આવો જાણીએ રમેશ ઓઝા પાસેથી જાણીએ ટ્રિપલ તલાક વિશે

Published: 30th December, 2018 12:00 IST | રમેશ ઓઝા

એકલા મુસ્લિમ પુરુષો શા માટે? જે પુરુષ પત્નીને તરછોડે તે ફોજદારી ગુનાનો ગુનેગાર, પછી તેનો ધર્મ ગમે એ હોય. કોઈ ગેરવાજબી માગણી છે?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કારણ-તારણ  

છેલ્લાં બે વરસ દરમ્યાન ટ્રિપલ તલાક વિશે એટલું બધું લખાયું છે કે હવે કોઈ મુદ્દો ચર્ચા માટે બચ્યો નથી. સિવાય કે એક મુદ્દો જેને જાણીબૂજીને ચાતરી જવામાં આવે છે. એ મુદ્દા પર આવતાં પહેલાં થોડું બૅકગ્રાઉન્ડ અને રાજકીય ખપની વાત.

એક આયેશા બી નામની મુસ્લિમ સ્ત્રીએ સર્વોચ્ચ અદાલતમાં ધા નાખી હતી કે મુસ્લિમ સમાજમાં પ્રવર્તિત ટ્રિપલ તલાકનો રિવાજ સ્ત્રીઓને અન્યાય કરનારાઓ છે, વ્યક્તિગત અધિકારોનું હનન કરનારો છે અને માટે ગેરબંધારણીય છે એટલે સર્વોચ્ચ અદાલતે એને બંધારણવિસંગત ઠરાવીને એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

અહીં હવે બે પક્ષો કૂદી પડ્યા હતા અને એ સ્વાભાવિક પણ હતું. એક પક્ષ રૂઢિચુસ્ત મુસલમાનોનો હતો જેમણે દલીલ કરી હતી કે ટ્રિપલ તલાક એ ઇસ્લામનું અનિવાર્ય અંગ છે. ભારતના નાગરિકનો જે કોઈ ધર્મ હોય એના પર એના ધર્મના મૂળભૂત ઢાંચા સાથે વિસંગત હોય એવી કોઈ બાબત રાજ્ય લાદી શકે નહીં. અહીં સર્વોચ્ચ અદાલતે એક મહત્વની બાબત તપાસવાની હતી અને એમનો અભિપ્રાય આપવાનો હતો. એ વાત એ કે કોઈ રિવાજ મૂળભૂત બંધારણીય મૂલ્યોથી વિપરીત હોય, ભારતીય નાગરિકના વ્યક્તિગત અધિકારોનું હનન થતું હોય અને માનવીય ગરિમાનો ભંગ થતો હોય તો પણ ધાર્મિક અનુયાયીના ધર્મના મૂળભૂત ઢાંચાના નામે ન્યાય નહીં કરવાનો? ધર્મનો મૂળભૂત ઢાંચો વધારે કીમતી કે માનવીય મૂલ્યો, માનવીય ગરિમા અને બંધારણ? ધાર્મિક ઢાંચો સર્વોપરી કે બંધારણીય ઢાંચો?

ગયા વરસે સર્વોચ્ચ અદાલતે ટ્રિપલ તલાકને રદ કરતો ચુકાદો આપ્યો હતો, પરંતુ એમાં ત્રણ જજોની બનેલી બેન્ચના ત્રણેય જજો અલગ પડ્યા હતા. એક જજે કહ્યું હતું કે ટ્રિપલ તલાક ઇસ્લામના મૂળભૂત ઢાંચાનું અંગ છે એટલે એને રદ કરી શકાય નહીં. બીજા જજે કહ્યું હતું કે ટ્રિપલ તલાક ઇસ્લામના મૂળભૂત ઢાંચાનું અંગ નથી એટલે એને રદ કરી શકાય. ત્રીજા જજે કહ્યું હતું કે ધર્મોના ઢાંચા કરતાં મૂળભૂત માનવીય મૂલ્યો અને અધિકારો વધારે મહત્વ ધરાવે છે એટલે ટ્રિપલ તલાકનો રિવાજ બંધ થવો જોઈએ. એ રીતે એક વિરુદ્ધ બેની બહુમતી સાથે એ ચુકાદો આવ્યો હતો.

સર્વોપરિતા કોની? બંધારણ દ્વારા નિર્મિત આધુનિક રાજ્યની અને એનાં મૂલ્યોની કે પછી ધર્મના કહેવાતા મૂળભૂત ઢાંચાની? ભારતના નાગરિક માટે એક સમયે એક ચીજ મૂલ્યવાન અને તે જ નાગરિક માટે તેના ધર્મના અનુયાયી તરીકે તેના ધર્મના મૂળભૂત ઢાંચાના નામે એનાથી સાવ એવી બીજી ચીજ મૂલ્યવાન એવું કેમ બને? એકમાત્ર ધનંજય ચન્દ્રચૂડ સિવાયના બાકીના બે જજોએ આ વિશે ખુલાસો કર્યો નહોતો, બલ્કે ઇસ્લામ ધર્મના ઢાંચાનો અભ્યાસ કરીને એનું મૂલ્ય કર્યું હતું.

બીજો થનગનભૂષણ પક્ષકાર હતો કેન્દ્ર સરકાર અને સંઘપરિવાર. એને આમાં મુસલમાનોને બદનામ કરવાની અને ફટકારવાની તક મળી હતી. એમને ખાતરી હતી કે આને પરિણામે ઇસ્લામ વિશે તેમ જ વ્યક્તિગત કાયદા વિશે ચર્ચા નીકળશે અને મૌલવીઓ ઘાંટા પાડીને ઇસ્લામના બચાવમાં આગળ આવશે. સરવાળે મુસલમાનો અને ઇસ્લામ ઝાંખા દેખાશે. તેઓ માગણી કરતા હતા કે ટ્રિપલ તલાકને ગેરઇસ્લામિક અને ગેરબંધારણીય જાહેર કર્યા પછી પણ જો કોઈ મુસ્લિમ પુરુÿપલ તલાક આપે તો એને ફોજરી ગુનો ગણીને સજા થવી જોઈએ.

સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે હિન્દુઓના અને મુસ્લિમ સ્ત્રીઓના મત મેળવવાના ઇરાદે ટ્રિપલ તલાકને ફોજદારી ગુનો ગણાવતો વટહુકમ બહાર પાડ્યો હતો. વટહુકમ બહાર પાડવો પડે એવી એ કોઈ તાકીદની બાબત નહોતી. હવે એ જ ખરડો લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારને ખબર છે કે રાજ્યસભામાં આ ખરડો પસાર થઈ શકે એમ નથી, પણ જે બે મત મYયા એ. ૨૦૧૯માં સરકારને અનિãતતા નજરે પડી રહી છે. સપ્ટેમ્બરમાં વટહુકમ બહાર પાડ્યા પછી પણ પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પરાજય થયો હતો.

હવે સુજ્ઞ વાચકને સમજ પડી ગઈ હશે કે કઈ ચીજ ચાતરવામાં આવે છે? સુજ્ઞ વાચકને એ પણ સમજાઈ ગયું હશે કે રૂઢિચુસ્ત મુસલમાનો અને અત્યારના શાસકો એક જ જગ્યાએ ઊભા છે. બન્નેને ઇસ્લામનો ખપ છે - એકને ઇસ્લામના અનુયાયી તરીકે અને બીજાને ઇસ્લામના કે મુસલમાનોના દુશ્મન તરીકે. ઇસ્લામના મૂળભૂત ઢાંચાને હાથ ન લગાડાય એમ રૂઢિચુસ્ત મુસલમાનો કહે છે તો સરકાર કહે છે કે સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો ટ્રિપલ તલાકને મૂળભૂત ઢાંચાનો અંગ ગણતો નથી એટલે હાથ લગાડી શકાય અને ટ્રિપલ તલાક આપનારા જંગલી મુસલમાનને જેલભેગો કરી કરી શકાય. આમ બન્ને એક રીતે ઇસ્લામની છત્રીમાં ઘૂસીને ગડદા-પાટુ મારી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ બતાવું ચાલો

ભાઈ, મૂળભૂત મુદ્દો એ છે કે સ્ત્રી ભારતની નાગરિક છે. તે એટલા જ અધિકાર ધરાવે છે જેટલા પુરુષ ધરાવે છે. માનવીય મૂલ્યો, માનવીય ગરિમા, બંધારણીય મૂલ્યો, પ્રત્યેક નાગરિકના અંગત નાગરિક અધિકારો વગેરે સેક્યુલર રાજ્યના નાગરિક માટે ધર્મ કરતાં વધારે મહાન છે. જે કોઈ પુરુષ વ્યવસ્થિત કાયદાકીય છૂટાછેડા આપ્યા વિના ધર્મની કે સામાજિક રિવાજોની આડમાં સ્ત્રીને તલાક આપે કે પછી ઘરમાંથી પત્નીને કાઢી મૂકે અથવા નાસી જઈને તરછોડે એ બન્ને પુરુષ સ્ત્રીને અન્યાય કરે છે અને રાજ્યનો ગુનેગાર છે. આને ધર્મ સાથે કોઈ લેવાદેવા નહીં હોય. બહુ બહેનો અને માતાઓ માટે મમત્વ હોય તો આવો કાયદો ઘડો. મુસ્લિમ બહેનો વહાલી છે તો હિન્દુ બહેનો વહાલી નથી? હિન્દુત્વવાદીઓને તો હિન્દુ બહેનો વધારે વહાલી હોવી જોઈએ. તેઓ પણ વીરપસલી માગી રહી છે. એકલા મુસ્લિમ પુરુષો શા માટે? જે કોઈ પુરુષ પત્નીને તરછોડે તે ફોજદારી ગુનાનો ગુનેગાર, પછી તેનો ધર્મ ગમે એ હોય. કોઈ ગેરવાજબી માગણી છે? પણ એવા કાયદામાં તેમને રસ નથી. કારણ ક્યાં અજાણ્યું છે? અને સબરીમાલામાં પણ ન્યાય આપવો પડે. ન્યાયની એરણે જીવવા માટે જિગર જોઈએ. આ બધા તો રાજકીય ખેલ છે. એને સભ્ય સમાજની અને ન્યાયમૂલક સમાજની નિર્મિતિ સાથે કોઈ લેવાદેવા નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK