Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કહો જોઈએ, તમારી લાઇફમાં કોણ અમ્પાયર છે?

કહો જોઈએ, તમારી લાઇફમાં કોણ અમ્પાયર છે?

15 December, 2019 04:31 PM IST | Mumbai Desk
bhavya gandhi | feedbackgmd@mid-day.com

કહો જોઈએ, તમારી લાઇફમાં કોણ અમ્પાયર છે?

કહો જોઈએ, તમારી લાઇફમાં કોણ અમ્પાયર છે?


આપણા દેશમાં સૌથી વધારે જોવાતી, રમાતી કે પછી ચર્ચાતી હોય એ ગેમ છે ક્રિકેટ. ક્રિકેટ પર આધારિત ‘ઇનસાઇડ એજ’ની સેકન્ડ સીઝન હમણાં જોઈ, જેમાં એક ડાયલૉગ છે, મોટામાં મોટા કૌભાંડ કે દુર્ઘટના આ દેશ ભૂલી શકે છે, પણ આ દેશની પ્રજા ક્રિકેટરે કરેલી ભૂલ કે ક્રિકેટમાં મળેલી હાર ભૂલી નથી શકતી.

સાવ સાચું છે. ક્રિકેટ આપણે માટે ધર્મ છે અને ક્રિકેટર આપણા માટે ભગવાન છે. આ જ કારણ હશે કે ક્રિકેટ માટે આપણે પાગલ છીએ. દરેક ઉંમરના પડાવ પર ક્રિકેટ માટે સમય ખર્ચનારા લોકો જોયા છે. પાંચ-સાત વર્ષનું બચ્ચું પણ ક્રિકેટ પર ધ્યાન આપતું હોય છે અને ૭૦ વર્ષના અંકલ પણ ક્રિકેટ માટે સવારથી ટીવી સામે ગોઠવાઈ જાય છે. આજનો આપણો આ ટૉપિક ક્રિકેટ છે અને એ પછી પણ ક્રિકેટ નથી જ નથી. આજે આપણે વાત કરવી છે ક્રિકેટની એક ખાસ વ્યક્તિની અને આમ જોઈએ તો વાત તેના વિશે નહીં, પણ તેના રોલ વિશે છે. એ વ્યક્તિ અને તેના રોલ વિશે વાત કરતાં પહેલાં મારે તમને હમણાં બનેલા એક ઇન્સિડન્ટ વિશે કહેવું છે. એ ઇન્સિડન્ટને લીધે મને યાદ આવી ગયું કે આપણે કોઈ વાતને આપણી દૃષ્ટિએ જ મૂલવીએ એ કેટલું અયોગ્ય અને ખોટું છે.
એક ફ્રેન્ડનો હમણાં તેની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો. બન્ને ત્રણેક વર્ષથી સાથે અને આ ત્રણ વર્ષમાં બન્ને વચ્ચે અનેક વખત ઝઘડા પણ થયા છે. ફ્રેન્ડ તો મારો ફ્રેન્ડ ખરો જ, પણ તેની ગર્લફ્રેન્ડ પણ મારી ફ્રેન્ડ એટલે એ રીતે હું એ બન્નેનો કૉમન ફ્રેન્ડ અને કૉમન ફ્રેન્ડ હોવાને કારણે મને ખબર હોય કે તેમના ઝઘડા કેવી વાતોમાં થવા માંડે અને એ કયા લેવલ સુધી પહોંચી જાય. ખરેખર સાવ નાની કહેવાય એવી વાતને લઈને પણ તેઓ ઝઘડી પડતાં, પણ હમણાંનો ઝઘડો લાંબો ચાલ્યો. દરેક વખતની જેમ આ વખતે પણ ઝઘડાનું મૂળ તો સાવ નાની વાત જ હતું, પણ એ મોટો થવાનું કારણ જાણવા જેવું છે. દરેક ઝઘડા સમયે જૂની વાતો નીકળે અને એ જૂની વાતોને લઈને વાત વધતી જાય. એક તબક્કો એવો આવી જાય કે આજના, એ સમયના ઝઘડાનું મૂળ ભુલાઈ ગયું હોય અને એ પછી પણ ઝઘડો તો એની તીવ્રતા પર પહોંચી ગયો હોય. આ વખતે થયેલો ઝઘડો, મેં તમને કહ્યું એમ, વધારે પડતો વધી ગયો. બન્નેમાંથી કોઈ સમજવા કે વાત પડતી મૂકવા કે વાત છોડવા રાજી નહીં. બન્ને એક જ વાત માને, ધારે કે તેઓ પોતાની રીતે સાચાં જ છે. મને અહીં એક વાત કહેવી છે. તમે સાચા હો એની ના નહીં, પણ વાત વધે છે ત્યારે જ્યારે તમે એવું ધારવા માંડો છો કે તમે સાચા છો અને વાંક તમારી સામેની વ્યક્તિનો છે. જો આવું ધારવા માંડ્યા તો વાત પૂરી થઈ ગઈ.
મારા ફ્રેન્ડના કિસ્સામાં પણ એવું જ બન્યું, બન્ને એવું માને કે પોતે સાચાં છે અને બન્ને એવું જ માને કે સામેની વ્યક્તિ ખોટી છે. વાત વધી ગઈ એટલે બન્નેએ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દીધું. કલાકો, પછી દિવસો, અઠવાડિયાંઓ અને એ પછી મહિનાઓ પસાર થવા માંડ્યા. ધીમે-ધીમે એવું બનવા માંડ્યું કે બન્નેને એકબીજાની ગેરહાજરીની આદત પડી ગઈ. મને લાગ્યું કે હવે આ બાબતમાં મારે ઇન્ટરફિયર કરવું જોઈએ. મેં બન્નેને સાથે બેસાડીને સમજાવ્યાં, વાત આખી ક્લિયર કરી અને ઈશ્વરની મહેરબાનીથી બન્નેએ એ વાત સ્વીકારી પણ લીધી. બને છે પણ એવું જ. જ્યારે એ બન્ને એકબીજાને સમજાવતાં હતાં તો કોઈ માનવા તૈયાર નહોતું. બન્નેને એકબીજાને ખોટાં પાડવામાં રસ હતો અને ખોટાં પાડીને પોતાને સાચાં પડવું હતું. તમે કોઈને ખોટા પાડીને સાચા પડવા જાઓ ત્યારે જે ઈગો-ઇશ્યુ ઊભા થાય એ ઈગો-ઇશ્યુ હંમેશાં દુખી કરવાનું કામ કરે, પણ એવા સમયે જો કોઈ વચ્ચે મીડિયેટર આવી જાય અને તે સમજાવે તો બન્નેને સમજાય કે વાંક બન્નેનો છે અને વાંક બેમાંથી કોઈનો પણ નથી.
મીડિયેટર, થર્ડ પર્સન.
આ ઘટનાએ મને સમજાવ્યું કે ક્રિકેટમાં અમ્પાયરની જરૂરિયાત શું છે અને એવા જ અમ્પાયરની જરૂરિયાત દરેકના જીવનમાં પણ શું કામ હોય છે. ક્રિકેટના અમ્પાયરનું કામ ફીલ્ડ પર હોય છે. તે ટીમના બાવીસ પ્લેયરની જેમ રમતો નથી, પણ તે બાવીસેબાવીસ પ્લેયર વચ્ચે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે પોતે રમતો નથી, પણ તેની પાસે બર્ડવ્યુ છે. એ દરેક ઘટનાને કૅપ્ચર કરે છે, ઘટનાને મૂલવે છે અને પછી ડિસિઝન આપે છે. દરેક બોલર માટે બૅટ્સમૅન એલબીડબ્લ્યુ એટલે આઉટ જ છે અને બૅટ્સમૅન માટે દરેક બૉલ પર સિક્સર જ છે, પણ અમ્પાયર એવી વ્યક્તિ છે જે દરેકેદરેક બૉલને મેદાન પર થતી દરેક ઍક્ટિવિટી સાથે મૂલવે છે અને પછી નિર્ણય આપે છે. એને માટે ન તો બોલર તેના ઘરનો છે કે નથી બૅટ્સમૅન કે પછી કોઈ ફીલ્ડર તેનો ભાઈ. તે તટસ્થ છે અને તટસ્થ રહીને જ પોતાનો નિર્ણય આપે છે. સંબંધોમાં પણ એક અમ્પાયરની જરૂર છે, કારણ કે સંબંધોનું પણ આવું જ બનતું હોય છે. એક સાઇડ એવું જ માને છે કે તે સાચો છે અને બીજી સાઇડ એવું જ ધારે છે કે પોતે જ સાચો છે. જો દરેક સંબંધ પાસે કોઈ ને કોઈ અમ્પાયર હશે તો એવા સમયે એ સંબંધોને સાચી દિશામાં અને સાચી રીતે સમજાવવાની પ્રક્રિયા કરી શકશે.
સંબંધોમાં જ્યારે બે વ્યક્તિ વચ્ચે કોઈ પ્રૉબ્લેમ આવે ત્યારે બન્ને પક્ષે એક જ વાત હોય કે તેમનો કોઈ વાંક નથી અને દરેક વખતે સામેવાળી વ્યક્તિ જ ભૂલ કરે છે. એવા સમયે અમ્પાયર જેવું કોઈ એક વ્યક્તિનું હોવું બહુ ઉપયોગી થાય છે. મેં તમને કહ્યું એમ, એ અમ્પાયરને આખી ઘટના ઍરિયલ-વ્યુથી દેખાતી હોય છે. કોઈ માટે પક્ષપાત પણ છે નહીં એટલે બન્નેમાંથી કોઈ એક પક્ષનું ખેંચવાને બદલે તે તટસ્થ રહીને સાચું કહી શકશે અને એવું સાચું કહી શકશે જે બન્નેનાં હિતમાં હોય.
તમે જોશો તો તમને ઘણી વખત સમજાશે કે ઘટનાને આપણે અમુક વખત વધારેપડતી મોટી કરીને જોતા હોઈએ છીએ. ઘટના મોટી નથી હોતી, પણ આપણો હુંકાર મોટો હોય છે અને એ હુંકારને કારણે આપણે ઘટનાને મૅગ્નિફાઇંગ ગ્લાસની હેલ્પથી વધારે મોટી કરીને જોઈએ છીએ. મજાની વાત તો એ છે કે એ ઘટનાને મોટી કર્યા પછી પણ આપણને એમાં ક્યાંય આપણો વાંક દેખાતો જ નથી. જે કામ આપણે કરીએ છીએ એ જ કામ સામેની વ્યક્તિ પણ કરે છે અને એને પણ મૅગ્નિફાઇંગ ગ્લાસથી ઘટના મોટી કર્યા પછી પણ પોતાનો વાંક દેખાતો નથી. આમાં કશું નવું નથી. તમે ઘટનાને મોટી કરીને એની એટલી નજીક પહોંચી જાઓ છો કે તમને કશું દેખાવાનું જ નથી. ઘટનાને મોટી કરવાની હોય, ઘટનાને વિશાળ રૂપ આપીને જોવાની હોય, પણ ત્યારે જ જોવાની હોય જ્યારે તમે એ ઘટનામાં કોઈ પદાર્થપાઠ લેવાના હો. જો તમે એમાંથી કશું શીખવાના ન હો અને તમારી જાતને જ પેમ્પર કરવાની પ્રક્રિયા કરતા રહેવાના હો તો ઘટનાને મોટી કરવાનો લાભ નહીં, પણ તમને એનાથી બહુ મોટો ગેરલાભ થશે.
આ કામ તમારે બેમાંથી કોઈ વ્યક્તિએ નથી કરવાનું. આ કામ તમારા અમ્પાયરે કરવાનું છે અને તે કરે એ જ બેસ્ટ છે. તે સમજાવશે કે તમારા બન્ને માટે તમે બન્ને કેટલાં મહત્ત્વનાં છો અને તમારા બે સિવાયનું બીજું શું-શું એવું છે જે અનિવાર્ય નથી. અમ્પાયરને લાર્જ પિક્ચર બતાવવા દો. ક્રિકેટમાં પણ જુઓ, મૅચમાં બૉલને લાર્જ સ્ક્રીન પર એકદમ ઝૂમ કરીને બતાવે છે ત્યારે સત્ય હકીકત બહાર આવે છે. એ સમયે તમને સમજાશે કે આપણે કેવી નાની વાતને કેટલું મોટું સ્વરૂપ આપી દીધું છે અને એ સ્વરૂપને કારણે એકબીજાથી કેટલાં દૂર નીકળી ગયાં છીએ. ઍગ્રી, ફુલ્લી ઍગ્રી કે સંબંધમાં કોઈ એક થોડું પણ જતું કરીને જો આગળ વધશે તો અમ્પાયરની જરૂર નથી રહેવાની, પણ થાય છે એવું કે ‘હું’ અને ‘તું’ હવે એવા મોટા થઈ ગયા છે કે એક અમ્પાયરની, સાચા અમ્પાયરની જરૂરિયાત બધા માટે ઊભી થઈ ગઈ છે.
સંબંધોની ટી૨૦ શરૂ થઈ જાય ત્યારે અમ્પાયરને સાચવી રાખજો અને જરૂર પડે ત્યારે તેને ઇન્વૉલ્વ કરજો. ઘણા એવું કહે છે કે આપણા બેના સંબંધોમાં ત્રીજાની કોઈ આવશ્યકતા હોતી નથી, પણ ના હોય જ છે. ઈગો-વૉરમાં ત્રીજી વ્યક્તિ જ આવીને સુલેહ કરાવી શકે અને કરાવ્યાના દાખલા પણ છે. જરા ધ્યાનથી જુઓ કે તમને પણ એ દાખલા જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2019 04:31 PM IST | Mumbai Desk | bhavya gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK