૪૯૮ઃ આટલા શો પછી નાટક ‘બા રિટાયર થાય છે’ અમે બંધ કરી દીધું

Published: Aug 11, 2020, 18:01 IST | Sanjay Goradia | Mumbai

હા, ૫૦૦ પણ પૂરા નહીં અને આટલા શો પછી મારમાર ચાલતું નાટક ‘બા રિટાયર થાય છે’ અમે બંધ કરી દીધું, જેનું કારણ માત્ર અને માત્ર શફીભાઈની રિપ્લેસમેન્ટ નહીં કરવાની નીતિ

શફી ઇનામદાર
શફી ઇનામદાર

ગયા મંગળવારે વાત થઈ એમ, ‘બા રિટાયર થાય છે’ની આગેકૂચ સતત ચાલુ હતી. દેશભરમાં શો થતા હતા, તો વિદેશમાં મસ્કત, હૉન્ગકૉન્ગ, દુબઈ, સિંગાપોરમાં પણ અમે શો કર્યા. એ ટૂરમાં હું ગયો, પણ શફીભાઈની ફિલ્મોના કામને કારણે મારાથી અમેરિકા, કૅનેડા અને યુકેની ટૂરમાં જઈ શકાયું નહીં. અમારી આ અમેરિકાની ટૂર અરવિંદ રાઠોડ લાવ્યા હતા. આ ત્રણ કન્ટ્રીની ટૂર સાથે મળીને કુલ ત્રણ મહિનાની થતી હતી. મારાથી જઈ શકાયું નહીં એટલે અમે અલીરઝા નામદારને ગ્રુપ-લીડર બનાવીને ટૂરમાં મોકલ્યો. આ ટૂરમાં અશોકભાઈ અને પદ્‍માબહેન સિવાયના જે ૬ ઍક્ટર હતા એ બધા વચ્ચે નાના-મોટા મતભેદ ચાલ્યા કરતા, જે અહીં પણ હતા, પણ અમેરિકાની ટૂર દરમ્યાન એ સપાટી પર આવી ગયા. આ ઝઘડાનું બીજું એક કારણ એ પણ હતું કે એ ટૂર લાંબી હતી. આટલા અનુભવ પછી હવે હું કહી શકું કે આટલી લાંબી ટૂર બને ત્યાં સુધી ગોઠવવી નહીં. માણસ પોતાના ઘરથી, ફૅમિલીથી દૂર રહે એમ એનો કચવાટ વધે અને કચવાટ કડવાશ લાવવામાં નિમિત્ત બને.
અમેરિકા, કૅનેડા અને યુકેની ટૂર પૂરી કરીને ઍક્ટરો પાછા આવ્યા ત્યારે એવી હાલત થઈ કે કોઈ એકબીજાનાં મોઢાં જોવા પણ તૈયાર નહોતા અને સામા પક્ષે શફીભાઈ. શફીભાઈની જીદ હતી કે આપણે કોઈનું રિપ્લેસમેન્ટ નથી કરવું. મેં તમને બે-ત્રણ વીક પહેલાં કહ્યું હતું એમ, સચી જોષીનો ઍક્સિડન્ટ થયો એ સમયે થોડા શો માટે અર્ચના મ્હાત્રેએ રિપ્લેસમેન્ટ કર્યું અને અમદાવાદમાં મેં અશોક ઠક્કર વતી જે ચાર શો કર્યા એ જ. આ બે ઘટના સિવાય એક પણ રિપ્લેસમેન્ટ નાટકમાં થયું નહોતું અને એ રિપ્લેસમેન્ટ પણ ટાઇમ-બીઇંગ હતાં. આ બન્ને ઍક્ટરો પાછા આવી ગયા એટલે મૂળ ટીમ સાથે નાટક આગળ વધવા માંડ્યું હતું. મેં શફીભાઈને બહુ સમજાવવાની કોશિશ કરી, પણ શફીભાઈ વાત માન્યા નહીં. તેમની એક જ વાત, નાટક ઓરિજિનલ ટીમ સાથે જ થશે. પરિણામ એ આવ્યું કે સપ્ટેમ્બરમાં જ્યારે ત્રણ દેશની ટૂર પૂરી કરીને નાટક પાછું આવ્યું ત્યારે કોઈ ઍક્ટર એકબીજાની સામે આવવા રાજી નહીં થયા અને એટલે નાટક બંધ કરવાનો વારો આવ્યો.
૪૯૮ શો.
નાટક ૪૯૮મા શોમાં બંધ થયું. નાટકમાં ૨૦૦ શોનો હજી જીવ હતો. મને લાગતું હતું કે નાટક આરામથી ૭૦૦ શો કરી શકે એમ છે, પણ શફીભાઈએ ચોખ્ખી ના પાડી દીધી કે હવે આ નાટક હું નહીં કરું. નાછૂટકે મારે નાટક બંધ કરવું પડ્યું. અમે નાટક સપ્ટેમ્બરમાં બંધ કર્યું અને ૧૯૯૨ની ૧૧ ઑક્ટોબરે હું મારા લોખંડવાલાના નવા ઘરે શિફ્ટ થયો. એ જ ઘરમાં, જે ઘરમાં હું આજે પણ રહું છું. નવા ઘરે હું, મારી વાઇફ ચંદા અને મારો દીકરો અમાત્ય આવ્યાં. બિલ્ડિંગ તો બે મહિના પહેલાં જ તૈયાર થઈ ગયું હતું, પણ ફોન નહોતો લાગ્યો. આ ઘરે આવતાં પહેલાં જ મેં ખેતવાડીમાં જે બ્લૅકમાં ફોન ખરીદ્યો હતો એ લાઇન શિફ્ટ કરવાની ઍપ્લિકેશન આપી દીધી હતી તો બીજો ફોન પણ લખાવી દીધો હતો. એ સમયે ફોનના બહુ ધાંધિયા હતા. મહિનાઓ સુધી તમારી ઍપ્લિકેશન પર ધ્યાન આપવામાં ન આવે. મને એમ કે જૂનો નંબર ન આવે કે નવી લાઇન જલદી મળી જાય તો પણ મારું કામ આગળ વધવા માંડે, પણ શિફ્ટ થતાં પહેલાં ઑક્ટોબરના પહેલા વીકમાં હું જ્યારે એક્સચેન્જમાં ઇન્ક્વાયરી કરવા ગયો ત્યારે ખબર પડી કે મારા બન્ને ફોનના વર્કઑર્ડર પાસ થઈ ગયા છે અને બન્ને ફોન ૨૪-૪૮ કલાકમાં નવા ઍડ્રેસ પર લાગી જશે. થૅન્ક્‍સ ટુ રાજીવ ગાંધી અને સૅમ પિત્રોડાની માગો ત્યારે ફોનની નીતિ. એ સમયે મોબાઇલ હતા નહીં એટલે લૅન્ડલાઇન ફોન લક્ઝરી કહેવાતી. ફોન વિના આવી અવાવરું જગ્યાએ રહેવા જઈને શું કરવું એ મારા માટે બહુ મોટો પ્રશ્ન હતો.
હા, અવાવરું જગ્યા. લોખંડવાલા આજે મુંબઈનો પૉશ એરિયા કહેવાય છે, પણ એ સમયની વાત કરું તો તમને સમજાશે કે લોખંડવાલા ત્યારે કેવું હતું. અમે બપોરના સમયે ખેતવાડીથી લોખંડવાલામાં શિફ્ટ થયા અને રાતે રેસ્ટોરાંમાંથી જમવાનું મગાવ્યું. આ જમવાનું છેક ચાર બંગલા પાસેથી મગાવવું પડ્યું હતું. બીજા દિવસે સવારે દૂધ લેવા માટે હું તપેલી લઈને નીકળ્યો અને લોખંડવાલામાં અત્યારે જ્યાં રાજપૂત ડેરી છે ત્યાં સુધી ચાલીને ગયો અને ત્યાં છેક મને દૂધ મળ્યું. એ સમયે રાજપૂત ડેરી લોખંડવાલાનું ફેમસ લૅન્ડમાર્ક ગણાતું. બીજા દિવસે અમે પૂછપરછનું કામ શરૂ કર્યું, જે આખો દિવસ ચાલ્યું અને એ દિવસ પૂરો થયો ત્યાં સુધીમાં અમને દૂધવાળો અને છાપાવાળો માંડ મળ્યા. સાંજના સમયે અમને એક કામવાળો મળ્યો અને એમ અમારો સંસાર શરૂ થયો.
નવા ઘરે શિફ્ટ તો થઈ ગયા, પણ મિત્રો, હવે કરમની કઠણાઈ વધી હતી. એક તો મારમાર ચાલતું નાટક બંધ થયું, તો ‘બા રિટાયર થાય છે’માંથી જે કમાણી કરી હતી એ કમાણીનો પણ અંત દેખાવાનું શરૂ થઈ ગયું હતું. એ કમાણીમાંથી મેં ઘર લીધું હતું તો ધામધૂમથી લગ્ન પણ કર્યાં હતાં. મારાં લગ્ન એ અમારા ઘરમાં પહેલાં લગ્ન હતાં એટલે મારી ઇચ્છા ધામધૂમથી કરવાની હતી. પપ્પા કશું મૂકીને ગયા નહોતા એટલે બાને મનમાં એમ કે બધાને ખબર પડે કે દીકરો લાઇન પર આવી ગયો છે. આવું કરવા જતાં લગ્નમાં ખૂબ ખર્ચો થઈ ગયો. ઘર અને લગ્નમાંથી બચેલા પૈસા મેં શૅરબજારમાં રોક્યા હતા, પણ એ જ દિવસોમાં હર્ષદ મહેતા સ્કૅમ બહાર આવતાં એ રોકાણ ધોવાઈ ગયું. બીજી બાજુ શફીભાઈ સુપરહિટ થઈ ગયા અને ગુજરાતી રંગભૂમિ પર તેઓ ચલણી સિક્કો બની ગયા. ‘બા રિટાયર થાય છે’ નાટકની સક્સેસને લીધે બધાને તેમની સાથે કામ કરવું હતું અને એવું જ થયું. શફીભાઈએ બીજું નાટક રાજેન્દ્ર બુટાલા સાથે કર્યું. નાટકનું નામ ‘ગુરુબ્રહ્મા’, એ પણ સુપરહિટ થયું એટલે હવે રંગભૂમિના મોટા-મોટા નિર્માતા શફીભાઈને ઘેરી વળ્યા અને એ બધાં મોટાં નામ વચ્ચે હું ક્યાંક ખોવાઈ ગયો. પરિણામ એ આવ્યું કે હવે શફીભાઈ મારી સાથે નાટક કરે તો જ મારું નાટક થાય, કારણ કે મને પોતાના બળ પર નાટક બનાવતાં આવડતું નહોતું.
શફીભાઈ સતત પોતાનાં આ બધાં કામમાં બિઝી. એક પછી એક નાટક કરતા જાય અને હું સાવ નવરો ઘરમાં બેઠો હતો. કોઈ કામ હાથ પર નહીં. એકદમ નવરો એટલે સવારે જાગવાનું, ચા-નાસ્તો પતાવીને ૧૦ વાગતાં સુધીમાં ફોન લઈને બેસી જવાનું અને લોકો સાથે ગામગપાટા ચાલુ કરી દેવાના. મિત્રો, સાચું કહું તમને, આ બધું કરવામાં હું નિંદક બની ગયો. દરેક નાટકની બુરાઈ કરવાનું મેં શરૂ કરી દીધું. જે નાટક ઓપન થાય એનો હું પહેલો શો જોવા પહોંચી જાઉં અને પછી એ જોઈને નાટકની એબ કાઢીને હું એની નિંદા શરૂ કરી દઉં. ખરાબ સમયની એક ખાસિયત છે. એ શરૂ થાય ત્યારે તમને એની સમજણ નથી પડતી, પણ એ ખરાબ સમય પસાર થઈ ગયા પછી તમને રિયલાઇઝ થાય. મારી સાથે પણ એવું જ થયું.
શફીભાઈનું ઍક્ટર તરીકેનું કામ બહુ ઓછું થઈ ગયું હતું અને ‘બા રિટાયર થાય છે’ નાટક સુપરહિટ થયા પછી મેં શફીભાઈના ફિલ્મના કામમાંથી સ્વેચ્છાએ કમિશન લેવાનું બંધ કરી દીધું હતું. આ મારો ઉપકાર નહોતો, પણ આ ફરજ હતી. શફીભાઈએ ‘બા રિટાયર થાય છે’ આપીને મારા માટે જેકંઈ કર્યું હતું એ મોર ધેન ઇનફ હતું, પણ હવે સમય બદલાયો હતો. હવે મારી કોઈ આવક રહી નહોતી અને શફીભાઈનું ફિલ્મનું જેકોઈ કામ હતું એ પણ પૂરું થવામાં હતું એટલે એમાં પણ મારો બહુ સમય જતો નહીં. શફીભાઈ હવે નાટક ડિરેક્ટ કરવા અને ભવિષ્યમાં હિન્દી ફિલ્મ ડિરેક્ટ કરવા તરફ વધારે ધ્યાન આપતા હતા. આ જ દિવસો દરમ્યાન શફીભાઈએ મને કહ્યું કે મેં વિપુલ અમૃતલાલ શાહની એક સિરિયલ માટે હા પાડી છે એટલે તું પેમેન્ટ અને ડેટ્સની વાત કરી લેજે. એ સમયે મેં તેમને યાદ અપાવ્યું કે તમારી પૉલિસી અનુસાર તમે કોઈ જ સિરિયલ નહીં કરો.
જો તમને યાદ હોય તો શફીભાઈની સિરિયલ ‘યે જો હે ઝિંદગી’ સુપરહિટ થયા પછી તેમણે માત્ર ફિલ્મો જ કરી હતી. જો હવે તેઓ ટીવી-સિરિયલ તરફ વળે તો ફરી પાછું ફિલ્મોનું કામ બંધ થઈ જાય. શફીભાઈને અગાઉ પણ ઘણી ઑફર આવી હતી‍ છતાં અમે કરી નહોતી. મેં શફીભાઈને કહ્યું હતું કે જો તમારે સિરિયલ કરવી જ હોય તો તમે મારી સાથે પણ સિરિયલ કરો. આપણે એમાં પાર્ટનરશિપમાં કામ કરીએ.
શફીભાઈએ તરત જ મને કહ્યું, ‘મને કોઈ વાંધો નથી, તું વાર્તા તૈયાર કર, પ્રપોઝલ તૈયાર કર, ચૅનલ સાથે મીટિંગ કર. જો ચૅનલ અપ્રૂવલ આપે તો આપણે સિરિયલ કરીએ, ફરી પાર્ટનરશિપમાં કામ કરીશું.’
(ફરી મળીએ, આવતા મંગળવારે)

જોકસમ્રાટ
આ કોરોનાએ બહુ કરી છે હવે.
આજે અમારો દૂધવાળો કહે, ‘કાલથી તમારી ઇમ્યુનિટી વધે એવું દૂધ લાવું? લિટરે ખાલી ૧૦ રૂપિયા વધારે આપવા પડશે.
મે કીધું ઃ ‘ઇમ્યુનિટીવાળું દૂધ એટલે એ વળી કેવું દૂધ?’
દૂધવાળો કહે, ‘ઇમ્યુનિટીવાળું દૂધ એટલે એવી ભેંસનું દૂધ જેને અમે રોજ લીંબુ અને સંતરા ખવરાડાવીએ છીએ, જેથી એના દૂધમાં વિટામિન-સી મળે, પછી અમે એને રોજ સવારે એક કલાક તડકે ઊભી રાખીએ એટલે એના દૂધમાં વિટામિન-ડી પણ
આવી જાય... એ દૂધ તમે પીઓ એટલે ઇમ્યુનિટી વધે.’
મને કહેવાનું મન થઈ ગયું કે તું રહી ગયો’તો, હવે તું પણ લૂંટી લે ભાઈ.

કલાકાર નહીં, કસબીઃ ‘બા રિટાયર થાય છે’ પછી શફીભાઈનું ફોકસ ડિરેક્શન બની ગયું અને તેમણે ઍક્ટિંગ પર ધ્યાન આપવાનું ઓછું કરી નાખ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK