતાં વિષાદની યાદો વધુ ઉપયોગી છે. આનંદ આપતી યાદોથી ખુશ થઈ શકાય, પ્રફુલ્લિત થઈ શકાય. એ એક જ ઉપયોગ છે. વિષાદ આપતી બાબતોને યાદ કરવાથી દુખી થવાય એ કોઈ ઉપયોગ નથી, પણ એને મમળાવવાથી માણસ પોતાના જ માટે સહાનુભૂતિ અનુભવે છે. એ યાદો માણસને પલાયન થવાનું કારણ આપે છે અને એ યાદો નિષ્ફળતાને વાજબી ઠરાવવાનું કારણ બને છે. એ બિચારી બનીને બચી જવાનો મોકો આપે છે. તમે કોઈની સામે પોતાના આનંદની વાત કરશો તો એ માણસ આનંદિત થશે અથવા નહીં પણ થાય. તમે કોઈની સામે તમારા દુ:ખનાં રોદણાં રડશો એટલે એ માણસ દુખી નહીં થયો હોય તો પણ (દુ:ખી નહીં જ થયો હોય, મોટા ભાગના કિસ્સામાં) પોતે એનાથી દુખી છે એવું બતાવશે. એ તમારા તરફ સહાનુભૂતિ બતાવશે. તમે જાણ્યે-અજાણ્યે તેને એવું સમજાવી શકશો કે તમારી નિષ્ફળતા, અમુક બાબત કરવાની અક્ષમતા આ દુ:ખ છે. સામેની વ્યક્તિ પણ તમને બિચારા, પીડિત, દુખી સમજીને એવું માની લેશે કે તમે અમુક બાબતો ન કરી શક્યા એની પાછળ આ દુ:ખ જ કારણભૂત છે, તમે નહીં. જ્યારે શિક્ષક વિદ્યાર્થીને કે બૉસ કર્મચારીને મોડા આવવાનું કારણ પૂછે ત્યારે માંદગી કે વાગવાનું બહાનું સૌથી પહેલું જીભ પર આવે છે. રોદણાંના તો અનેક ઉપયોગ છે એટલે માણસ સાવ અજાણપણે જ એક જ બાબત યાદ કરીને, એક જ બાબત કહી-કહીને વારંવાર રડી શકે છે. એક જ બાબતે વારંવાર હસી શકતો નથી. જો તમારા મનને થોડું જ ટ્રેઇન કરશો તો તમે વારંવાર હસી પણ શકશો. તમારો સ્વભાવ રોદણાં રડવાનો બનાવવાનો છે કે હસતા રહેવાનો એ તમારે નક્કી કરવાનું છે. ફરિયાદ કરતા રહેનાર બનવું છે કે ઉકેલ લાવનાર એ તમારે જ નક્કી કરવાનું છે. તમારા મનના સેટિંગને થોડું બદલશો તો ઘણું બદલાઈ જશે. હા, મન સેટિંગ બદલવા સામે વિદ્રોહ કરશે એ નક્કી. સૌથી મુશ્કેલ બાબત જ મનને બદલવાની છે અને પછી તમે આનંદ સાગરમાં ધુબાકા મારતા હશો. દુ:ખનાં પોટલાં તમે ફેંકી દીધાં હશે, કરી જુઓ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK