વૉટ્સઍપ વહાલ: કહો જોઈએ, કોણે-કોણે પોતાના પરિવારને એક કરવાનું કામ આ માધ્યમથી કર્યું?

Published: May 23, 2020, 11:02 IST | Manoj Joshi | Mumbai

પહેલી વખત એવું બન્યું છે કે સોશ્યલ મીડિયા સાચા અર્થમાં ફૅમિલી મીડિયા બન્યું છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આપણે વાત કરી રહ્યા છીએ વૉટ્સઍપ દ્વારા લૉકડાઉનને હળવું બનાવનારા સૌકોઈની. આવા અનેક લોકો છે. પહેલી વખત એવું બન્યું છે કે સોશ્યલ મીડિયા સાચા અર્થમાં ફૅમિલી મીડિયા બન્યું છે. વિડિયો-કૉલિંગ અત્યારે રાહતનું કામ આપવાનું કાર્ય કરી ગયું છે તો વિડિયો-કૉન્ફરન્સથી અત્યારે નાના-મોટા બિઝનેસ પણ ચાલુ થઈ ગયા છે. વાત કરીએ વૉટ્સઍપની, તો વૉટ્સઍપ પર ગ્રુપ બનાવીને લોકોએ પોતાનો બિઝનેસ પણ ચાલુ કરી દીધો છે. આ જ વૉટ્સઍપ પર અત્યારે અનેક મીડિયા-હાઉસના કામ ચાલી રહ્યાં છે. અગાઉ આ જ જગ્યાએથી વૉટ્સઍપનો પુષ્કળ વિરોધ થયો છે, પણ એ વિરોધ વચ્ચે પણ એક વાત સ્પષ્ટ હતી કે ટેક્નૉલૉજીને ટાઇમપાસનું સાધન બનાવવાને બદલે એનો સદુપયોગ કરો અને એનાથી જીવનને વધારે બહેતર બનાવવાની કોશિશ કરો. સરળ અને સહજ લાગતી આ વાત કોઈ સમજવા રાજી નહોતું એવા સમયે આ જ વાત કોરોના અને લૉકડાઉન સમજાવી ગયું.

લૉકડાઉન દરમ્યાન વૉટ્સઍપના માધ્યમથી અનેક લોકોએ દૂર રહેલા પરિવારના સભ્યોને એક કરવાનું કામ કર્યું તો અનેક પરિવાર એવા નીકળ્યા કે એવી રીતે વૉટ્સઍપનો ઉપયોગ કર્યો કે જાણે સાથે જ રહે છે અને એક છત નીચે જીવે છે. એક ફૅમિલીની વાત કહું તમને. વૉટ્સઍપનો ઉપયોગ કરીને એ પરિવારે દુનિયાભરમાં પથરાયેલા સૌ પરિવારના સભ્યોને એકત્રિત કર્યા અને વૉટ્સઍપના માધ્યમથી ત્રીજી પેઢીને સાંકળવાનું કામ કર્યું. અમેરિકામાં રહેલા એ પરિવારના મોભી સિવાય એક પણ સભ્ય ફૅમિલીના અન્ય કોઈ મેમ્બરને ઓળખતું નહોતું, પણ લૉકડાઉન વચ્ચે સાથે રહેવાને લીધે અને વૉટ્સઍપના માધ્યમથી એ અમેરિકન આજે સૌકોઈની સાથે જોડાઈ ગયા છે. કાકા અને મામાને પણ એ ઓળખતા થયા અને એકબીજાને દરરોજ વિશ કરતા પણ થયા. હૅટ્સ ઑફ ટુ વૉટ્સઍપ. આવું અનેક પરિવારોએ કર્યું છે અને અનેક પરિવારે વૉટ્સઍપ દરમ્યાન લૉકડાઉનના સમયને હળવાશ આપી છે. આ હળવાશમાં પરિવાર પ્રત્યેની ઉષ્મા પણ દેખાય છે અને આ હળવાશમાં પરિવાર પ્રત્યેની સંવેદના પણ હવે ઉપરની સપાટી પર આવતી સ્પષ્ટ દેખાઈ રહી છે.

વૉટ્સઍપથી શરૂ થયેલા આ સંબંધો આગળ જતાં રૂબરૂ મળવા સુધી પહોંચશે એ પણ નક્કી છે અને વૉટ્સઍપથી નવેસરથી પાંગરેલા સંબંધોની આ નવી પેઢી એકમેક સાથે જોડાશે એ પણ નક્કી છે. સંબંધો જીવનની અનિવાર્યતા છે અને સંવાદિતા જીવનની જરૂરિયાત છે. વૉટ્સઍપે એ દિશા આજે પરિવારને દેખાડી છે. લૉકડાઉન પહેલાંનું વૉટ્સઍપ મિત્રવર્તુળ પૂરતું સીમિત હતું તો આ જ વૉટ્સઍપ હવે પરિવાર પૂરતું સીમિત બન્યું છે. પારકામાં પોતાપણું શોધવા માટે અગાઉ વૉટ્સઍપ જોવાતું હતું અને હવે, હવે પોતાનાપણામાં લાગણીઓને પારખવા માટે વૉટ્સઍપનો ઉપયોગ થઈ રહ્યો છે. લૉકડાઉનમાં પડેલું અંતર દૂર કરવાનું કામ વૉટ્સઍપ કરી શક્યું અને એનું આભારી સમગ્ર વિશ્વ રહેશે. ઇટલીની વિધિ પટેલ માટે પણ આ વૉટસઍપથી પરિવાર સાથે જોડાયેલા રહેવાનું કારગત નીવડ્યું તો અમેરિકાથી મહેતા પરિવારને પણ વૉટ્સઍપથી ફૅમિલી સાથે નવું સંગઠન બનાવવાનું અસરકારક પુરવાર થયું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK