Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હિટલર બનવું શું કામ હિતાવહ છે?

હિટલર બનવું શું કામ હિતાવહ છે?

18 September, 2020 03:41 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

હિટલર બનવું શું કામ હિતાવહ છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નરેન્દ્ર મોદી હિટલર છે. ભાઈને આ એક નામે પુષ્કળ ગાળો ભાંડવામાં આવે છે પણ તેમને જે નજીકથી ઓળખે છે એ સૌને ખબર છે કે નરેન્દ્ર મોદી જ્યારે આ વાત સાંભળે છે ત્યારે તેમને ગર્વ થાય છે પોતાના પર અને આ હકીકત છે. જાણીને ખરેખર નવાઈ લાગશે કે જ્યારે પણ તે પોતાના માટે હિટલર શબ્દ સાંભળે ત્યારે મોદીને રાજીપો થાય છે અને મુખ્ય પ્રધાનપદ પર જ્યારે તે ગુજરાતમાં હતા ત્યારે તેમના મોઢે અને સગા કાને સાંભળ્યું પણ છે : ‘હિટલર બનવું શું કામ પડ્યું એનું પણ વિચારવું જોઈએ.’
વાત જરા પણ ખોટી નથી. વ્યક્તિ હિટલર ક્યારે બને છે અને શું કામ બને છે એ મુદ્દો અગત્યનો છે અને એ અગત્યને જ સૌથી પહેલાં હાંસિયા બહાર મૂકવામાં આવે છે. પતિનો સ્વભાવ હિટલર જેવો છે, બાપુજી રિંગમાસ્ટર બનીને હિટલરશાહી રાખે છે, આવી મમ્મી કરતાં તો હિટલર સારો, સાસુનો સ્વભાવ હિટલરની પ્રતિકૃતિ જેવો છે અને બૉસ માટે પણ આવું જ બોલતું રહ્યું છે, બોલતાં રહીએ છીએ પણ બોલતાં પહેલાં આ સૌ હિટલર શું કામ બન્યા એની ક્યારેય કોઈ નુકતેચીની કરવામાં આવતી નથી. હિટલર જરૂરી છે, જરૂરી હોય છે. પછી ભલે વાત દેશની હોય કે ઘરની. ક્યારેય આ વાત ભૂલતા નહીં અને ક્યારેય હિટલરને વગર કારણે ઉતારી પણ પાડતા નહીં.
હિટલરશાહીનો ઉદય નિયમોના ઉલ્લંઘન સાથે થતો આવ્યો છે અને ભૂતકાળ જોશો તો આ વાત સ્પષ્ટપણે સમજાશે પણ ખરી. ભૂતકાળ જોશો તો સમજાશે અને ઇતિહાસ જોશો તો દેખાશે પણ ખરી. નરેન્દ્ર મોદીએ હિટલર બનવું પડ્યું તો એ કેવા સંજોગોમાં હિટલર બન્યા એ જોવું જોઈએ, જો બાપની કમાન છટકે અને બાપ એકહથ્થુ શાસન ઘરમાં આરંભી દે તો વિચારવું જોઈએ કે આ પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું અને કઈ ઘટના એના માટે નિમિત્ત બની. જો સમયસર ટૅક્સ ભરાતો હોત, જો કાળાં નાણાંને છુપાવવાની માનસિકતા મનમાં માળિયું બનાવીને જીવતી ન હોત તો કદાચ નરેન્દ્ર મોદીએ હિટલરના સ્વાંગમાં આવવું ન પડ્યું હોત. જો દીકરો સમયસર ઘરમાં આવતો હોત અને જો વહુ ઘરના નીતિ, નિયમ અને સંબંધોની ગરિમા જાળવવામાં સજાગ રહેતી હોત તો કદાચ સાસુએ હિટલર ન બનવું પડતું હોત અને જો દીકરી પરિવારના સંયમને ઉજાગર કરતી હોય તો કદાચ કોઈ માએ હિટલર ક્યારેય બનવું નથી પડતું. હિટલર બનવાની જે પ્રક્રિયા શરૂ થાય છે એ પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક શિસ્ત તૂટે છે ત્યારે શરૂ થતી હોય છે. શિસ્તબદ્ધતા બહુ જરૂરી છે. ખાસ કરીને વાત જ્યારે સામૂહિક સ્તરની હોય ત્યારે અને વાત જ્યારે જાહેરમાં આવવાની હોય ત્યારે. તમે એકલા રૂમમાં હો ત્યારે બર્થસૂટમાં ફરો તો કોઈના બાપાનું કંઈ લૂંટાઈ નથી જતું, પણ જો તમે એ જ અવસ્થામાં ઘરની બહાર આવવા માગતા હો તો તમારા પાડોશીએ પણ તમારી સામે હિટલર બનવું પડે. બપોરે બે વાગ્યે આંખો ચોળતાં-ચોળતાં ઑફિસ આવો કે પછી ઑફિસના કામ દ્વારા તમારા પબ્લિક રિલેશનને સાચવવાની પ્રક્રિયા કરો તો કૃષ્ણને તેની કર્મની વ્યાખ્યા માટે દુઃખ થવાનું છે, પણ બૉસના ખોળિયામાં હિટલરનો આત્મા પરકાયા પ્રવેશ કરે તો એમાં કશું ખોટું પણ નથી.
શિસ્તબદ્ધતા.
જ્યાં પણ અને જ્યારે પણ શિસ્તબદ્ધતા તૂટે છે ત્યારે હિટલરનો આત્મા ધૂણે છે. વાત સંબંધોની હોય કે પછી વ્યવહારની હોય, લાગણીની હોય કે પછી આત્મીયતાની, બને કે તમે હિટલરનું કોઈ જુદું રૂપ અપનાવો. ગુસ્સે થઈને આકરાં પગલાં લેવાને બદલે તોબરો ચડાવીને બેસી જાઓ કે વાતો કરવાનું બંધ કરીને તમે તમારી નારાજગીને સૌમ્ય રૂપ આપવાનો પ્રયાસ કરો પણ એ પ્રયાસમાં રહેલો પેલો ઊંધા સ્વસ્તિકવાળો હિટલર દેખાયા વિના રહેતો નથી.
હિટલર દેખાય છે અને તે કાયમ માટે દેખાતો રહેવાનો છે. કહોને, હિટલરનો અતૃપ્ત આત્મા આ આખા જગત પર મંડરાયા કરે છે. જ્યારે પણ શિસ્ત તૂટે ત્યારે તે તમારી કાયામાં પ્રવેશીને લાલ આંખો કરે છે, સરમુખત્યારશાહીનો અનુભવ તમને કરાવે છે અને આકરા વલણના કોરડા તમને ફટકારે છે. એ કોરડા ખાવા અઘરા છે, એ કોરડા સહન કરવા પણ આકરા છે પણ એ કોરડાનું ક્યાંક ને ક્યાંક નિર્માણ આપણા દ્વારા થયું હોય છે એ હકીકત પણ છે. પૉકેટમાં રહેલા એક રૂપિયાને ક્યારેય માન નહીં આપનારા દીકરાની પાસેથી ક્રેડિટ કાર્ડ છીનવી લેનારા બાપમાં અને નરેન્દ્ર મોદીમાં એક સામ્ય હોય છે. હિટલરશાહીનું સામ્ય. ભગા કરવામાં પીએચડી કરી ચૂકેલા કે પછી ધાર્યું કરવાની માનસિકતાને ઘર બનાવી ત્યાં પથારી પાથરીને બેસી રહેનારા એમ્પ્લૉયીને રજા આપીને ઘરે ઘઉં વીણવા બેસાડી દેનારા બે માથાળા બૉસ અને નરેન્દ્ર મોદીમાં એક સમાનતા છે. સરમુખત્યાર બની શકવાની સમાનતા. ઑફિસને ઘર બનાવી દેનારા હસબન્ડની સામે ઠંડા મૌનનું યુદ્ધ પોકારનારી વાઇફ અને નરેન્દ્ર મોદીમાં પણ આ જ સમાનતા છે અને માસ્ક નહીં પહેરનારા પાસેથી હજાર રૂપિયાનો દંડ વસૂલવાનો આદેશ આપનારી સુપ્રીમ કોર્ટ અને હિટલરમાં પણ આ જ સમાનતા છે. ઉલ્લંઘન થયેલી શિસ્તબદ્ધતા બદલ આકરું વલણ અપનાવવાની સમાનતા. આકરું વલણ તૂટતા કાચના સૂર જેવું તો તૂટતી શિસ્તનો સૂર રૂના પૂમડા જેવો હોય છે. આકરા વલણનો એનો અવાજ પડઘાયા વિના રહેતો નથી અને જમીન પર પડતા રૂના પૂમડાનો અવાજ ક્યારેય પાડોશીને સંભળાતો નથી. ડિસિપ્લિન અકબંધ રહે, સંબંધોની અને સમજદારીની વણબોલાયેલી ભાષા સંભળાતી અને સમજાતી રહે તો પેલો હિટલર પીપળે ચડીને ચૂપચાપ બેસી રહે છે પણ એ સમજદારી જ્યારે મૂંગા કાનો સાથે અથડાય છે ત્યારે હિટલર પીપળેથી ઊતરે છે અને હિટલર પીપળેથી ઊતરે ત્યારે લોકો હિટલરશાહીના નારા લગાવવાનું આરંભી દે છે. જો આ વ્યાખ્યા મુજબના હિટલર તમે બનતા હો અને તમારા નામના બૂમબરાડા અને ચિચિયારીઓ પડતી હોય તો જરાય અકળાવું નહીં. એક વાત યાદ રાખવાની. કૂતરાગાડી આવે ત્યારે કૂતરા ભસે જ.
નરેન્દ્રભાઈ પણ આ વાત યાદ રાખે અને પરિવારમાં હિટલર બનતા તમામ વડીલો પણ આ વાત યાદ રાખીને મનમાં મરકી લે. મરકી લે અને પોતાની કામગીરી ચાલુ રાખે. હિટલરનો આત્મા એ સૌને પીઠબળ આપી રહ્યો છે, કારણ કે આ રામરાજ્યનો જમાનો નથી. આજના રામરાજ્યમાં માત્ર ધોબીઓ જ પેદા થાય છે. હીરા, મોતી, માણેક અને પન્ના તો હિટલરના શાસનમાં જ સર્જાય.
(caketalk@gmail.com)
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2020 03:41 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK