હમ જબ ભી યાદ કરેંગે નીરજ કો...

Published: 20th September, 2020 17:50 IST | Rajani Mehta | Mumbai

ના રહે તુમ તો ક્યા તુમ્હારે શબ્દોં કા ફલસફા રહેગા હમ જબ ભી યાદ કરેંગે નીરજ કો, જીવન મેં થોડા સા નશા રહેગા

દીકરાઓ અરસ્તુ, મૃગાંક અને શશાંક પ્રભાકર સાથે કવિ નીરજ
દીકરાઓ અરસ્તુ, મૃગાંક અને શશાંક પ્રભાકર સાથે કવિ નીરજ

હમ તો મસ્ત ફકીર, હમારા કોઈ નહીં ઠિકાના રે

જૈસે અપના આના પ્યારે, વૈસા અપના જાના રે

રામ  ઘાટ પર સુબહ ગુજારી

પ્રેમ ઘાટ પર રાત કટી

બિના છાવની બિના છપરિયા

અપની હર બરસાત કટી

દેખે કિતને મહલ દુમહલે, ઉનમેં ઠહરા તો સમઝા

કોઈ ઘર હો, ભીતર સે તો હર ઘર હૈ વીરાના રે

- નીરજ

એક સાચી કવિતા તમને સમજાય એ પહેલાં જ એ તમારી સાથે સંવાદ સાધી લે છે, જેમ સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે છે એમ એક કવિતાને અનુભવતાં પહેલાં કવિતામય બનવું પડે છે.  આ શરત પૂરી કરવામાં કવિના શબ્દો મહત્ત્વનું કામ કરે છે. એક સરસ વ્યાખ્યા વાંચી હતી. ગદ્ય એટલે શબ્દોની સુંદર ગોઠવણી અને પદ્ય એટલે સુંદર શબ્દોની સુંદર ગોઠવણી. નીરજને આ કળા હાથવગી હતી. તેમની કવિતા શબ્દોની સહજતા અને સરળતાને કારણે જ સમાજના દરેક વર્ગ સુધી પહોંચી અને લોકપ્રિય થઈ.

ગયા સોમવારે મારા મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. હલો કહ્યું ત્યાં સ્પષ્ટ હિન્દી ભાષામાં એક મંજુલ અવાજ સાંભળ્યો, ‘નમસ્તે રજનીજી, મૈં આગરા સે વત્સલા બોલ રહી હૂં, નીરજજી કી બેટી.’ મારા માટે આ સુખદ આશ્ચર્ય હતું. શિષ્ટાચારની આપ-લે થયા બાદ તેમણે સરસ વાત કરી. ‘શશાંકને આપકે બારે મેં બાત કહી ઔર પાપાજી કા આર્ટિકલ ભેજા. મૈં થોડી બહુત ગુજરાતી જાનતી હૂં. પઢકર બહુત અચ્છા લગા. ઇસલિએ આપકા ધન્યવાદ કરને કે લિએ આપકો ફોન કિયા. મુઝે વિશેષ ખુશી ઇસ બાત કી હુઈ કી આપ પાપા કી કવિતા સે ભી લોગોં કો અવગત કરાતે હૈં. વરના બહુત સે લોગ ઉનકો સિર્ફ ફિલ્મી ગીતકાર કે રૂપ મેં હી જાનતે હૈં. મમ્મી  ઔર પાપા કા ફોટો દેખ કર કિતની પુરાની બાતેં યાદ આ ગઈ.’

લાંબો સમય અમારી વાતચીત ચાલી એમાં એક રહસ્ય જાણવા મળ્યું. હકીકતમાં તેઓ નીરજના મોટા પુત્ર અરસ્તુનાં પત્ની હતાં. તો પછી તેમણે પુત્રી તરીકે પરિચય કેમ આપ્યો? સરકારી હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ અને સોશ્યલ વર્કર વત્સલા પ્રભાકરની વાતમાં એનો જવાબ સમાયેલો છે. 

 ‘મેરી શાદી આદરણીય નીરજજી કે બેટે અરસ્તુ પ્રભાકરજી સે હુઇ. ક્યોં કિ મૈં અપને ઘર કી બડી બેટી થી ઔર પાપા કી બહુત લાડલી થી, તો વિદાય કે વક્ત મૈં અપને પાપા સે લિપટ કે બહુત રો રહી થી, તભી આદરણીય નીરજજી મેરે પાપા કે પાસ આયે ઔર ઉનસે બોલે કિ ત્રિવેદીજી, આજ સે ઇસકી જિમ્મેદારી મેરી હૈં. આજ સે યે મેરી બહૂ નહીં, બેટી બનકર જા રહી હૈ. આપ ચિંતા મત કરીએ. ઇસકી આંખ સે એક આંસુ ગિરને નહીં દૂંગા. ઔર જો શબ્દ ઉન્હોને ઉસ વિદાય કે વક્ત કહે થે ઉન્હે અપને જિંદા રહતે નિભાયા. મુઝે યાદ નહીં આતા કિ ઉન્હોને કભી મેરી ઇચ્છા કો પૂરા ન કિયા હો. એક સસુર કે રૂપ મેં મુઝે પિતા સે ભી જ્યાદા પ્યાર દિયા ઉન્હોને.’

 ‘પાપા કો ખાને કા બહુત શૌક થા. વો બડે મઝે સે ખાના ખાતે થે. ઉનકે લિએ મમ્મી ખુદ અપને હાથ સે ખાના બનાતી થી. શાદી કે બાદ જબ મૈં યહાં આઇ તો મુઝે ઠીક સે ખાના બનાના નહીં આતા થા. એક દિન પાપા બોલે કી બેટી આજ તુ અપને હાથ સે ખાના બનાઓ. મુઝે ડર લગા કી મૈં તો મમ્મી જૈસા ખાના નહીં બના પાઉંગી. ઇસ બાત કો પાપા સમઝ ગયે ઔર બોલે, ચલો આજ મૈં તુમ્હે ખાના બનાના સિખાતા હૂં. ઉન્હોને સબ સે પહલી સબ્જી જો મુઝે સિખાઇ વો થી કશ્મીરી દમઆલુ. આપ સોચિયે કિ ઉસ વક્ત જો દૃશ્ય હોગા કિ વિખ્યાત કવિ પદ્‍મશ્રી નીરજજી અપની બહૂ કો ખાના બનાના સિખા રહે હૈં. ઉસ કે બાદ તો ઉન્હોને મુઝે પાક કલા મેં ઇતના નિપુણ કર દિયા કિ અમેરિકા કી ડેઢ મહિને કી યાત્રા પર ગયે તો વહાં હુએ કઈ સાક્ષાત્કારોં મેં ઉન્હોને બોલા કી મુઝે અપની બહુ વત્સલા કે હાથ કા ખાના બહુત યાદ આ રહા હૈ.’

આ હતું નીરજનું પિતાતુલ્ય સ્વરૂપ. આપણા સમાજમાં ઘરમાં આવતી વહુને ‘તું તો મારી દીકરી જેવી છો’ એમ કહીને આવકાર અપાય છે. આમાં ‘જેવી છો’ કહીને વહુ અને દીકરી વચ્ચેનું સૂક્ષ્મ અંતર આપોઆપ નક્કી કરી દેવામાં આવે છે. સમયાંતરે વહુ એ અંતર અનુભવતી હોય છે.  નીરજ ‘તું તો મારી દીકરી છો’ એમ કહીને ‘જેવી’નો છેદ ઉડાડી સાચા અર્થમાં વત્સલા પ્રભાકરને પિતાની હૂંફ આપે છે એ તેમના ઋજુ વ્યક્તિત્વની સાબિતી છે.      

સંગીતકાર જયકિશન અને સચિન દેવ બર્મનની વિદાય બાદ નીરજને ફિલ્મો માટે ગીત લખવાનો મૂડ નહોતો આવતો છતાં જૂના સંબંધો નિભાવવા તેઓ ગીતો લખવાની ના ન પાડતા. એવું નથી કે તેમની કલમ પાસેથી આપણને કેવળ શુદ્ધ કાવ્યતત્ત્વ ધરાવતાં ગીતો મળ્યાં છે. સમયની માગ પ્રમાણે ‘ધીરે સે જાના ખટિયન મેં રે ખટમલ’ (છૂપા રુસ્તમ – સચિન દેવ બર્મન — કિશોરકુમાર) ‘દેખ તમાશા દેખ ઝમુરે’ (ચંદા ઔર બીજલી – શંકર-જયકિશન – આશા ભોસલે), ‘રુક મેરી રાની ના કર આનાકાની’ (દિલ દૌલત ઔર દુનિયા - શંકર-જયકિશન – કિશોરકુમાર) જેવાં થોડાં  ફરમાસુ ગીતો તેમણે લખ્યાં. આને તમે ‘પ્રોફેશનલ હેઝાર્ડ’ કહી શકો. દેવ આનંદ સાથે તેમનો છેક સુધી સંબંધ રહ્યો. ૨૦૧૧માં તેમની ફિલ્મ ‘ચાર્જશીટ’ વખતે દેવ આનંદે ખાસ આગ્રહ કર્યો કે તમે  નવકેતન માટે વર્ષોથી ગીત નથી લખ્યું એટલે તેમણે એક ગીત લખ્યું. ‘મેરા ઇશ્ક ભી તુ, મેરા પ્યાર ભી તુ, મેરા દિન ભી તુ, ઇમાન ભી તુ’ (સંગીત રાજા કાશીફ — ગાયક શંકર મહાદેવન) જે લોકપ્રિય થયું. 

એક સમય આવ્યો ત્યારે નીરજને થયું કે હિન્દી ફિલ્મોમાંથી કવિતા અદૃશ્ય થઈ ગઈ છે. તે કહે છે, ‘સમાજમાં લોકો ભૌતિક સુખની પાછળ પડ્યા છે. કોઈને સંવેદનાસભર કવિતા સાંભળવામાં રસ નથી. સૌને જોડકણાં જેવાં ગીતો જોઈએ છે. આ સમય આર્ટિફિશ્યલ એક્સાઇટમેન્ટનો છે, જેમાં મારા જેવા કવિઓને માટે કોઈ સ્થાન નથી. જ્યાં જાઉં છું ત્યાં મને છીછોરાપન અને બીભત્સતા દેખાય છે. ‘મુન્ની બદનામ હુઇ ડારર્લિંગ તેરે લિએ’ જેવાં ગીતો સાંભળું છું ત્યારે મનમાં થાય છે કે આપણો સમાજ અને સંસ્કૃતિ કઈ તરફ જઈ રહ્યાં છે. મારી કવિતા જીવનનાં મૂલ્યો પર આધારિત છે અને આ મૂલ્યો કદી મરતાં નથી.’

યુવા અવસ્થામાં નીરજ અંગ્રેજીમાં કવિતા લખતા. તેમના આદર્શ અને પ્રેરણાસ્રોત હરિવંશરાય બચ્ચન હતા. તેમણે કહ્યું, ‘કવિતા આપણી માતૃભાષામાં લખાશે તો એમાં નિખાર આવશે.’  તેમની સલાહ માનીને નીરજે હિન્દીમાં લખવાનું શરૂ કર્યું અને હિન્દીભાષી કવિઓમાં આગવું સ્થાન મેળવ્યું. એક સમય એવો આવ્યો કે સૂર્યકાંત ત્રિપાઠી (નિરાલા), મહાદેવી વર્મા, મૈથિલી શરણ ગુપ્ત, માખનલાલ ચતુર્વેદી, રામધારીસિંહ દિનકર, સુમિત્રાનંદન પંત, હરિવંશરાય બચ્ચન, ફિરાક ગોરખપુરી અને કૈફી આઝમી જેવા માતબર કવિઓ સાથે તેમને કવિતાપઠન કરવાનો અવસર મળ્યો. દેશ-વિદેશમાં તેમના કવિતાપઠનની વાહ-વાહ થતી. તેમની કવિતાનાં પુસ્તકોની ખૂબ ડિમાન્ડ રહેતી. 

નીરજને સૌથી વધુ રૉયલ્ટી સચિન દેવ બર્મન સાથેનાં ગીતો માટે મળતી. અમુક ગીતો માટે તેમને એક લાખ રૂપિયા જેટલી રૉયલ્ટી મળતી. જીવનમાં તેમને સતત ત્રણ વર્ષ બેસ્ટ ગીતકારનો  ફિલ્મ ફેર અવૉર્ડ મળ્યો.  

 ‘કાલ કા પહિયા ઘુમે ભૈયા, લાખ તરહ ઇન્સાન ચલે, લે કે ચલે બારાત કભી તો, કભી બિના સામાન ચલે (૧૯૭૦ — ચંદા ઔર બીજલી – શંકર-જયકિશન – મન્ના ડે)

‘બસ યહી અપરાધ મૈં હર બાર કરતા હૂં, આદમી હૂં આદમી સે પ્યાર કરતાં હૂં’ (૧૯૭૧ — પહેચાન — શંકર-જયકિશન – મુકેશ)

 ‘એ ભાઈ જરા દેખ કે ચલો’ (૧૯૭૨ — મેરા નામ જોકર — શંકર-જયકિશન - મન્ના ડે)

 ૧૯૯૧માં તેમને પદ્‍મશ્રી અને ૨૦૦૭માં પદ્‍મભૂષણનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. મજાની વાત એ છે કે પદ્‍મભૂષણ લેવા તેઓ દિલ્હી ન ગયા. એનું કારણ શું હતું એની વાત કરતાં શશાંક પ્રભાકર કહે છે, ‘એ દિવસોમાં બાબાની તબિયત સારી નહોતી રહેતી. ચાલવાની મુશ્કેલીને કારણે તેઓ વ્હીલચૅરનો ઉપયોગ કરતા. મને કહે, ‘વહાં જાકર કૌન સા બડા તીર મારના હૈ. સબ કે બીચ મેં તુ મુઝે હાથ પકડકર લે જાએગા યે બાત મુઝે જચતી નહીં. ઔર બીચ મેં મુઝે બાથરૂમ જાના પડા તો ન જાને કિતની દૂર જાના પડેગા. તુઝે ભી તકલીફ હોગી. છોડો, એક અવૉર્ડ લેને નહીં જાએંગે તો ક્યા ફરક પડનેવાલા હૈ.’ મૈંને સમઝાયા કિ યે બહોત બડા સન્માન હૈ ઔર રાષ્ટ્રપતિ કે હાથોં સે યે સન્માન મિલેગા; જિસ કે લિએ લોગ તરસતે હૈં, પરંતુ તેમણે મારી કોઈ વાત ન માની. ત્યાર બાદ ડિસ્ટ્રિક્ટ ક્લેક્ટર ઘરે આવીને આ મેડલ આપી ગયા.’

રાજકારણ અને રાજકારણીઓ વિશે તેમનો અભિપ્રાય બહુ ઊંચો નહોતો. તેમની કવિતામાં એ અણગમો દેખાઈ આવતો.

સહી જગહ પર ગલત લોગ યહાં બૈઠે હૈં

અબ ન પૂછીએ કૌન લોગ કહાં બૈઠે હૈં

સમાજ અને ખાસ કરીને રાજકારણમાં જે રીતે નૈતિકતાનું પતન થઈ રહ્યું હતું એની વ્યથા આ રીતે તેમની કલમમાંથી ટપકતી હતી. 

હૈ બહુત અંધિયારા અબ સૂરજ નિકલના ચાહિએ

જિસ તરહ સે ભી હો યે મૌસમ બદલના ચાહિએ

રોજ યે ચહરેં બદલતે હૈ લિબાસોં કી તરહ

અબ જનાજા જોર સે ઉનકા નિકલના ચાહિએ

અબ ભી કુછ લોગોં ને બેચી નહીં હૈ અપની આત્મા

યે પતન કા સિલસિલા કુછ ઔર ચલના ચાહિએ 

કવિને પોતે શું છે અને કેટલું જાણે છે એ જણાવવામાં રસ નથી. તેને તો પોતે કેટલું ઊંડાણપૂર્વક માણ્યું છે એ પ્રગટ કરવામાં રસ હોય છે. મનુષ્ય તરીકે નહીં, પરંતુ એક સાધક તરીકે તેની ચેતનાનો જે વિકાસ થયો હોય એ શબ્દદેહે આ રીતે વ્યક્ત થાય છે. 

જિસને સરસ કી તરહ નભ મેં ભરી ઉડાન

ઉસકો હી બસ હો સકા સહી દિશા કા જ્ઞાન

વર્ષો પહેલાં હું અને કવિમિત્ર સુરેશ દલાલ તલગાજરડામાં મોરારિબાપુ સાથે નિરાંતે બેઠાં-બેઠાં વાતો કરતા હતા. આવી ‘ઑફ ધ રેકૉર્ડ’ સભામાં જે મજા આવે એનો નશો જ કંઈક ઓર હોય છે. ત્યારે મોરારિબાપુએ કવિ રમેશ પારેખ વિશે એક સરસ નિરીક્ષણ કર્યું હતું. ‘આ કવિ કશુંક ભાળી ગયેલો જણ છે. એ સિવાય તેની કવિતામાં આટલું ઊંડાણ ન આવે.’ નીરજને પણ તમે આ કક્ષામાં  મૂકી શકો. ‘છે’ અને ‘નથી’ની અવસ્થામાં તેમનું મન આવી દ્વિધામાં રહેતું હોય છે.  

તમામ ઉમ્ર મૈં ઇક અજનબી કે ઘર મેં રહા

સફર ના કરતે હુએ ભી કિસી સફર મેં રહા

નીરજની લોકપ્રિયતા અલગ પ્રકારની હતી. તેમની કવિતામાં વિસ્તારપૂર્વક લયબદ્ધ રીતે ગીતાત્મક કવિતાનું નિરૂપણ હતું. એમાં છટા હતી, છંદ હતો, યૌવનનો પ્રેમ હતો, વિરહની પ્રીત હતી. વિષયની દૃષ્ટિએ તેમણે ભારતીય શ્રોતા સમક્ષ હરેક આયામ પર પોતાની ઉપસ્થિતિની અનુભૂતિ  કરાવી, જેમ કે માદક સૌંદર્યને તાદૃશ કરતી આ પંક્તિઓ...

આહ વહ રૂપ વહ યૌવન વહ ગિરી શૌખ છટા

જિસ ને દેખી ન તેરે દર સે વો ફિર દૂર હટા

ગોરે મુખડે પે બિખરી હુઇ બાલોં કી લટેં

ચાંદ કો જૈસે લિયે ગોદ મેં સાવન કી ઘટા

કે પછી ‘આદમી મુસાફિર હૈ, આતા હૈ જાતા હૈ’ની ફિલોસૉફીથી પ્રેરિત આ પંક્તિઓ

જીતના કમ સામાન રહેગા

ઉતના સફર આસાન રહેગા

જીતની ભારી ગઠડી હોગી

ઉતના તુ હૈરાન રહેગા

હાથ મિલે ઔર દિલ ના મિલે

ઐસે મેં નુકસાન રહેગા

નીરજની કવિતામાં જીવનના દરેક પડાવનો સમાવેશ થાય છે. જેમ અંતિમયાત્રાનો સમય નજીક આવતો જાય છે એમ કવિને એના સંકેત મળતા જાય છે.

જીવન કટના થા, કટ ગયા

અચ્છા કટા, બૂરા કટા  

યહ તુમ જાનો

મૈં તો યહ સમઝતા હૂં 

કપડા પુરાના થા

ફટ ગયા

કાળનો કાટ શરીરનાં અંગોને લાગે છે, કલ્પનને નહીં. ૯૩ વર્ષની ઉંમરે નીરજ ‘અભી તો મૈં જવાન હૂં’ના સ્પિરિટ સાથે જીવતા હતા. એક દિવસ ઘરમાં પડી જવાથી માથામાં ઈજા થઈ અને તેમને આગરાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં કિડની ખરાબ થઈ એટલે દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં મલ્ટિપલ ઑર્ગન ફેલ્યરને કારણે હાલત ગંભીર થઈ અને ૨૦૧૯ની ૧૯ જુલાઈએ તેમણે અંતિમ સફર પર પ્રયાણ કર્યું. કવિને મૃત્યુનો ડર નથી હોતો, કારણ કે તે તો શાશ્વતીને વરેલો હોય છે એટલે જ તો જીવતે જીવ આવું લખી શકે છે...     

આંસુ જબ સન્માનિત હોંગે

મુઝકો યાદ કિયા જાએગા,

જહાં પ્રેમ કી ચર્ચા હોગી 

મેરા નામ લિયા જાએગા...

ભલે સ્થૂળ દેહે કવિ વિદાય લે છે, પરંતુ કવિતાની કુંડળીમાં તેમનું અસ્તિત્વ ભૂંસી શકાતું નથી.   કવિતાની પંક્તિઓમાં તેઓ જીવંત રહે છે. એ શબ્દોમાં એટલું સામર્થ્ય હોય છે કે ચાહકોને કવિની ગેરહાજરી સાલતી નથી. એ ત્યાં સુધી કે કવિને શદ્ધાંજલિ, ના શબ્દાંજલિ આપવા માટે તેમની કવિતાથી વધારે ઉત્તમ પંક્તિઓ મળતી નથી...   

‘ના રહે તુમ તો ક્યા

તુમ્હારે શબ્દોં કા ફલસફા રહેગા

હમ જબ ભી યાદ કરેંગે નીરજ કો

 જીવન મેં થોડા નશા રહેગા...

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK