Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વાહ રે કુબુદ્ધિ : ધનની કરીએ બચત અને સમયનો કરીએ બેફામ વેડફાટ

વાહ રે કુબુદ્ધિ : ધનની કરીએ બચત અને સમયનો કરીએ બેફામ વેડફાટ

23 September, 2020 03:33 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

વાહ રે કુબુદ્ધિ : ધનની કરીએ બચત અને સમયનો કરીએ બેફામ વેડફાટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણી આ મર્યાદા છે. જે નવેસરથી કમાઈ શકાય, ફરીથી પાછા મેળવી શકાય છે એ ધનની બચત માટે એટલું બધું ધ્યાન આપીશું જેની કોઈ સીમા ન હોય, પણ આપણે એ ધનની બચત કરવા જતાં સમયનો એટલી હદે વેડફાટ કરી દઈએ છીએ, જે સમય જીવનમાં ફરીથી આપણને જોવા મળવાનો નથી. ધન અને સમયમાં સમયને પસંદ કરનારાઓ હંમેશાં આગળ વધ્યા છે. તમે કોઈ પણ મહાનુભાવની બાયોગ્રાફી વાંચશો તો તમને એ સમજાશે કે તેમણે જરૂરી ખર્ચ કરતી વખતે સમય બચાવવાનું પહેલું કામ કર્યું હશે અને એ પણ દેખાશે કે જ્યાં ખર્ચ અને સમયની વાત આવશે ત્યાં તેમણે સમયને વધુ મૂલ્ય આપ્યું હશે. સમય કીમતી છે અને વીતેલો કે ખર્ચેલો સમય ક્યારેય પાછો આવવાનો નથી, પણ આ બન્ને વાતને આપણે યોગ્યતાપૂર્વક મૂલવી નથી શક્યા.
અમેરિકાની જ વાત કરીએ તો અમેરિકાએ હંમેશાં આ વાતને મહત્ત્વ આપ્યું છે. અંગત રીતે જ નહીં, સરકારી તંત્રો દ્વારા પણ એ જ વાતને ધ્યાનમાં રાખવામાં આવી છે કે સમય મૂલ્યવાન છે પછી એ તમારો હોય કે બીજી કોઈ પણ વ્યક્તિનો. આ જ કારણ હશે કે અમેરિકામાં કોઈ પણ સરકારી કામ ક્યારેય ગોકળગાય ગતિએ નથી ચાલતું. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જઈને જુઓ તો તમને દેખાશે કે કામ કરનારા પણ ગોકળગાય ગતિએ ચાલે છે અને કામ કરાવનારાઓને પણ ઝડપ કરવામાં કોઈ રસ નથી. દરેક વખતે એવી ચર્ચા થતી રહી છે કે સ્ટાફ ઓછો છે, પણ એ ઓછા સ્ટાફની સામે આપણી એક પણ સરકારી ઑફિસમાં કામને પ્રાધાન્ય નથી આપવામાં આવતું એ પણ એટલું જ સાચું છે અને આ સચ્ચાઈને કારણે જ આપણે ત્યાં કોઈ પણ સરકારી તંત્ર સાથે જોડાયેલું કામ મહિનાઓ સુધી એમ જ ચાલ્યા કરે છે. જો ભૂલથી પણ, યસ, ભૂલથી પણ કોઈ કામ સમયસર પૂરું થઈ જાય તો એ કામ કઈ રીતે સમયસર પૂરું થયું એની ઇન્ક્વાયરી શરૂ થઈ જાય છે. ચાણક્ય કહેતા કે ‘જો વ્યક્તિ કાર્યદક્ષ હશે તો દિવસના આઠ કલાકનો કામ કરવાનો સમય પણ તેને માટે વધારે થઈ જશે.’
ચાણક્યની વાતમાં ક્યાંય અતિરેક નથી. જેને કામ કરવું છે, જે કામ કરવા માટે જ ઘરની બહાર નીકળે છે તે વ્યક્તિ પોતાના કામને આધીન હોય છે. ઇમર્જન્સીમાં આવતી મીટિંગ પણ તે સારી રીતે હૅન્ડલ કરી લે છે અને એ પછી પણ તેનાં કામ વ્યવસ્થિત રીતે પૂરાં થતાં રહે છે. વાત આપણે સમયને મહત્ત્વ આપવાની કરતા હતા ત્યારે અમેરિકામાં વાંચેલું એક ક્વોટેશન કહેવાનું મન થાય છે. ન્યુ યૉર્કની એક દીવાલ પર લખેલું એક ક્વોટેશન આજે પણ યાદ છે - ‘બની શકે કે તમે શ્રેષ્ઠ હો, પણ ભૂલતાં નહીં, સમય અને તક ક્યારેય કોઈ માટે ઊભાં રહેતાં નથી.’
કામ કરતી દરેકેદરેક વ્યક્તિએ આ ક્વોટેશન પોતાની આંખ સામેની દીવાલ પર ચીટકાવીને રાખવું જોઈએ. જો તમે શ્રેષ્ઠ હો તો પણ તમારે સમય અને તકને ઓળખીને એનું મૂલ્ય કરવું પડશે અને એને માન આપતાં શીખવું પડશે. જો માન આપતાં શીખી ગયા તો તમે શ્રેષ્ઠ નહીં હો તો પણ શ્રેષ્ઠતાની ચરમસીમા પર પહોંચી જશો, ૧૦૦ ટકા.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2020 03:33 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK