ક્યારે પડશે સાંજ, ક્યારે મળીશ પ્રવીણ જોષીને?

Published: 21st January, 2021 20:25 IST | Latesh Shah | Mumbai

પ્રવીણ જોષીનું નામ સાંભળતાં જ કાન ચોંક્યા. ગુજરાતી રંગભૂમિના સુપરસ્ટાર પ્રવીણ જોષીને મળવાનો મોકો મળશે. વાઉ!

ક્યારે પડશે સાંજ, ક્યારે મળીશ પ્રવીણ જોષીને?
ક્યારે પડશે સાંજ, ક્યારે મળીશ પ્રવીણ જોષીને?

એક દિવસ દિનકર જાની મારી ચા પીવા કેસીમાં પધાર્યા. જાનીએ મને આઇએનટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. મને સાંજે આઇએનટીની ઑફિસમાં બોલાવ્યો અને કહ્યું, આઇએનટીમાં પ્રવીણ જોષીને મળવાનું છે. પ્રવીણ જોષીનું નામ સાંભળતાં જ કાન ચોંક્યા. ગુજરાતી રંગભૂમિના સુપરસ્ટાર પ્રવીણ જોષીને મળવાનો મોકો મળશે. વાઉ! 

ગયા ગુરુવારનું રીકૅપ.
મમ્મીએ મને ધમકાવ્યો, ડરાવ્યો, ‘તારા પપ્પા પ્રિન્સેસ સ્ટ્રીટ પોલીસ ચોકીમાં તું ખોવાઈ ગયો છે એની ફરિયાદ નોંધાવવા ગયા છે.’
મારા ટાંટિયા ઢીલા થઈ ગયા. મને ત્યારે ભાન થયું કે નાટક જોવામાં હું સમયનું ભાન ગુમાવી  બેઠો. નાટકે મારા પર વશીકરણ કર્યું જેથી હું સમય અને ઘર સાવ ભૂલી જ ગયો હતો. પહેલી વાર મને જ્ઞાન થયું કે વેપારી થવા નહીં, કલાકાર થવા જન્મ્યો છું. પપ્પા આજે તો મારી ચામડી ઉતરડી નાખશે એના ભયભીત વાતાવરણમાં પણ મને ભાંગવાડીનું જીવંત સ્ટેજ અને હસતા-હસાવતા- ગાતા રાતામાતા નટો જ દેખાતા હતા અને વારંવાર તેમની જગ્યાએ હું જ દૃષ્યમાન થતો હતો. એ તો સપનું હતું પણ હકીકત તો એ હતી કે પોલીસ-સ્ટેશન ગયેલા પપ્પા આવી મને મારશે કે જેલમાં પુરાવશે, ઘરમાં એક રૂમમાં અંદર પૂરીને બહારથી તાળું મારી દેશે; જેથી ડરનો માર્યો હું તાળીઓની વાંહે ન ખેંચાઉ. અત્યારે તો પપ્પાને ખોવાયેલો હું જડી ગયો એ તેમનાં સદ્ભાગ્ય અને પપ્પા આવેગમાં આવીને મારા જે હાલહવાલ કરશે એ મારાં શું... દુર્ભાગ્ય કે સૌભાગ્ય?
હું ચૂપચાપ ભાઈબહેનો સાથે રૂમમાં ટૂંટિયું વાળી ઠંડી નહોતી લાગતી તો પણ ગોદડી ઓઢીને સૂઈ ગયો. ચારે બાજુથી એકદમ ટાઇટ ખોસીને જેથી પપ્પા મારે તો ગોદડીને વધુ લાગે એવી નિર્દોષ કૉમન સેન્સ સાથે ઊંઘવાનો ઢોંગ કરીને સૂઈ ગયો. અચાનક ૐ નમઃ શિવાયના જાપ શરૂ થઈ ગયા.
મને એક વાત સમજાઈ નહીં કે હું સ્થાનકવાસી જૈન વાગડવાસી ઓસવાળ કુટુંબમાં પેદા થયો. ૐ નમઃ શિવાયનું રટણ કેવી રીતે શરૂ થઈ ગયું? પપ્પા રામમાં માનતા હતા અને ઠાકુરદ્વારમાં ઝાવબાવાડી પાસે આવેલા રામમંદિરમાં રોજ જાય અને મને નિશાળમાં રજા હોય ત્યારે અચૂક લઈ જાય. રામની જગ્યા શિવે કેવી રીતે લીધી એ સમજાયું નહીં. નાનપણથી નટરાજ મારામાં પ્રવેશી ચૂક્યા હતા. બારણું ખૂલ્યું અને ધડામ દઈને બંધ થયું સાથે મારી આંખો બંધ થઈ, ડરની મારી. થોડી વાર શાંતિ છવાઈ ગઈ. મારા ધબકારા ગોદડીને સંભળાય એટલા ઊછળી-ઊછળીને ધબકવા લાગ્યા અને ત્યાં જ અમારી ઓરડીનો રામસે દરવાજો કિચૂડ-કિચૂડ કરતો ખૂલ્યો. હું ગોદડીમાં જ ડરના ભૂતને અનુભવતો ધ્રૂજતો રહ્યો. દરવાજો કિચૂડ-કિચૂડ કરતો ફરી બંધ થયો. શિવનો આભાર માનતો હું ક્યારે ઝોપી ગયો એ જ ખબર  ન પડી.
સવારે નહીં બપોરે જાગ્યો. પપ્પા દુકાને જતા રહ્યા હતા. સ્કૂલમાં દાંડી ઑટોમૅટિક મારી દીધી. મા મારી કરુણાની મૂર્તિ મને કહેવા લાગી, ‘દફતર લઈને દોસ્તારને ત્યાં જતો રહે એટલે તારા  બાપાને લાગે તું નિશાળે ગયો છે. એક તો કાલનો તારા બાપનો ગુસ્સો પહાડાના ગુણાકારની જેમ વધી ગયો હશે અને તને ઘરે જોશે તો તેમનો તાવ વધી જશે અને તને ગરમાગરમ મેથીપાક મળશે.
તું જલદી જમીને રવાના થઈ જા નિશાળે.’
હું તરત નાહ્યા વગર જમવા બેસી ગયો. માની રસોઈ એટલી બધી સ્વાદિષ્ટ હતી કે હું અકરાંતિયાની જેમ ખાતો. એટલે દસ વર્ષનો હું ગોલગપ્પા જેવો ગોળમટોળ, ચારે કોરથી ફુગ્ગાની જેમ ફૂલી ગયો હતો. અમારે ત્યાં ગરમાગરમ  રોટલીઓ ઘીથી લથબથ હોય એમાં ગોળ નાખેલું શાક, ઉપરથી દહીં, દાળ-ભાત. જલસો!
જમતાં-જમતાં હું જમ જેવા પપ્પાના ધોબીપછાડ જેવા મારને ભૂલી ગયો. જમીને થાળીમાં જ પાણી નાખી થાળી સાફ કરીને થાળીનું પાણી પીવાનો ઘરમાં રિવાજ હતો. એ પાણી જેમતેમ કરી પીધું અને ઊભો થવા ગયો કે સામે જ સફેદ લેંઘા-ઝભ્ભામાં  પપ્પા ઊભા હતા. માર્યા ઠાર.
એ દિવસે પપ્પાએ મને જે ફટકાર્યો હતો એ હું જીવનભર નહીં ભૂલું. એ જમાનામાં માબાપ બાળકને સુધારવા માટે સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઝમઝમ, શિસ્ત આવે ધમધમવાળી માસ્તર પૉલિસી અપનાવતાં.
પપ્પા એટલે બાપાએ જે મને મસ્ત ફ્ટકાર્યો કે ગલીના નાકા સુધી મારી રડારોળના ચિસકારાના પડઘાઓ સંભળાયા હશે. મને લાફાથી લાલઘૂમ કરી નાખ્યો અને લાકડીથી ધિબેડી નાખ્યો. આ તો સારું થયું લાકડી નબળી હતી કે તૂટી ગઈ. ત્યારથી હું મજબૂત થઈ ગયો. દિઢ થઈ ગયો. પપ્પા પ્રત્યે મારા મનમાં મનદુઃખ એટલે કે હર્ટની શરૂઆત થઈ ગઈ. મારા મનમાં ગાંઠ વળી ગઈ કે મારા પપ્પા મને પ્રેમ કરતા નથી. આઇ ઍમ અનવૉન્ટેડ. મારા કરતાં મારા નાના ભાઈ હસમુખને પપ્પા બહુ  પ્રેમ કરે છે. નાનું મગજ, નાના વિચારો. નાના વિચારોમાંથી નાના પણ ઘાતક નિર્ણયો. હું મારા પપ્પાને ધિક્કારવા લાગ્યો અને નક્કી કર્યું કે પપ્પાના ધંધે તો નહીં જ લાગું. ગામ આખું મારા પપ્પાને દેવસમાન માને અને હું... મારા દુશ્મન  માનવા લાગ્યો હતો. મને બધી વાતની સમજ તો જ્યારે મોટિવેશનલ સેમિનારો કર્યા ત્યારે સમજાઈ. નાની વયમાં હર્ટ થઈને હું રીઢો થઈ ગયો હતો. વાત-વાતમાં પપ્પાનું અટેન્શન મને મળે એમાં જ મારું મન પરોવાયેલું રહેતું. નાની અમસ્તી ઘટનાને મોટું સ્વરૂપ આપી ભાઈ-બહેનોને મારવું, સ્કૂલમાં મારામારી કરવી અને પપ્પા પાસે રાવ આવે એટલે જોરદાર માર ખાવો. 
ત્યારથી હું માર ખાવામાં પાવરધો થઈ ગયો હતો. માર ખાવામાં પાવરધા થાય એ મારવામાં પણ નિપુણ થાય જ. પપ્પાએ મને માર મારીને નીડર બનાવી દીધો. સ્કૂલમાં વાર તહેવારે મારા નામનું બિલ ફાટે જ. કાં માર્યું હોય કાં માર ખાધો હોય.
કોલેજમાં પહોંચતાં સુધીમાં તો દાદાગીરી કરનારાઓ સાથે દોસ્તી સહેજે થઈ જતી. શરૂઆતમાં ભાઈબાપા કરવા પડતા. ક્યારેક મસકા મારવા પડતા, પણ વર્ષમાં દાદાગીરી કરતાં આવડી ગયું. કૉલેજ કૉમ્પિટિશન, કૉલેજ ડે, એકાંકી નાટ્ય સ્પર્ધાઓમાં અમે નાટક ભજવવા જઈએ, કર્ટન ખૂલે અને પ્રેક્ષકો બનીને બેઠેલા વિદ્યાર્થીઓ હુરિયો બોલાવે. હવે આ લોકોને શાંત કરવા બૂમબરાડા, હોંકારા પડકારા કરવા પડે. મારામારીનો, સામનો કરવાનો અને હુમલો કરવાનો સામાન સાથે રાખવો પડે. એટલે પબ્લિક શાંત થઈને નાટક જુએ. વખત આવ્યે બેચારને ફટકારવા પડે. આમ મારું નામ ગુંડાગર્દી સાથે જોડાઈ ગયું. વટ બન્નેમાં પડે. દાદાગીરી કરો તો લોકો ડરથી સલામ મારે અને ફક્ત ઍક્ટિંગ કરો તો લોકો વખાણથી સલામ મારે.
મેં રાત આખી જાગીને નિર્ણય લીધો કે ઍક્ટર કે રાઇટર કે ડિરેક્ટર જ બનવું છે જેમાં તમને નામ મળે. ગુંડાગીરીમાં નામ બદનામ થાય. નામ બન્નેમાં પ્રાપ્ત થાય.
શારીરિક, માનસિક અને આત્મિક હાવભાવ, લાગણીઓને જાહેરમાં રજૂ કરવી એ જ મારા જીવનનું ધ્યેય છે એ મેં રિયલાઇઝ કર્યું.
સ્ટેજ પર ઍક્ટર બનીને મારાં એક્સપ્રેશન્સ, જે ઘરમાં દબાઈ જતાં હતાં એમને બહાર લાવવાનો  મોકો આપવો એ જ સાચો નિર્ણય છે. સવારના પહોરમાં પહોંચી ગયો કૉલેજમાં. આપણી સવાર એટલે બપોરે ૧૨ વાગ્યાના ટકોરે સફાળા જાગી જવું. માથા પર ચાર પવાલાં પાણી રેડીને રેડી થઈ જવું. મા જબરદસ્તી કરે તો ફળ ખાઈ, દૂધ પીને ભાગો કૉલેજ. ભાંગવાડીની સામે આવેલા બસ-સ્ટૉપ પરથી સચિવાલય જવાની પાંચ નંબરની બસ પકડી કે. સી. કૉલેજ જવા ઓવલ મેદાન ઊતરીને જતો. બસમાં કોઈ ને કોઈ કૉલેજના કે ક્લાસના કે કૅન્ટીનમાં મિત્રો, ઓળખીતા મળી જાય એટલે ટોળટપ્પા, ગોલગપ્પા, ગૉસિપ, નિંદા-કૂથલી કરતાં કે. સી. કૉલેજ પહોંચીને હું ક્લાસમાં જવાની જગ્યાએ કૅન્ટીનમાં જ અડ્ડો જમાવતો. એક તો કૅન્ટીનમાં ક્લાસ અટેન્ડ ન કરવાવાળાઓ મારા જેવા સમદુખિયા ભેગા થતા અને બીજું, ચા સાથે રગડા-પાંઉ ખવડાવવાવાળા બાપ લાખ છપ્પન હજારવાળા બાપને પૈસે તાગડધિન્ના કરવાવાળા વિદ્યાર્થીઓ આપણાથી અંજાયેલા, આપણી સાથે દોસ્તી કરવા માગતા. આપણી દાદાગીરીને લીધે, નાટકો કરવાને લીધે અપુન થોડા ફેમસ હો ગયેલા થા એટલે પૈસા ભરવાવાળા બની બેઠેલા મિત્રો મળી જાય જે આપણું બિલ ભરી દે. કૅન્ટીનમાં ચા, રગડા-પૅટીસ ખાવાનો ઑર્ડર શેટ્ટીને આપતો હતો ત્યાં જ પન્ના કૅન્ટીનમાં પધારી. મારી બાજુમાં ટેબલ પર ગોઠવાઈ ગઈ. મારી સામે બેઠેલાને ઇશારાથી ફુટાડી દીધો...
પન્નાની સામે મેં કબૂલાત કરી અને કહ્યું કે હું ઍક્ટર કે ડિરેક્ટર બનીશ. મવાલીગીરી છોડી દઈશ. પન્ના સ્માઇલ આપીને ચા પીધા વગર તરત લાઇબ્રેરીમાં જતી રહી. તમારો રાહ બદલવા ઉપરવાળો ફરિશ્તાઓ મોકલતો જ હોય છે.
એ ગઈ અને દિનકર જાની મારી ચા પીવા કેસીમાં પધાર્યા. જાનીએ મને આઇએનટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. મને સાંજે આઇએનટીની ઑફિસમાં બોલાવ્યો અને કહ્યું, આઇએનટીમાં પ્રવીણ જોષીને મળવાનું છે. પ્રવીણ જોષીનું નામ સાંભળતાં જ કાન ચોંક્યા. ગુજરાતી રંગભૂમિના સુપરસ્ટાર પ્રવીણ જોષીને મળવાનો મોકો મળશે. વાઉ! 
હું ક્યારે સાંજ પડે અને પ્રવીણ જોષીને મળું એની તલપ સાથે બેચેન થઈ ગયો. જેવો મવાલી નથી બનવું, ઍક્ટર બનવું છેનો નિર્ણય લીધો અને તક સામેથી દોડતી આવી. ક્યારે પડશે સાંજ અને ક્યારે મળીશ પ્રવીણ જોષીને?
હું મળ્યો કે નહીં એ તો તમને આવતા ગુરુવારે  જ ખબર પડશે.
ત્યાં સુધી પ્રિય પ્રેક્ષકો, આ લેખ વાંચજો અને વંચાવજો. આવજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK