જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબા ન હોય એવું બને? ન બને

Published: Sep 29, 2019, 12:50 IST | રુચિતા શાહ | મુંબઈ

અમેરિકા, મસ્કત, સ્વીડન, કૅનેડા, ન્યુ ઝીલૅન્ડ, દુબઈ, ફિજી, ચાઇના, ઑસ્ટ્રેલિયા, સિંગાપોર, બૅન્ગકૉક, લંડન મળીને કુલ ૧૨ દેશમાં રહેતાં ગુજ્જુ ભાઈ-બહેનોએ મિડ-ડે સાથે શૅર કરી નવરાત્રિની મજેદાર વાતો

જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં ગરબા
જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં ગરબા

‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’ આ કહેનારા પારસી કવિ અદ્દલની કોઠાસૂઝ ગજબની જ હશે. આ એક જ લાઇનમાં તેમણે ગુજરાતીઓની જાણે બાયોગ્રાફી લખી નાખી. ગુજરાતી હોય ત્યાં ગુજરાતી સંસ્કૃતિની મહેક હોય જ હોય અને મજાની વાત એ છે કે આજે આખા વિશ્વના ખૂણેખૂણામાં ગુજરાતીઓ વ્યાપેલા છે. દુનિયાના ભાગ્યે જ કોઈ દેશ સાબૂત રહ્યા હશે ગુજરાતીઓના સાંનિધ્યથી. ખાણી-પીણી અને મોજમજાથી જીવવા માટે જાણીતી આ કમ્યુનિટીનો સૌથી માનીતો તહેવાર એટલે નવરાત્રિ. ૯ નોરતાંમાં માતાજીની આરાધના સાથે રાસ-ગરબાના તાલનું આખા વિશ્વમાં ઘેલું લાગી ચૂક્યું છે ત્યારે અમે નવરાત્રિનો રંગ દુનિયાના વિવિધ દેશોમાં કેવો પ્રસર્યો છે એ જાણવા વિદેશમાં રહેતા દેશી ગુજરાતીઓની સાથે વાતચીત કરી અને એમાં શું જાણવા મળ્યું એ વાંચો આગળ...

ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયામાં છેલ્લાં પાંચ વર્ષથી મુંબઈ અને ગુજરાત ઝાંખાં લાગે એવાં અદ્ભુત નવરાત્રિનાં આયોજન થાય છે. કમર્શિયલ નવરાત્રિને ઑસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોએ તો બે હાથે વધાવી છે. સિડનીમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધારે છે. અહીં નવરાત્રિનું આયોજન કરતા અતુલ ઠોસાણી અને કિરણ દેસાઈ કહે છે, ‘સિડનીમાં આ સીઝનમાં અતિશય ઠંડી હોવાને કારણે અમારે ઇનડોર નવરાત્રિ જ કરવી પડે છે. સિડનીમાં જ નહીં, મેલબર્ન, બ્રિસ્બેન અને પર્થ જેવાં શહેરોમાં પણ નવરાત્રિનાં ઘણાં આયોજન થાય છે. અમે અહીં ટ્રેડિશનલ ટચ વીસરાય નહીં એની વિશેષ કાળજી રાખી છે; જેમ કે ગરબા રમવા માટે હૉલમાં દાખલ થનારી વ્યક્તિએ કમ્પલ્સરી ચંપલ કાઢવાનાં. માતાજીની આરતી પ્રૉપર રીતે થાય, એ પછી બે તાળી, ત્રણ તાળી, ચાર તાળી જેવા ગરબા રમાય. નાના બાળકથી લઈને ૭૦ વર્ષનાં માજી પણ એન્જૉય કરી શકે એ રીતે અમે આખું આયોજન કરીએ છીએ. બાળકો માટે ગેમ્સ હોય છે, વડીલો દૂર બેસીને જોઈ શકે, એક તાળી-બે તાળી ગરબામાં તેઓ ભાગ લઈ શકે, બ્રેક-ટાઇમમાં માત્ર બાળકો રમે એવી વ્યવસ્થા કરી છે. કૉમ્પિટિશન હોય, લકી ડૉ પ્રાઇઝ હોય, ફૂડ-અરેન્જમેન્ટ હોય, લગભગ શુક્ર-શનિમાં ૩૦૦૦ જેટલા લોકો ગરબામાં ભેગા થતા હોય છે અને છતાં વેઇટિંગ લિસ્ટ હોય છે. ૯૦ ટકા ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં હોય.’
ઑસ્ટ્રેલિયાની હેતલ પટેલ કહે છે, ‘ચાર વર્ષના મેલબર્નના મારા અનુભવ પરથી કહું છું કે અહીં ખરેખર નવરાત્રિમાં એન્જૉય કરું છું. સ્થિતિ માત્ર એટલી છે કે એ એન્જૉયમેન્ટ વીક-એન્ડ પૂરતું મર્યાદિત છે. અહીંનું ક્લાઇમેટ પણ ગરબા રમવાનો ચાર્મ વધારી દે છે. અમે તો પાંચ-છ કલાક ટ્રાવેલ કરીને જવું પડે તો પણ ગરબા ચૂકતા નથી. એટલી ડિમાન્ડ હોય છે કે થોડું મોડું કરો તો તમને ટિકિટ ન મળે.’
ઑસ્ટ્રેલિયામાં મુંબઈના આર્ટિસ્ટની અવરજવર વધી છે. પાર્થિવ ગોહિલ, અતુલ ત્રિવેદી જેવા આર્ટિસ્ટ હોય ત્યારે ૭થી ૮ હજાર પબ્લિક પણ થઈ જાય છે. ત્યાં રહેતા લોકોને હવે ભારતની નવરાત્રિ કરતાં ત્યાંની નવરાત્રિ ઓછી ભીડ અને સ્વચ્છતાને કારણે વધુ માફક આવવા માંડી છે.

સ્વીડન
હૅપિએસ્ટ કન્ટ્રી તરીકે નામના મેળવનારા સ્વીડનમાં પણ ગુજરાતીઓની વસ્તી છે એટલે ગરબા તો અહીં પણ છે જ. છેલ્લાં ત્રણ વર્ષથી સ્વીડનમાં રહેતી બ્યુટી-એક્સપર્ટ કુંજલ જિગર મહેતા કહે છે, ‘હું મૂળ મલાડની છું એટલે મુંબઈના ગરબાની મજા માણી ચૂકી છું. જોકે અહીં સેલિબ્રેટ થતા ગરબા પણ કંઈ કમ નથી એ કહી શકું. મને ગરબાનો ગાંડો શોખ છે. ગયા વર્ષે મારા ૭ મહિનાના દીકરાને લઈને હું રમી રહી હતી. અહીં મોટા ભાગે વીક-એન્ડમાં જ ગરબા હોય અને સાંજે ચાર વાગ્યે શરૂ થાય તો રાતે દસ-અગિયાર વાગ્યા સુધી ચાલે. બે વર્ષ પહેલાં ઓછા લોકો હતા, પરંતુ હવે અહીં ધીમે-ધીમે ગુજરાતીઓની સંખ્યા વધી રહી છે.’
સ્વીડનમાં જ રહેતી દીપા શાહ ત્યાં માત્ર ગરબા રમતી નથી, પરંતુ ગરબા શીખવે પણ છે. દીપા કહે છે, ‘થોડા ફ્રેન્ડ્સનું એક ગ્રુપ બનાવીને અમે ગરબા રમવાનું શરૂ કર્યું હતું. માત્ર ગુજરાતીઓ જ નહીં, બધી કમ્યુનિટીના લોકો અહીં આવે છે. બધાને તો કંઈ રમતાં ન આવડતું હોય એટલે પહેલાં અમે શીખવીએ પછી બધા સાથે મળીને રમીએ. અમારે માટે ઇટ્સ મોર અબાઉટ ડાન્સ. મુંબઈમાં થાણેમાં રહેતી હતી અને અહીં એક પણ એવી નવરાત્રિ નહોતી જે મેં મિસ કરી હોય.’

ન્યુ ઝીલૅન્ડ
ગુજરાતીઓની ખાસ્સી વસ્તી ધરાવતા ન્યુ ઝીલૅન્ડમાં રંગેચંગે નવરાત્રિનું આયોજન થાય છે. ઇન્ટરનૅશનલ આર્ટિસ્ટને બોલાવીને પ્રોફેશનલ ગરબાની સાથે દેશી ગરબાનું આયોજન પણ થાય છે. ગરબાના આયોજનમાં આગળ પડતા સ્વપ્નિલ શાહ કહે છે, ‘મુંબઈ કે ગુજરાતની નવરાત્રિ જેવી મજા જ અહીં પણ અમે કરીએ છીએ. ફરક માત્ર એટલો જ છે કે અહીં સિલેક્ટેડ દિવસે ગરબા થાય છે. હું ઓકલૅન્ડમાં રહું છું અને નવરાત્રિ પહેલાં અને પછી મળીને સાતથી આઠ ગરબા-ઇવેન્ટ જુદી-જુદી રીતે યોજાય છે. ગુજરાતીઓ તો ઠીક, ધોળિયાઓ, ચીનાઓ, આફ્રિકન્સ પણ પૈસા ખર્ચીને આપણી ઇવેન્ટમાં ભાગ લેવા આવે છે. નૉર્થ શ્યૉર ઇન્ડિયન અસોસિએશન નામની એક મોટી સંસ્થા દ્વારા ફ્રી ગરબાનું આયોજન થાય છે જ્યાં લાઇવ આર્ટિસ્ટ ન હોય, પરંતુ ડીજે વાગતું હોય. ટ્રેડિશનલ કપડાં અને બીટવાળા મ્યુઝિકમાં એકસરખાં સ્ટેપ જોઈને ત્યાંના લોકોને ખૂબ તાજ્જુબ થાય છે.’
ન્યુ ઝીલૅન્ડમાં જ છેલ્લાં ૧૨ વર્ષથી રહેતી કરિશ્મા મહેતા માટે નવરાત્રિ એટલે સૌ સાથે હળવા-મળવાનું પર્વ. કરિશ્મા કહે છે, ‘અહીં ઘણાં મંદિરો છે અને મંદિરોમાં નવરાત્રિમાં આરતી અને ટ્રેડિશનલ ગરબા થાય. આજે આપણા છોકરાઓને આપણા ઓરિજિનલ કલ્ચરથી રૂબરૂ કરાવવા માટે પણ ગરબા જરૂરી છે. લકીલી, અહીં એક્સલન્ટ ગરબા સેલિબ્રેટ થાય છે.’
ન્યુ ઝીલૅન્ડના ઓકલૅન્ડમાં સર્વાધિક ગુજરાતીની વસ્તી છે, પરંતુ એ સિવાય ક્રાઇસ્ટ ચર્ચ, હૅમિલ્ટન અને વૅલિંગ્ટનમાં પણ નવરાત્રિનું આયોજન થાય છે. અહીં પણ ગુજરાતીઓ સારા પ્રમાણમાં છે. સ્વપ્નિલ કહે છે, ‘છેલ્લાં બે વર્ષમાં ગુજરાતીઓ ખૂબ મોટા પ્રમાણમાં અહીં માઇગ્રેટ થયા છે. તેમની વસ્તી વધી હોવાથી વધુ આયોજન થાય છે. પહેલાં નવરાત્રિ માટે એક સિટીમાંથી બીજી સિટીમાં ત્રણ-ચાર કલાક ટ્રાવેલ કરીને પણ અમે જતા હતા.’

ઓમાન
ગલ્ફ કન્ટ્રી હોય અને ઇસ્લામ ધર્મનું આધિપત્ય હોય ત્યાં તમને કટ્ટરતાની અપેક્ષા જ હોય. જોકે મીઠડા ગુજરાતીઓ પોતાનો જાદુ પ્રસરાવીને ગમે ત્યાં પ્રેમ અને સંવાદિતાનો માહોલ ઊભો કરી શકે. ઇસ્લામિક દેશોમાં ઊજવાતી નવરાત્રિ એનું જીવતું-જાગતું ઉદાહરણ છે. ઓમાનમાં ૭૫,૦૦૦ની આસપાસ ગુજરાતીઓ છે. અહીં ઊજવાતી નવરાત્રિની ખૂબી એ છે કે ગુજરાતી સિવાયની તમામ અન્ય જાતિના હિન્દુઓ પણ આયોજનમાં સરખા પ્રમાણમાં ઉત્સાહી હોય છે. મસ્કતના ગુજરાતી સમાજના અગ્રણીઓ, રંગમા ગ્રુપ, કૉસ્મૉસ કંપની જેવા અન્ય ગ્રુપના સભ્યો તેમ જ વિવિધ સોશ્યલ અને એન્ટરટેઇનમેન્ટ કંપનીના સભ્યો દ્વારા નવરાત્રિનું જુદું-જુદું આયોજન થાય છે. કોઈ ટ્રેડિશનલ નવરાત્રિ કરે છે તો કોઈ માત્ર બહેનોના ખાસ ગરબાનું આયોજન કરે છે. મસ્કતમાં રહેતી અવનિ નાગડા માટે નવરાત્રિ એટલે જલસા કરવાનો સમય. અવનિ કહે છે, ‘અહીં પૌરાણિક ગરબા પણ થાય છે જેને માટે ગરબીની સ્થાપના થાય. એની સામે પૂજા-આરતી થાય. ટ્રેડિશનલ ગરબા ગવાય. મંદિરમાં, હવેલીમાં અને ગ્રાઉન્ડ પર એમ બધે જ ગરબાનું જુદું-જુદું આયોજન થાય છે.’
ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થયેલા ગુજરાતીઓ સાથે ભારતના રાજદૂત, ત્યાંના સુલતાન અને અરબીઓ પણ સામેલ થાય છે.


ફિજી
૩૬૦ નાના-મોટા ટાપુઓથી બનેલા અનોખા દેશ ફિજીમાં લગભગ ૨૫ ટકા ગુજરાતીઓની વસ્તી છે. ફિજીની ટોટલ જનસંખ્યા લગભગ પોણાનવ લાખની છે અને એમાં પા ભાગ ગુજરાતીઓનો છે. સ્વાભાવિક છે કે આટલી સંખ્યા હોય તો ગરબા પણ હોવાના જ. લગભગ ૪૦ વર્ષથી ફિજીમાં રહેતાં હિના પટેલ કહે છે, ‘અહીં મંદિરમાં ગરબા થાય છે. બીજાં પણ આયોજન થાય છે, પરંતુ હું પોતે માતાના મંદિરને વધુ પ્રીફર કરું છું. અહીંના માતાજીના મંદિરમાં અંબા મા, કાળકા મા, બહુચરા મા અને સરસ્વતી મા એમ ચારેય બાજુ ચાર મૂર્તિઓ છે. તેમની આરતી થાય પછી પાંચ ગરબા ગાઈએ. રોજનો આ ક્રમ. પ્રસાદમાં ફુલટાઇમ ડિનર હોય. અહીં હજી બહારથી લાઇવ શો માટે સિંગર નથી આવતા, પરંતુ ડીજે સિસ્ટમામાં જ ગરબા રમીએ. ૧૦૦૦-૧૨૦૦ માણસો તો સહજ રીતે ભેગા થઈ જાય છે.’

ચીન
ચીનના શેન્જેનમાં ૧૨ વર્ષથી રહેતી પૂર્વી દસાડિયા અને તેનો પરિવાર પણ નવરાત્રિ માટે ખાસ્સો એક્સાઇટેડ હોય છે. માત્ર શેન્ઝેનમાં જ નહીં, આખા ચીનના લગભગ દરેક સ્ટેટમાં નવરાત્રિ ટ્રેડિશનલ રીતે પણ સેલિબ્રેટ થાય છે. માતા કી ચૌકી થાય, માતાજીની આરતી થાય, નાની દીકરીઓની પૂજા દશેરાના દિવસે થાય, ઉપવાસ થાય. ગુજરાતી સમાજનું વિશાળ આયોજન હોય છે. જોકે એ ગરબા એક જ દિવસના હોય છે એમ જણાવીને પૂર્વી કહે છે, ‘સમયનો અભાવ હોય છે એટલે દરેકની અનુકૂળતા મુજબ નવરાત્રિ પહેલાં અથવા પછી એક દિવસનું આયોજન થાય છે. જોકે એ એક દિવસમાં નવેનવ દિવસની કસર અમે પૂરી કરી લઈએ છીએ. એક દિવસમાં હૉલ-ડેકોરેશન, રંગોળી, દીવા, ગરબા-કૉમ્પિટિશન્સ, લકી ડ્રૉ, ડીજે એમ બધી વ્યવસ્થા હોય છે. દરેક રીજનમાં થતી નવરાત્રિમાં ઓછામાં ઓછા ૩૦૦ લોકો તો હોય જ. શેન્ઝેન સિવાય શાંઘાઈ, કેકિઆઓ, ગુઆનઝોઉમાં પણ ભારતીયોની વસ્તી છે એટલે સેલિબ્રેશન થાય છે.’
ચીનમાં ગુજરાતી અને ભારતીય ઉપરાંત ચાઇનીઝ અને અન્ય દેશના લોકો પણ ગરબામાં ખાસ ભાગ લે છે. પૂર્વી કહે છે, ‘આપણા ગરબા છે જ એવા કે બધાને એકતાંતણે બાંધી દે. અહીં રહેતા દરેક પોતાનાં સંતાનોને ભારતીય કલ્ચરથી પરિચિત કરાવવા માગતા હોય છે. કદાચ એટલે જ ભારત કરતાં અહીં રહેતા લોકોનો તહેવાર માટેનો ઉત્સાહ અને ડેડિકેશન અદકેરાં હોય છે.’

યુકે
યુકેમાં અમેરિકા પછી હાઇએસ્ટ માત્રામાં ગુજરાતીઓ રહે છે. લગભગ ૧૨ લાખ ભારતીયોની વસ્તીમાં ૬ લાખથી વધુ ગુજરાતી હોવાનું કહેવાય છે. લંડનથી થોડે દૂર આવેલા નાનકડા ટાઉનમાં રહેતાં રશ્મિ અને સુરેશ મહેતા માટે ગરબા એટલે રિલિજિયસ-કમ-સોશ્યલ ઇવેન્ટ છે. ગરબાને ફુલઑન એન્જૉય કરતું આ ઓલ્ડી-ગોલ્ડી કપલ કહે છે, ‘નવરાત્રિ દરમ્યાન યુકેમાં ઠેર-ઠેર ગરબાનું આયોજન થાય છે. જોકે લંડનમાં સૌથી વધારે ઇવેન્ટ થતી હશે. અમે તો ઘણાં વર્ષો પહેલાં અહીં આવી ગયા છીએ. પહેલાં નવરાત્રિનું આટલું ચલણ નહોતું. કોઈક જ વાર યોજાતી. જોકે હવે તો ખૂબ મોટા પાયે, રંગેચંગે ઊજવાય છે. પહેલાં ગરબા રમવા જવું હોય તો ચાર-પાંચ કલાક ટ્રાવેલ કરીને જવું પડતું. હવે દર વર્ષે અમારા ટાઉનમાં પણ ગરબાનું આયોજન થાય છે. પંજાબી, સાઉથ ઇન્ડિયન, મહારાષ્ટ્રિયન અને ઇંગ્લિશ લોકો પણ એમાં સામેલ થાય છે.’


અમેરિકા
અત્યારે હાઇએસ્ટ માત્રામાં ગુજરાતીઓ અમેરિકામાં (પાકિસ્તાનમાં પણ ગુજરાતીઓની સંખ્યા મોટી છે અને ભારત પછી સૌથી મોટી સંખ્યામાં ગુજરાતી ભાષા બોલનારાઓ પાકિસ્તાનમાં વસતા હોવાનું કહેવાય છે) વસે છે. અમેરિકાનું એકેય સ્ટેટ બાકી નહીં હોય જ્યાં રાસ-ગરબાનું આયોજન નહીં થતું હોય. છેલ્લાં ૨૦ વર્ષથી સેન જોસમાં રહેતાં કવિતા મહેતા કહે છે, ‘અહીંની નવરાત્રિ વીક-એન્ડમાં અને શરદ પૂનમ જ હોય. ભારતથી ઘણા કલાકારો અહીં આવે છે. જોકે અલગ-અલગ સંસ્થાઓને કારણે અમારા માટે દરેક વીક-એન્ડમાં ક્યાંક ને ક્યાંક તો આયોજન હોય જ. ૨૦ વર્ષ પહેલાં સ્થિતિ જુદી હતી. વીક-એન્ડમાં મંદિરમાં જઈને આરતી કરવાની અને સાદા ગરબા રમવાના, પરંતુ એ પછી ગુજરાત કલ્ચરલ અસોસિએશન અને ઇન્ડિયન કલ્ચરલ અસોસિએશને મોટા પાયે નવરાત્રિનું આયોજન શરૂ કર્યું.’
કવિતાબહેન પોતે પણ ચાર-પાંચ કલાકનો ટ્રાવેલ કરીને સેન જોસથી બીજી સિટીમાં જતાં હોય છે. અહીંની નવરાત્રિમાં અઢી-ત્રણ હજારનું ક્રાઉડ સેહેજેય હોય છે. ફાલ્ગુની પાઠક, અતુલ પુરોહિતથી લઈને તમામ અગ્રણી કલાકારો અહીંના ગરબા સેલિબ્રેશનમાં આવે છે. કવિતા કહે છે, ‘હું પોતે પણ અમારી એક સ્કૂલમાં ગરબાનું આયોજન કરું છું. ત્યાં દાંડિયા-ચૅરમૅન તરીકે મારી નિમણૂક થઈ છે, જેમાં ૧૦૦૦થી વધુ લોકો હાજર રહે છે. માત્ર ગુજરાતીઓ જ નહીં, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને નૉન-ઇન્ડિયન ક્રાઉડ પણ હોય છે. દરેક ઇવેન્ટ મોટા ભાગે પેઇડ હોય છતાં સોલ્ડ-આઉટ હોય છે. ખૂબ મોટો વર્ગ ટ્રેડિશનલ આઉટફિટમાં જ હોય. હકીકતમાં અમારા સૌ માટે એ સમયે ટ્રેડિશનલ પહેરવું એ પ્રાઉડની ક્ષણ હોય છે. દર વર્ષે હું ભારતથી નવાં ચણિયા-ચોળી મગાવું છું. એટલું કહીશ કે બહારના દેશમાં રહીને ભારતીય કલ્ચરને સ્પ્રેડ કરવાની એક અનેરી મજા હોય છે.’
આવો જ અનુભવ ન્યુ યૉર્કમાં રહેતાં વર્ષા કિનારીવાલાનો છે. તેઓ કહે છે, ‘૩૦ કરતાં વધુ વર્ષોથી હું અહીં નવરાત્રિ સેલિબ્રેટ કરું છું. મોટા ભાગે સ્કૂલ કે કૉલેજિસમાં જ ગરબા યોજાય અને બધા જ સંપૂર્ણ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ગરબા રમવા આવ્યા હોય. એટલો સુંદર માહોલ હોય કે તમે ભૂલી જ જાઓ કે તમે અમેરિકામાં છો. યંગસ્ટર્સ આ તહેવારને ભરપૂર એન્જૉય કરે છે. એ લોકોને નવાં-નવાં સ્ટેપ્સ શીખવાનું પણ ખૂબ ગમે છે. મોટા ભાગના દરેક આયોજકોની ટિકિટ સોલ્ડ-આઉટ હોય છે. ગરબા ઉપરાંત દરેક આયોજકો માતાજીની આરતી અને પ્રસાદ વિતરણ કરે છે.’
એક સમયે દુબઈમાં રહેતા અને હવે અમેરિકાના ડલાસ શિફ્ટ થયેલાં અર્ચના શાહ પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘અમે ખૂબ જ ટ્રેડિશનલી નવરાત્રિ સેલિબ્રેટ કરીએ છીએ. બહારની કોઈ પેઇડ ઇવેન્ટમાં જવાને બદલે અમે ઘરના લિવિંગરૂમમાં ગરબા રમીએ. માત્ર ગુજરાતી દેશી ગરબા, બૉલીવુડ સાન્ગ નહીં એટલે નહીં જ. પંડિતજી ગરબીની સ્થાપના કરે. ટ્રેડિશન વાંજિત્રો વગાડીએ. દશેરાના દિવસે ગરબો વધાવવા જઈએ, જેમાં માથા પર ગરબો સ્થાપન કરીને લઈ જઈએ.’


સિંગાપોર
છેલ્લાં ૬૦ વર્ષથી સિંગાપોર ગુજરાતી સોસાયટી દ્વારા નવરાત્રિનું આયોજન થાય છે. આ સંસ્થા દ્વારા સંકળાયેલા બીરેન દેસાઈ કહે છે, ‘સંસ્થા રજિસ્ટર્ડ થઈ ત્યારથી અહીં અમે નવરાત્રિ સેલિબ્રેટ કરીએ છીએ. અમારી સંસ્થા સાથે ૯૦૦ ફૅમિલી જોડાયેલી છે એટલે લગભગ સાડાત્રણ હજારની આસપાસ મેમ્બર્સ છે. છેલ્લાં ત્રણ વર્ષની મેમ્બર્સની સંખ્યા વધી છે એટલે ૨૩૦૦ લોકો આવે છે. લોકો ખૂબ એક્સાઇટેડ હોય છે ઇવેન્ટનો પાર્ટ બનવા માટે. સાંજે ૭ વાગ્યાથી રાતે બે વાગ્યા સુધી ગરબા રમાય.’
અહીં ઉલ્લેખનીય છે કે સિંગાપોરમાં ગરબા ક્રાન્તિ લાવવાનું શ્રેય આ ગ્રુપને જાય છે. શરૂઆતમાં જ્યારે નાના પાયે ગરબાનું આયોજન થતું ત્યારે ત્યાંના મેમ્બર ઑફ પાર્લમેન્ટ અને પૉલિટિશ્યન્સ ઇન્વાઇટ કરવામાં આવતા. આજે પણ ચાઇનીઝ લોકોની બે બસ ભરીને એક દિવસ માટે ઇન્વાઇટ કરવામાં આવે છે. ગુજરાતી ગરબાનો જલસો, એકબીજાનો મેળમિલાપ અને સહિયારા આનંદની આ ક્ષણના સાક્ષી બનીને પૉલિટિશ્યનો એવા ખુશ થઈ ગયા કે તેમણે પોતાના રીજનમાં પણ ગરબા શરૂ કર્યા. આજે આખા સિંગાપોરના નાના-નાના એરિયામાં પણ નવરાત્રિનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે જેનું શ્રેય ગુજરાતી સમાજને જાય છે. બીરેનભાઈ કહે છે, ‘અમે ટ્રેડિશન પાછળ ન રહી જાય એનું પૂરતું ધ્યાન રાખીએ છીએ. માતાજીની સ્થાપના, આરતી અને તેમની પૂરતી પૂજાવિધિની કાળજી રખાય છે. પ્રૉપર રાસ-ગરબા અને દાંડિયા પણ રમાય છે. છેલ્લે સનેડો અને દોડિયું તો ફિક્સ જ હોય. બાળકો માટે અલગ ગરબાનું આયોજન કરીએ. અત્યારે અમારી મૅનેજિંગ કમિટીમાં સારા પ્રમાણમાં યુવાનો છે. અમારા કેસમાં એવું થયું છે કે ખાસ ભારતથી લોકો અમારી ઇવેન્ટ અટેન્ડ કરવા સિંગાપોર આવે છે. નવરાત્રિ પહેલાં અમે સિંગાપોરમાં જેમને ગરબા ન આવડતા હોય તેમને માટે ફ્રી કોચિંગ ક્લાસ શરૂ કરીએ છીએ. ગયા વર્ષે ૭૦૦થી વધુ લોકોએ ફ્રી કોચિંગ ક્લાસનો લાભ લીધો હતો.’
યંગસ્ટર્સ પોતાના કલ્ચર સાથે જોડાયેલા રહે અને ભારતીય સંસ્કૃતિની આ અનોખી ભેટ વિશ્વવ્યાપી બને એ માટે સિંગાપોર ગુજરાતી સમાજ અથાક પ્રયત્ન કરે છે. નવરાત્રિ ઉપરાંત ગાંધી જયંતી, સ્વંતત્રતા દિવસ, ગણપતિ અને દિવાળી જેવા દરેક ફેસ્ટિવલને તેઓ નવા અંદાજમાં રજૂ કરીને જૂની રીતભાતને વ્યાપક બનાવી રહ્યા છે. સિંગાપોરમાં જ રહેતી અવનિ ભોજાણી કહે છે, ‘અહીંનાં મંદિરોમાં પણ ગરબાની અનોખી ઉજવણી થાય છે. નવેનવ દિવસ વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન હોય છે. ટ્રેડિશનલ ડ્રેસને ઍન્કરેજ કરવા માટે આયોજકો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. ઈવન કન્યાપૂજાનું આયોજન પણ નવરાત્રિ દરમ્યાન થાય છે. બાળકોને ઇન્ટરેસ્ટ પડે એટલે ખૂબબધી ગિફ્ટનું વેચાણ થાય છે. હું જ્યારે મુંબઈથી સિંગાપોર શિફ્ટ થઈ ત્યારે મને લાગતું કે મુંબઈને મિસ કરીશ, પરંતુ અહીંનું આયોજન મુંબઈગરા મિસ કરી રહ્યા છે એમ કહું તો ખોટું નહીં ગણાય.’


થાઇલૅન્ડ અને બૅન્ગકૉક

થાઇલૅન્ડ અને બૅન્ગકૉકમાં પણ નવરત્રિનાં ઘણાં આયોજન થાય છે. જોકે સ્માર્ટ નામનું એક ગ્રુપ છે જેણે અનોખા અંદાજમાં અહીં નવરાત્રિનું સેલિબ્રેશન શરૂ કર્યું છે. પાંચ મિત્રો અને તેમની ધર્મપત્નીના નામના ઇનિશ્યલ અક્ષર પરથી સ્માર્ટ નામ રાખવામાં આવ્યું છે. ગ્રુપના સભ્ય અતુલ જોગાણી કહે છે, ‘હું છેલ્લાં ૩૨ વર્ષથી અહીં રહું છું. મારા મિત્ર રમેશ મહેતા, સલિલ શાહ, રાજીવ કાપડિયા અને સુનીલ શાહે મળીને નવરાત્રિનો પ્રોગ્રામ કરવાનું વિચાર્યું હતું. ૨૩ વર્ષથી આ આયોજન થાય છે જેમાં મુંબઈનું રમઝટ ગ્રુપ અમને જલસો કરાવવા આવે છે. વીક-એન્ડ પ્રોગ્રામ હોય છે, પરંતુ એમાં પણ રાતે સાડાઆઠ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો જલસો હોય છે. મુંબઈથી અમે ફેમસ ફૂડ વેન્ડર્સના લોકોને પણ બોલાવીએ છીએ. મુંબઈની સેવપૂરી, ભેલપૂરી, ઇડલીવાળો પણ હોય અમારી સાથે. બીજા દિવસે સવારે ચા અને ગાંઠિયા ખાઈને પછી લોકો ઘરે જાય. અમારી આખી રાત ગરબા, પ્રાઇઝ અને ગેમ્સથી ભરેલી હોય. લોકો આખું વર્ષ આ દિવસ માટે રાહ જોતા હોય છે.’
બૅન્ગકૉક રહેતી રિદ્ધિ શાહ પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘નવેનવ દિવસ અને એ પહેલાં અને પછી એમ અમારી નવરાત્રિ લાંબી ચાલે છે. ગરબાની ટ્રેઇનિંગ માટેનાં સેન્ટર પણ અહીં ધમધમતાં રહે છે. દોડિયું અહીં હંમેશાં ઇનથિંગ રહ્યું છે. દરેક એજ-ગ્રુપ માટે સ્પર્ધા હોય છે. લેડીઝ અને જેન્ટ્સના સ્પેશ્યલ પર્ફોર્મન્સ હોય છે.’

દુબઈ
મુંબઈમાં ગરબા રમવાની ટાઇમ-લિમિટ ૧૦ વાગ્યાની છે, પરંતુ દુબઈમાં લોકો આખી રાત રમી શકે છે. રાતે ૩ વાગ્યા સુધી તો સહજ રમાય છે. દુબઈ ગુજરાતી સમાજથી લઈને અન્ય સંસ્થાના લોકોની અલગ-અલગ દિવસે નવરાત્રિ યોજાય છે. જોકે પરાજિયા સોની સમાજના ગરબા નવેનવ દિવસ આખી રાત હોય છે. આ ગરબામાં જજ તરીકે સક્રિય અને દુબઈમાં ફ્રી ગરબા શીખવતા દુષ્યન્ત સોની કહે છે, ‘અહીં લોકો કામ પરથી આવીને ફ્રેશ થઈને સીધા ગરબા રમવા આવી જાય છે. ૧૧ વાગ્યે શરૂ થાય અને રાતે ત્રણ વાગ્યા સુધી ચાલે. દોઢ-બે વાગ્યા સુધીની પરમિશન હોય છે. મોટા ભાગના લોકો ટ્રેડિશનલ ડ્રેસમાં હોય. દુબઈના શેખથી લઈને ભારતના રાજદૂત જેવા ઘણા મહાનુભાવો મહેમાન તરીકે હાજરી આપતા હોય છે. દરરોજ ૨૦થી ૨૫ ઇનામ આપીએ.’

કૅનેડા

કૅનેડામાં લગભગ ૧૦૦ કિલોમીટર વિસ્તારમાં ત્રણ લાખ ગુજરાતીઓ રહે છે. ટૉરોન્ટોમાં રહેતા લલિત ઠાકર કહે છે, ‘અહીં સ્ટુડન્ટ્સ પણ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. આ સીઝનમાં વાતાવારણ ક્યારે કેવું હોય કહેવાય નહીં એટલે બધા જ પ્રોગ્રામ ઇનડોર થાય છે. ઑલમોસ્ટ બધા જ આર્ટિસ્ટ અહીં આવે છે. એક ઇવેન્ટમાં પાંચથી સાત હજાર પબ્લિક હોય છે. લગભગ એક સીઝનમાં ૮૦થી વધુ શો થાય છે. સ્ટૉલ હોય, ખાણીપીણી હોય અને અનલિમિટેડ મજા હોય એટલે લોકો ટિકિટ ખર્ચીને પણ આવે છે. ગુજરાતી સિવાયની પબ્લિક પણ ગરબામાં ખૂબ હોય છે.’

કૅનેડાના બ્રેમ્ટનમાં રહેતા સંજય બટેરીવાલા પોતે પણ કેટલાંક નવરાત્રિનાં આયોજન કરે છે. તેઓ કહે છે, ‘નવરાત્રિમાંથી હવે ટ્રેડિશનલ એસેન્સ ઓછું થઈ રહ્યું છે. પરંપરાગત ગરબાની સ્ટાઇલ, ભજનો તરફ વધુ લોકો આકર્ષાય એ પ્રયત્નો અહીં પણ અમે કરી રહ્યા છીએ. અહીં ગરબા ક્લાસિસ પણ ચાલે છે. નવી પેઢીને અહીં પણ ગરબામાં ખૂબ રસ પડે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK