અવસર રંગોનો : સાત રંગનો સમન્વય મેઘધનુષ કહેવાય, તો જીવનમાં અન્ય રંગોનો સ્વીકાર શું કામ નહીં?

Published: Mar 09, 2020, 17:51 IST | Manoj Joshi | Mumbai Desk

મેરે દિલ મેં આજ ક્યાં હૈ?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આજે હોળી અને આવતી કાલે ધુળેટી. રંગોનો ઉત્સવ. રંગોના આ ઉત્સવની ઉજવણી વિશે વાર્તા સાંભળી છે આપણે, પણ એ વાર્તા અને એ વાર્તાના સારને જીવનમાં કેટલો ઉતાર્યો આપણે એ પણ જોવું જોઈએ. રંગે રમીશું અને એ રંગને પછી વહાવી પણ દઈશું, પરંતુ વહી રહેલા રંગો સાથે રંગોની ફિલોસૉફીનો આવિષ્કાર કરવાનું ભૂલી જઈશું. એ ભૂલી જઈશું કે જો દરેક રંગને સ્વીકારવાના હોય તો દરેક સ્વભાવનો સ્વીકાર પણ હસતા મોઢે કરવાનો હોય. એ પણ ભૂલી જઈશું કે રંગના સમન્વયથી જ મેઘધનુષ બનતું હોય છે તો આપણે જીવનના મેઘધનુષમાં કઈ રીતે અન્ય રંગોને, ન ગમતા રંગોને બહાર કાઢી શકીએ, એનો અનાદર કરી શકીએ?

જીવનમાં કોઈ એક રંગ ક્યારેય તમને સંતોષ નહીં આપે. માનવામાં ન આવતું હોય તો એક વખત માત્ર એક જ રંગનો સ્વીકાર કરીને એ જ રંગનું બધું વાપરવાનું રાખજો. વાપરી પણ નહીં શકો અને ધારો કે વાપરશો તો પણ અમુક કલાકોમાં જ તમને ત્રાસ છૂટવા માંડશે. જો એક રંગ, માત્ર એક રંગ સ્વીકાર્ય નથી તો પછી કેવી રીતે અન્ય રંગને જીવનમાંથી કાઢી શકાય. ક્યારેય નહીં અને કોઈ દિવસ નહીં. જો તમે ઇચ્છતા હો કે જીવન મેઘધનુષ સમાન રહે, જીવનની ખુશીઓ રેઇનબો બનીને નવતર આકાશ આપે તો તમારે તમામ રંગોનો સ્વીકાર કરવો પડશે અને તમારે મેઘધનુષ વિના રહેવું પડશે. જો રહેવું ન હોય મેઘધનુષ વિના તો સ્વભાવના દરેક રંગનો સ્વીકાર કરજો, જો રહેવું ન હોય મેઘધનુષ વિના તો ન ગમતા સ્વભાવના લોકોનો પણ સ્વીકાર કરજો અને એ સ્વીકાર સાથે આગળ વધજો. જીવન જીવવાલાયક લાગશે, જીવન પ્રત્યેની ફરિયાદો દૂર થઈ જશે અને દૂર થયેલી ફરિયાદો વચ્ચે આનંદ તમારા આંગણે આવીને પથારી પાથરીને બેસશે.

મળશે તમને કાળા મનનો માનવી અને મળશે તમને શ્વેત સમાન સ્વભાવની વ્યક્તિ પણ. મળશે તમને રક્તરંજિત ખુન્નસનો સ્વભાવ પણ અને મળશે તમને ઘટાટોપ શાંતિ આપતી ગ્રીનરીની પ્રતિકૃતિ સમાન વડલા જેવું વ્યક્તિત્વ પણ. મળી શકે છે તમને શનિના સ્વભાવ જેવો ઘટ્ટ બ્લુ રંગ લઈને આવનારો અને કામ બગાડનારો માણસ, પણ અને મળશે તમને હળદર જેવા ગુરુત્વ ધરાવતી વ્યક્તિનો સ્વભાવ પણ. આ બધું સ્વીકારજો, અનાદર નહીં કરતા. ગુરુત્વ ધરાવતા વ્યક્તિનું મૂલ્ય તો જ વધશે જો ઘટ્ટ બ્લુ રંગનો સ્વભાવ તમારા પનારે પડશે. કાળું વ્યક્તિત્વ ખરાબ છે એની સભાનતા પણ ત્યારે જ આવશે જ્યારે શ્વેત સ્વભાવની વ્યક્તિ તમારા આંગણે આવીને ઊભી રહેશે અને તમે એને આવકારશો. એક વાત યાદ રાખજો કે રામને ઓળખવા માટે રાવણનો અનુભવ કરવો અનિવાર્ય છે એવી જ રીતે, યોગ્ય રંગને પારખવા માટે અયોગ્ય રંગને પણ થાળીમાં લેવા જરૂરી છે. મેઘધનુષના નિર્માણમાં પણ ન ગમતા રંગો ઉમેરાય છે. ઉમેરાયેલા રંગોનો આસ્વાદ જ જીવન છે અને ન ગમતા રંગો થકી જ ગમતા રંગોનું મૂલ્ય છે.
રંગોનો આ ઉત્સવ તમને કાયમ રંગીન રાખે એવી શુભેચ્છા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK