જ્યારે પણ 2019નો ઉલ્લેખ થશે આ લોકો યાદ રહેશે

Published: Dec 29, 2019, 14:45 IST | Rashmin Shah, Jayesh Chitaliya, Harsh Desai, Sejal Patel | Mumbai

વર્ષ પૂરું થાય એટલે ૩૬૫ દિવસમાં જેકોઈ ઘટનાઓ ઘટી, જે અનુભવો મળ્યા, જેકાંઈ કર્યું, જેકાંઈ કરવાનું બાકી રહી ગયું એ બધાનું સરવૈયું કાઢવામાં આવતું હોય છે.

નવું વર્ષ 2020
નવું વર્ષ 2020

વર્ષ પૂરું થાય એટલે ૩૬૫ દિવસમાં જેકોઈ ઘટનાઓ ઘટી, જે અનુભવો મળ્યા, જેકાંઈ કર્યું, જેકાંઈ કરવાનું બાકી રહી ગયું એ બધાનું સરવૈયું કાઢવામાં આવતું હોય છે. વીતી રહેલા આ વર્ષને બાય-બાય કહેતી વખતે જો આપણે પાછળ નજર કરીએ તો એવા ચહેરા નજર સામે ઊપસી આવે છે જેમણે ભારત દેશને નવી સિકલ આપવામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે, જેમને કદાચ આપણે ૨૦૧૯માં ખતમ થઈ ગયેલા માનતા હતા, પણ તેઓ અગમ્ય શક્તિ સાથે મુખ્ય ‌ભૂમિકામાં આવી ગયા છે, જેમણે પોતપોતાના ક્ષેત્રે એવું અનોખું યોગદાન આપ્યું છે જેને માટે આ વર્ષ આપણને હંમેશાં યાદ રહેશે, જેમણે એવી ક્ષણોનો અનુભવ આપ્યો છે જે ભારતના ઇતિહાસમાં પોતાની અમીટ છાપ છોડી જશે. ‘મિડ-ડે’ની ટીમે વીતી ગયેલા વર્ષના આવા હીરોને યાદ કરવાની કોશિશ કરી છે.

૩ મહિનામાં ૭૨ વર્ષ જૂના દેશના પ્રશ્નોનું સૉલ્યુશન

ઍક્ટ‌િવ પૉલિટિક્સથી લગભગ દોઢ દસકા સુધી દૂર રહ્યા પછી આ વર્ષે હોમ મિનિસ્ટ્રી સંભાળનારા અમિત શાહ પાસે પૂરતો સમય હતો સક્રિય રાજકારણને જાણવા અને સમજવાનો, પણ એવું કરવાને બદલે તેમણે સૌથી પહેલાં ઇન્ડિયા માટે કૅન્સર કહેવાય એવા જમ્મુ-કાશ્મીરના આર્ટિકલ-૩૭૦ અને ૩પ-એ પર કામ શરૂ કર્યું અને શિફત સાથે એ બન્ને કલમ દૂર કરી. વાત અહીંથી અટકી નહીં, લાંબા સમય પછી પૉલિટિકલ ક્રીઝ પર આવનારા અમિત શાહે સિઝન્ડ પ્લેયરની જેમ રામમંદિરના મુદ્દા પર સક્રિય ભૂમિકા નિભાવી અને છેલ્લે તેમણે કૉમન અમેન્ડમેન્ટ ઍક્ટ પણ લાગુ કરી દીધો. આ ત્રણેત્રણ એવા મોટા નિર્ણય છે જે આ અગાઉ ૭૨ વર્ષથી લેવામાં ઠાગાઠૈયા ચાલી રહ્યા હતા. જો ધાર્યું હોત કે પછી જો ઇચ્છા રાખી હોત તો અમ‌િત શાહ પણ આ નિર્ણયોને અંતિમ ચરણ આપતાં પહેલાં સમય પસાર કરી શકવાને સમર્થ હતા, પણ એવું કરવાને બદલે અમિત શાહે મહત્વનાં કામોને પ્રથમ ચરણમાં જ પૂરાં કરીને માત્ર પાર્ટીમાં શાખ ઊભી કરવાનું જ નહીં, ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા મેનિફેસ્ટોમાં પાર્ટી દ્વારા લાંબા સમયથી આપવામાં આવતાં વચનોમાંથી અત્યંત મહત્વપૂર્ણ વચનો પૂરાં કરીને લોકો સમક્ષ પણ પાર્ટીની શાખ વધારવાનું કામ કર્યું.

અમિત શાહ માટે કહેવાઈ રહ્યું છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નક્શ-એ-કદમ પર છે. અમિત શાહના સ્વરૂપમાં ભારતના ભાવિ વડા પ્રધાનનું ઘડતર થઈ રહ્યું છે. જે સમયે આ પ્રકારની ઇમેજ ઊભી થઈ ચૂકી હોય એ સમયે તમારા પર ચોક્કસ પ્રકારનો ભાર પણ રહેતો હોય છે. આ ભારને આધીન થવાને બદલે ધાર્યું કામ કરવું અને નિર્ધારિત સીમાંકન તરફ આગળ વધવું અઘરું જ નહીં, કઠિન પણ છે, પરંતુ અમ‌િત શાહને એવી કોઈ તકલીફ નડી નથી. ધાર્યું હોત કે સ્ટ્રૅટેજી બનાવવામાં આવી હોત તો જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩પ-એ દૂર કર્યા પછી એ એક વર્ષ માટે ગૃહમંત્રાલયને સરળ અને સહજ રસ્તા પર વાળી શક્યા હોત, પણ તેમણે કૅલક્યુલેટિવ પ્લાનિંગ સાથે આગળ વધવાનું નક્કી કર્યું. રામમંદિરના ચુકાદા સમયે દેશઆખાનો જીવ તાળવે ચોંટેલો હતો, પણ દેશના કોઈ ખૂણે એક પણ છમકલું ન થાય એ પ્રકારની જાગૃતિ લાવવાનું કામ તો દેશભરના બૌદ્ધિકો દ્વારા કરવામાં આવ્યું જ, પણ જો એની કોઈ સકારાત્મક અસર ન થાય તો એવા સમયે બૅકઅપ પ્લાન તરીકે તમામ સુરક્ષા દળોને તહેનાત રાખવાનું કામ પણ અમિત શાહની હોમ મિનિસ્ટ્રી દ્વારા થયું. અમિત શાહે મારેલી સિક્સરની હૅટટ્રિક સમાન છેલ્લો ઘા છે હમણાં લાગુ કરવામાં આવેલો કૉમન અમેન્ડમેન્ટ ઍક્ટ.

ઘૂસણખોરોને દેશમાંથી હકાલપટ્ટી કરવાના હેતુથી લાગુ કરવામાં આવેલા આ ધારાને અમલી બનાવ્યા પછી તરત જ દેશમાં ટેન્શન ઊભું થશે એનો અંદેશો હોવા છતાં પણ એને લાગુ કરવાની હિંમત અમિત શાહે દાખવીને પુરવાર કર્યું કે એ બૅકફુટ રમવા રાજી નથી. સક્રિય રાજકારણના દોઢ દસકાના સંન્યાસ દરમ્યાન માત્ર રાજકીય કાવાદાવા જ નહીં, પણ રાષ્ટ્રવાદની ભાવના પણ પ્રબળ કરીને આવ્યા હોય એ રીતે અત્યારે અમિત શાહ કાર્યરત છે. ૨૦૨૦માં અમિત શાહ હજી પણ નવા પ્લાન સાથે તૈયાર છે, જે ૨૦૧૯ કરતાં પણ વધારે આકરા અને કપરા છે, પણ ફ્રન્ટફૂટની બાબતમાં અમિત શાહ વિરાટ કોહલી કરતાં પણ વધારે પાવરધા છે.

પ્રત્યેક ભારતીયનું મસ્તક ગૌરવથી ઉન્નત કર્યું છે આ વીર સપૂતે

પહેલી માર્ચ ૨૦૧૯નો દિવસ. આખા ભારતની નજર ટીવી-ચૅનલોના માધ્યમથી વાઘા-અટારી બૉર્ડર પર મંડાયેલી હતી. લગભગ આખા દિવસના ઇન્તેજાર પછી રાતે ૯.૨૦ વાગ્યે એ ક્ષણ આવી પહોંચી જેમાં ભારતીય વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાને શાંત, સ્વસ્થ અને ગૌરવ સાથે બૉર્ડર પાર કરીને ભારતની ધરતી પર કદમ મૂક્યો. વિન્ગ કમાન્ડરે એક વીર યોદ્ધાની જેમ હિન્દુસ્તાની ધરતી પર પગ મૂક્યો એ તમામ ભારતીયો માટે ૨૦૧૯ની મોમેન્ટ ઑફ ધ યર છે એ વાતમાં કોઈ બેમત ન હોઈ શકે. એ એવી ક્ષણ હતી જેણે પ્રત્યેક ભારતીયની રગરગમાં દેશપ્રેમનો જુવાળ ફેલાવ્યો હતો.

સૌ જાણે છે કે ભારતે બાલાકોટના આતંકવાદી અડ્ડાનો ખાતમો કર્યો એ વાતે બેબાકળા થયેલા પાકિસ્તાને ૨૭ ફેબ્રુઆરીએ ભારતીય ઍરસ્પેસમાં લડાકુ વિમાનો મોકલીને ઘૂસણખોરી કરવાની કોશિશ કરેલી, જેને હાંકી કાઢવાના પ્રયાસમાં મિગ-૨૧ ફાઇટર જેટ લઈને નીકળેલા વિન્ગ કમાન્ડર અભિનંદન ‍પાકિસ્તાનનાં વિમાનોનો પીછો કરતાં-કરતાં છેક પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયા. એ દરમ્યાન પાકિસ્તાનનાં એફ-૧૬ ફાઇટર જેટને તોડી પાડ્યું અને તેમનું વિમાન પણ ક્ષતિગ્રસ્ત થતાં જીવ બચાવવા વિમાનમાંથી કૂદી પડ્યા હતા. તેઓ જે ધરતી પર લૅન્ડ થયા એ પાકિસ્તાનની ધરતી હતી. સ્થાનિકોએ પહેલાં તેમની સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો, પણ અભિનંદને ધીરજ ન ગુમાવી. જરા કલ્પના કરો કે યુદ્ધ જેવી સ્થિતિમાં તમે દુશ્મન દેશના સૈન્યની કેદમાં આવી પડો ત્યારે કેવી સ્થિતિ થતી હોય? એ સમયે શું કરવું જોઈએ અને શું નહીં એની સ્વસ્થતા દાખવવાની કાબેલિયત અભિનંદને ન દાખવી હોત તો? એમ છતાં પાકિસ્તાનની મિલિટરીના બંદી બન્યા પછી જે ઑફિશ્યલ સ્ટેટમેન્ટ્સ તેમણે કર્યાં એના શબ્દેશબ્દમાં ભારતમાતાના એ વીર સપૂતની વીરતા છલકાતી હતી. ચાની ચૂસકી લેતાં-લેતાં જ્યાં જરૂર પડી ત્યાં ‘આઇ ઍમ નૉટ સપોઝ ટુ ટેલ ધિસ’ કહેવાનું જિગર દેખાડ્યું. તેમના આ સંતુલિત અને સ્વસ્થ અભિગમને કારણે જ ભારત સરકાર મક્કમ વલણ દાખવી શકી અને તેમની ઘરવાપસી શક્ય બની અને એ પણ માત્ર ૬૦ કલાકમાં.

અભિનંદને મિગ-૨૧ જેવા નીચલા ગ્રેડના ફાઇટર પ્લેનથી એફ-૧૬ જેવા સુપર અને સચોટ ટેક્નિક્સથી સજ્જ ફાઇટર જેટને માત કર્યું એ એક રેકૉર્ડ છે. આવું આ પહેલાં ક્યારેય નથી થયું અને કદી થશે કે નહીં એ કોઈ કહી શકે એમ નથી. ભારત સરકાર દ્વારા વીરચક્રથી સન્માનિત અભિનંદન પર ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ અને આ વર્ષે સોશ્યલ મીડિયામાં એ સૌથી વધુ ટ્રેન્ડિંગ પર્સનાલિટી રહ્યા. સાઉથ ઇન્ડિયાના સપૂતની લાંબી રજવાડી મૂછે અનેક યુવાનોને ઘેલા કર્યા અને આ લાંબી મૂછ પણ ફૅશન સ્ટાઇલ ઑફ ધ યર બની છે.

ચાલીમાંથી નૅશનલ અવૉર્ડની છલાંગ

મુંબઈની એક ચાલીમાં સ્ટન્ટમૅન અને ઍક્શન-ડિરેક્ટર તરીકે કામ કરનાર શામ કૌશલના ઘરે વિકી કૌશલનો જન્મ થયો હતો. ચાલીમાં રહેતો હોવા છતાં તે પિતા પાસે ફિલ્મોની સ્ટોરી સાંભળતો હતો અને એક દિવસ ઍક્ટર બનવાનાં સપનાં સેવતો હતો. જોકે આ વર્ષે તેણે બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ જીતીને તેનાં સપનાંઓને હકીકત બનાવી દીધાં છે. તેણે ૨૦૧૨માં આવેલી ‘ગૅન્ગ ઑફ વાસેપુર’માં અસિસ્ટન્ટ ડિરેક્ટરની સાથે એક દૃશ્યમાં ઍક્ટિંગ પણ કરી હતી. તેણે ફિલ્મમેકર માઇકલ વિન્ટરબૉટમની‘તૃષ્ણા’માં પણ કામ કર્યું હતું જે ફિલ્મ ભારતમાં રિલીઝ નહોતી થઈ. જોકે ત્યાર બાદ વિકીને નાનાં-નાનાં પાત્રો મળતાં રહેતાં હતાં અને ત્યારે જ અનુરાગ કશ્યપની ‘મસાન’માં તેને કામ મળ્યું હતું. ત્યાર બાદ તેણે ‘રમન રાઘવ ૨.૦’ અને ‘રાઝી’માં સપોર્ટિંગ રોલમાં કામ કર્યું હતું. તેણે વેબ-ફિલ્મ ‘લવ પર સ્ક્વેર ફુટ’ અને ‘લસ્ટ સ્ટોરીઝ’માં પણ કામ કર્યું હતું. જોકે ‘સંજુ’માં તેના કમલીના સપોર્ટિંગ પાત્રને કારણે તે ખૂબ ફૅમસ થઈ ગયો હતો. આ પાત્રને કારણે તેને ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની ઑફર મળી હતી. આ વર્ષે ૧૧ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ સુપર-ડુપર હિટ રહી હતી. લીડ રોલમાં તેની આ પહેલી કમર્શિયલ ફિલ્મ હતી અને એણે ૨૪૫.૩૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

વિકીના કરીઅરનો આ ટર્નિંગ પૉઇન્ટ હતો. તેને સપોર્ટિંગ પાત્રો મળતાં હતાં, પરંતુ કમર્શિયલ ફિલ્મમાં લીડ હીરો તરીકેની પહેલી ફિલ્મમાં તેણે ડબલ સેન્ચુરી મારી દીધી હતી. આ ફિલ્મ સાથે તેણે તેની કરીઅરની સાથે બૉલીવુડની પણ ખૂબ જ શાનદાર શરૂઆત કરી હતી. ‘પદ્‌માવત’ માટે મહારાવલ રતન સિંહના પાત્ર માટે વિકીને પસંદ કરવામાં આવ્યો હતો. જોકે એવી ચર્ચા હતી કે વિકી જાણીતું નામ ન હોવાથી દીપિકાએ તેની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી અને પરિણામે શાહિદ કપૂરને પસંદ કરવામાં આવ્યો હતો. ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ બાદ એ જ દીપિકા પાદુકોણ તેની સાથે કામ કરવા તૈયાર છે, એટલું જ નહીં, કૅટરિના કૈફ અને કંગના રનોટ સહિત ઘણી હિરોઇન પણ તેની ફૅન્સ છે. આ એક ફિલ્મે વિકીને તેની કરીઅરમાં ટોચ પર પહોંચાડી દીધો છે, કારણ કે આ ફિલ્મ માટે જ તેને બેસ્ટ ઍક્ટરનો નૅશનલ ફિલ્મ અવૉર્ડ આપવામાં આવ્યો છે.

વિકી હાલમાં ‘ભૂત-પાર્ટ વન : ધ હૉન્ટેડ શિપ’ અને ‘સરદાર ઉધમ સિંહ’માં વ્યસ્ત છે. કોઈ પણ ઍક્ટરને કરીઅરમાં આટલી જલદી બાયોપિક મળવી ખૂબ જ મોટી વાત છે અને એમાં પણ ફ્રીડમ ફાઇટરનું પાત્ર મળવું એ પણ વિકી માટે એક સિદ્ધિ છે. આ તમામ વ્યસ્તતાની સાથે વિકીએ આ વર્ષે પહેલી વાર એક વિડિયો આલબમ ‘પછતાઓગે’માં કામ કર્યું છે જે ખૂબ લોકપ્રિય બન્યું હતું.

બાંદરાથી ઑસ્કર સુધી પહોંચનારી મહિલા

ઝોયા અખ્તર. જાવેદ અખ્તર અને હની ઈરાનીની દીકરી ઝોયા ફિલ્મ ફૅમિલીમાં જન્મી હોવાથી તેને સરળતાથી ફિલ્મ મળી ગઈ હોય એવું નથી. તેને માટે સરળ જરૂર રહ્યું હતું, પરંતુ તેણે પણ ખૂબ મહેનત કરવી પડી છે અને એથી જ ૨૦૧૯માં તેણે ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બૉલીવુડમાં દર વર્ષે ૧૫૦થી ૨૦૦ ફિલ્મો બનાવવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે ઑસ્કરમાં બેસ્ટ ફૉરેન ફિલ્મ કૅટેગરીમાં એક મહિલા ડિરેક્ટરની ફિલ્મ ‘ગલી બૉય’ને મોકલવામાં આવી હતી. આ ફિલ્મ દ્વારા ઝોયા તેના કમ્ફર્ટ ઝોનમાંથી પહેલી વાર બહાર આવી હતી. ઝોયાએ તેના ભાઈ ફરહાન અખ્તરની ‘લક્ષ્ય’ અને ‘દિલ ચાહતા હૈ’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે ૨૦૦૯માં ‘લક બાય ચાન્સ’ દ્વારા ડિરેક્ટર તરીકે શરૂઆત કરી હતી. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સફળ નહોતી રહી, પરંતુ તેના ડિરેક્શનનાં ખૂબ વખાણ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેણે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ અને ‘દિલ ધડકને દો’ બનાવી હતી. જોકે તે અર્બન ફિલ્મો બનાવવા માટે જાણીતી છે, પરંતુ ૨૦૧૯માં તે પહેલી વાર એક અન્ડરડૉગ સ્ટોરી લઈને આવી હતી. રેપર ડિવાઇન અને નેઝીના જીવન પરથી પ્રેરિત થઈને ઝોયાએ રણવીર સિંહ અને આલિયા ભટ્ટને લઈને એક અન્ડરડૉગ રેપરની ફિલ્મ બનાવી હતી. બૉલીવુડમાં રેપર્સને સિંગર તરીકે વધુ મહત્વ નહોતું મળી રહ્યું ત્યારે ઝોયાએ એ વિષય પર મેઇન સ્ટ્રીમ ફિલ્મ બનાવી હતી. પહેલી વાર ઝોયા સ્લમ એરિયામાં રહેતી વ્યક્તિ પર ફિલ્મ બનાવી રહી હોવાથી તેના માટે આ ખૂબ જ રિસ્કી ફિલ્મ હતી. જોકે દર્શકો સાથે ક્રિટિક્સને પણ ફિલ્મ પસંદ પડી હોવાથી તેની મહેનત ફળી હતી. ઝોયા ફિલ્મને ડિરેક્ટ કરવાની સાથે તેની ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે પણ જાતે લખવાનું પસંદ કરે છે.

આ ફિલ્મે કહો કે પછી ઝોયાને ખરી સિદ્ધિ ત્યારે મળી જ્યારે દુનિયાના સૌથી પ્રચલિત ઑસ્કર અવૉર્ડની બેસ્ટ ફૉરેન ફિલ્મની કૅટેગરીમાં ઇન્ડિયા તરફથી ‘ગલી બૉય’ને મોકલવામાં આવી. એક તરફ જ્યારે કેટલાક ઍક્ટર હજી પણ બૉલીવુડમાં મહિલા ડિરેક્ટરની ફિલ્મમાં કામ કરવાનું પસંદ નથી કરતા એવી ચર્ચા ચાલે છે ત્યારે બીજી તરફ મહિલા ડિરેક્ટરની ફિલ્મને આટલી નામના મળે છે એ દેશ માટે પણ ગર્વની વાત છે. જોકે આ ફિલ્મ આ કૅટેગરીના ફાઇનલ લિસ્ટ એટલે કે ટૉપ ટેન સુધી નહોતી પહોંચી શકી. જોકે આ અગાઉ મીરા નાયરની ‘સલામ બૉમ્બે’ પણ આ લિસ્ટ માટે નૉમિનેટ થઈ ચૂકી છે.

ઝોયાની તમામ ફિલ્મો તેના ભાઈ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવતી હતી. જોકે ૨૦૧૯માં ઝોયાએ પોતાનું પ્રોડક્શન-હાઉસ ‘ધ ટાઇગર બેબી’ની શરૂઆત કરી હતી. આ પ્રોડક્શન હેઠળ તેણે પહેલી ફિલ્મ ‘ગલી બૉય’ પ્રોડ્યુસ કરી હતી. તે એક ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમેકર છે અને પ્રોડ્યુસરના દબાણમાં આવી તે તેની ફિલ્મ સાથે કોઈ બાંધછોડ કરવા માગતી ન હોવાથી તેણે આ વર્ષે આ એક હિમ્મતવાળું સ્ટેપ ભર્યું હતું.

ફિલ્મો જ નહીં, ઝોયાએ આ વર્ષે વેબ-શો ‘મેડ ઇન હેવન’ દ્વારા ડિજિટલ ડેબ્યુ પણ કર્યું હતું. આ શોના બે એપિસોડ ડિરેક્ટ કરવાની સાથે તેણે એની સ્ટોરી પણ રિમા કાગતી અને અલંક્રિતા શ્રીવાસ્તવ સાથે મળીને લખી હતી. આ પહેલી એવી ભારતીય સીઝન કે ફિલ્મ છે જેમાં ગે વ્યક્તિને એક સામાન્ય વ્યક્તિ તરીકે (વર્તાવ કરતો) દેખાડવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK