Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટેસ્ટ એક છે તો પછી દોટ શાની?

ટેસ્ટ એક છે તો પછી દોટ શાની?

10 July, 2020 10:39 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ટેસ્ટ એક છે તો પછી દોટ શાની?

જો ઊંચાઇ પર હશો તો કોળિયો પણ કોઈના જલદી બનશો.

જો ઊંચાઇ પર હશો તો કોળિયો પણ કોઈના જલદી બનશો.


એક વાર્તા. વાર્તા બહુ સરળ અને સામાન્ય શૈલીની છે, પણ એનું મહત્ત્વ જીવનમાં એટલું જ અદકેરું છે. વાર્તાવિહાર વિના સીધા વાર્તા પર આવીએ.
એક બકરી હતી. નાનું બચ્ચું. માંડ પોતાના ચાર પગ પર થોડું ચાલી શકે. પંદર-વીસ ડગલાં ચાલે ત્યાં તો લથડિયાં ખાવા માંડે. પછી કાં તો બેસી જાય અને કાં તો પડી જાય. નબળું જરા પણ નહીં, બસ પગમાં તાકાત નહીં એટલી જ વાત. બકરી એની માથી છૂટી પડી ગઈ અને હવે એણે એકલા રહેવાનો વારો આવી ગયો. બચ્ચાને વાંધો નહોતો. એ તો મસ્ત રીતે એક ઝાડ પાસે પોતાનું ઘર બનાવીને રહેવા માંડી. ત્યાં જ રહેવાનું અને થોડું ચાલીને ઘાસ ખાઈ લેવાનું. પાસે જ નદી, એના કિનારે જઈને પાણી પી લેવાનું.
છેને મજાની લાઇફ?
ના, જરાય નહીં. બચ્ચાને મજા નહોતી આવતી. એનું કારણ એ કે ઝાડની પાસે એક નાનકડો પર્વત હતો અને એ પર્વત પર મસ્ત મજાનું ઘાસ હતું. બકરીનું મન એ ઘાસમાં અટવાયેલું હતું. ડુંગરની ટોચ પર રહેલું ઘાસ ખાવાનું એને બહુ મન થતું પણ પગ, બિચારું નાનું બચ્ચુ. એ બિચારું કેવી રીતે ડુંગર ચડીને ટોચ પર પહોંચે? બસ, એ જોયા કરે એ ઘાસને અને જીવ બાળ્યા કરે. જોકે ભૂખ નહોતી રહેતી. મેદાનમાં ઘાસ ખાઈ લે, પાણી પી લે અને પછી ત્યાં ને ત્યાં રમીને ફરી પાછી સૂઈ જાય. થોડા દિવસો પસાર થયા. પગમાં હવે તાકાત આવી ગઈ.
એક દિવસ નક્કી કર્યું એ બચ્ચાએ, આજે તો ડુંગર ચડી જ જાઉં છું. ચડવા માંડી ડુંગર, પણ થોડા ડગલાં ચાલી ત્યાં હાંફી બકરી. બેસી ગઈ થોડી વાર અને થાક ઉતારીને ફરી પાછી ચડવા માંડી, પણ ડુંગર હતો ગિરનાર જેવડો ઊંચો. કેવી રીતે એ એકલી ઉપર ચડી શકે? ફરી થાકી ગઈ. હવે એને સમજાઈ ગયું કે ઉપર ચડી નહીં શકે એટલે નીચે આવી ગઈ. દોડાદોડીમાં બહુ ભૂખ લાગી હતી એને. નીચે આવીને જમીન પર ઘાસ ખાઈ લીધું અને ફરી પાણી પીને, ઝાડ નીચે જઈને સૂઈ ગઈ.
ફરી થોડા દિવસો પસાર થયા. નિયમિત ખોરાકના કારણે શરીરમાં લોહી ભરાયું. પગમાં તાકાત આવી. બકરીનો જીવ તો ઉપર ટોચ પર રહેલા ઘાસમાં જ હતો. એક દિવસ નક્કી કરીને બકરીએ ફરી એ ડુંગર ચડવાનું શરૂ કર્યું. ચડતી જાય, ચડતી જાય, ચડતી જ જાય પણ માંડ અડધે પહોંચી હશે ત્યાં હાંફી ગઈ. ઉપર જવાની ક્ષમતા નહીં. થોડી વાર આરામ કરીને નક્કી કર્યું કે ચાલો નીચે. આવી ગઈ બિચારી પાછી નીચે. નીચે આવીને જમીન પરનું ઘાસ ખાઈ પેટ ભરી લીધું અને ફરી ઝાડ નીચે આવીને સૂઈ ગઈ. જોકે એ દિવસે એણે નક્કી કર્યું કે હવે એ જ્યારે પણ ઉપર જવાનું શરૂ કરશે ત્યારે ભૂખી પાછી નહીં આવે. આ વખતે એ ઉપર જઈને ઘાસ ખાશે અને પછી જ નીચે આવશે.
વધુ થોડા દિવસો, વધુ તાકાત અને વધુ એક પ્રયાસ. પોણો પર્વત ચડી ગઈ પણ પછી હાંફી ગઈ એટલે એણે નક્કી કર્યું કે કલાક આરામ કરીને એ ફરીથી ઉપર ચડશે. કલાક આરામ કર્યો, પણ આવી ગઈ ઊંઘ. આંખ ખૂલી ત્યારે સાંજ થવા આવી હતી. બકરીએ ઉપર નજર કરી. અંતર બહુ લાંબું નહોતું. એ
ઊભી થઈ અને દોડતી ફરી ટોચ તરફ ભાગી. આ વખતે સફર પૂરી કરવાની ખેવના છેક ગળા સુધી આવી ગઈ હતી અને ખેવના જ્યારે એની ચરમસીમા પર હોય ત્યારે કોઈ તમને અટકાવી નથી શકતું.
દોડી, દોડી, દોડી, એટલું દોડી કે સીધી ટોચ આવી.
ટોચ પર પહોંચ્યાનો બકરીનો આનંદ સાવ જુદો હતો. ખુશી હતી તો સફળતા મેળવ્યાનો સંતોષ પણ હતો. જોકે પેટમાં ઉંદરડા પણ ધમાચકડી મચાવતા હતા. સવારથી કંઈ ખાધું નહોતું. બકરીએ પર્વત પર રહેલા ઘાસ પર નજર કરી અને પછી મોઢું એ ઘાસ પર માંડ્યું, પણ આ શું?
એ જ સ્વાદ, એ જ સોડમ અને એ જ કુમાશ.
જમીન પરના ઘાસમાં અને પર્વતની ટોચ પરના ઘાસમાં કોઈ ફરક નહોતો. ટોચ પર પહોંચવાનો નશો બકરીનો ઊતરી ગયો. જે ટોચ આંબવા માટે એણે આખી જિંદગી ખર્ચી નાખી હતી એ ટોચ પર પણ હતું એ જ જે નીચે જમીન પર મળતું હતું. સાહેબ, આવું જ છે સફળતા પાછળ મૂકવામાં આવતી દોટનું પણ. જે પામવાની લાયમાં માણસ ભાગતો રહે છે એ હકીકતમાં એની પાસે હોય છે પણ કુદરતનો નિયમ છે, પાસે હોય એની કદર ક્યારેય માણસ કરતો નથી. ટોચ પર પહોંચ્યા પછી પણ જો પૈસો જ મેળવવાનો હોય તો પછી એ ટોચ માટે મૂકેલી દોટનો કોઈ અર્થ નથી. સવારથી નીકળીને છેક મોડી રાતે ટોચ પર પહોંચીને જો પેટ ભરવાનું હોય તો એ દોટનો કોઈ મતલબ સરતો નથી. આખી જિંદગી જેની લાલસા કર્યા કરી એનો કોઈ અર્થ સરતો નથી કારણ છે, ક્લાઇમૅક્સ. હા, ક્લાઇમૅક્સ. બકરીને બન્ને ઘાસ વચ્ચેનો તફાવત સમજાય એ કથાસારમાં વાર્તાનો ક્લાઇમૅક્સ નથી. ક્લાઇમૅક્સ હવે આવે છે.
અંધકાર વચ્ચે અને અફસોસ સાથે દિવસનું પહેલું ભોજન માણી રહેલી બકરીને ખબર નહોતી એની પાછળ લપાતોછૂપાતો દીપડો આગળ વધતો હતો. દીપડાના પેટમાં કુકડા બોલતા હતા. બકરીના દરેક કોળિયા સાથે દીપડાનું ડગલું આગળ વધતું હતું.
ચાર, છ અને આઠ.
આઠમો કોળિયો હજી તો બકરીએ ગળા નીચે પણ નહોતો ઉતાર્યો ત્યાં પાછળથી થપાટ આવી અને બકરીનું આખું શરીર ચિરાઈ ગયું. ટોચની પણ આ જ ખાસિયત છે. જો ઊંચાઇ પર હશો તો કોળિયો પણ કોઈના જલદી બનશો. લખી રાખજો.
(caketalk@gmail.com)
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2020 10:39 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK