Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બીજાની આસ્થા સામે પ્રશ્ન ઉઠાવનાર આપણે કોણ?

બીજાની આસ્થા સામે પ્રશ્ન ઉઠાવનાર આપણે કોણ?

13 January, 2020 04:30 PM IST | Mumbai Desk
falguni jadiya bhatt

બીજાની આસ્થા સામે પ્રશ્ન ઉઠાવનાર આપણે કોણ?

બીજાની આસ્થા સામે પ્રશ્ન ઉઠાવનાર આપણે કોણ?


તાજેતરમાં કેટલાક લોકોએ મળીને બીજા શહેરમાં નોકરી માટે જઈ રહેલા પોતાના એક મિત્ર માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કર્યું હતું. એ પાર્ટીમાં કસરત સંબંધી કોઈ વાત નીકળતાં એક ફ્રેન્ડે કહ્યું કે તે રોજ વહેલી સવારે ઊઠી યોગ કરે છે અને એ યોગનાં આસનો કર્યા બાદ થોડો સમય ધ્યાન ધરે છે. એ ધ્યાનની ક્રિયા દરમિયાન તેને પોતાના બે હાથની વચ્ચે જાણે ઊર્જાનું કોઈ વર્તુળ તૈયાર થયું હોય એવો અહેસાસ થાય છે જેને તે પોતાના આખા શરીર પર મલમની જેમ ઘસી દે છે. બૌદ્ધિક ‍દૃષ્ટિએ તેની આ વાતમાં કોઈ તર્ક નહોતો, પરંતુ થોડા જ સમય પહેલાં સ્લિપ્ડ ડિસ્કની સમસ્યાને પગલે ઑપરેશન કરાવી ચૂકેલી એ ફ્રેન્ડનું બહુ દૃઢપણે માનવું હતું કે આ ક્રિયાએ ન ફક્ત તેના શરીરની પીડા દૂર કરી છે, પરંતુ માનસિક રીતે પણ તેને વધુ મજબૂત તથા હકારાત્મક બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તાર્કિક રીતે તેની વાત તદ્દન અસંગત હોવાથી ગ્રુપના બીજા કેટલાક સભ્યોએ તેની આ વિચારધારા સામે પ્રશ્ન ઉઠાવ્યો તો વળી કેટલાક વધુપડતા બુદ્ધિજીવીઓએ તો પોતાની દલીલો દ્વારા તેને વરુની જેમ પીંખી જ નાખી. ચારે બાજુથી થઈ રહેલા બુદ્ધિના પ્રહારોને એકલે હાથે પોતાની આસ્થાની ઢાલથી જવાબ આપવાનો પ્રયત્ન કરી રહેલી એ યુવતીનું દૃશ્ય જેટલું હાસ્યાસ્પદ હતું એટલું જ દયનીય પણ હતું. 

એ યુવતીની વાતમાં કેટલું તથ્ય છે ને કેટલો કલ્પનાવિહાર એ તો ઈશ્વર જ જાણે, પરંતુ અંદરખાને એક વાત ચોક્કસ લાગી કે જો એ ક્રિયા કરીને પેલી યુવતીને આનંદ મળતો હોય અને એ આનંદને પગલે કે પછી યોગનાં આસનોને પગલે તેની પીડા ઓછી થઈ રહી હોય તો આપણે તેની એ શ્રદ્ધા સામે પ્રશ્ન શા માટે ઉઠાવવો જોઈએ?
આ પૃથ્વી પર દરેકને જીવવાનો અધિકાર છે અને દરેકને પોતાની મનગમતી શ્રદ્ધા પાળવાનો અધિકાર પણ છે જ. કદાચ આ જ કારણ છે કે પ્રત્યેક ધર્મમાં ધર્માંતરની સુવિધા પણ રહેલી જ છે તેમ છતાં બહુ જૂજ કિસ્સામાં લોકો પોતે જે કુટુંબમાં જન્મ્યા છે એ ધર્મના ઈશ્વરમાં શ્રદ્ધા ન હોવાને પગલે બીજા ધર્મનો અંગિકાર કરે છે. ઇતિહાસ સાક્ષી છે કે મોટા ભાગનાં ધર્માંતર સામાજિક તથા રાજકીય કારણોને પગલે વધુ થયાં છે. અન્યથા આપણે બધા જ પોતાનાં માતાપિતાએ અપનાવેલા ધર્મનો સુખેથી સ્વીકાર કરી જ લઈએ છીએ અને જીવનભર એનું અનુસરણ પણ કરીએ છીએ. એ જોતાં કોઈ દૈવી શક્તિ હશે જે આપણને સૌને પોતપોતાની શક્તિ તથા ભક્તિ અનુસાર યોગ્ય કુટુંબમાં જન્મ આપતી હશે એવું માની લેવાનું મન પણ ક્યારેક થઈ આવે છે.
મજાની વાત તો એ છે કે પોતપોતાના ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવા છતાં આપણે બધા જ અન્ય ધર્મ, જાતિ કે સંપ્રદાયના ભગવાન સામે પણ બહુ પ્રશ્ન પણ ઉઠાવતા નથી. બલકે પોતાના સ્વાર્થ ખાતર અન્ય ધર્મનાં બહુ પ્રચલિત સ્થાનકોમાં બાધા કે માનતા રાખતાં પણ અચકાતા નથી. આવું કરવા પાછળ ધર્મના વિભાજનની ઉપર કોઈ એક એવી શક્તિ રહેલી છે, જે સૌ કોઈનું ધ્યાન રાખે છે એવો આપણો મૂળભૂત વિશ્વાસ ભાગ ભજવતો હોય છે તો સાથે જ એ શક્તિના પ્રકોપનો ખોફ પણ ક્યાંક ને ક્યાંક આપણને તેની સામે માથું નમાવવાની ફરજ પાડે છે. એ ડર કે જો આપણે પોતાના કે અન્ય ધર્મના ભગવાનનો આદર નહીં કરીએ તો તેઓ આ જન્મમાં, આવનારા જન્મમાં કે પછી મૃત્યુ બાદ આપણને પીડા આપશે, ગરમ તેલના કૂવામાં ફ્રાયમ્સની જેમ તળી નાખશે વગેરે જેવી માન્યતાઓ પણ જીવનભર આપણી આસ્તિકતા જાળવવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે.
પરંતુ ઈશ્વર જેનું નામ, તે આપણને કયા ત્રાજવા પર તોળે છે અને ખરેખર તોળે છે કે કેમ એ પણ આપણે જાણતા નથી. આપણે જેને પાપ અને પુણ્ય ગણીએ છીએ એનો તે ખરેખર હિસાબ રાખે છે કે કેમ એ પણ આપણને ખબર નથી. બલકે તેનો હિસાબનો ચોપડો અને તેનું ગણિત આપણા જેવું જ છે કે કેમ એ પણ આપણે ક્યાં છાતી ઠોકીને કહી શકીએ છીએ? આ સંદર્ભમાં ઘણાં વર્ષો પહેલાં સાંભળેલી એક વાત યાદ આવે છે. એક વખત એક બહુ સુખી ભાઈ એક સંત પાસે ગયા. સંતનાં ચરણોમાં બેસીને બોલ્યા, ‘મહારાજ, મારી આસપાસ કેટલા બધા અત્યંત ધાર્મિક છતાં દુ:ખી અને પીડિત વ્યક્તિઓને જોઉં છું. તેમની સરખામણીમાં તો મેં કોઈ જપ-તપ કર્યાં નથી. નથી હું નિયમિત ધોરણે કોઈ પૂજાપાઠ કરતો. તો પછી ઉપરવાળો મારા પર આટલો મહેરબાન કેમ છે એ મને ક્યારેક સમજાતું નથી.’ આ સાંભળી પેલા સંત બોલ્યા, ‘તમને યાદ છે, તમે નાના હતા ક્યારે તમારા દાદા તમને પોતાની સાથે રોજ એક મંદિરમાં લઈ જતા હતા? દાદા તો અંદર ભગવાનનાં દર્શનમાં ખોવાઈ જતા, પરંતુ તમે બહાર તેમની રાહ જોતા. તમારા જેવાં અન્ય બાળકો સાથે પકડાપકડી રમતા હતા. એ પકડાપકડી દરમિયાન તમે જેટલી વાર એ મંદિરની આસપાસ ગોળ-ગોળ દોડ્યા છો ઈશ્વરે એને પરિક્રમા તરીકે લીધી છે. તેથી જ તેઓ તમારાથી આટલા પ્રસન્ન છે.’
ક્યારેક તો એવું લાગે કે આપણે મનુષ્યો ઈશ્વરને સારું-નરસું, અચ્છાઈ-બુરાઈ, પાપ-પુણ્ય જેવી ભેદરેખાઓમાં બાંધવાનો પ્રયત્ન કરીએ છીએ. તેને મન કદાચ એ બધાનો કોઈ અર્થ જ નથી. તેની ડિક્શનરીમાં પ્રેમ સિવાય બીજો કોઈ શબ્દ જ નથી. આવો જ એક બીજો કિસ્સો સાંભળ્યો હતો. એક વાર એક કુટુંબના કેટલાક લોકો મથુરા દર્શન કરવા ગયા. દર્શન કરતાં તેમનું ધ્યાન મંદિરના એક ખૂણે ઊભેલા ચોબા પર ગયું. એ ચોબાએ હાથ તો જોડી રાખ્યા હતા, પરંતુ આંખો લાલચોળ હતી અને મોઢેથી તે ભગવાન સાથે ફક્ત ઝઘડો નહોતો કરી રહ્યો, ગાળો પણ આપી રહ્યો હતો. તેનું આ સ્વરૂપ જોઈ કુટુંબના એ સભ્યો હેબતાઈ ગયા. બીજા દિવસે જ્યારે તેઓ ફરી પાછા મંદિરે દર્શન કરવા ગયા તો તેમની નજર ફરી પાછી એ જ ચોબા પર પડી. આજે તેની આંખોમાં પ્રસન્નતાનાં આંસુ હતાં અને તે રીતસરનો મંદિરમાં ભગવાનને દંડવત્ પ્રણામ કરતો આળોટી રહ્યો હતો. આ જોઈ હવે પેલા કુટુંબના સભ્યોથી ન રહેવાયું, તેથી તેઓ તેની પાસે ગયા અને તેના આવા પરસ્પર વિરોધી વર્તનનું કારણ પૂછ્યું તો પેલો ચોબો કહે, ‘તે મારો ભગવાન છે. તેની સાથે નહીં લડું તો કોની સાથે લડું? હું માગું અને તે ન આપે એવું કેવી રીતે બને? જેટલો અધિકાર તેનો મારા પર છે એટલો જ મારો પણ તેના પર છે જ.’
હવે એ ચોબાના વર્તનને આપણે પાપ અને પુણ્યના કયા ત્રાજવે તોળીશું કે પછી તેના આવા વર્તન છતાં ભગવાને તેના પર કરેલી કૃપાને ગણિતના કયા નિયમથી બાંધીશું?
ઈશ્વર જો કોઈ હોય તો એ આવો જ નહીં હોય! નિષ્પાપ, નિરંકાર, નિર્વિકાર. જો તે વિઠોબાના ઘરે આવી તેને દર્શન આપવા ઈંટ પર એક પગે ઊભા રહી શકે છે તો પછી શું ખબર પેલી યુવતીના હાથમાં ઊર્જાનું વર્તુળ બનીને પણ આવતા હોય? આપણે તેની શ્રદ્ધા સામે પ્રશ્ન ઉઠાવનાર કોણ? જ્યાં સુધી તેની કે બીજા કોઈની પણ શ્રદ્ધા કોઈનું બૂરું નથી કરતી, કોઈને રંજાડતી નથી, કોઈને નુકસાન નથી પહોંચાડતી ત્યાં સુધી તેની સામે તાર્કિક દલીલો કરવાનો કોઈ અર્થ નથી; કારણ કે ઈશ્વર એ તર્કનો નહીં, ફક્ત આસ્થા અને પ્રેમનો વિષય છે.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2020 04:30 PM IST | Mumbai Desk | falguni jadiya bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK