ઑક્વર્ડ અને શરમજનક સ્થિતિમાં ફસાઓ ત્યારે...

Published: 6th December, 2012 08:36 IST

ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે આપણને શરમિંદગીનો અહેસાસ થાય છે, શરમથી મોં છુપાવી દેવું પડે છે; પણ જો થોડી તકેદારી રાખવામાં આવે તો એ સ્થિતિમાંથી હેમખેમ પાર ઊતરી શકાય
આપણે કોઈ જાહેર સ્થળે ગયા હોઈએ ત્યારે ક્યારેક એવી બાબતો બને છે જેને લીધે આપણે શરમાઈ જઈએ છીએ. ક્યારેક કોઈ જૂઠ પકડાઈ જાય, બાળક કોઈ સંબંધીને કાંઈ કહી દે, જે આપણે તેના વિષે ઘરમાં બોલ્યા હોઈએ. ક્યારેક કોઈક પરિચિતનું નામ ભુલાઈ જાય. કોઈ વાર જાહેરમાં ડ્રેસ ફાટી જાય, બટન કે ઝિપ તૂટી જાય તો ભારે શરમિંદગીનો અનુભવ થાય છે. આવી તો શરમજનક સ્થિતિ ઘણી બધી હોઈ શકે અને આવી સ્થિતિમાં આપણે ઘણી વાર મુકાતા પણ હોઈએ છીએ. આવા સમયે શું કરી શકાય એ વિચારીએ. એ માટે આપણે કેટલીક ક્ષોભજનક પરિસ્થિતિઓને ઉદાહરણ તરીકે લઈશું.

વાતોડિયા લોકો

તમે કોઈ પ્રસંગમાં કે ફંક્શનમાં ગયા છો અને એવી વ્યક્તિ ભટકાઈ ગઈ છે જે નૉન-સ્ટૉપ બોલ્યા કરે છે. એટલી બધી વાતો કરે છે કે તમે કંટાળી જાઓ. આવા સમયે તમારે તેની વાત સાંભળીને ફક્ત હું કે હા કરીને હોંકારો જ ભરવાનો. ભૂલેચૂકેય તેને કોઈ સવાલ ન પૂછતા. જો સવાલ પૂછ્યો તો પાછો જવાબ લાંબો ચાલશે. તક મળતાં જ તેની માફી માગીને કહી દો કે ‘પ્લીઝ ખરાબ ન લગાડતાં પણ મને મોડું થઈ રહ્યું છે, પણ તમારી સાથે વાતો કરીને મજા આવી’ અને તેઓ આગળ કંઈ પણ બોલે તે પહેલાં જ છટકી જાઓ. ઘણા લોકો ફોન પર ગપ્પાં મારવા બેસી જાય છે. તેવા સમયે કોઈએ ડૉરબેલ મારી છે, ચલો થોડી વાર પછી વાત કરીશું કહીને ફોન મૂકી દો. કોઈ વાર બસ કે ટ્રેનના પ્રવાસમાં પણ વાતોડિયા લોકોનો ભેટો થઈ જાય છે. તેમની સાથે જલ્ાદી વાત પતાવીને તમારી પાસે રહેલા પુસ્તક વાંચવાનું શરૂ કરી દો અથવા તો કાનમાં ઈયરફોન લગાવી દો. સામેવાળી વ્યક્તિ આપોઆપ ચૂપ થઈ જશે.

સાઁસ કી બદબૂ?

તમારા કોઈ મિત્ર, સંબંધી કે સહકર્મચારીના મોઢામાંથી આવતી વાસથી તમે પરેશાન છો. મુશ્કેલી એ છે કે તમે તેની સાથે વાત કરવાનું ટાળી નથી શકતા. જો એકાદ દિવસની જ વાત હોય તો તો તમે તેને માઉથ ફ્રેશનર, વરિયાળી કે એલચી ઑફર કરી શકો છો, પણ જો તેની સાથે રોજ સંપર્કમાં આવવું જરૂરી હોય તો તેને એક બાજુ લઈ જઈને આ વાત કહી શકો છો. વાત શરૂ કરતાં પહેલાં જ તેને કહી દેજો કે ‘પ્લીઝ મારી વાતનું ખોટું ન લગાડતાં’ અને વાત પૂરા વિવેકથી કહેજો કે તેને ખોટું ન લાગે. તેની તંદુરસ્તી પ્રત્યે પણ ચિંતા જતાવો અને ડૉક્ટરને મળવાની સલાહ આપો.

બેસ્વાદ ડિનર હોય ત્યારે...

તમે કોઈ મિત્ર, સ્નેહીના ઘરે ડિનર પર ગયા હો અને ખાવાનું એટલું બેસ્વાદ હોય કે તમારા માટે ખાવું મુશ્કેલ થઈ જાય. આવા સમયે પણ તમારા હોસ્ટનું દિલ ન દુખાવતા થોડું ખાઈ લેવું જરૂરી છે. હોસ્ટ વધારે લેવાનો આગ્રહ કરે ત્યારે વિનમ્રતાથી કહી શકાય કે ‘આજે મારું પેટ ખરાબ છે’ અથવા તો ‘બપોરે બહુ મોડું જમવાને કારણે ભૂખ નથી લાગી.’

ઘણી વાર એવું પણ બને છે કે બાળકો બોલી જાય છે કે જમવાનું જરાય સારું નથી. હોસ્ટને ખરાબ ન લાગે તેથી કહી દો કે ‘તેને આ શાક ભાવતું નથી તેથી આમ કહે છે. આમ પણ તેના ખાવામાં બહુ નખરાં છે.’  જતી વખતે હોસ્ટનો આભાર માનવાનું ભૂલતા નહીં.

ભૂલી ગયા?

કોઈ પાર્ટીમાં કે ફંક્શનમાં તમે ગયા હો અને સામેથી કોઈ વ્યક્તિ અતિ ઉમળકાથી મળવા આવે. કેમ છો? કેમ નહીં કરે. તમને તેનો ચહેરો જાણીતો લાગે છે પણ તેનું નામ યાદ આવતું નથી, કોણ છે તે યાદ આવતું નથી આવા સમયે ઉમળકાથી મળવા આવનારા વ્યક્તિને એમ તો ન જ કહી શકાય કે તમે કોણ છો? આવા વખતે તે વ્યક્તિને બોલવા દેવાની અને વાતચીત ચાલુ રાખવાની. થોડી જ વારમાં તેની વાતચીત પરથી તે કોણ છે એનો ક્લુ મળી જ જશે. આવા સમયે તમારા ચહેરા પર અપરિચિતતાના ભાવ નહીં આવવા દેતા. વાતચીત દરમ્યાન પણ જો તમને ખ્યાલ ન આવે તો ધીરેથી કહી શકાય કે આપણે પહેલાં મળ્યા છીએ પણ સૉરી મને નામ યાદ નથી આવતું. પછી તેનો પરિચય મળી જતાં તેના વિષે તમે જે જાણતા હો એ બાબતે વાત કરો તેને સારું લાગશે.

જૂઠ પકડાઈ જાય ત્યારે...

ક્યારેક કોઈએ તમને તેને ઘેર બોલવ્યા હોય કે તેની સાથે ક્યાંક આવવાનું કહ્યું હોય અને આપણે કોઈ બહાનું બતાવીને વાત ટાળી દીધી હોય, પણ સંજોગોવશાત્ જૂઠ પકડાઈ જાય ત્યારે શું કરવું? આવી સ્થિતિમાં કોઈ બહાનું કામ નહીં આવે. આવા સમયે માફી માગીને કહી દો કે મારું ક્યાંક જવું ખૂબ જ જરૂરી હતું તેથી ઇચ્છા હોવા છતાં તેની સાથે નહીં જઈ શકે. આવી સ્થિતિમાં વધુપડતી ડીટેલ બતાવવાની જરૂર નથી. નહીં તો એક વાતમાંથી બીજી વાત નીકળશે ને તમારું જૂઠ પકડાઈ જશે.

વખાણ કરો

તમારી કોઈ સખી નવો ડ્રેસ પહેરીને તમને પૂછે ‘કેવી લાગું છું?’ તમે જાણો છો કે આ ડ્રેસ સાવ આઉટ ઑફ ફૅશન છે અને તેને જરાય સારો નથી લાગતો. આ સમયે તમારા ચહેરાના ભાવને કાબૂમાં રાખો અને ધીરેથી કહો ‘આ કપડાં આજકાલ ફૅશનમાં નથી. જોકે તને શોભે છે પણ નવી ફૅશનનો ડ્રેસ તારા પર વધારે સારો લાગત, કારણ કે તારી હાઇટ સારી છે.’

ચાડી-ચુગલી

કોઈ વાર તમે કોઈની બૂરાઈ કરી અને કોઈએ ચાડી-ચુગલી કરી દીધી અને તેમાંય જેની તમે બૂરાઈ કરી હોય તે કોઈ નજીકની વ્યક્તિ હોય તો કોઈ પ્રકારની સફાઈ કામ નહીં આવે. તમારે માફી માગી લેવાની અને કહી દેવાનું ‘મેં કંઈ પણ સમજ્યાવિચાર્યા વગર કહી દીધું, પણ ખરેખર મારા મનમાં એવું કંઈ નથી.’

ઉફ્ફ... યે બચ્ચે

કોઈ વાર ઘરે તમારા સંબંધી આવે અને તમારું બાળક તમે તેની જ સામે કહે કે ‘મમ્મી તમે કહેતાં હતાં કે આ આન્ટી બહુ જ જાડાં છે પણ તેઓ એટલાં જાડાં તો નથી લાગતાં.’ અથવા તો ‘પપ્પા તમે કહેતા હતા કે તમારા મિત્ર બહુ જૂઠું બોલે છે, તે જ આ અંકલ છે?’

આવા સમયે ક્ષોભ થાય તે સ્વાભાવિક છે. બાળક સામે આંખો કાઢવાથી કાંઈ નહીં વળે. બાળકને કહેવાનું કે ‘ના આ તે આન્ટી કે અન્કલ નથી.’ પછી બાળકને રમવા મોકલી દેવાનું નહીં તો તેનું બાળમન બીજા પ્રશ્નો પૂછીને તમને પરેશાન કરી દેશે. એક વાત હંમેશાં ધ્યાનમાં લેવાની કે બાળકો સમજદાર થઈ જાય ત્યારે બીજા વિષે તેમની સામે વાત નહીં કરવાની.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK