Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ક્રીએટિવિટી આખરે આવે છે ક્યાંથી?

ક્રીએટિવિટી આખરે આવે છે ક્યાંથી?

20 December, 2020 09:29 AM IST | Mumbai
Kana Bantwa

ક્રીએટિવિટી આખરે આવે છે ક્યાંથી?

ક્રીએટિવિટી આખરે આવે છે ક્યાંથી?

ક્રીએટિવિટી આખરે આવે છે ક્યાંથી?


ક્યારેક સાવ અનાયાસ, ક્યારેક ધોધની જેમ વહે છે નવા આઇડિયા, નવા મૌલિક વિચાર,નવા ઉપાય ધોધની જેમ મનમાંથી વહે,ક્યારેક સાવ અચાનક જ, મન જ્યારે બીજું કશુંક વિચારતું હોય ત્યારે ટપકી પડે, ક્યારેક રાત્રે ઊંઘમાં જ નવા આઇડિયા ઘડાઈ જાય, ક્યારેક બહુ મહેનત કર્યા પછી માંડ ટપકે અને ક્યારેક જ્યારે જરૂર હોય ત્યારે વસૂકી જાય, ગમે એટલા પ્રયત્ન કરીએ, તૂટી મરીએ તો પણ, ક્રીએટિવિટી બહુ રહસ્યમય ચીજ છે

ઍપલના લોગોમાંના સફરજનનું એક બટકું ખવાયેલું છે એનું કારણ તો એના ડિઝાઇનરે આપી જ દીધું હતું. તે દર્શાવવા માગતો હતો કે આ સફરજન જ છે, ચેરી કે ટમેટું નથી. એક થિયરી એવી છે કે સ્ટીવ જૉબ્સ ભણતા ત્યારે ડ્રગ્સના બંધાણી હતા. એલએસડી લેતા અને પછી સફરજનના બગીચામાં સૂઈ રહેતા. એલએસડીના નશામાં તેમને ઝાડ પર લટકતાં સફરજન દેખાતાં રહેતાં જે તેમના મનમાં જડાઈ ગયાં હતાં એટલે તેમણે પોતાની કંપનીનું નામ ઍપલ રાખ્યું. આઇઝેક ન્યુટન એક દિવસ સફરજનના બગીચામાં બેઠો હતો. તેણે એક સફરજનને ડાળ પરથી ખરીને નીચે પડતું જોયું અને તેને ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાયો. આ બે વાતમાં સફરજન કૉમન છે, બે મહાન ઇન્વેન્ટર કૉમન છે. ત્રીજી કઈ બાબત કૉમન છે? ત્રીજી કૉમન બાબત છે ઘટનાને અલગ જ રીતે જોવાની ક્ષમતા. ગયા અઠવાડિયે ઍપોફેનિયા વિશે આર્ટિકલ લખ્યો એના પ્રત્યુત્તરમાં કેટલાય વાચકોએ કહ્યું કે ક્રીએટિવિટી વિશે વધુ લંબાણથી લખ્યું હોત તો? એ આર્ટિકલ મૂળ ક્રીએટિવિટી પર નહોતો, એટલે એના અનુસંધાને આ આર્ટિકલ.
ક્રીએટિવિટી બહુ જ રહસ્યમય ચીજ છે. ક્યારેક નવા આઇડિયા, નવા મૌલિક વિચાર, નવા ઉપાય ધોધની જેમ મનમાંથી વહે, ક્યારેક સાવ અચાનક જ, મન જ્યારે બીજું કશુંક વિચારતું હોય ત્યારે ટપકી પડે, ક્યારેક રાતે ઊંઘમાં જ નવા આઇડિયા ઘડાઈ જાય, ક્યારેક બહુ મહેનત કર્યા પછી માંડ ટપકે અને ક્યારેક જ્યારે જરૂર હોય ત્યારે આવે જ નહીં, ગમે એટલા પ્રયત્ન કરીએ, તૂટી મરીએ તો પણ. ક્યારેક કૉફી કે ચાની ચૂસકી સાથે આવે, ક્યારેક ગમે એવી ઉત્તેજક ચીજો પીવાથી પણ ન જ પ્રગટે. ક્રીએટિવિટીને પેદા ન કરી શકાય, એને તેજ બનાવી શકાય, એને ખીલવા માટેનું વાતાવરણ બનાવી શકાય, મનને એને માટે કેળવી શકાય. કરીએટિવિટી સુખદ નથી હોતી. એ પીડામાંથી, સતત વ્યથા-વેદનામાંથી જન્મે છે. કોઈ નવી ચીજનો જન્મ પીડાજનક જ હોય છેઅને એ પીડા પછી સર્જન કર્યાનો આનંદ એક સુખદ અનુભૂતિ હોય છે. ક્રીએટિવિટી રહસ્યમય એટલા માટે છે કે બધા ક્રીએટિવ વ્યક્તિઓ પીડામાંથી પસાર થયા જ હોય એવું નથી. કેટલાક એવા પણ સદ્ભાગી હોય છે જેની સર્જનાત્મકતા સાવ સહજતાથી આવતી હોય. દર્દ કે વ્યથાની કોઈ જરૂર જ તેમને ન હોય. કેટલાય કવિઓ-લેખકો એવા છે જેઓ મજાથી સર્જન કર્યે જાય છે; મૌલિક, જેન્યુન સર્જન કરે છે, પીડાયા વગર જ.
અગાઉ એવું કહેવાતું કે મગજનો ડાબો ભાગ ઍનૅલિટિક્સ અને ગણતરીનો હોય છે, જમણો ભાગ ક્રીએટિવિટી અને લાગણીનો હોય છે, એટલે ડાબેરી લોકોને ક્રીએટિવ ગણવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો, કારણ કે માણસના શરીરનાં જમણાં અંગો મગજના ડાબા હિસ્સા સાથે અને શરીરનો ડાબો હિસ્સો મગજના જમણા ભાગ સાથે જોડાયેલો હોય છે. હવે ન્યુરોસાયન્સ એવા તારણ પર પહોંચ્યું છે કે ક્રીએટિવિટીને આવા ડાબા-જમણાના ભાગલા સાથે લેવાદેવા નથી. ક્રીએટિવિટી માત્ર વિચારની એક પ્રક્રિયા નથી;એમાં મગજ, મન, લાગણીઓ, અનુભવો, અનુભૂતિ અને અલૌકિકનો સમન્વય છે. આ લિસ્ટમાં છેલ્લે અલૌકિક લખ્યું છે એ પ્રાસ મેળવવા અથવા સારો શબ્દ વાપરવા માટે નથી લખ્યું. એ અલૌકિક જ કંઈક એવું છે જે બાકીના બધા બ્લેન્ડિંગને, મિશ્રણને એવી રીતે બદલી નાખે છે કે થૂલીનો કંસાર અને કંસારની થૂલી થઈ જાય છે. એ બ્લેન્ડિંગનું પ્રપોર્શન કેમાત્રા સમજી શકાઈ નથી. છીપમાં જેમ વર્ષાના બુંદમાંથી મોતી બની જાય એમ પેલા અલૌકિકની ઉપસ્થિતિમાં અદ્ભુત ઘટી જાય છે. ક્રીએટિવિટીમાં જે કશું નીપજે છે એ આ જગતનું નથી હોતું. કોઈએ ન જોયું હોય, કોઈએ ન વિચાર્યું હોય, જેનું અગાઉ અસ્તિત્વ જ નહોતું એ નીપજે એ જ સાચું મૌલિક સર્જન, બાકીનું બધું નકલ. અને એવું જેના દ્વારા નીપજે એ વ્યક્તિઓનો અનુભવ સરખો છે. તેમને લાગે છે કે બહારથી એ બાબત ઊતરી આવી છે, એટલે જ સર્જકો કહે છે કે મેં લખ્યું નથી, મારાથી લખાઈ ગયું. જોકેહવે તો લેખકોમાં અને કવિઓમાં આવું કહેવાની ફૅશન બની ગઈ છે. હવે તો જેટલું લખાય છે એ બધું લખાઈ જ જાય છે. ક્રીએટિવિટીના મૂળ સુધી હજી પહોંચી શકાયું નથી, પણક્રીએટિવ માણસોનો અભ્યાસ કરી શકાયો છે. ક્રીએટિવ લોકો કેવા હોય એ જાણી શકાયું છે. એના વિશિષ્ટ ગુણો પરથી સામાન્ય માનવી પોતાની સર્જનાત્મકતા આડેના પડદા હટાવી શકે. દરેક માણસમાં વધતા-ઓછા પ્રમાણમાં ક્રીએટિવિટી પડેલી જ હોય છે, જરૂર છે એની આડેનાં પડળ હટાવવાની, એના પર જામી ગયેલી ધૂળ ખંખેરવાની.
ક્રીએટિવ માણસો સ્વપ્નિલ હોય છે. તેઓ ઉઘાડી આંખે સપનાં જુએ છે, દિવાસ્વપ્નો જુએ છે. શરૂઆતમાં સ્ટીવ જૉબ્સનું ઉદાહરણ આપ્યું એમાં પણ સફરજનના બગીચામાં તેઓ દિવાસ્વપ્ન જોતા. દિવાસ્વપ્ન હકીકતમાં મનની રખડપટ્ટી છે. એનાથી સર્જનાત્મકતાનાં મૂળ નખાય છે. ક્રીએટિવિટી અને ઇમેજિનેશનમાં મગજમાં જે પ્રોસેસ થાય છે એ જ દિવાસ્વપ્નમાં પણ થાય છે. ક્રીએટિવ માણસો સારા ઑબ્ઝર્વર હોય છે. તેઓ જોતા નથી, નિરીક્ષણ કરે છે. એ નિરીક્ષણ માત્ર વ્યક્તિઓનું નથી હોતું, દરેક વસ્તુનું હોય છે અને એમાંથી ક્યારેક ચમકારો દેખાઈ જાય છે. તેઓને એકાંત ગમે છે. એકાંતમાં તમે તમારી પાસે અને સમષ્ટિની પાસે હો છો. ભીડમાં તમારા વર્તન પર અન્યની અસર હોય છે, એકાંતમાં તમે બધા જ મુખવટા ઉતારી શકો છો, બધા વાઘા ત્યજી શકો છો. અભિનયથી થોડો સમય મુક્ત થઈ શકો છો. એકાંતમાં જાત સાથેનો સંવાદ ક્યારેક ગજબ પરિણામ આપે છે. તેઓ પીડાને ઘૂંટે છે અને પછી એને ઘૂંટ-ઘૂંટ પીએ છે. મુશ્કેલી, દુ:ખ, સંઘર્ષ માણસને નવું કરવા માટે પ્રેરતું સૌથી મોટું પરિબળ છે. પીડા જ્યારે પહાડ બની જાય (કર્ટ્સી, દુષ્યંતકુમાર) પછી એમાંથી અમૃતનું ઝરણું ફૂટે છે. ક્રીએટિવ માણસો અનુભવ માટે તલસતા રહે છે. તે ફરે છે, રખડે છે, વાંચે છે, જાણે છે, ખણખોદ કરે છે, પ્રયોગ કરે છે. અનુભવ અને અનુભૂતિ ક્રીએટિવિટીનાં પોષક છે. તેઓ નિષ્ફળતાથી ડરતા નથી. થોમસ આલ્વા એડિશન એક પ્રયોગમાં૭૫૦મી વખત નિષ્ફળ ગયા. તેની સંશોધકોની ટીમે નિરાશ થઈને જણાવ્યું કે આપણે૭૫૦મી વખત નિષ્ફળ ગયા છીએ ત્યારે એડિશને ઉત્સાહભેર જણાવ્યું કે એનો મતલબ એ કે આપણે હવે સફળતાની નજીક છીએ. ક્રીએટિવિટી માટે નિષ્ફળતાઓ પ્રક્રિયાનો એક હિસ્સો બની રહે છે, સફળતાનું પગથિયું બની રહે છે. ક્રીએટિવ માણસો સામાન્ય પ્રશ્નો નથી પૂછતા, તેઓ અસાધારણ પ્રશ્નો પૂછે છે. આવું શા માટે થયું, કેમ થયું એવા પ્રશ્નો તેમને થાય છે. સફરજનને પડતાં તો કરોડો લોકોએ જોયાં પણ ન્યુટનને પ્રશ્ન થયો કે કયા કારણસર આ સફરજન ઉપર નથી જતું, નીચે જ પડે છે. સર્જનાત્મક માણસોનો ચીજોને જોવાનો દૃષ્ટિકોણ અલગ હોય છે, તેમનું પૅશન અદ્ભુત હોય છે. તેઓ હાથમાં લીધેલી બાબત છોડતા નથી, ધીરજથી તેઓ પોતાનો રસ્તો પકડી રાખે છે. તેમને કામમાં સમયનું ભાન નથી રહેતું. તે ત્યારે પોતાની જાતમાં પણ નથી હોતા, આ જગતમાં પણ જાણે નથી હોતા. તેઓ સમષ્ટિ સાથે કોઈ અદૃશ્ય તાંતણાથી જોડાઈ જાય છે, જેમ ‘અવતાર’ ફિલ્મમાં સૃષ્ટિ સાથે નાબી પ્રજાતિના માણસો જોડાઈ જાય છે એમ. ક્રીએટિવનું સૌથી મોટું લક્ષણ એ છે કે તેઓ સૌંદર્યના પૂજારી હોય છે. સૃષ્ટિમાં જે કશું સુંદર છે એ તેમને આકર્ષે છે. તેમની કલ્પનાશક્તિ એટલી પાવરફુલ હોય છે કે જુદી-જુદી ઘટનાઓ વચ્ચેનો સામાન્ય માણસોને ન દેખાતો સંબંધ તેમને દેખાઈ જાય છે. ઍપોફેનિયા, યુ નો?તેઓ સિસ્ટમને રફેદફે કર્યા કરે છે, પણ એ વિધ્વંશક નથી હોતા. તેમને બધું ગોઠવાયેલું, એકધારું, વ્યવસ્થિત ખપતું નથી. કારણ કે જે ગોઠવાઈ જાય છે, જેની સિસ્ટમ બની જાય છે એમાં નવું થવાની સંભાવના રહેતી નથી. મૉડર્ન મૅનેજમેન્ટમાં સતત એવું કહેવામાં આવે છે કે સિસ્ટમ બનાવો, કામ આપોઆપ થશે. સિસ્ટમ દરેક બાબતને યાંત્રિક બનાવે છે. નવું કરનારને યાંત્રિક, વ્યવસ્થિત ફાવતું નથી એટલે જ ક્રીએટિવ માણસો થોડા અવ્યવસ્થિત દેખાય છે. અવ્યવસ્થામાંથી જ વ્યવસ્થા જન્મે છે.



ક્રીએટિવ માણસો સ્વપ્નિલ હોય છે. તેઓ ઉઘાડી આંખે સપનાં જુએ છે, દિવાસ્વપ્નો જુએ છે. દિવાસ્વપ્ન હકીકતમાં મનની રખડપટ્ટી છે. એનાથી સર્જનાત્મકતાનાં મૂળ નખાય છે. ક્રીએટિવિટી અને ઇમેજિનેશનમાં મગજમાં જે પ્રોસેસ થાય છે એ જ દિવાસ્વપ્નમાં પણ થાય છે. ક્રીએટિવ માણસો સારા ઑબ્ઝર્વર હોય છે. તેઓ જોતા નથી, નિરીક્ષણ કરે છે. એ નિરીક્ષણ માત્ર વ્યક્તિઓનું નથી હોતું, દરેક વસ્તુનું હોય છે અને એમાંથી ક્યારેક ચમકારો દેખાઈ જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2020 09:29 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK