Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોણ વધુ હેલ્ધી હાઉસવાઇફ કે વર્કિંગ વિમેન?

કોણ વધુ હેલ્ધી હાઉસવાઇફ કે વર્કિંગ વિમેન?

23 January, 2020 03:41 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

કોણ વધુ હેલ્ધી હાઉસવાઇફ કે વર્કિંગ વિમેન?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


પુરુષોની તુલનામાં મહિલાઓની આવરદા લાંબી હોય છે એવું સાયન્સે અનેક વર્ષો પહેલાં પુરવાર કર્યું છે. થોડા સમય પહેલાં આ વિષયને હેલ્થ સાથે સાંકળી કરવામાં આવેલાં બીજાં કેટલાંક સંશોધનો અને સર્વેનો રિપોર્ટ સામે આવ્યો છે. અહેવાલ કહે છે કે ગૃહિણીઓની સરખામણીએ વર્કિંગ વિમેન લાંબું જીવે છે એટલું જ નહીં, પાછલી જિંદગીમાં તેઓ વધુ આનંદિત રહે છે.

જર્મનીસ્થિત મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડેમોગ્રાફિક રિસર્ચ દ્વારા ૧૯૬૭માં મહિલાઓના સ્વાસ્થ્ય વિષયક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ૩૦થી ૪૪ વર્ષની વય ધરાવતી આશરે પાંચ હજાર જેટલી વર્કિંગ તેમ જ ગૃહિણી બન્ને ફીલ્ડની મહિલાઓના સ્વાસ્થ્ય પર ૩૬ વર્ષ સુધી સતત નજર રાખ્યા બાદ તારણ નીકળ્યું છે કે વર્કિંગ મહિલાઓ લાંબું અને સ્વસ્થ જીવન જીવે છે. હાલમાં આ મહિલાઓની વય ૬૬થી ૮૦ વર્ષની વચ્ચે છે. રિસર્ચ ટીમનાં સભ્ય જેનિફર કેપીટોનું કહેવું છે કે યુવાનીમાં આર્થિક રીતે સ્વતંત્ર જીવન ગાળનારી મહિલાઓની પાછલી લાઇફ બેટર હોય છે. એમાંય ખાસ કરીને પુરુષોના ક્ષેત્રમાં પોતાની ક્ષમતા પુરવાર કરનારી મહિલાઓમાં ગજબનો આત્મવિશ્વાસ છલકાય છે. જૉબ સૅટિસ્ફૅક્શન તેમના સ્વાસ્થ્યને સારું રાખવામાં હેલ્પ કરે છે. આજે આપણે આ રિસર્ચ સંદર્ભે મહિલાઓના અભિપ્રાયો જાણીએ. સૌથી પહેલાં વાત કરીએ એક્સપર્ટ સાથે.



ઉપરોક્ત અહેવાલ અનુસાર જે વર્કિંગ મહિલાઓ અત્યારે સ્વસ્થ જીવન જીવી રહી છે. તેમની વય ૬૬ વર્ષની ઉપર છે. અહીં હેલ્થની વ્યાખ્યાને સમજવાની જરૂર છે એમ જણાવતાં કાંદિવલીનાં સાઇકોથેરપિસ્ટ દીપાલી પંડ્યા પરમાર કહે છે, ‘આજથી ત્રણેક દાયકા પહેલાં મોટા ભાગની મહિલાઓ ટીચિંગ અને બૅન્કિંગ જેવા ક્ષેત્રમાં કામ કરતી હતી. ઘરની નજીકની સ્કૂલમાં ભણાવે, વેકેશન અને રજાઓ ખૂબ મળે તેથી ઘર અને કામ વચ્ચે બૅલૅન્સ જળવાઈ રહેતું. તેમના વર્ક પ્રોફાઇલમાં ચૅલેન્જિસ ઓછી હતી. અત્યાર જેવું કૉર્પોરેટ કલ્ચર તેમને ફેસ કરવું પડ્યું નહોતું પરિણામે તેઓ સ્વસ્થ રહી શકી છે. હમણાંની નોકરિયાત મહિલાઓ તેમની પાછલી જિંદગીમાં સ્વસ્થ રહેશે એની કોઈ ગૅરન્ટી નથી. એ જ રીતે ૬૬ વર્ષની ઉપરની વયની ગૃહિણીઓ પણ સ્વસ્થ જ જોવા મળે છે. આપણી મમ્મી અને દાદીમાં કેટલી સ્ફુર્તિ છે! આપણે તેમની એજમાં પહોંચતાં સુધીમાં તો થાકી જવાનાં છીએ. પાછલી જિંદગીમાં તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે એ તમારી આજની લાઇફ-સ્ટાઇલ પર નિર્ભર કરે છે પછી તમે હાઉસવાઇફ હો કે વર્કિંગ મહિલા એનાથી કોઈ ફરક પડવાનો નથી.’


હેલ્થ ઍન્ડ હૅપિનેસ વિશે વધુ વાત કરતાં દીપાલી કહે છે, ‘વાસ્તવમાં હેલ્થ એટલે શું? તમને રોગ નથી એટલે તમે સ્વસ્થ છો એ વ્યાખ્યા નથી. સ્વસ્થ રહેવું એટલે શરીરમાં સ્ફુર્તિ જળવાઈ રહેવી. મેં એવી ઘણી મહિલાઓને જોઈ છે જેઓ ઓવરવેઇટ છે, પણ કામકાજમાં ગજબની ચપળતા છે. બીજી બાજુ એવી મહિલાઓ પણ છે જેઓ કંઈ ન કરે તોય થાકી જાય. હેલ્ધી લાઇફ-સ્ટાઇલ માટે ડિસિપ્લિન બહુ જરૂરી છે. આજની વર્કિંગ મહિલાઓમાં ડિસિપ્લિન વધુજોવા મળે છે. કદાચ આ બાબત તેમના સ્વાસ્થ્યને સારું રાખવા કામ લાગી શકે છે. જોકે થાઇરૉઇડ અને ડાયાબિટીઝ જેવા લાઇફ-સ્ટાઇલ ડિસીઝથી બચવું સરળ નથી. ગૃહિણીઓની વાત કરું તો મને લાગે છે કે સંયુક્ત કુટુંબમાં રહેનારી ગૃહિણીઓમાં ડિસિપ્લિન જોવા મળે છે. તેઓ બધાં જ કામ સમયસર કરે છે, જ્યારે વિભક્ત કુટુંબમાં રહેતી ગૃહિણીઓમાં આ બાબત જોવા મળતી નથી. જોકે આજના સમયમાં ફુલટાઇમ ગૃહિણીઓ ભાગ્યે જ જોવા મળે છે. દરેક મહિલા કંઈ ને કંઈ કામ કરતી જ હોય છે. તેથી આજથી ત્રણ દાયકા બાદ તેઓ કેટલી સ્વસ્થ હશે એ તો આવનારો સમય જ કહેશે.’ 

માત્ર ગૃહિણી બનીને રહો તો પાછલી જિંદગીમાં ડિપ્રેશન આવે છે ભાવના પટણી, બોરીવલી


યંગ એજમાં હાઉસવાઇફની અને પાછલી જિંદગીમાં વર્કિંગ વિમેનની લાઇફ વધુ બેટર હોય છે એવો મત વ્યક્ત કરતાં બોરીવલીનાં ૪૯ વર્ષનાં સેલ્ફ-એમ્પ્લોયડ અને ગૃહિણી ભાવના પટણી કહે છે, ‘ગૃહિણીઓના માથે માત્ર ઘર અને સામાજિક જવાબદારીઓ હોય છે, જ્યારે નોકરિયાત કે બિઝનેસ વુમન પર બૅલૅન્સ રાખવાનું સ્ટ્રેસ હોય છે. આપણે ત્યાં જૉબ કરતી મહિલા માટે પણ ઘરનાં કામ કરવાં ફરજિયાત હોય છે તેથી તેમના સ્વાસ્થ્યને અસર થાય છે. પાછળની લાઇફની વાત કરીએ તો મોટા ભાગની ગૃહિણીઓ ડિપ્રેશનમાં જીવતી હોય છે. યુવાનીમાં તેમણે ઘર અને સંતાનો સિવાય કંઈ વિચાર્યું ન હોય. પોતાના માટે કોઈ પ્રવૃત્તિ વિચારી ન હોય તેથી પચાસ વર્ષ બાદ એકલી પડી જાય છે અને એકલતા તેમના સ્વાસ્થ્યને બગાડવાનું કામ કરે છે. જ્યારે વર્કિંગ મહિલાઓને કામ કરતા રહેવાની ટેવ હોય એટલે નિવૃત્તિ બાદ પણ કંઈ ને કંઈ ઍક્ટિવિટી શોધી લે છે. મારા મતે પાછળનું જીવન તંદુરસ્ત રહે એ માટે યુવાન વયથી જ કોઈ પણ મહિલાએ પ્રવૃત્ત રહેવું જરૂરી છે. પ્રવૃત્તિથી માઇન્ડ ડાયવર્ટ થાય છે પછી ગમે તે એજ પર પહોંચો તન અને મનના સ્વાસ્થ્ય પર અસર પડતી નથી.’

ફૅમિલીને બાંધીને રાખનારી હાઉસમેકર આજીવન સ્વસ્થ રહે છે :  જ્યોતિ શાપરિયા, સાયન

આઇ ઍમ નૉટ હાઉસવાઇફ, આઇ ઍમ હાઉસમેકર ઍન્ડ ફિટ ઍટ ધ એજ ઑફ ફિફ્ટી એઇટ. અંગ્રેજીમાં આવો જવાબ આપતાં સાયનનાં ગૃહિણી જ્યોતિ શાપરિયા ઉત્સાહભેર કહે છે, ‘વર્કિંગ વિમેન પાસે ટાઇમ જ ક્યાં હોય છે પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનો. તેમની પાસે જિમમાં જવાનો કે ડાયટને ફૉલો કરવાનો પૂરતો સમય નથી હોતો. કદાચ ડાયટ કરવાનો વિચાર આવે તો પણ બનાવવાનો સમય નથી. પરિણામે તેમની તબિયત યુવાનીમાં જ ખખડી જાય છે. જ્યારે અમારી પાસે બ્યુટી અને હેલ્થ બન્નેની કૅર કરવા માટે સમય છે. મને જોઈ લો, હું જિમમાં જાઉં છું, યોગ કરું છું અને નજીકના લગ્નપ્રસંગોમાં ડાન્સ કરવા પ્રૅક્ટિસ માટે સમય પણ કાઢી લઉં છું. હૅપિનેસ મનમાં ઉદ્ભવતી લાગણી છે. ગૃહિણીઓનું ફોકસ ફૅમિલી હોય છે. પરિવારના સ્વાસ્થ્ય માટે તે મરી પડે છે. ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે તો આનંદ થાય છે. આ આનંદ તમને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રાખે છે. યુવાનીમાં કમાયેલા પૈસા પાછલી જિંદગીમાં ખુશી આપશે એ માન્યતા ખોટી છે. હૅપિનેસ એકલા રહેવામાં નથી, સાથે રહેવામાં છે.’

પાછલી જિંદગીમાં તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે એ તમારી આજની લાઇફ-સ્ટાઇલ પર નિર્ભર કરે છે. હેલ્ધી ત્યારે જ રહી શકશો જ્યારે લાઇફમાં ડિસિપ્લિન હશે, તમે હાઉસવાઇફ છો કે વર્કિંગ એનાથી કોઈ ફરક પડવાનો નથી

- દીપાલી પંડ્યા પરમાર, સાઇકોથેરપિસ્ટ

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 03:41 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK