પાયાનાં મૂલ્યો અને સંસ્કાર પાઠ્યપુસ્તકથી ખૂબ આગળનું ગંતવ્ય સ્થાન છે

Published: Aug 09, 2020, 18:42 IST | Dr Dinkar Joshi | Mumbai Desk

શિક્ષણપદ્ધતિ નવી હોય કે જૂની, પાયાનાં મૂલ્યો અને સંસ્કાર પાઠ્યપુસ્તકથી ખૂબ આગળનું ગંતવ્ય સ્થાન છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દેશ આઝાદ થયો ત્યારે ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ પ્રથમ પ્રધાનમંડળની નામાવલિ વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટનને આપી. વાઇસરૉયે તત્કાલ કંઈ પ્રતિભાવ ન આપ્યો, પણ ગાંધીજી સાથેની એ પછીની મુલાકાતમાં તેમણે ગાંધીજીને કહ્યું – ‘બીજી બધું તો બરાબર છે પણ શિક્ષણ ખાતાનો હવાલો અબ્દુલ કલામ આઝાદને સોંપાયો છે એનાથી દેશની આકાંક્ષા કદાચ પૂરી નહીં થાય.’
અબ્દુલ કલામ આઝાદ ચુસ્ત કૉન્ગ્રેસી હતા. છેલ્લાં છ વરસથી કૉન્ગ્રેસના પ્રમુખ હતા. મહમદ અલી ઝીણા તેમના કટ્ટર વિરોધી હતા. દેશના મુસલમાનો મોટા ભાગે કન્વર્ટેડ હતા. મૌલાના આઝાદનો જન્મ મક્કામાં થયો હતો. તેમનો ઉછેર પણ મક્કામાં જ થયો હતો. એ અર્થમાં તેઓ સાચા મુસલમાન હતા પણ ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ, સંસ્કાર આ બધાને જે અપેક્ષિત હોય એ મૂળિયાથી મૌલાના આઝાદ અપરિચિત જ હોય એ વાત માઉન્ટબેટનના પ્રતિભાવમાં પડઘાતી હતી.
આ પછી તત્કાલીન મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈએ રાજ્યની શિક્ષણપદ્ધતિમાં ફેરફારો કરવા માટે અમેરિકાથી બે શિક્ષણવિદોને બોલાવ્યા હતા. આ શિક્ષણવિદોએ જે ફેરફારો સૂચવ્યા એમાં એક એવું સૂચન હતું કે ઇતિહાસ જેવા વિષય માટે માધ્યમિક કક્ષાએ પૂરા સો માર્ક્સનો ત્રણ કલાકનો પ્રશ્નપત્ર હોવો જરૂરી નથી. ઇતિહાસને સમાજશાસ્ત્રનો એક ભાગ બનાવી દેવો જોઈએ એટલે કે ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્ર આ ત્રણેયની પરીક્ષા એક જ સો માર્ક્સના પ્રશ્નપત્રમાં સંયુક્ત રીતે સામેલ કરી દેવી જોઈએ.
અત્યાર સુધી એટલે કે ૧૯૪૭ સુધી અંગ્રેજી શાસનમાં મુખ્ય પ્રધાન અથવા તો વાઇસરૉયની કાર્યકારિણી સમિતિમાં અલાયદું શિક્ષણ ખાતું હતું. આ શિક્ષણ ખાતું આઝાદી પછી પણ શિક્ષણપ્રધાનની નજર હેઠળ ચાલુ રહ્યું હતું. આગળ જતાં આ શિક્ષણ ખાતાનો પણ સ્વતંત્ર કારોબાર સમેટી લેવામાં આવ્યો અને હ્યુમન રિસોર્સિસ ઍન્ડ ડેવલપમેન્ટ નામના એક નવા જ ખાતા સાથે જોડી દેવામાં આવ્યું. ગુજરાત જેવા રાજ્યમાં તો ઠાકોરભાઈ પાંચમા અને ઠાકોરભાઈ આઠમા વચ્ચે અંગ્રેજી ભાષાની તડાપીટ પણ બોલી.
આ બધા વચ્ચે દેશની રાષ્ટ્રભાષા તરીકે હિન્દીને જે સ્થાન મળવું જોઈએ એ મળતાં-મળતાં રહી ગયું. દક્ષિણ હિન્દુસ્તાનમાં મદ્રાસ અને અન્ય પ્રદેશોમાં હિન્દીનો વિરોધ વધતો ચાલ્યો. રાજાજી અને કામરાજ જેવા જે નેતાઓ હિન્દીની તરફેણમાં હતા, વખત જતાં તેઓ પણ મતના રાજકારણમાં હિન્દી તરફી ન રહ્યા અને દેશ આજે પણ રાષ્ટ્રભાષા વિહોણો જ રહ્યો છે. મોઢું બચાવવા માટે હિન્દીને રાજભાષા એટલે કે ઑફિશ્યલ લૅન્ગ્વેજ ઓળખાવવામાં આવી પણ એ તો નરી ઓળખાણ જ બની રહી. દેશની વર્તમાન બંધારણીય વ્યવસ્થા પ્રમાણે આજે તો દેશ ક્યારેય હિન્દીને રાષ્ટ્રભાષા બનાવી શકે એમ નથી.
અંગ્રેજી શિક્ષણપદ્ધતિ પ્રમાણે પહેલાં ૧૧+૪ એ નિયમ પ્રમાણે આપણી શિક્ષણપદ્ધતિ વરસો સુધી ચાલતી રહી. આ પહેલાં ૧૧ વરસમાં ૧થી ૪ પ્રાથમિક, ૫થી ૭ માધ્યમિક અને ૮થી ૧૧ ઉચ્ચ માધ્યમિક વર્ગો કહેવામાં આવતા. ૧૧મા ધોરણ સાથે શાળાજીવન પૂરું થતું અને કૉલેજનું શિક્ષણ શરૂ થતું. એ સમયે કૉલેજ શિક્ષણ ત્રણ અને માત્ર ત્રણ જ પ્રવાહોમાં વહેંચાઈ જતું – આર્ટ્સ, સાયન્સ અને કૉમર્સ. આજે ૧૧+૪ સદ્ગત થઈ ગયું છે અને એની જગ્યાએ ૧૦+૨+૩નો ઢાંચો ચાલુ રહ્યો છે. આ ૧૦+૨+૩ કરવાનો ઇરાદો એવો હતો કે બાળક ૧૦મા વરસ સુધી એટલે કે વર્તમાન એસ.એસ.સી. સુધી જરૂરી વિષયોનું પ્રાથમિક જ્ઞાન મેળવે અને પછી બાકીના બે વરસ વહેવારિક કામકાજ માટે જે-તે વિષયોની કાર્યક્ષમતા પ્રાપ્ત કરે.
પ્રાથમિક કક્ષાએ પહેલા ધોરણમાં જેટલા વિદ્યાર્થીઓ દાખલ થાય છે એ બધા કંઈ ૧૦મા ધોરણ એટલે કે બોર્ડની એસ.એસ.સી. પરીક્ષા સુધી પહોંચતા નથી એટલું જ નહીં, ૧૦મા ધોરણની સંખ્યા કરતાં ૧૨મા ધોરણની સંખ્યા એનાથી ખૂબ ઓછી હોય છે. આનો અર્થ એવો થયો કે ડ્રૉપઆઉટનું પ્રમાણ ઘણું મોટું હોય છે. ડ્રૉપઆઉટના આ પ્રમાણને નજર સમક્ષ રાખીને જ શિક્ષણમાં અંગ્રેજી માળખા ૧૧+૪ને ૧૦+૨+૩માં ફેરવવામાં આવ્યું હતું.
પણ આ ૧૦+૨+૩ને પણ અપશુકન તો થયાં જ. અંગ્રેજી માધ્યમનું પ્રમાણ એટલુંબધું વધી ગયું કે જાણે માતૃભાષા શીખવા માટે દેશમાં કોઈ તૈયાર જ નહીં એટલું જ નહીં, કેટલાંક રાજ્યોએ પોતાની શિક્ષણનીતિમાં ચાર ભાષા દાખલ કરી. હિન્દી, અંગ્રેજી, માતૃભાષા અને પ્રાદેશિક ભાષા. આ રીતે મુંબઈ જેવા શહેરના વિદ્યાર્થીને ચાર ભાષા શીખવી પડે, પણ ચેન્નઈ જેવા શહેરના વિદ્યાર્થીને માત્ર બે જ ભાષા શીખવી પડે, તામિલ અને અંગ્રેજી. કેમ કે તેમણે હિન્દીનો સ્વીકાર કર્યો નહીં અને માતૃભાષા તરીકે ત્યાં તામિલ ભાષા જ હતી. આમ દેશમાં માધ્યમ, ભાષા, શિક્ષણ આ બધામાં અસંતુલન થયું.
ઘણા લાંબા સમયથી દેશમાં સાર્વત્રિક ધોરણે કોઈક ચોક્કસ શિક્ષણનીતિ અમલમાં મુકાય એવી આવશ્યકતા હતી અને એ માટે ભારે આગ્રહ પણ થઈ રહ્યો હતો. વીસમી સદીના આરંભે ઍની બેસન્ટ નામનાં એક થિઓસોફિસ્ટ બ્રિટિશ મહિલાએ દેશમાં આગમન કર્યું અને આ પ્રતિભાશાળી મહિલાએ દેશના રાજકારણમાં અને શિક્ષણક્ષેત્રે પણ સક્રિય યોગદાન આપવાની શરૂઆત કરી. તેમણે જોયું કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ધોરણોમાં જ્યૉર્જ વોશિંગ્ટન, અબ્રાહમ લિંકન કે જોન ઑફ આર્ક જેવાં પશ્ચિમી પાત્રોની ઓળખાણ કરાવતાં પુસ્તકો વાંચવા અપાય છે પણ આવાં જ કે આનાથી અદકેરાં હિન્દી સ્ત્રીપુરુષોની કોઈ ઓળખાણ આ બાળકોને વાંચવા અપાતી નથી. તેમણે જોયું તો દેશી પાત્રોની ખાલી પરિચય પુસ્તિકાઓ હિન્દી કે અંગ્રેજી ભાષામાં હતી. ‌તેમણે શાળાઓ અને કૉલેજોમાં આવી પુસ્તિકાઓ લખીને દાખલ કરાવી. આવી ત્રણસોએક પુસ્તિકાઓ તેમણે લખી હોવાનો અંદાજ છે.
ગયા અઠવાડિયે ભારત સરકારે નવી શિક્ષણનીતિનો ખરડો તૈયાર કરીને દેશ સમક્ષ મૂક્યો છે. લાંબા વખતથી આવા ખરડાની અપેક્ષા તો હતી જ. આ ખરડા અનુસાર ૨૦૨૧ કે ૨૦૨૨થી નવી શિક્ષણનીતિ અનુસાર શિક્ષણનો ઢાંચો વર્તમાન ૧૦+૨+૩ને બદલે ૫+૩+૩+૪ એમ કરવામાં આવશે. શિક્ષણનો ઢાંચો ૧૧+૪ હોય કે પછી ૧૦+૨+૩ હોય કે પછી ૫+૩+૩+૪ હોય, આ બધામાં ૧૫ વરસનું ગંતવ્ય સ્થાન તો અકબંધ જ રાખવામાં આવ્યું છે. આપણી પ્રાચીન શિક્ષણપદ્ધતિમાં ૧૨ વરસમાં વિદ્યાર્થી વેદઉપનિષદની તમામ વિદ્યા ભણીને તેજસ્વી થઈ જતો. આજે પૂરાં ૧૫ વરસ ભણ્યા પછી પણ જો તેને આ ૧૫ વરસને અંતે નોકરી નથી મળતી તો તે આપઘાત કરે છે. ૧૫ વરસના શિક્ષણને અંતે વિદ્યાર્થીને આ શિક્ષણપદ્ધતિ વરસ-છ મહિના સુધી ટકી રહેવાનું મનોબળ પણ આપી શકતું નથી. નવી શિક્ષણપદ્ધતિમાં અભ્યાસક્રમના ઉદ્દેશો તો આપવામાં આવ્યા છે, પણ આ ઉદ્દેશોને કેવી રીતે અમલમાં મૂકવામાં આવે છે એ વધુ મહત્ત્વનું છે.
આપણા બંધારણ પ્રમાણે શિક્ષણ ખાતું કેન્દ્ર અને રાજ્ય એમ બન્ને વચ્ચે વહેંચાયેલું છે. આ કાયદાકીય પરિસ્થિતિ થઈ કહેવાય. વાસ્તવમાં બાળકનું શિક્ષણ અને સંસ્કારો પાયાના મૂલ્ય તરીકે માતાપિતા, પરિવાર જીવન, સમાજજીવન અને સાંસ્કૃતિક ધોરણો પર અવલંબે છે. બાળકને ઢગલોએક રમકડાં, ડિજિટલ સાધનો કે માગે એટલા પૈસા આપી દેવાથી શિક્ષણ સમાપ્ત થતું નથી.
નવી શિક્ષણપદ્ધતિમાં હૈયું ઠારે એવી એક વાત છે. હવે પાંચમા ધોરણ સુધી સઘળું શિક્ષણ માતૃભાષા અને માતૃભાષામાં જ રહેશે. આનો અમલ શી રીતે થઈ શકશે એ હજી જાણી શકાયું નથી. એ જ રીતે બે ભાષાનો અમલ કરતાં રાજ્યો અને ચાર ભાષાનો અમલ કરતાં રાજ્યો વચ્ચે ભાષાનું સંતુલન શી રીતે જળવાશે એ પણ જાણી શકાયું નથી.
શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોની ગોખણપટ્ટી નહીં આ વાત તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોએ સમજાવી દેવી જોઈએ. માતાપિતાઓએ પણ પોતાનાં સંતાનોને એક વાત અચૂક ગળે ઉતારી દેવી જોઈએ કે પાયાનાં મૂલ્યો અને સંસ્કાર એ પાઠ્યપુસ્તકથી ખૂબ આગળ જતું ગંતવ્ય સ્થાન છે. જો પારિવારિક જીવનમાંથી આ બધું તેને મળશે તો પછી શિક્ષણનું માળખું ૧૧+૪ હોય, ૧૦+૨+૩ હોય કે પછી ૫+૩+૩+૪, સમાજ તંદુરસ્ત અને માનસિકતા સુદૃઢ જ હશે એમાં કોઈ શક નથી. આ પાયાની જવાબદારી પ્રથમ માતાપિતાની છે, એ પછી શિક્ષકોની છે અને ત્રીજા પગલે સરકારની છે.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK