મંગળવારની મિજલસ - તરુ કજારિયાથોડા દિવસ પહેલાં રાજકોટના એક યંગસ્ટરે પોતાની નવેનવી પલ્સર બાઇકને આગ ચાંપીને બાળી નાખી હતી! અને તેના આ આક્રોશનું કારણ શું હતું, જાણો છો? તેને પોતાની પ્રિયતમા સાથેની પ્રથમ ડેટને કાયમ માટે યાદગાર બનાવવી હતી અને તેણે બાઇક રજિસ્ટ્રેશન ઑફિસમાં સ્પેશ્યલ પેમેન્ટ કરીને એ નંબર પોતાને ફાળવવાની માગણી કરી હતી, પરંતુ કોઈક કારણસર તેને એ નંબર ન ફાળવી શકાયો. એટલે ભાઈસાહેબનું મગજ ફાટ-ફાટ થઈ ગયું અને તેમણે બાઇક બાળવાનું પરાક્રમ કર્યું! આ પેપરમાં જ પ્રગટ થયેલા એ સમાચાર વાંચીને તમતમી જવાયેલું. તે યુવાનના મેન્ટલ મેક-અપ વિશે વિચાર આવતા હતા. તેના ગુસ્સાનાં કારણો વિશે વિચારતાં લાગ્યું કે તેણે પોતાની પ્રિયતમા પર અને બીજા લોકો પર પણ પોતાના પ્રેમનો વટ પાડવા ખાતર એ નંબરની માગણી કરી હશે અને તેને એ મળશે જ એની ખાતરીથી તે રજિસ્ટ્રેશન ઑફિસમાં ગયો હશે. એ નંબરપ્લેટ સાથેની બાઇક પોતાની પ્રિયતમાને બતાવીને તે સરપ્રાઇઝ આપવા માગતો હશે! પછી પોતાની અપેક્ષાનો ભંગ થતાં તે નિરાશ થયો હશે અને એ ગુસ્સામાં પરિણમ્યો હશે! પણ પોતાની બાઇકનો નાશ કરીને તેણે શું મેળવ્યું હશે? પેલા રજિસ્ટ્રેશન ઑફિસના સ્ટાફ સામેનો ગુસ્સો વ્યક્ત કરવાનો સંતોષ મળ્યો હશે? આ વાક્ય લખતાં અને વાંચતાં પણ હસવું આવે છે! પોતાની આટલી મોંઘી બાઇકનો ખુરદો બોલાવી દઈને કોઈના પ્રત્યેનો ગુસ્સો (એ જસ્ટિફાઇડ છે કે નહીં એની ચર્ચા ન કરીએ તોય) વ્યક્ત કરવાનો!
ઘણા લોકોને પોતાની લાગણીઓને બેફામ પ્રદર્શિત કરતા જોયા છે. ઘરમાં હોય તો હાથમાં જે આવે એ વસ્તુનો છુટ્ટો ઘા કરે, બારી-બારણાં જોરથી પછાડે, બરાડા પાડે! ટૂંકમાં જાન-માલનું નુકસાન કરતા જાય અને લટકામાં નૉઇઝ પોલ્યુશનમાં જબરદસ્ત વધારો કરતા જાય!
આવા વિચિત્ર વર્તન પાછળ માત્ર તે વ્યક્તિનો જ દોષ નથી હોતો. તેનાં મા-બાપ અને તેના ઉછેરનો પણ મોટો હાથ હોઈ શકે છે. શક્ય છે કે નાનપણથી તેણે પોતાના ઘરમાં મોટાઓને એ જ રીતે વર્તતા જોયા હોય.
તન અને મન પણવિજ્ઞાન ઉછેરથી પણ આગળ વધીને કહે છે કે બાળક માના ગર્ભાશયમાં હોય ત્યારે માના મનમાં ચાલતા વિચારોની પણ બાળકના વ્યક્તિત્વ અને ખાસ તો સ્વભાવ પર ખૂબ અસર પડે છે. હમણાં જ થયેલા એક સર્વેમાં જાણવા મળેલું કે દારૂનું સેવન કરતી સગર્ભાઓનાં બાળકોમાં શારીરિક અને માનસિક ખામીઓ, તકલીફો અથવા વિકાસની સમસ્યા જોવા મળે છે. મા બનનારી સ્ત્રીએ પ્રેગ્નન્સી દરમ્યાન જેમ ખાન-પાનની કાળજી લેવાની હોય છે તેમ જ મનમાં ચાલતા વિચારો અને સંવેદનાઓની પણ કાળજી લેવી જરૂરી હોય છે. નાનકડા એક સેલમાંથી તન-મન સહિતનો એક પૂર્ણ મનુષ્ય તેના શરીરમાંથી અવતરે છે અને તે આ ધરતી પર જન્મ લે ત્યાં સુધી તે સ્ત્રીના શરીરમાંથી જ પોષણ મેળવીને એક બિંદુમાંથી પંચેન્દ્રિય ધરાવતો માનવદેહ બને છે. આમ બાળક આ જગતમાં આવી જાય પછી જ નહીં, એના પહેલાંથી તેના મેન્ટલ અને ફિઝિકલ વિકાસની ચાવી મા-બાપના હાથમાં આપવામાં આવી છે, પણ આ ચાવીનો કેટલા પ્રોસ્પેક્ટિવ પેરન્ટ્સ ઉપયોગ કરે છે?
પહેલાં જાતે શીખોબાળકના જન્મ પછી પણ શરૂઆતનાં ત્રણેક વરસ અત્યંત અગત્યનાં છે. કેટલાંક મમ્મી-પપ્પા બહુ હોંશે-હોંશે તેમના દોઢ-બે વરસના બાળકના મિજાજની વાત કરે છે : ‘અમારા ગુડ્ડનું દિમાગ ભારે ગરમ હો, તેને સવારના ઊઠીને તરત તેનો રોબો જોઈએ એટલે જોઈએ. કોઈ વાર જો અમારી નિકીએ રમવા લીધો હોય તો આવી બને! તેના હાથમાંથી તરાપ મારીને ઝૂંટવી લે અને સીધો ઘા કરે. પછી મારે તેને એ લાવીને હાથમાં આપવાનો અને બોલવાનું કે ગુડ્ડનો રોબો છે. તેને કોઈએ ટચ નહીં કરવાનો. નિકીએ નહીં લેવાનો. ત્યારે ભાઈસાહેબ રોબો હાથમાં લે!’
આ પરિસ્થિતિ દીકરાના મિજાજ વિશે ગર્વ કરવા જેવી નથી એ વાત કેટલાં મમ્મી-પપ્પાઓને સમજાતી હશે? હકીકતમાં એ કુમળી વયમાં બાળકને ફોસલાવી-પટાવીને બીજી વાતે વાળવા જેટલું જ મહત્વનું છે તેનાં ભાઈ કે બહેન સાથે પોતાનાં રમકડાં શૅર કરતા શીખવવાનું, ચીજવસ્તુ ફેંકવાથી એ પાછી નહીં મળે એ શીખવવાનું, પરંતુ આ બધું પહેલાં ખુદ મમ્મી-પપ્પા બનનારે સમજવું અને શીખવું જરૂરી છે.
ફરજ છે તમારીઆજે જ્યારે બાળકની માનસિકતાને પ્રભાવિત કરી શકે એવાં અનેક ફૅક્ટર્સ ટીવી, કમ્પ્યુટર્સ, મોબાઇલ્સ, ઇન્ટરનેટ વગેરે જેવાં સક્રિય છે ત્યારે પેરન્ટ્સની જવાબદારી પણ અગાઉના જમાના કરતાં ઘણી વધી ગઈ છે. એ જવાબદારી ન સમજનાર કે ન નિભાવનાર પરિવારોનાં ફરજંદોની વર્તણૂક આગળ જતાં તેમને જ અસહ્ય થઈ પડે એવી પૂરી શક્યતા છે. આજની પેઢીમાં વધી રહેલી અસિહષ્ણુતા કે ફ્રસ્ટ્રેશનનાં મૂળ ઘણાખરા અંશે તેમને બાળપણમાં જ સાચી દિશા દેખાડવામાં નથી આવી એ હકીકતમાં હોઈ શકે. બધી બાબતોમાં જેમ ઍડ્વાન્સ્ડ પ્લાનિંગ હોય છે તેમ જ બાળકોનાં વર્તન-વ્યવહારોનો ઘણોબધો આધાર મા-બાપની આગોતરી સમજણ, કેળવણી અને તાલીમ પર રહેલો છે. નાનપણથી જ નાની-નાની વાતો થકી જ સંતાનોને જિંદગીના ઉપયોગી પાઠ શીખવવાની દૃષ્ટિ જે મા-બાપ પાસે હશે, તેમનાં બાળકો ચોક્કસ આ દુનિયાના પડકારોને વધુ સારી રીતે હૅન્ડલ કરી શકશે.
વાત એક જવાબદાર પિતાનીહમણાં એક સરસ પત્ર મળ્યો. એમાં એક પિતાએ પોતાના બે દીકરાઓને ઉછેરવા માટે કેટલી કાળજી લીધી એની વાત છે. પીટર નામના એ અમેરિકને પિતા બન્યા પછી સ્વેચ્છાએ ‘સ્ટે ઍટ હોમ ડેડ’ બનવાનું નક્કી કરેલું અને પછી પોતાના બે દીકરાઓને ઉર્છેયા. તેમનામાં શિસ્ત અને સારા ગુણો રોપ્યા અને સુખી થવાની આદત કેળવી અને આ બધું કરતાં-કરતાં તેને પોતાને જે શીખવા મળ્યું એની નોંધ કરી. એ નોંધપોથીનું તેણે નામ આપ્યું : ‘હૅપીનેસ ગાઇડ - જસ્ટ ફૉર કિડ્સ’. એ ગાઇડ ભલે બાળકો માટે હોય, પરંતુ ખરેખર તો મમ્મી-પપ્પાએ વાંચવા જેવી છે. તમારું બાળક મોટું થઈને કેવી રીતે વર્તશે? લોકો સાથે કેવો વ્યવહાર કરશે? મુશ્કેલ પરિસ્થિતિને કેવી રીતે હૅન્ડલ કરશે? તેની અપેક્ષા મુજબનું કે તેણે ધાર્યું હોય એવું નહીં થાય તો એ નિષ્ફળતા કેવી રીતે પચાવશે? આવા અનેક સવાલોનો જવાબ આપણે બાળકને જે રીતે ઉછેરીએ એમાંથી જ મોટા ભાગે મળી જાય એ શક્ય છે.