નવું વરસ એક જ દિવસમાં જૂનું કેમ થઈ જાય છે?

Published: Jan 02, 2020, 15:55 IST | Jayesh Chitaliya | Mumbai

એક નવું વરસ આપણી બહાર ઉમેરાય છે, પરંતુ શું આપણી ભીતર કંઈક નવું ઉમેરાય છે? આ સવાલ જાતને કરવા જેવો છે. આના બહુ સાચા જવાબ ભીતરથી મળશે. આ નવા વરસે કુછ નયા હો જાએ...

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

નવા  વરસના આગમન પહેલાં કંઈક વિચારવા બેઠો તો થયું જૂનું વરસ ૨૦૧૯ ક્યાં વીતી ગયું ખબર જ ન પડી. આ જ રીતે ૨૦૧૯ના આગમન પૂર્વે ૨૦૧૮માં પણ થયું હતું જેમાંથી જાત સાથે  વધુ સવાલ-જવાબ થયા. એ માત્ર મને જ લાગુ પડતા નથી, દરેક માનવીને લાગુ પડી શકે. જેઓ  એના પર વિચાર કરે તેમને આ સવાલ-જવાબનો પરિચય થઈ શકે. આજે મારા મારી જાત સાથેના સવાલ-જવાબ જોઈએ, જેને જોઈ તમે તમારી જાત સાથે વાતચીત કરી શકો.

એક નવું વરસ મારી બહાર ઉમેરાયું

કંઈક નવું મારી ભીતર ઉમેરાયું

મને  જીવન વિશે બહાર સવાલ થવા લાગ્યા

ને મારી ભીતરથી સુંદર જવાબ મળવા લાગ્યા

પીડા મળી તો પરમનો અનુભવ થયો

ને પરમનો અનુભવ થયો તો પરમાનંદનો અહેસાસ થયો

ફરિયાદ બધી ભૂતકાળ સાથે દફન થવા લાગી

ને આભારની લાગણી સતત સમજાવા લાગી

કોઈ છે બહાર, જે મારું ધ્યાન રાખે છે

ને કોઈ છે ભીતર, જે મારું કલ્યાણ રાખે છે

વીતેલા વરસનું બસ એટલું સમજાયું

કે જે સમજાયું એ અધૂરું સમજાયું

નવા વરસે વધુ સમજવાનું ઉમેરાશે

નવા વરસે કંઈક નવું સમજવાનું પણ ઉમેરાશે

એ બધાનો આભાર માની લઉં

જેમણે મને જીવનના સાચા-ખોટા

કડવા-મીઠા અનુભવ આપ્યા

જે આપ્યા એમાં જ તો મારું જીવન ઘડાયું

તારા સુધી પહોંચવાની યાત્રા શરૂ થઈ ચૂકી છે

પહોંચ્યા પછી વધુ એક નવું વરસ અને

નવું જીવન શરૂ થશે

- જ.ચિ.

નવું વરસ આવે એટલે આપણે ટિપિકલી એકબીજાને હૅપી ન્યુ યર અથવા નવું વરસ મુબારક, નયા સાલ મુબારક, નવા વરસની શુભકામના વગેરે જેવા શબ્દોમાં લાગણી વ્યક્ત કરીએ. અગાઉ વરસો સુધી આ લાગણી અંગત રીતે મળીને વ્યક્ત થતી હતી, હજી પણ લોકો અંગત મળે છે; પરંતુ મળનારા અને મળવાનાં કારણ બદલાઈ ગયાં છે. જોકે હવેના સમયમાં સૌથી વધુ લોકો નવા વરસની આગલી રાતે મળે છે અને રાતના બાર વાગે એટલે ચિચિયારી પાડીને હૅપી ન્યુ યર કરે છે. જોકે નવા વરસનો સૂર્યોદય થવાનો હજી બાકી હોય છે. વીતેલા વરસની વિદાય આપણે પાર્ટી કરીને કરીએ છીએ. એમાં પણ મોટા ભાગની પાર્ટી એટલે પીવાની પાર્ટી. ખાણીપીણીની પાર્ટી, ડાન્સની પાર્ટી વગેરે. નથિંગ રૉન્ગ. સમય સાથે આ બદલાવ પણ સ્વીકારી લઈએ એવા આપણે ઉદાર છીએ, પરંતુ આ ઉજવણીની પ્રથા કેટલી ઉધાર છે એ આપણે ભૂલી ગયા છીએ. આ ઉધારી આપણે અન્ય દેશોની સંસ્કૃતિમાંથી લીધી છે, જેને લીધે આપણી સંસ્કૃતિ આપણે ભૂલી ગયા છીએ. ખેર, આપણે હવે ગ્લોબલ થતા જઈએ છીએ.

ડિજિટલ હૅપિનેસ

એક નવી વાત આપણા ન્યુ યરમાં છેલ્લા અમુક વરસથી ઉમેરાઈ ગઈ છે. એ છે ડિજિટલ હૅપી ન્યુ યરની શુભકામના. હજારો-લાખો-કરોડોના હિસાબે જગતભરના લોકો એકબીજાને હેપ્પી ન્યુ યરના શબ્દો યા  ચિત્રો યા  ચિહ્‌નો મોકલે છે. વોટસએપનું આ સૌથી સરળ માધ્યમ બની ગયું છે. નથિંગ રોંગ. સમય સાથે  ટેકનોલોજી પણ પરિવર્તન લાવી છે. કમ સે કમ ડિજિટલી તો મળીને યાદ કરીએ છીએ

ભીતર શું નવું?

નવા વરસ સાથે આપણા જીવનના કૅલેન્ડરમાં-આયુષ્યમાં એક નવું વરસ ઉમેરાય છે જે બહારની વાત કે ઘટના છે, પણ આપણી ભીતર કંઈક નવું ઉમેરાય છે ખરું? શું આવો સવાલ જાતને કરવા જેવો નથી? અનેક જૂનાં વરસોનો સરવાળો આપણી બહારથી બાદબાકી ઘણી કરે છે, પરંતુ આપણી ભીતર તેણે કંઈક નવું ઉમેર્યું પણ હોય છે જેને આપણે ઓળખવું જોઈએ. આ નવું એ દરેક માનવીની ભીતરની પાર્ટી-ઉજવણી બની શકે. આપણે નવા વરસે જે લોકોએ આપણા જીવનમાં સારી ભૂમિકા ભજવી હોય છે તેમનો આભાર માનીએ છીએ. જે મોટા ભાગે ઔપચારિક હોય છે અથવા એ હવે ફૅશન-ટ્રેન્ડ પણ થઈ ગયા છે. આપણે દર નવા વરસે ટિપિકલી નવા સંકલ્પો પણ લેતા હોઈએ છીએ. નથિંગ રૉન્ગ. પણ દોસ્તો, જીવનમાં કેટલું નવું અને બહેતર ઉમેરાય છે એ વધુ મહત્વનું છે.

કુછ નયા હો જાએ?

શું નવા વરસ નિમિત્તે આપણે વિચારોની પાર્ટી ન કરી શકીએ? આપણે ગયા વરસે શું સારું વિચાર્યું અને એમાંથી શું અમલમાં મૂક્યું, કેટલું મૂકયું? એ સવાલ પણ જાતને થવા જોઈએ. અનેક લોકો પીણાની (ડ્રિન્ક્સ)ની પાર્ટી કરતા હોય છે, શું આપણે પુસ્તકોની પાર્ટી ન કરી શકીએ?

ઘણા લોકો બહારગામ જવાનું પ્લાનિંગ કરતા હોય છે, શું ભીતર (અંદર ગામ) જવાનું પ્લાનિંગ ન થઈ શકે? આપણને જીવનના વ્યવહારિક સવાલો બહુ થતા રહેતા હોય છે. સહજ છે, પરંતુ જીવનના સવાલો તો અનંત છે, એ સવાલોની ચિંતામાં સુંદર જીવન ખોવાઈ જાય યા પૂર્ણ થઈ જાય એવું ન બનવું જોઈએ.

ફરિયાદ નહીં કરો

જીવનમાં આપણને એક યા બીજી ફરિયાદ પણ સતત હોય છે. કંઈક ન પામી શકાયું એનો રંજ પણ હોય છે, શું જે પામ્યા એના પ્રત્યે આભારની લાગણી ન હોઈ શકે? કડવા અનુભવની યાદ તાજી રહે છે, પરંતુ એ અનુભવમાંથી ઉત્તમ શીખ મળી એવી સમજણ ન કેળવી શકીએ? પીડાની વેદના વ્યકત કરતા હોઈએ છીએ, પણ એ પીડા જ પરમ તરફ જવાનો માર્ગ બની એવો આનંદ ન હોઈ શકે? એ માર્ગ જ આનંદમાંથી પરમાનંદ તરફ જવાની યાત્રા બની ગઈ યા બની શકે એ ભાવ ન થઈ શકે ? જીવનમાં એક યા બીજા કડવા અનુભવોની ફરિયાદ હોઈ શકે, પણ એ અનુભવમાંથી જીવનનું સાચું-મજબૂત ઘડતર થયું એનો અહેસાસ ન થઈ શકે?

આપણે ખોવાઈ ગયા છીએ?

વાસ્તવમાં આપણા નવા વરસમાં કૅલેન્ડરના આંકડા, પાર્ટીના જલસા, ડિજિટલ શુભેચ્છાના સંદેશા, કૃત્રિમતાના કરિશ્મા, ફરિયાદોના ઢગલા, કંઈક ગુમાવ્યાનો રંજ-અફસોસ, પાછળ રહી ગયાનો ભાવ, નફા-નુકસાનનું ગણિત વગેરે જેવી કેટલીયે બાબત હોય છે. પરંતુ આ બધી બાબત બહારની ઘટના હોય છે. જ્યારે કે આપણા જીવનની ભીતર શું ઘડાયું, શું ઉમેરાયું, કયા વિચારો અને આચારોથી સમૃદ્ધ થયા,

શું બહેતર બન્યું? જગત માટે શું બહેતર

આપણે પોતે કર્યું? એવા સવાલો થતા ન હોય તો આપણું નવું વરસ જૂનું જ વરસ રહ્યું કહેવાય. એક વ્યંગ રૂપે એમ પણ કહી શકાય કે ૨૦૧૯ અને ૨૦૨૦ વચ્ચે ૧૯-૨૦નો જ ફરક છે. ઇન શૉર્ટ, આપણે બહાર એટલાબધા ખોવાઈ જઈએ છીએ કે ખર્ચાઈ જઈએ છીએ કે આપણી ભીતરની સુંદર અને સમૃદ્ધ દુનિયાને ભૂલી જઈએ છીએ. નવું વરસ આપણને ઘણું નવું આપવા આવે છે, નવું યાદ કરાવવા આવે છે. આપણે એને પણ બહારથી જ જોઈએ છીએ, તેથી એના ભીતરના સંદેશને અને ભીતરની નવીનતાને ઓળખી શકતા નથી. પરિણામે નવા વરસના બીજા દિવસથી આપણે જૂના થવા લાગીએ છીએ. આપણે એના એ જ રહીએ છીએ, માત્ર આપણે હવે લખવામાં ૨૦૧૯ને બદલે ૨૦૨૦ લખવાનું આવે છે.

હવે શું કરવું?

તો હવે મારે નવું શું કરવું, કઈ રીતે કરવું એવા સવાલ જેમને થતા હોય તેઓ બહારની દુનિયા વચ્ચે રહીને પણ પોતાની ભીતરની દુનિયામાં જઈ શકે છે. બહુ બધા જવાબ ત્યાં હાજર છે. આ  જવાબ પ્રામાણિકતાથી લેવાના અને આપવાના છે. એક વાર જાતને પણ કહો હૅપી ન્યુ યર! અને  પૂછો પણ, આર યુ રિયલી હૅપી?

જો તમને ભીતરથી જવાબ મળે કે યસ, તમે ખરેખર હૅપી છો તો તમને અભિનંદન અને જો તમે ખરેખર ખુશ નથી, માત્ર ખુશ રહો છો યા પોતાને ખુશ બતાવો છો તો તમારે નવા વરસમાં કંઈક નવું ઉમેરવાની જરૂર હોવાનો સંદેશ તમારા માટે છે. તમારે ખુશીની-આનંદની-સુખની વ્યાખ્યા બદલવાની નોબત પણ આવી શકે. નવું વરસ શરૂ થઈ ગયું છે, ચાલો હવે જીવનની ભીતરમાં શું નવું થયું છે અને શું નવું થઈ શકે એ વિશે વિચારવાનું શરૂ કરીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK