Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંતાનોની પરીક્ષાની ચિંતા હવે માતા-પિતાને કેમ વધુ થવા લાગી છે?

સંતાનોની પરીક્ષાની ચિંતા હવે માતા-પિતાને કેમ વધુ થવા લાગી છે?

02 March, 2020 04:56 PM IST | Mumbai Desk
falguni jadiya bhatt

સંતાનોની પરીક્ષાની ચિંતા હવે માતા-પિતાને કેમ વધુ થવા લાગી છે?

સંતાનોની પરીક્ષાની ચિંતા હવે માતા-પિતાને કેમ વધુ થવા લાગી છે?


પરીક્ષાની વિદ્યાર્થીઓને ચિંતા થવી સહજ છે, પરંતુ મા-બાપોએ હવેના સમયમાં પોતે એની વધુપડતી ચિંતા કરીને સંતાનોનો માનસિક ભાર વધારી દીધો છે. આવું શા માટે? આનું પરિણામ શું આવે છે? આને બદલે શું કરવું જોઈએ? આજે આ સવાલોના જવાબ પરીક્ષાની જેમ ગંભીર બનીને વિચારીએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કદાચ જવાહરલાલ નેહરુ પછી ભારતના પહેલા એવા વડા પ્રધાન હશે જેમણે વિદ્યાર્થીઓ કે બાળકોની પરીક્ષા પ્રત્યે આટલી સંવેદનશીલતા દાખવી છે અને તેઓ સમયાંતરે બાળકો સાથે સંવાદ કરવાનું પણ ભૂલતાં નથી. આજકાલ પરીક્ષાની સીઝન ચાલુ છે. પરીક્ષાની સીઝનમાં જાણે મુંબઈ-દિલ્હી જેવાં શહેરો અલગ જ ઊર્જાથી ધમધમવા માંડે છે. અચાનક જ વર્તમાનપત્રોથી માંડીને એફએમ રેડિયો સુધી બાળકોની યાદશક્તિ, તંદુરસ્તી, બુદ્ધિ અને તર્કશક્તિ વધારતી જાહેરાતોનું પૂર આવી જાય છે. વાલીઓ પણ પરીક્ષાના સમય દરમિયાન સામૂહિક ડરનો ભોગ બની જાય છે. બાળકો કરતાં વાલીઓ વધારે સ્પર્ધાત્મક અને આક્રમક રીતે ભણવા બેસી જાય છે. એક સામાન્ય ઘરના માતા કે પિતામાંથી કોઈ એકને જો પોતાના બાળકની પરીક્ષામાં બેસાડો તો ચોક્કસ તેમનાં સંતાનો કરતાં વધુ સારા માર્ક લઈને આવે. અગાઉ ઘણી વખત આપણે બાળકોનું ભણતર કઈ રીતે ફૅક્ટરીરૂપ થઈ ગયું છે, એક ધંધો બની ગયું છે એ બધી વાતો કરી છે; પરંતુ આજે વાલી તરીકે આપણી પોતાની વાત કરીએ.



આપણે પણ ક્યારેક બાળકો હતાં. આજથી ૨૦-૨૫-૩૦ વર્ષ પહેલાં શું આપણાં માતાપિતા આપણા ભણતરમાં આટલો રસ લઈ શકતાં હતાં? માતા જો નોકરીએ જતી હોય તો પણ બિચારી ઘરનાં બધાં કાર્યો પતાવી રસોઈ વગેરે પતાવી છૂટી થાય ત્યારે થોડા સમય માટે બાળકોનાં પુસ્તકો ઊથલાવી-પલટાવી જોઈ જતી કે બહુ-બહુ તો બાળકને ધમકાવી જતી કે ભણી લે બરાબર. પિતા બિચારા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ધક્કા ખાઈને ઘરે આવે ત્યારે અડધી બેભાન અવસ્થામાં માંડ-માંડ બાળકોને ભણાવવાને લાયક રહેતા. એક સામાન્ય મધ્યમવર્ગીય બાળક મુંબઈ, અમદાવાદ કે સુરતની પોળના જૂના મકાનમાં કે ચાલીઓના પૅસેજમાં ચાલતી લાઇટો નીચે ઑલ ઇન્ડિયા રેડિયોની બિનાકા ગીતમાલા કે દૂરદર્શનના ચિત્રહાર કે છાયાગીતના ઘોંઘાટમાં, નીચે ભંગાર લેવા આવેલાના શોરબકોરમાં ચાલીમાં ચાલતા વિવિધ પ્રકારના અવાજમાં ભણી લેતો હતો. વચ્ચે-વચ્ચે બ્રેક લઈને મિત્રો સાથે શેરીના નાકા સુધી જઈ કુલ્ફી બ્રેક પણ લઈ આવતા. પરીક્ષા જાણે એક સમયાંતરે આવતી ઍક્ટિવિટી જેવી જણાતી, પરંતુ ફુલ એક્ઝામ ફીવર કે પછી નર્વસ બ્રેકડાઉન જેવા શબ્દો બોર્ડ તથા કૉલેજની ફાઇનલ્સ કે સીએ જેવી પરીક્ષાઓમાં જ વધુ વપરાતા. સામાન્ય બાળકો સામાન્ય રીતે ભણીને પાસ થઈ જતા. એ વાત અલગ છે કે અધિકાંશ બાળકો કૉમર્સ કે આર્ટ ગ્રૅજ્યુએટ થઈ જતાં ને કામ પતી જતું. આજની જેમ એમબીએ કર્યા બાદ ખાવા પડતા ધક્કા નહોતા ખાવા પડતા. કહેવાનું તાત્પર્ય એ હતું કે પરીક્ષા બાળકોની પરીક્ષા રહેતી, માતાપિતા માટે યુદ્ધનું મેદાન કે પછી માન-અપમાનનો મુદ્દો નહોતી બની જતી.


આનું એક મુખ્ય કારણ એ છે કે સમાજ તરીકે આપણે સરેરાશ પર્ફોર્મન્સ કે અસફળતા પ્રત્યે ખાસ્સા અસહિષ્ણુ બની ગયા છીએ. જરા યાદ કરી જુઓ, આપણે બધાએ જ આપણી આસપાસ એ દિવસોમાં એવા ઘણા વાલીઓ જોયા હશે જેઓ પરીક્ષામાં પોતાનાં બાળકોના નબળા દેખાવને માત્ર ખભા ઉલાળીને સ્વીકારી લેતા. શું આજકાલનાં મા-બાપ એવું કરી શકે? પોતાની અંદર ધરબાયેલી ભવિષ્યની ચિંતા તેઓ પોતાનાં બાળકોને પાંચમા કે છઠ્ઠા ધોરણથી વારસામાં આપવા માંડે છે. અસફળતા પ્રત્યેની પોતાની અસહિષ્ણુતા તેઓ બાળકોના મગજમાં ભેરવી દે છે.

આજની ૨૦-૩૦ વર્ષ પહેલાં ઊછરેલા બાળકને તમે પૂછશો તો કદાચ અડધાથી વધારે એવું કહેતા સાંભળવા મળશે કે તેમણે ધારી હતી એનાથી બહેતર જિંદગી તેઓ અત્યારે જીવી રહ્યા છે, કારણ કે આ બધી રોજની ગડમથલમાં આપણે એક સામાન્ય નિયમ ભૂલી જતા હોઈએ છીએ કે જીવન પોતાનો રસ્તો જાતે શોધી લેતું હોય છે. પરંતુ એના માટે જીવનને પોતાની રીતે વિકસવા દેવું પડે છે. નિષ્ફળતા (જો પરીક્ષામાં ૯૦ ટકાથી ઓછા આવેલા માર્કને નિષ્ફળતા ગણો તો)ની સામે સજ્જ થતાં આવડવું જોઈએ. અલબત્ત, સજ્જ હોવા અને નફ્ફટ હોવા વચ્ચે ફરક છે. સજ્જ માણસમાં રાખમાંથી ફીનિક્સ પક્ષીની જેમ ઊભા થવાની ક્ષમતા હોય છે. આપણામાંના ઘણા જ્યારે બાળક હતાં ત્યારે કદાચ મા-બાપના ટોણા પણ સાંભળ્યા હશે કે આનું તો શું થશે? બાજુવાળા નરેશને જો, કેટલો ડાહ્યો થઈને ભણે છે વગેરે-વગેરે અને છતાં આપણામાંના મોટા ભાગના લોકોએ જીવનમાં માર્ગ કાઢી જ લીધો છે.


આનો અર્થ એવો નથી કે બાળકોને વઢો નહીં, નિષ્ફળતામાં ટોકો નહીં. વાસ્તવિકતા એ છે કે આજકાલ બાળકનું ધ્યાન ભટકાવનારાં તત્ત્વો અનેકગણાં થઈ ગયા છે જેને પગલે તેમના માટે રાહ ભટકી જવું આસાન છે, પરંતુ બાળકની રેસ પોતે જ દોડવા માંડવાથી બાળક જીતી જવાનું નથી. ઊલટાનું પાછળ રહી જવાનું છે. આજકાલ ઘણાં મા-બાપમાં આ રીતનું ઝનૂન જોવા મળે છે; પરંતુ હકીકત તો એ છે કે દરેક બાળક સુંદર પિચાઈ, વિશ્વનાથન આનંદ કે મુકેશ અંબાણી બનતો નથી. અને એનાથી વધારે મોટી હકીકત તો એ છે કે આ બધા લોકોને પણ પોતાની સાથે સામાન્ય લોકોની એટલી જ જરૂરત હોય છે જેટલી અન્ય કોઈને.

જીવન ઉત્ક્રાન્તિની પ્રક્રિયા છે. માણસ જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી સતત શીખતો અને વિકસતો રહે છે. નિષ્ફળતા સફળતા સુધી દોરી જતી પગદંડી છે વગેરે જેવાં વાક્યો જ્યારે કોઈ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર મૂકે ત્યારે બધા આંખ બંધ કરીને આવાં વાક્યોને લાઇક તો કરી દેતા હોય છે, પરંતુ એને જીવનમાં આત્મસાત બહુ ઓછા કરી શકતા હોય છે.

બાળકનું ધ્યાન રાખો, પરીક્ષામાં તેની સાથે જાગો, તેના પર નજર રાખો, તેને ભણવામાં મદદ કરો એ બધું બરાબર છે; પરંતુ તેના મનમાં એવી ગ્રંથિ ન બંધાવા દો કે પરીક્ષા જીવનમરણનો પ્રશ્ન છે. જાણતાં-અજાણતાં માબાપ આવું કરી નાખતાં હોય છે અને કદાચ તેથી જ માતાપિતાને નિરાશ કરવાનું દુઃખ ન સહન કરી શકનારાં કેટલાંક બાળકો પરીક્ષાનાં પરિણામો બાદ ખતરનાક પગલાં ભરી બેસતાં હોય છે. મા-બાપ તરીકે કદાચ આપણી સૌથી મોટી જવાબદારી છે બાળકોમાં પ્રામાણિકતા જગાડવાની. જો આપણે બાળકોને પ્રામાણિક પ્રયત્નો કરતાં શીખવી શકીએ તો દરેક સરેરાશ બાળક પણ પોતાના જીવનનો માર્ગ કાઢી જ શકે છે. બલકે આ વાત બાળકો કરતાં આપણે માતાપિતાએ સમજવાની વધારે જરૂર છે.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2020 04:56 PM IST | Mumbai Desk | falguni jadiya bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK