આ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે

Published: 16th January, 2021 15:43 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઈ ગયું છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાય મહિનાઓની નાના-મોટા સહુના મનમાં એક જ પ્રશ્ન હતો કે કોરોના વાયરસ (COVID-19)ની વેક્સિન ક્યારે આવશેવ અને વેક્સિનેશન ક્યારે શરૂ થશે. જોકે, લોકોની આ આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે એટલે કે 16 જાન્યુઆરીએ દેશભરમાં કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરી છે. દેશમાં અલગ અલગ જગ્યાએ કોરોના રસી આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં આજે ત્રણ લાખ સ્વાસ્થ્ય કર્મીઓને કોરોના રસી આપવામાં આવશે. પરંતુ લોકોના મનમાં હજી પણ ઘણા પ્રશ્નો છે કે કયા લોકોએ રસી લેવી જોઈએ અને કયા લોકોએ નહીં. આ મામલે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યોને કોરોના રસી કોવિશીલ્ડ અને કોવેક્સીનને લઈને એક ફેક્ટ શીટ બહાર પાડી છે. જેમાં અનેક પ્રકારની જાણકારીઓ આપવામાં આવી છે.

આ લોકોને રસી આપવામાં નહીં આવે:

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ ફેક્ટ શીટમાં આપેલ જાણકારી અનુસાર, 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને જ રસી આપવામાં આવશે. નોંધનીય છે કે, બાળકોમાં રસીનો અભ્યાસ કરવામાં નથી આવ્યો. માટે આ રસી બાળકોને આપવામાં નહીં આવે.

ઉપરાંત ગર્ભવતિ મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અથવા એવી મહિલાઓને પણ રસી આપવામાં નહીં આવે જે પોતાની ગર્ભાવસ્થાને લઈને સુનિશ્ચિત નથી. કારણ કે ગર્ભવતી મહિલાઓમાં કોરોના રસીની સુરક્ષાને લઈને કોઈ ડેટા કલેક્ટ કરવામાં આવ્યા નથી.

તે સિવાય જે વ્યક્તિને કોરોના વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હોય અને તેને એનાફિલેક્સિસ અથવા એલર્જી રિએક્શન થાય તો તેને પણ રસીનો બીજો ડોઝ આપવામાં નહીં આવે. ઇનાફિલેક્સિસ ઘાતક સાબિત થઈ શકે છે. ઉપરાંત ઇન્જેક્ટેબલ થેરેપી, ફાર્માસ્યૂટિકલ પ્રોડક્ટ, ખાદ્ય પદાર્ષ વગેરેને કારણે પહેલા અથવા બાદમાં એલર્જી અથવા કોઈપણ પ્રકારનું રિએક્શનનો સામનો કરવો પડ્યો હોય તો એવા લોકોને પણ રસી આપવામાં નહીં આવે. ઉપરાંત જેમનામાં SARS-CoV-2ના લક્ષણ જોવા મળશે તો તેને રસી આપવામાં નહીં આવે.

કોઈપણ બીમાર દર્દી અથવા હૉસ્પિટલમાં દાખલ દર્દીને રસી આપવામાં નહીં આવે. જે લોકોને રસી આપવામાં આવશે તેને માથાનો દુઃખાવો, તાવ, શરીરમાં દુઃખાવો, ઉલ્ટી, ચક્કર આવવા, ઉધરસ, જ્યાં ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં સોજો અથવા દુઃખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જોકે આ લક્ષણોને ગભરાવવાની જરૂરત નથી.

આ લોકો લઈ શકે છે રસી:

કોરોના સંક્રમિત થયા હોય પણ હવે સાજા થઈ ગયા હોય તેવા લોકોને રસી આપી શકાય છે. એચઆઈવી, ખરાબ ઇમ્યૂનિટી, કેન્સર, કાર્ડિયાક ન્યૂરોલોજિકલ અને ફેફ્સા મેટાબોલિકના દર્દી આ રસી લઈ શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK