Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

27 December, 2020 06:57 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

The director is the only person who knows what the film is about.
- Satyajit   Ray [Film-maker]

The director is the only person who knows what the film is about. - Satyajit Ray [Film-maker]


સત્યજિત રેની ગણના કેવળ ભારતના જ નહીં; વિશ્વના ઉત્તમ ફિલ્મમેકર તરીકે થતી. એક સફળ ફિલ્મમેકરમાં Passion (પ્રબળ ઇચ્છા), Patience (ધૈર્ય) અને Preservance (દૃઢતા) હોવી જરૂરી છે. આ ત્રણ વસ્તુઓનો સમન્વય એક ફિલ્મને માસ્ટરપીસ બનાવી શકે. એક સારો ડાયરેક્ટર એક ખરાબ સ્ક્રિપ્ટમાંથી સફળ ફિલ્મ બનાવી શકે છે, પરંતુ એક ખરાબ ડાયરેક્ટર સારી સ્ક્રિપ્ટ લઈને કેવળ નિષ્ફળ ફિલ્મ જ બનાવી શકે. સિનેમામાં કેવળ કળા કે જીવનની રજૂઆત નથી થતી. સિનેમા એ બન્નેનું મિશ્રણ છે. સત્યજિત રે પર વિવેચકોનો આરોપ હતો કે તેઓ ભારતની ગરીબીને વેચીને દુનિયામાં નામના કમાયા છે. વિશ્વના અનેક મહાન ડાયરેક્ટર્સ પર વત્તેઓછે અંશે આ આરોપ લગાવી શકાય. કારણ એટલું જ કે હકીકત જેટલી દિલને સ્પર્શ કરે છે એટલું સપનાંઓ નથી કરતાં. મોટા ભાગના દર્શકો માટે ફિલ્મ એક ‘એસ્કેપિઝમ’નું માધ્યમ છે, પરંતુ એ જ ફિલ્મો આપણા પર પ્રભાવ પાડે છે જે પૂરી થયા બાદ તમને વિચારતા કરી મૂકે.
સત્યજિત રેની ફિલ્મો એટલા માટે આજે પણ એટલી જ રેલેવન્ટ છે. તેમની ફિલ્મોની યાદી લાંબી છે. આવા મહાન ફિલ્મમેકર સત્યજિત રે સાથેનાં સ્મરણોને યાદ કરતાં ટીનુ આનંદ કહે છે, ‘માણેકદા એક કમ્પ્લીટ ડિરેક્ટર હતા. ગીત લખતા, સંગીત આપતા, ડાયલૉગ લખતા; એટલું જ નહીં, હિરોઇન કઈ સાડી પહેરશે, એની બૉર્ડર કેવી હશે, એની લાઇનિંગ કેવી હોવી જોઈએ જેવી દરેક ચીજની તેમને જાણકારી હતી. કલાકારોનાં કપડાંનું શૉપિંગ કરવા પોતે જતા. કૅમેરાની પાછળ તેમનું કામ અદ્ભુત હતું. એડિટિંગ પણ પોતે જ કરે. He was a master, a complete artiste. We all were in awe of him. જેમ એક કમ્પોઝર ઑર્કેસ્ટ્રાને કન્ડક્ટ કરે એમ સિમ્ફનીને એક ક્લાસિકમાં કન્વર્ટ કરવાની તેમનામાં આવડત હતી.
‘ગુપી ગાંયે બાઘા બાંયે’ ખૂબ લોકપ્રિય ફિલ્મ હતી. એની સિલ્વર જ્યુબિલી ઊજવાઈ. પહેલી વાર માણેકદાએ એક ફૅન્ટસી ફિલ્મ બનાવી હતી. એનું સંગીત પણ લોકોને ખૂબ પસંદ પડ્યું હતું. આ ફિલ્મના દરેક સિંગર નવા હતા. પહેલી વાર તેઓ પ્લેબૅક આપતા હતા. આ પહેલાંની માણેકદાની ફિલ્મો રિયલિસ્ટિક ફિલ્મો હતી. એ દિવસોમાં કમર્શિયલ ફિલ્મમેકર્સ તેમને ખૂબ ગાળો આપતા. મને ઘણા પ્રશ્ન કરતા કે તું તેમની પાસેથી શું શીખવાનો છે? મારો જવાબ હતો, જ્યારે આપણે કૉલેજમાં ભણવા જઈએ ત્યારે પ્રિન્સિપાલ બનવા નથી જતા. I wanted to learn from the professor who knew everything. મારે માણેકદા પાસેથી ફિલ્મમેકિંગની અનેક ટેક્નિક શીખવી હતી.
ચાર વર્ષ તેમના અસિસ્ટન્ટ તરીકે કામ કરીને મેં મુંબઈ પાછા ફરવાનો નિર્ણય કર્યો. એ દિવસોમાં માણેકદા ‘ઓશીની સંકેત’ નામની કલર ફિલ્મ બનાવવાનો પ્લાન કરી રહ્યા હતા. આવી એક ફિલ્મ બનાવવી એ તેમનું સપનું હતું; જેમાં હર્યાંભર્યાં ખેતર હોય, વનરાજી હોય. તેમનું માનવું હતું કે દુકાળની પરિસ્થિતિ માનવસર્જિત છે. મેં તેમને કહ્યું, ‘My student days are over. Now wish me good luck and let me go. તેમણે મને શુભેચ્છા આપી અને એ સાથે મારા પિતાજીને એક કાગળ લખ્યો, ‘ચાર વર્ષ પહેલાં તમે મને વિનંતી કરી હતી, જે મેં સ્વીકારી. આજે હું તમને એક વિનંતી કરું છું. મારા માટે આ ફિલ્મ ખૂબ અગત્યની છે. ટીનુ મારા યુનિટનો એક ઇમ્પોર્ટન્ટ મેમ્બર છે. અત્યારે મને તેની ખાસ જરૂર છે એટલે થોડા દિવસ પછી તે મુંબઈ આવશે...’ અને હું રોકાઈ ગયો.
મુંબઈ આવ્યો અને ફરી પાછી મારી સ્ટ્રગલ શરૂ થઈ. રિશી કપૂર એ દિવસોમાં નવરો હતો. તેની ફિલ્મો એક પછી એક ફ્લૉપ જતી હતી. તેણે મારા ભાઈને કહ્યું, ‘તું ટીનુને કહે એક પિક્ચર બનાવે. ફાઇનૅન્સની ચિંતા ન કરે. એની વ્યવસ્થા હું કરીશ.’ અને આમ મેં ‘દુનિયા મેરી જેબ મેં’ની શરૂઆત કરી. એની પાંચ રીલ બની અને ગરબડ થઈ. ફાઇનૅન્સના પ્રૉબ્લેમ થયા. ફરી પાછો હું નવરો થઈ ગયો.
નવરાશના દિવસોમાં હું ફિલ્મોની વાર્તા લખતો. આમ ‘કાલિયા’ની સ્ટોરી લખાઈ. ધર્મેન્દ્રના એક મિત્ર ઇકબાલ સિંઘ સાથે મારા ભાઈની દોસ્તી હતી. તેણે કહ્યું કે ધરમજી ફિલ્મ બનાવવાના મૂડમાં છે. તેમને સ્ટોરી સંભળાવ. હું તેમના ઘરે ગયો ત્યારે તેઓ મસાજ કરાવતા હતા. મને કહે, ‘વાંધો નહીં, તું નરેશન કર.’ હું ૪૫ મિનિટ સુધી જોશમાં આવીને તેમને સ્ટોરી કહેતો ગયો. ઊભો થાઉં, બેસી જાઉં અને તેઓ મને જોયા કરે. મને કહે, ‘મારી એક સલાહ છે કે તું ડાયરેક્શન છોડ અને ઍક્ટર બની જા.’ મને થયું કે મને ટાળવા માટે તેઓ આવું કહે છે. મેં કહ્યું, ‘ધરમપાજી, શું કામ મજાક કરો છો. મને લાગે છે કે તમને સ્ટોરી પસંદ નથી આવી.’ તો કહે, ‘ના ના, સ્ટોરી સરસ છે. હું તને જોતો હતો. તું કમાલ કા ઍક્ટર બનેગા યે મેરી ગૅરન્ટી હૈ.’
એ દિવસોમાં ઇંગ્લિશ ફિલ્મ ‘ડર્ટી હેરી’ ખૂબ હિટ થઈ હતી. મને કહે, ‘એમાં એક પાગલ વિલન છે. તેના જેવો રોલ તું કર. મને આ સ્ટોરી ખૂબ ગમી છે. એક કામ કર, તું અમિતાભને આ સ્ટોરી સંભળાવ. ફાઇનૅન્સની વ્યવસ્થા આપણે કરી લઈશું.’ હું મનમાં વિચાર કરતો હતો કે એક વર્ષથી ‘કલિયા’ પર કામ કરતો હતો. હજી કેટલી રાહ જોવી પડશે. અમિતાભ બિઝી કલાકાર હતા. તેમને પકડવા સહેલા નહોતા. પાંચ વર્ષથી હું તેમને મળ્યો નહોતો. લોકોને એમ હતું કે અમિતાભ બચ્ચન મારા અહેસાનમંદ હતા, કારણ કે ‘સાત હિન્દુસ્તાની’માં મેં મારો રોલ જતો કરીને તેમની ફેવર કરીને મારો રોલ આપ્યો હતો. આ વાત સાચી નથી.
વાત એમ હતી કે કે. એ. અબ્બાસ અને પિતાજીની સારી દોસ્તી હતી. એ દિવસોમાં તેઓ ‘સાત હિન્દુસ્તાની’ બનાવતા હતા. એમાં એક મૂંગા કવિનો રોલ હતો, જે હું કરવાનો હતો. તેમની સાથે રોજ સાંજે મળવાનું થાય અને ડિસ્કશન થાય. એ દિવસોમાં મારી એક મિત્ર જે દિલ્હીથી આવી હતી તે પણ મારી સાથે આવતી. આ ફિલ્મમાં એક નાનો રોલ તે કરવાની હતી. એક દિવસ તેના કોઈ મિત્રે એક ફોટો મોકલાવ્યો કે આ યુવક ફિલ્મોમાં આવવા માટે મહેનત કરે છે. તું એને કઈ મદદ કરી શકે?’ તેણે કલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલ પાસે ઊભેલા એક દૂબળા-પાતળા લાંબા છોકરાનો ફોટો મોલાવ્યો હતો. મારી મિત્રે કે. એ. અબ્બાસને એ ફોટો બતાવ્યો અને કહ્યું કે આને ફિલ્મમાં ચાન્સ મળી શકે? અબ્બાસસા’બે કહ્યું કે ઑડિશન આપવી પડશે અને હા, આવવું હોય તો પોતાના ખર્ચે કલકત્તાથી મુંબઈ આવે. અને જો ના પાડું તો ખોટું ન લાગવું જોઈએ.
અને આમ અમિતાભ બચ્ચન પોતાના ખર્ચે મુંબઈ આવ્યા. એ દરમ્યાન મારે માણેકદા પાસે કલકત્તા જવાનું નક્કી થયું એટલે મેં અબ્બાસસા’બને કહ્યું કે મને જવા દો. આમ પણ મારું પૅશન ઍક્ટિંગ નહોતું, ડાયરેક્શનન હતું. આ તરફ ઑડિશનમાં અમિતાભ બચ્ચન પાસ થયા અને હું જે રોલ કરવાનો હતો એ રોલ તેમને મળ્યો. લોકોના મનમાં એવો ભ્રમ હતો કે મેં તેમને માટે રોલ જતો કર્યો.’
જોકે ટીનુ આનંદની આ નિખાલસ કબૂલાત માટે આપણને માન થાય. અમિતાભ બચ્ચન જેઓ પોતાના ઘેઘુર અવાજને કારણે પ્રખ્યાત છે તેમની કરીઅરની શરૂઆત એક મૂંગા કવિના રોલથી થઈ એ કિસ્મતની બલિહારી કહેવાય. તેમની શરૂઆતની સ્ટ્રગલની વાત જાણવા જેવી છે. વિખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનના પુત્ર અને ગાંધીપરિવારની નજીક એવા અમિતાભ બચ્ચન જ્યારે મુંબઈ આવ્યા ત્યારે તેમના હાથમાં ઇન્દિરા ગાંધીનો રેકમન્ડેશન લેટર હતો એમ કહેવાય છે. ‘સાત હિન્દુસ્તાની’માં તેમના પર્ફોર્મન્સની ભાગ્યે જ નોંધ લેવાઈ હતી. ત્યાર બાદ તેમણે અનેક સ્ટુડિયોનાં ચક્કર કાપ્યાં, પરંતુ ક્યાંય વાત બનતી નહોતી. જોકે તેમને ઊંડે-ઊંડે વિશ્વાસ હતો કે ભાગ્ય એક-ન-એક દિવસ સાથ આપશે.
એક કિસ્સો એવો બન્યો કે તેમની રહીસહી આશા અને હિંમત ખૂટી ગઈ. બન્યું એવું કે એક મોટા પ્રોડ્યુસર-ડાયરેક્ટરની ઑફિસમાં તેમનો ઇન્ટરવ્યુ નક્કી થયો હતો. લગભગ બે કલાક રાહ જોયા બાદ મૅનેજરે તેમને કૅબિનમાં મળવા બોલાવ્યા. તેમને જોઈને જ તેમણે કટાક્ષમાં કહ્યું, ‘હમેં હીરો કી તલાશ હૈ, ઊંટ કી નહીં. જાઓ પહલે અપની ટાંગ કટવા કે આઓ, બાદ મેં હીરો બનને કે ખ્વાબ દેખના.’ (એ અલગ વાત છે કે અપાર સફળતા મળ્યા બાદ આ જ પ્રોડ્યુસર-ડાયરેક્ટરની ફિલ્મમાં અમિતાભ બચ્ચને હીરો તરીકે કામ કર્યું અને એ પણ કોઈ પણ જાતની કડવાશ વિના.)
એક ઇન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચન કહે છે, ‘એ દિવસે મને લાગ્યું કે હું કોઈ કામને લાયક નથી. હું સાવ ભાંગી પડ્યો હતો. નરીમાન પૉઇન્ટના દરિયાકિનારે એક બેન્ચ પર બેસીને હું ખૂબ રડ્યો. એ રાતે મેં બાબુજીને ફોન કરીને એટલું જ કહ્યું, ‘હવે મારાથી વધુ સહન નહીં થાય. હું હારી ગયો છું. હું પાછો આવું છુ.’ બાબુજીએ હિમ્મત આપતાં કહ્યું, ‘હર દિન એક નયા સંઘર્ષ હૈ. તુમ સંઘર્ષ કરતે રહો. એક દિન અવશ્ય તુમ્હારી જીત હોગી.’
ફિલ્મોમાં આવતાં પહેલાં અમિતાભ બચ્ચનના જીવનમાં આ પહેલાં આવી જ એક ઘટના બની હતી. એ વાત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે, ‘ડિગ્રી મળ્યા બાદ હું અને મારા જેવા અનેક મિત્રો નોકરી માટે ફાંફાં મારતા હતા. એ સમયની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, રાજકારણ અને દેશ-દુનિયાનું વાતાવરણ અમને ખૂબ ડિપ્રેસ કરતું હતું. અમારી અંદર એક આક્રોશ હતો. અમને ભવિષ્ય માટે કોઈ આશા દેખાતી નહોતી. અમે પગભર કેવી રીતે થઈશું એની ચિંતાને કારણે અમે સૌ નકારાત્મક બની ગયા હતા. દરરોજ સાંજે કૉફી-હાઉસની અમારી મીટિંગમાં ચર્ચા થતી કે આગળ કરીશું શું? એવામાં એક મિત્રે પોતાનો બળાપો બહાર કાઢતાં એક પ્રશ્ન કર્યો, ‘Why were we brought into this world? To suffer?’ અને અમે સૌએ એક જજમેન્ટ પાસ કર્યું કે અમારો જન્મ જ નહોતો થવો જોઈતો.
કૉફી-હાઉસનો આક્રોશ લઈને મનમાં ધૂંધવાતો હું ઘરે આવ્યો. અંતે મારાથી રહેવાયું નહીં. હું પિતાજીની સ્ટડીરૂમમાં ગયો જ્યાં તેઓ કશુંક લખતા હતા. જીવનમાં પહેલી વાર, ગુસ્સામાં અને ઊંચા અવાજે મેં તેમને કહ્યું, ‘આપને હમે પૈદા ક્યું કિયા?’ અચાનક મારા આવા વર્તનથી થોડીક ક્ષણ તો તેઓ મને જોઈ જ રહ્યા, અને બસ, ક્યાંય સુધી જોતા રહ્યા. ન કોઈ સંવાદ, ન કોઈ પ્રતિક્રિયા. ટેબલ પર પડેલી ઘડિયાળના ટક ટક અવાજ સિવાય રૂમમાં નીરવ શાંતિ પથરાયેલી હતી.
એ રાતે મને ઊંઘ ન આવી. સવારે બાબુજી મારી રૂમમાં આવ્યા. મને ઉઠાડ્યો અને મારા હાથમાં એક પત્ર આપ્યો અને જતા રહ્યા. મેં જોયું તો એક કવિતા હતી જેનું શીર્ષક હતું, ‘નયી લીક’ New Generations...
‘ઝિંદગી ઔર આસમાન કી કશમકશ સે
મેરે લડકે મુઝસે પૂછતે હૈં
હમેં પૈદા ક્યું કિયા થા
ઔર મેરે પાસ ઇસકે સિવા
કોઈ જવાબ નહીં હૈ
કિ મેરે બાપને ભી મુઝસે ‌બિના પૂછે મુઝે પૈદા કિયા થા
ઔર મેરે બાપસે બિના પૂછે ઉનકે બાપને ઉન્હે
ઔર મેરે બાબાસે પૂછે બિના પૂછે ઉન કે બાપને ઉન્હે
ઝિંદગી ઔર ઝમાને કી કશમકશ
પહલે ભી થી, અબ ભી હૈ, શાયદ ઝ્‍યાદા
તુમ્હી નયી લીક ધરના
અપને બેટોં સે પૂછકર ઉન્હે પૈદા કરના


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2020 06:57 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK