Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ક્રિકેટમાં સેન્ચુરી મારનાર બૅટ્સમૅનની ‍આખી દુનિયા વાહ-વાહ કરે છે...

ક્રિકેટમાં સેન્ચુરી મારનાર બૅટ્સમૅનની ‍આખી દુનિયા વાહ-વાહ કરે છે...

05 July, 2020 08:41 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

ક્રિકેટમાં સેન્ચુરી મારનાર બૅટ્સમૅનની ‍આખી દુનિયા વાહ-વાહ કરે છે...

ક્રિકેટમાં સેન્ચુરી મારનાર બૅટ્સમૅનની ‍આખી દુનિયા વાહ-વાહ કરે છે...


૧૯૪૫થી ૧૯૬૫ સુધીના સમયને હિન્દી ફિલ્મ સંગીતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. એનું એક મુખ્ય કારણ એ છે કે એ અરસામાં મોટા ભાગે  દેશભક્તિ, ધાર્મિક, ફૅમિલી ડ્રામા અને શુદ્ધ દેશી રોમૅન્સ પર ફિલ્મો બનતી એટલે આ ફિલ્મોમાં ગીત-સંગીતને સારો સ્કોપ મળતો. ૭૦ના દસકામાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઈ. ‘ઝંજીર’ની જબરદસ્ત સફળતા બાદ ઍક્શન ફિલ્મોનો યુગ શરૂ થયો. આમ પણ દર ૧૫-૨૦ વર્ષ બાદ સમાજમાં જેમ ફૅશનના ટ્રેન્ડ બદલાય છે એવું ફિલ્મોના સંગીત અને સ્ટોરીમાં થાય છે. આ વાત જીવનનાં અનેક ક્ષેત્રો માટે સાચી છે. જોકે એ એક જુદો વિષય છે, અહીં એની ચર્ચા નથી કરવી.

આજે વાત એક એવી ધાર્મિક ફિલ્મની કરવી છે જેણે ઍક્શન ફિલ્મોના દોરમાં સામા પ્રવાહે ચાલીને નવા રેકૉર્ડ સ્થાપિત કર્યા. આ ફિલ્મની સફળતામાં સૌથી મોટો ફાળો, સાચું કહો તો ૧૦૦ ટકા ફાળો કેવળ ગીત-સંગીતનો હતો. ૧૯૭૫માં ‘શોલે’ અને ‘દીવાર’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો સામે ટક્કર ઝીલીને જે ફિલ્મે નવાં કીર્તિમાન સ્થાપિત કર્યાં એ હતી ‘જય સંતોષી માં’ જેના ગીતકાર હતા કવિ પ્રદીપજી અને સંગીતકાર હતા સી. અર્જુન.



સંગીતકાર સી. અર્જુને મોટા ભાગે ‘બી’ અને‘સી’ ગ્રેડની ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.  તેમના જેવા બીજા અનેક સંગીતકારો છે જેમણે ભલે ઓછું કામ કર્યું, પરંતુ એ આછું નહોતું. ઇકબાલ કુરેશી, ધનીરામ, લચ્છીરામ,  જી. એસ. કોહલી, દાન સિંઘ, રૉબિન બૅનરજી અને બીજા અનેક. લિસ્ટ ઘણું લાંબું છે. ‘હમ ભી તો પડે હૈં રાહોં મેં’ કહેતા આ સંગીતકારો  આપણને સાદ પાડીને બોલાવે છે. ભવિષ્યમાં મોકો મળે ત્યારે વિસ્તારથી તેમના વિશે લખવું છે.  આ દરેકને યાદ કરવામાં, તેમના યોગદાનને મૂલવવામાં આપણે ઊણા ઊતર્યા છીએ. ક્રિકેટ મૅચમાં સેન્ચુરી મારનાર બૅટ્સમૅનની વાહ-વાહ આખી દુનિયા કરે છે, પરંતુ સામા છેડે લાંબો સમય ઊભો રહીને સાથ આપનાર, ૧૦-૧૫ રન બનાવનાર ખેલાડીને કોઈ યાદ નથી કરતું. લાંબી ઇનિંગ્સ રમેલા નૌશાદ, સચિન દેવ બર્મન, ઓ. પી. નૈયર, શંકર-જયકિશન અને બીજા નામી સંગીતકારોની સરાહના થાય ત્યારે એ ન ભૂલવું જોઈએ કે અમર સંગીતના ખજાનામાં આવા પ્રતિભાશાળી પરંતુ નાની ઇનિંગ્સ રમેલા ગુણી સંગીતકારોએ અનેક મોતી અર્પણ કર્યાં છે. એવા જ એક ગુણી સંગીતકાર સી. અર્જુનના સ્વરબદ્ધ કરેલાં આ ગીતો આજે પણ લોકપ્રિય છે. યાદ છેને? 


મૈં અભી ગૈર હૂં, મુઝકો અભી અપના ન કહો,

હાયે મર જાયેંગે, મિટ જાયેંગે, ઐસા ન કહો


(૧૯૬૧: મૈં ઔર મેરા ભાઈ - મુકેશ-આશા ભોસલે – જાં નિસાર અખ્તર)

પાસ બૈઠો તબિયત બહેલ જાયેગી, મૌત ભી આ ગઈ હો તો ટલ જાયેગી

 (૧૯૬૪: પુનર્મિલન - મોહમ્મદ રફી - ઇન્દિવર )

ગમ કી અંધેરી રાત મેં, દિલ કો ન બેકરાર કર  

સુબહા ઝરૂર આયેગી, સુબહા કા ઇંતઝાર કર    

(૧૯૬૬: સુશીલા - મોહમ્મદ રફી-તલત મેહમૂદ - જાં નિસાર અખ્તર)   

એક આડવાત. ફિલ્મ ‘સુશીલા’નું આ ગીત એક લોકપ્રિય ગીતના જવાબમાં લખાયું છે. એ દિવસોમાં સાહિર લુધિયાનવીએ લખેલું ‘વો સુબહ કભી તો આએગી’ (ફિર સુબહ હોગી ઃ ખય્યામ – મુકેશ-આશા ભોસલે) અત્યંત લોકપ્રિય થયું હતું. જાં નિસાર અખ્તર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘આ ગીત નિરાશાવાદી હતું. એમાં ભવિષ્ય વિશે શંકા કરવામાં આવી હતી. જ્યારે સાહિર લુધિયાનવી સાથે મુલાકાત થઈ ત્યારે મેં આ વાત કરી તો કહે કે આ જ વાસ્તવિકતા છે. મને લાગ્યું કે લોકોને ખોટો સંદેશ જાય છે. ભવિષ્ય ઊજળું છે. આપણે આશાવાદી રહેવું જોઈએ એટલે મેં લખ્યું, ‘ગમ કી અંધેરી રાત મેં દિલ કો ન બેકરાર કર.’ 

મારી લાઇબ્રેરીમાં અર્જુન ચેલારમાણીનો વર્ષો પહેલાંનો એક ઇન્ટરવ્યુ છે જેમાં પોતાના જીવનની અનેક રસપ્રદ વાતો શૅર કરતાં તેઓ કહે છે...     

‘મારી પહેલી ફિલ્મ ‘રોડ નંબર 303’ (૧૯૬૦)ના કલાકારો હતા મેહમૂદ અને શુભા ખોટે. મને કોઈકે કહ્યું કે તારું નામ સંગીતકાર જેવું નથી લાગતું, એટલે મેં સી. અર્જુન નામ રાખ્યું. ફિલ્મનો ડિસ્ટ્રિબ્યુટર પ્રોડ્યુસરને કહે છે, ‘આ સી. અર્જુન કોણ છે? કોઈ નવો લાગે છે. મારે તો કોઈ જાણીતો સંગીતકાર જોઈએ.’ પ્રોડ્યુસર હોશિયાર હતો, તેણે જવાબ આપ્યો, ‘એ તો સંગીતકાર સી. રામચંદ્રનો નાનો ભાઈ છે.’  પેલાને મારામાં વિશ્વાસ બેઠો અને આમ મારી શરૂઆત થઈ. મેં ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું, પરંતુ મને સાચી ઓળખ ‘જય સંતોષી માં’થી મળી. 

‘મારો એક મિત્ર છે સંતરામ બોહરા. અમે બન્ને સિંધી. તે ફિલ્મોનો બહુ શોખીન. તે ફિલ્મી દુનિયાની ચમકદમકથી ખૂબ અંજાઈ ગયેલો. મૂળ તો કારકુન તરીકે એક એસ્ટેટ એજન્સીમાં નોકરી કરે, પરંતુ  ફિલ્મોનાં સપનાં જુએ. કોઈની પાસેથી ફાઇનૅન્સ લઈને તેણે એક સિંધી ફિલ્મ બનાવી હતી જે ફ્લૉપ ગઈ હતી. નુકસાન કર્યું, પરંતુ ફિલ્મનો કીડો ગયો નહીં.’

એક દિવસ આવીને મને કહે, ‘એક હિન્દી ફિલ્મ બનાવવી છે. નામ રાખ્યું છે ‘જય સંતોષી માં.’ તારે સંગીત આપવાનું છે. ગીતકાર તરીકે કવિ પ્રદીપજીને લેવાના છીએ. ધાર્મિક ફિલ્મોમાં તેમનાં ગીતો બહુ હિટ જાય છે. હું આ લાઇનમાં તારા સિવાય કોઈને ઓળખતો નથી. તેમને સાઇન કરવાની જવાબદારી તારી, પણ હા, આપણું બજેટ સાવ ઓછું છે એ વાતનો ખ્યાલ રાખજે.’ 

પ્રદીપજીને આ પહેલાં હું કદી મળ્યો નહોતો. હા, તેમના કામ અને નામથી પરિચિત હતો. વિલે પાર્લેમાં એસ. વી. રોડ પર આવેલા ‘પંચામૃત’ બંગલામાં તેમને મળવા ગયો ત્યારે મનમાં થોડો ડર હતો કે આવા મહાન ગીતકાર મારા જેવા નવા નિશાળિયાને કેવો રિસ્પૉન્સ આપશે. તેમના ઘરે પહોંચીને ડ્રૉઇંગરૂમમાં તેમની રાહ જોતો બેઠો હતો ત્યાં આવીને મારું સ્વાગત કરતાં બોલ્યા, ‘આવો, તમારું શુભ નામ?’       

‘સી. અર્જુન. હું સંગીતકાર છું. એક જમાનામાં હું સંગીતકાર બુલો સી. રાનીનો અસિસ્ટન્ટ હતો.’ મેં નમસ્કાર કરતાં તેમણે જવાબ આપ્યો. મારા મનમાં હતું કે બુલો સી. રાનીએ સ્વરબદ્ધ કરેલાં ફિલ્મ ‘જોગન’નાં ગીતો તો પ્રદીપજીએ સાંભળ્યાં જ હશે; એટલે એ જ મારો સાચો પરિચય બનશે. આમ મારું કામ સહેલું થઈ જશે.’

અને એમ જ થયું. પ્રદીપજી મને કહે, ‘આઇયે, અંદર બૈઠ કે બાતેં કરતે હૈં.’ રૂમમાં અંદર જતાં જ મેં તેમના પગ પકડીને વિનંતી કરી કે ‘મને એક ફિલ્મ મળી છે અને તમારે ગીતો લખવાનાં છે. એમાં એક મુશ્કેલી છે કે પ્રોડ્યુસર સાવ નવો છે એટલે તમારી પૂરી કિંમત નહીં આપી શકે. તમે ગીતો લખશો તો ફિલ્મની વૅલ્યુ વધી જશે અને મારું સંગીત પણ ઊપડશે. મારી કરીઅર માટે આ ફિલ્મ બહુ અગત્યની છે. પ્લીઝ તમે ના નહીં પાડતા.’

આ સાંભળીને પ્રદીપજી બોલ્યા, ‘એ બધી વાત ઠીક છે, પણ પ્રોડ્યુસર કોણ છે. ફિલ્મ શેના વિશે છે. સ્ટોરી લાઇન શું છે? મને એ તો કહો?’

મેં કહ્યું, ‘પ્રોડ્યુસર મારો  મિત્ર છે. તેમનું નામ છે સંતરામ બોહરા. આ લાઇનમાં નવો છે. સ્ટોરી શું છે એની તો મને પણ ખબર નથી. હા, ફિલ્મનું નામ છે ‘જય સંતોષી માં.’ વધારે વિગત તેઓ આપશે. તમારી પાસે મોકલાવું છું. તમે બધી વાત કરી લેજો. બસ, તમે હા પાડજો. મારે માટે આ ફિલ્મ લાઇફલાઇન જેવી છે. આપનો ઉપકાર હું કદી નહીં ભૂલું.’

પ્રદીપજી બોલ્યા, ‘ભાઈ, પહેલાં તેને મારી પાસે મોકલો તો ખરા. બાકીની વાત પછી જોઈ લઈશું.’

સી. અર્જુનના ઇન્ટરવ્યુની બીજી વાતો શૅર કરતાં પહેલાં આ ફિલ્મ વિશેની પડદા પાછળની વાતો જાણવી જરૂરી છે. કેદારનાથ અગ્રવાલ નામના એક બિઝનેસમૅનનાં લગ્નને ઘણાં વર્ષો થયાં, પરંતુ તેમને એક પણ સંતાન નહોતું. અનેક માનતાઓ માની, પરંતુ પરિણામ શૂન્ય. છેવટે કોઈકના કહેવાથી સંતોષી માનું વ્રત રાખ્યું અને પુત્રીનો જન્મ થયો એટલે તેમણે નક્કી કર્યું કે આ નામની ફિલ્મ બનાવવી છે અને એમાં પૈસા ઇન્વેસ્ટ કરવા છે. તેમણે સંતરામ બોહરાનો સંપર્ક કર્યો અને આમ આખો પ્રોજેક્ટ શરૂ થયો.

કવિ પ્રદીપજીનાં પુત્રી મિતુલબહેન સંતરામ બોહરાને યાદ કરતાં કહે છે, ‘સંતરામ બોહરા એક એસ્ટેટમાં ભાડું ઉઘરાવવાનું કામ કરતા હતા. એક ફ્લૉપ સિંધી ફિલ્મ બનાવી હતી અને એ સિવાય બીજો કોઈ અનુભવ નહોતો. બાપુને નવાઈ લાગી કે આવા માણસો પણ ફિલ્મ બનાવવાનું સાહસ કરે છે. તેઓ ઘરે આવ્યા ત્યારે બાપુએ કહ્યું કે આજ સુધી મેં અનેક દેવીઓ-માઓ વિશે સાંભળ્યું છે, પરંતુ સંતોષી મા વિશે કદી સાંભળ્યું નથી. ત્યારે બોહરાએ કેદારનાથ અગ્રવાલની વાત કરી. બાપુએ કહ્યું કે લાગે છે તમારે ઘેર પણ પારણું બંધાયું નહીં હોય. બાકી આવી ફિલ્મ કોણ હાથમાં લે. બાપુની ધારણા સાચી હતી.’

હજી ગઈ કાલે જ આ ઘટના બની હોય એ રીતે મિતુલબહેન વાત કરતાં હતાં, ‘ઉનાળાના દિવસો હતા. તેઓ બાપુના રૂમમાં બેસીને વાત કરતા હતા. એ દિવસોમાં ઘરે ઍર કન્ડિશનર નહોતું એટલે બારી-બારણાં ખુલ્લાં જ હોય. બહારના ટ્રાફિકનો અવાજ આવે. બન્ને  વચ્ચે વાતચીત થાય એમાં સાંભળવાની તકલીફ પડે. સંતરામે ભોળા ભાવે બાપુને પૂછ્યું, ‘ઍર-કન્ડિશનર કેમ નથી નખાવતા?’ બાપુએ પોતાની ટિપિકલ સ્ટાઇલમાં જવાબ આપ્યો, ‘આ લાઇનમાં ગીતકારને જે આવક થાય એમાં પંખો પોસાય, ઍર-કન્ડિશનર નહીં.’ આમ પણ બાપુ ખોટા ખર્ચામાં માનતા નહોતા (મને અત્યારે પ્રદીપજીએ સંગીતકાર પ્યારેલાલને આપેલી સલાહ યાદ આવે છે, જે તમારી સાથે શૅર કરી છે). આ સાંભળીને સંતરામ બોલ્યા, ‘જો મારું પિક્ચર હિટ જશે તો આ રૂમમાં ઍર-કન્ડિશનર ફિટ કરાવી આપીશ. તમને પ્રૉમિસ આપું છું.’  

બાપુને ખબર હતી કે આ ફિલ્મી દુનિયા છે. લોકો અનેક વાતો કરે. તેમણે હસતાં-હસતાં કહ્યું, ‘ઠીક છે. પ્રૉમિસ ભૂલી ન જતા.’ ત્યારે તઓ કહે, ‘હું જબાનનો પાક્કો છું. બસ, તમે હા પાડો.’ બાપુએ જવાબ આપ્યો, ‘ચિંતા ન કરો. હું ગીતો લખીશ.’ જ્યારે બાપુએ વાર્તા શું છે એ બાબતમાં પૂછ્યું તો તેમણે કહ્યું કે એક વાર્તાકાર છે તે તમને આવીને મળી જશે.’

બે દિવસ પછી ૨૫-૩૦ વર્ષનો એક જુવાન આવ્યો. તેનું નામ હતું પ્રિયદર્શી. આવીને બાપુને એક લાલપીળા કાગળના પૂંઠાવાળી પચ્ચીસ-ત્રીસ પાનાંની ગુજરાતી ચોપડી આપી. એનું નામ હતું, ‘સંતોષી માંનું વ્રત.’ તે કહે, ‘જેકાંઈ છે એ આ છે. આમાંથી આપણે આગળ વધવાનું છે. બસ મને એટલી ખબર છે કે એક માન્યતા છે કે સંતોષી મા ગણપતિનાં માનસ પુત્રી હતાં.’

મેં મિતુલબહેનને એક પ્રશ્ન પૂછ્યો, ‘પ્રદીપજી તો બહુ ચુઝી હતા તો પછી કોની આવી વાતો સાંભળ્યા છતાં તેમણે આ ફિલ્મ સ્વીકારી, એનું કારણ શું?’     

‘મને લાગે છે કે સી. અર્જુનની કરીઅર માટેની વિનંતી, સંતરામ બોહરાની આજીજી અને પ્રિયદર્શીની ટૅલન્ટ જોઈને તેમણે હા પાડી હશે. તેમને માટે કદાચ આ નવી ચૅલેન્જ હતી. એ ઉપરાંત તેમનો સ્વભાવ એવો હતો કે કોઈને મદદરૂપ થઈ શકાય તો પૈસાને બહુ મહત્ત્વ ન આપવું.’ આટલું કહીને મિતુલબહેન આગળ વાત કરે છે, ‘આમ બાપુ અને પ્રિયદર્શી દરરોજ મળીને ફિલ્મની વાર્તાને આકાર આપતા ગયા. ધાર્મિક ફિલ્મોમાં જેકોઈ લોકપ્રિય સિચુએશન હોય અને જ્યાં ગીતો રજૂ કરવાની સંભાવના હોય એવાં દૃશ્યોની ગૂંથણી વાર્તામાં કરવામાં આવી. પ્રેક્ષકોને ગમતા તહેવારો અને પાત્રોનું આલેખન થયું. નારદમુનિ આવ્યા. લક્ષ્મીજી અને ઇંદ્રાણીદેવીનાં પાત્રોને સાંકળી લેવામાં આવ્યાં. આમ એક સરસ ધાર્મિક કથા લખવામાં આવી જેમાં સંતોષી માના ભક્તોને અનેક મુશ્કેલીઓમાં પણ ઊની આંચ નથી આવતી એમ  દેખાડવામાં આવ્યું. ટૂંકમાં કહીએ તો સંતોષી માનો પ્રભાવ કેવો છે એ પુરવાર કરવાનો આ ફિલ્મમાં ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યો હતો.’

અને આમ શરૂઆત થઈ ફિલ્મ ‘જય સંતોષી માં’ની. ત્યારે આ ફિલ્મ એક કલ્ટ ફિલ્મ બની જશે એની તેના સર્જકોનેય કલ્પના નહોતી. એ ફિલ્મના સર્જનકાળની વાતો આવતા રવિવારે.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2020 08:41 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK