રવિ, કવિ અને અનુભવી

Published: 18th December, 2020 11:28 IST | Jamnadas Majethia | Mumbai

કોનું મૂલ્ય વધારે, અનુભવનું કે પછી નવા દૃષ્ટિકોણનું? કોણ વધારે મહત્ત્વનું, પરંપરાગત રીતે ચાલી આવતી રીતભાત કે પછી નવી ટેક્નૉલૉજી?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.

વર્ષોથી આપણે આ કહેવત કે આ વાક્ય સાંભળતા આવ્યા છીએ. જ્યારે હું મારાં કૉલેજ અને એના પછીનાં થોડાં વર્ષોમાં હતો ત્યારે આ વાક્યને, આ વાતને બહુ નહોતો ગણતો, એને સિરિયસલી નહોતો લેતો અને ઘણી વાર હું વડીલો સાથે ચર્ચામાં પડી જતો, પણ ત્યારે મારી પાસે તેમના જેવો અનુભવ નહોતો અને હવે આટલાં વર્ષોનો અનુભવ થયો છે એટલે કદાચ તેમની આ વાતને સમજી શકું છું અને એ સમયની પેલી ચર્ચા કે દલીલ કરવાના સ્વભાવને પણ સમજી શકું છું. આમ વડીલોનો આદર બહુ કર્યો છે અને હંમેશાં કરું છું, કરતો જ રહીશ, પણ ત્યારે મારી દલીલ એવી રહેતી કે અનુભવથી આપણે અમુક પ્રકારના જ નિર્ણય લઈ શકીએ, નવી કેડી નથી કંડારી શકતા આપણે.

જે કાચી ઉંમરમાં જોશ હોય, સફળતાની કે કશુંક કરી દેખાડવાની ભૂખ હોય એ અશક્ય લાગતા કાર્યને પણ ઘણી વાર સિદ્ધ કરી દેવાની ક્ષમતા પણ આપતી હોય છે. હું આ કહી શકું છું, કારણ કે મેં ઘણી વાર ભૂતકાળમાં એવું કર્યું છે અને એનાં પરિણામો પણ બહુ સારાં આવ્યાં છે. ફક્ત મારા માટે નહીં, મારી આસપાસના ઘણા લોકોની અને મેં જે ફીલ્ડમાં કામ કર્યું છે એ ફીલ્ડમાં પણ. હવે અનુભવ અને આ જોશ, આ બન્નેનું મિશ્રણ તો જાદુ કરે છે, પણ ઘણાં કાર્ય એવાં હોય જેમાં એક્સપરિમેન્ટ્સ ન ચાલે અને અનુભવની જરૂર પડે, પડે અને પડે જ. ખાસ કરીને ધાર્મિક કાર્યોમાં. ઘણી વાર વર્ષોથી જે લોકોએ ગ્રંથ વાંચ્યા હોય અને પ્રૅક્ટિસ કરતા હોય, આચરણમાં એ બધી વાતોને મૂકતા હોય એ વ્યક્તિઓને પૂછી-પૂછીને કરશો તો ક્યારેય તમે કોઈની લાગણી દૂભવશો નહીં, કારણ કે આ બહુ સંવેદનશીલ વિષય છે. માટે ક્યાં અને કઈ જગ્યાએ કેવી રીતે નવા પ્રયોગ એ જાણવું બહુ જરૂરી છે. બીજો સંવેદનશીલ એરિયા છે જ્યારે કોઈ ગુજરી જાય ત્યારે.

તમે જોયું અને અનુભવ્યું હશે કે કોઈના ઘરે આવો દુખદ પ્રસંગ હોય ત્યારે મિત્રો, સગાંસંબંધીઓ, પાડોશીઓ વગેરે તરત જ આવી ચડે. હમણાંના કોરોનાકાળમાં આ શક્ય નથી રહ્યું, પણ હું થોડા સમય પહેલાંના અનુભવોની વાત કરું છું. ત્યારે એકાદ-બે વ્યક્તિ એવી હોય જે તમારી સાથે જોડાયેલી હોય, પણ ઇમોશનલ થયા વિના આખી પ્રક્રિયા કરતા હોય. તેમને બરાબર ખબર હોય કે શું-શું સામગ્રી મગાવવાની હોય અને કઈ-કઈ ચીજ મગાવી લેવાની હોય, કાઢી જવામાં. કયો સામાન ઠાઠડી બાંધવામાં વપરાતો હોય, કયા નજીકના સ્મશાનમાં જવાય, ત્યાં ચિતામાં શું હોમવાનું હોય, કાંધ આપતી વખતે અને સ્મશાનમાં એન્ટર થતી વખતે માથું અને પગ કઈ દિશામાં હોવાં જોઈએ અને છાપામાં બીજા દિવસે જાહેરખબરમાં શું લખવું, પ્રાર્થનાસભા અને ઉઠમણાની શું વિગત આપવી અને ત્યાં શું વ્યવસ્થા હોય એ બધી ખબર હોય. આ બધી બાબતોમાં મૉનોપૉલી પુરુષોની જ રહી છે હંમેશાં. એનું પણ કારણ છે. આપણે ત્યાં વર્ષોથી સ્ત્રીઓને સ્મશાનમાં જવા દેવામાં ન આવતી અને બીજી કોઈ પણ પ્રક્રિયામાં ભાગ પણ લેવા દેવામાં ન આવતી. આજકાલ થોડી છૂટછાટ લેવાવા માંડી છે અને અગ્નિદાહ દીકરો જ આપે પણ જો દીકરો ન હોય તો દીકરીઓ પણ સ્મશાનમાં આવવા માંડી છે અને સાથે-સાથે ખૂબ નિકટની આપ્તજન સ્ત્રીઓ પણ. દીકરીઓ અગ્નિદાહ પણ આપે છે. બહુ સારી વાત છે અને ઘણાં બધાં કાર્યોમાં બાજુમાં ઊભી રહે છે. અહીંથી એક વિચાર કોઈ છોકરીને આવે અને એમ નક્કી કરે કે છોકરીઓ અને સ્ત્રીઓને પણ આ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવી જોઈએ તો આવનારો સમય ઘણી રીતે બદલાઈ શકે છે. એટલે એમાં ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે જે અનુભવી પણ હોય છે. આપણે ફક્ત યંગસ્ટર્સની જ વાત નથી કરતા અને એટલે જ આપણે આપણી આગલી પેઢીને પણ ધ્યાનમાં રાખવાની છે.

મોટા ભાગનાં ધાર્મિક કાર્યોમાં આપણને પૂજારી જ જોવા જ મળે. મંદિરમાં, દેરાસરોમાં, દેવળમાં આપણને પૂજારી તરીકે પુરુષ જ જોવા મળે. લગ્ન કરાવવામાં પંડિતો જ આવતા હશે અને એવાં બીજાં કાર્યોમાં પણ, પરંતુ આની પાછળ વર્ષોથી ચાલતો આવતો વારસો જ જવાબદાર છે. એને કારણે જ આપણા આ બધા વ્યવસાયમાં પુરુષો જ આગળ આવ્યા, પણ હમણાં-હમણાં જ્યોતિષવિદ્યામાં બદલાવ આવી રહ્યો છે.

આજકાલ ઘણી સ્ત્રીઓ અને છોકરીઓ ટેરોકાર્ડ-રીડર બની ગઈ છે. આ એક મોટો બદલાવ છે. મૂળ વાત હતી અનુભવની. આ વાત થઈ રહી છે ભેદભાવની. તો અનુભવમાં બધાના પ્રકારનો અનુભવ જ્યાં-જ્યાં યોગ્ય રહ્યો હોય ત્યાં-ત્યાં એનો સદુપયોગ કરવો જ રહ્યો. કહેવાય છેને કે વડીલોની સલાહમાં ઘણાં બધાં ઉદાહરણ હોય છે. તેમણે પરિસ્થિતિઓને જોઈ હોય છે અને એનાથી અમુક પ્રકારનાં તારણો નીકળ્યાં હોય છે, જે તેમનું વ્યક્તિત્વ ઘડવામાં મદદરૂપ થયાં હોય છે. મેડિકલ ફીલ્ડમાં આપણા ફૅમિલીના કે પછી નજીકના કે કહોને ઇમ્પોર્ટન્ટ કેસમાં કોઈક થોડું કૉમ્પ્લીકેશન આવી જાય તો આપણે અનુભવી ડૉક્ટર પાસે જવાનું કેમ પસંદ કરીએ છીએ?

કારણ કે એ એવા ડૉક્ટર ઘણી એવી સર્જરી કરી ચૂક્યા છે અને એવી પ્રોસેસના ભાગ રહ્યા હોય એટલે તેમને આવી શકનારી મુશ્કેલીનો પહેલેથી જ ખ્યાલ આવી શકતો હોય છે અને એવી તૈયારીઓ રાખી શકે જેનાથી કોઈ પણ વિકટ પરિસ્થિતિ ઊભી થાય, ઊભી થઈ જાય તો એ પરિસ્થિતિને પહોંચી શકે અને સાચવી શકે. આ વાતમાં મારા આ લેખનો ઘણોખરો સાર આવી જાય છે, પણ સાથે-સાથે ટેક્નૉલૉજી અને નવો દૃષ્ટિકોણ પણ આજના યુગમાં આગળ વધવા માટે બહુ મહત્ત્વનાં પુરવાર થઈ રહ્યાં છે, જેમ કે પહેલાં સુવાવડો એ સ્ત્રીઓ જ કરાવતી, એને સુયાણી કહેવામાં આવતી. એનું પહેલું કારણ એ કે અમુક મર્યાદાને ધ્યાનમાં રાખવાની હતી તો તેમનો હાથ. તેમને ખબર જ હોય કે માથું કઈ બાજુ છે કે બાળકનું લિંગ નક્કી કરી શકે અને એ પણ બહારથી હાથના સ્પર્શથી પણ, આપણે હવે આજે એના પર બહુ ડિપેન્ડ નથી રહી શકતા. તેમનો અનુભવ જરૂર છે. આપણા વડીલોને આજે પણ ખબર પડતી હોય છે, પણ હવે આપણે શું કરીએ છીએ કે આપણે યંગ એવા ગાયનેક પાસે જઈએ છીએ, કારણ કે ટેક્નૉલૉજીને તમે હવે ઈગ્નોર ન કરી શકો.

ટેક્નૉલૉજી અને એનો દૃષ્ટિકોણ પણ આજના યુગમાં આગળ વધવા માટે બહુ મહત્ત્વનાં પુરવાર થયાં છે. માટે અનુભવની સાથેસાથે પ્રયોગાત્મક અભિગમનું મિશ્રણ તમને રવિનાં કિરણો અને કવિની કલ્પનાથી આગળ લઈ જાય છે એટલે નવી પેઢીને સંભાળીને, સાચવીને, જાળવીને તમારી સાથે રાખીને આગળ લઈ જવામાં માલ છે તો આ જ વાત નવી પેઢીને પણ લાગુ પડે છે. નવી પેઢી ખાસ સમજે અને વડીલોનો આદર કરી, વડીલોને સાથે રાખી, વડીલોને જાળવી, વડીલોને સંભાળી અને તેમને ખૂબ, ખૂબ, ખૂબ અને ખૂબ પ્રેમ કરી સાથે રાખીને જ જીવન જીવવામાં મજા છે. જો એવું કરી શક્યા તો તમે અને તમારી ખુશી સૂરજનાં કિરણોથી વધારે ચમકદાર, કવિની કલ્પનાથી વધારે રોમાંચક અને આખી દુનિયાના દરેકેદરેક કુટુંબના અનુભવથી વધારે આહ્‍‍લાદક એવું સુખ તમારા ઘરમાં રહેશે. હું મારા તમામેતમામ વાચકોને કહીશ કે આ વાતને માત્ર વાંચીને ખુશ થવાને બદલે એને જરૂર આચરણમાં મૂકજો.

ગૅરન્ટી આપું છું, તમારે સુખ શોધવા ક્યાંય નહીં જવું પડે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK