ક્યાં કોઈ આસમાન માગું છું?

Published: Mar 08, 2020, 19:51 IST | HIten Anandpara | Mumbai Desk

અર્ઝ કિયા હૈ: અત્યાચાર અને હત્યાચારના કિસ્સા સાથોસાથ બની રહ્યા છે. પારેવાને પીંખીને એનો નિર્મમ નિકાલ કરવામાં નાનમ અનુભવાતી નથી.

૮ માર્ચ વિશ્વ નારી દિન તરીકે ઊજવાય છે. આજે ધરાર આનંદના બદલે અફસોસની વાત કરવી છે. નિર્ભયા જેવી ઘટનાઓ પુરુષજાતને લજ્જિત કરે અને સ્ત્રીને ભયભીત કરી મૂકે. અત્યાચાર અને હત્યાચારના કિસ્સા સાથોસાથ બની રહ્યા છે. પારેવાને પીંખીને એનો નિર્મમ નિકાલ કરવામાં નાનમ અનુભવાતી નથી. ટહુકાને ટૂંપવાની ઘટના તો ઘરના છાને ખૂણે એ રીતે બને કે કોયલનો ટહુકો વેરતી ડોરબેલને ગંધ સુધ્ધાં ન આવે. સંધ્યા ભટ્ટના શેર સાથે સવારની કડવી શરૂઆત કરીએ...

સૂરજની જેમ ઊગું અને આથમું છું હું
પૃચ્છા ન કરશો કુશળક્ષેમની અહીં
ઉઝરડા આપવામાં હવે ઉંમરનું ભાન પણ ભુલાયું છે. ઝારખંડના દુમકા જિલ્લાના રામગઢમાં માત્ર છ વર્ષની બાળકી પર બળાત્કાર કરી ત્રણ નરાધમોએ તેની હત્યા કરી. ફાસ્ટ ટ્રૅકમાં કેસ ચાલ્યો અને માત્ર એક મહિનામાં ચુકાદારૂપે તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી. થોડા સમય પહેલાં હૈદરાબાદ પોલીસે બળાત્કારના આરોપીઓનું સત્વરે એન્કાઉન્ટર કરી નાખ્યું. ગુનાની સજા જેટલી જલદી મળે એટલું સારું નહીંતર વિશ્વાસનું વહાણ ડૂબતાં વાર નથી લાગતી.
છ-સાત વર્ષની બાળકી સાથે ખેલાતા અગનખેલ વધતા જાય છે. પાંચિકા રમવાની ઉંમરે બાળકીએ પીડા વહોરવી પડે. ચકળવકળ ફરતી આંખોને એ ખબર પણ ન હોય કે એનામાંથી નૂર ખેંચાઈ રહ્યું છે. દેહની બારાખડી ખબર ન હોય ને વાસનાનાં વાવેતર વેંઢારવાં પડે. પુષ્પા મહેતા આવી જ કોઈ છોકરીની વાત કરે છે...
ના દિશાનું ભાન એને મંઝિલોથી બેખબર
કો અજાણ્યા ગામ જેવી છોકરીની જિંદગી
હર ઘડી હર પળ ડરે બૂરી નજરના તીરથી
પારદર્શક કાચ જેવી છોકરીની જિંદગી
બહેન-દીકરીને બહાર મોકલતાં ડર લાગે એવો માહોલ ભારતના ઘણા પ્રદેશોમાં છે. પતિ કે ભાઈ સાથે હોય તોય તેને ધમકાવી-મારી ઇચ્છિત પ્રાપ્તિ માટેની ગૅન્ગ લાગ જોઈને જ બેઠી હોય. મોહન પરમારની ‘થળી’ વાર્તામાં નાયિકા રેવી હરિજન છે. તેનો પતિ ભવાઈ રમવા લાંબી ખેપે જાય છે. આ તકનો લાભ ઉઠાવી માનસિંહ નામનો ઠાકોર નજર બગાડે છે. રેવીનું વારંવાર શારીરિક શોષણ કરી તેનું જીવવું હરામ કરી નાખે છે. આ પ્રકારની ઘટનાઓ વેરવિખેર બનતી જ રહે છે. દિવ્યા મોદીની પંક્તિઓમાં વિષાદનું વાદળ જોઈ શકાય છે...
રોજ આવી જખમ નવા આપે
સાંજનો રંગ છે કે છૂરી છે?
ઓશીકાની કિનાર બોલે છે
રાત ઝૂરી છે, ખૂબ ઝૂરી છે
રાત ઝૂરે પણ છે, તૂટે પણ છે, તરડાય પણ છે અને મરડાય પણ છે. જોહુકમી અને જોર હેઠળ જાસૂદ કે જાસ્મિનનું ફૂલ ચીમળાઈ જાય. માત્ર સુગંધ જ નહીં, એની હયાતી વિશે સવાલ ઊઠે. રક્ષા શુક્લ શબ્દ ચોર્યા વગર સટ્ટસીધી વાત કરે છે...
તું જ આપે, તું જ કાપે, આટલી દાદાગીરી?
નાચવું તારી જ થાપે, આટલી દાદાગીરી?
આદમી ખડકાળ આપ્યો, લાગણી ખર્ચાળ, લ્યો!
રાગ આપ્યાનો પ્રલાપે, આટલી દાદાગીરી!
સ્ત્રીત્યાગનું સરનામું છે પણ એ સરનામું સળનામું બની જતું હોય છે. પથારીમાં એટલા સળ પડે કે પછી ઉકેલી જ ન શકાય. પારુલ ખખ્ખરના શેરમાં સમાધાન સાથે સંવેદના વણાયેલી છે...
નવેસરથી બધું આલેખવા તૈયાર છું હું
ગમાડી ના શકો તે છેકવા તૈયાર છું હું
ખજૂરી જેટલા છાંયાની આપો ખાતરી તો
ફરીથી એ જ રણને વેઠવા તૈયાર છું હું
તાજેતરમાં રિલીઝ થયેલી ‘થપ્પડ’ ફિલ્મમાં સ્ત્રીત્વની વાત ઝીણવટપૂર્વક નિરૂપાઈ છે. એક પાર્ટીમાં નાયિકા તાપસી તન્નુને તેનો પતિ ગુસ્સામાં આવી થપ્પડ મારી દે છે. આ થપ્પડ માત્ર સ્ત્રીના ગાલને જ નહીં પણ તેના ગૌરવને પણ લાગે છે. તેના આત્મસન્માનને પણ લાગે છે ને તેના વજૂદને પણ લાગે છે. આ થપ્પડ એ સપનાંઓને લાગે છે જે ઘરસંસારની જવાબદારીમાં કબાટમાં બંધ થઈને પડ્યાં છે. આ થપ્પડ પતિપણાને લાગે છે જે વહાલ તો કરે છે, પણ દરકાર નથી કરતો. કંઈક ચુકાઈ ગયું છે એને ખબર છે, પણ એનો સ્વીકાર નથી કરી શકતો. સ્ત્રીને શું જોઈએ છે એ વાત કદાચ એક સ્ત્રી જ સારી રીતે કહી શકે. ડૉ. દીના શાહ એ સમજાવે છે...
આપનું સ્હેજ ધ્યાન માગું છું
માન આપીને માન માગું છું
સ્થિર ઊભી રહી શકું તો બસ
ક્યાં કોઈ આસમાન માગું છું?
પતિ-પત્નીના જોક્સમાં થતી પત્નીની મજાક જુદી વાત છે અને વાસ્તવિક જિંદગીમાં ખરેખર થતી તેની માનહાનિ જુદી વાત છે. એકમાં દામ્પત્યજીવનની રમૂજ છે, બીજામાં સાંસારિક જીવનની સમસ્યા છે. અવ્યક્ત રહી ગયેલી ઘણી વાત ધીરે-ધીરે મીણબત્તીની જેમ પીગળીને નહીંવત બની જાય. હામાં હા ભેળવીને જીવતી સ્ત્રીનું મનોગત જિજ્ઞા ત્રિવેદી આલેખે છે...
ચર્ચા, દલીલનું નથી સ્પષ્ટીકરણ કર્યું
એના વિચારનું છતાં અમલીકરણ કર્યું
સોપાન પથ્થરોને ગણી ચાલતી રહી
એ રીતથી મેં જાતનું ઊર્ધ્વીકરણ કર્યું
હાર-જીતને સારી રીતે સમજતી સ્ત્રીની વાત લક્ષ્મી ડોબરિયાના શેરમાં તાદૃશ્ય થાય છે...
જિંદગીના ખેલમાં એક ધારણા મેં ધારી
હારમાં પણ જીત છે, જાણ્યું અને હું હારી
તું નથી પણ છે અને હું છું છતાં હું ક્યાં છું?
સ્નેહના સંબંધમાં, સંવેદના બે-ધારી

ક્યા બાત હૈ

હરખથી ડાળ પર થઈ પારણું ઝૂલ્યો દુપટ્ટો
પરંતુ બાળ પોઢ્યા બાદ, ના પોઢ્યો દુપટ્ટો

હતો જો મુક્ત તો પણ કેમ ના ઊડ્યો દુપટ્ટો?
નવાઈ છે, તમે સાંકળ વગર બાંધ્યો દુપટ્ટો!

મસોતું થઈને પણ છૂટી નથી એ ટેવ જૂની
કિનારી આંખની લૂછવા થયો તરસ્યો દુપટ્ટો

બદામી, કાળી, ભૂરી, કથ્થઈ કે આસમાની
કઈ છે આંખ કે જેણે નથી ભેદ્યો દુપટ્ટો?

અરીસો કોઈ કારણથી બહુ ભેદી હસ્યો’તો
રમતમાં બાળકીએ બે ઘડી વીંટ્યો દુપટ્ટો

કરી બાધા કે નવસોને નવાણું ચીર ઊગે ત્યાં
પીડિતાએ લીરા ભેગા કરી વાવ્યો દુપટ્ટો

હવે તો પ્રાણ સાથે દેહથી છૂટે તો છૂટે
બળેલી છાતીને એ રીતથી વળગ્યો દુપટ્ટો

મલાજો રાખવા માટે વડીલોની નજરનો
વિચારી જો કદી, કે કેમ પહેરાવ્યો દુપટ્ટો?

કોઈ આવીને ખોલી કાઢશે પંખાથી હમણાં
લદાયેલા વજનથી આમ તો છૂટ્યો દુપટ્ટો - લિપિ ઓઝા

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK