Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નીતિન ગડકરી ઘાટકોપરમાં શા માટે ન આવ્યા?

નીતિન ગડકરી ઘાટકોપરમાં શા માટે ન આવ્યા?

28 November, 2011 11:08 AM IST |

નીતિન ગડકરી ઘાટકોપરમાં શા માટે ન આવ્યા?

નીતિન ગડકરી ઘાટકોપરમાં શા માટે ન આવ્યા?




(રોહિત પરીખ)





ઘાટકોપર, તા. ૨૮

બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરી પ્રથમ વાર ઘાટકોપર આવતા હોવાથી ઘાટકોપરની બીજેપીની છાવણીમાં છેલ્લા ૧૦ દિવસથી ઉત્સાહનું વાતાવરણ બન્યું હતું, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે બીજેપીના ઘાટકોપર (ઈસ્ટ)ના વિધાનસભાના નૂતન કાર્યાલયના ઉદ્ઘાટન સમારંભમાં તેઓ પહોંચી ન શકતાં સ્થાનિક કાર્યકરોમાં નારાજગીની લાગણી ફેલાઈ હતી. આખરે કાર્યાલયનું ઉદ્ઘાટન બીજેપીના લોકસભાના વિપક્ષ નેતા ગોપીનાથ મુંડેએ કર્યું હતું. તેમના ન આવવાનું કારણ ક્યાંક તેમના અને ગોપીનાથ મુંડે વચ્ચેનો કોઈ અણબનાવ તો નથીને એવો પ્રશ્ન અહીંના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યો છે.



નીતિન ગડકરી ગઈ કાલે પ્રથમ વાર ઘાટકોપરમાં આવવાના હતા અને એ માટે ઘાટકોપરના કાર્યકરોએ તેમની આગતાસ્વાગતા માટે રાતદિવસ જોયા વગર મહેનત કરી હતી. તેઓ બીજેપીના ઘાટકોપર (ઈસ્ટ)ના વિધાનસભાના નૂતન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે આવવાના હતા, પરંતુ તેમના હાલમાં ચાલી રહેલા ડાયેટિંગની કોઈ આડઅસર થવાને કારણે તેમને નાગપુર તેડવા ગયેલા કાર્યકરોએ નિરાશ વદને મુંબઈ પાછા આવવું પડ્યું હતું. ગઈ કાલે ઘાટકોપરમાં બીજેપીના કાર્યાલયના ઉદ્ઘાટનની સાથે બે નગરસેવકો ભાલચન્દ્ર શિરસાટ અને શોભા આશરના નગરસેવક કાર્ય અહેવાલનું લોકાર્પણ કરવાનો અને કાર્યકર્તા સંમેલનનો કાર્યક્રમ ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલા રામજી આસર વિદ્યાલયના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો. આ બધા જ કાર્યક્રમો પાછળનો હેતુ રાષ્ટ્રીય અધ્યક્ષની મહેમાનગતિ હતી. નીતિન ગડકરી ન આવતાં કાર્યકરોએ દસ દિવસથી કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું હતું.

જોકે આ કાર્યક્રમમાં ગોપીનાથ મુંડેની સાથે મુંબઈ બીજેપીના પ્રમુખ રાજ પુરોહિત, રાષ્ટ્રીય મંત્રી કિરીટ સોમૈયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને યુવા મોરચા પૂનમ મહાજન રાવ, મહારાષ્ટ્રના સંઘટન મંત્રી રવિ ભુસારી, મહારાષ્ટ્રના સહ-સંઘટન મંત્રી સુનીલ કર્જતકર વગેરે હાજર રહ્યા હતા; પરંતુ કાર્યકરો રાષ્ટ્રીય પ્રમુખને મળવા માગતા હતા જે ન આવવાથી તેમની વાતોમાં નિરાશા સ્પષ્ટ વર્તાઈ આવતી હતી.

ઘાટકોપરના અમુક કાર્યકરોએ નામ ન છાપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નીતિન ગડકરી તેમની તબિયતને કારણે નહીં પણ તેમના અને ગોપીનાથ મુંડે વચ્ચે ચાલી રહેલા અણબનાવને કારણે ઘાટકોપરના કાર્યક્રમમાં હાજર નથી રહ્યા.’

આ બાબતની સ્પષ્ટતા કરવા સ્થાનિક વિધાનસભ્ય પ્રકાશ મહેતાનો ‘મિડ-ડે’એ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો મોબાઇલ બંધ આવતો હોવાથી વાત થઈ શકી નહોતી. Whatsapp-channel Whatsapp-channel

28 November, 2011 11:08 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK