Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નવજાત શિશુને ફૉર્મ્યુલા મિલ્ક ક્યારે અપાય?

નવજાત શિશુને ફૉર્મ્યુલા મિલ્ક ક્યારે અપાય?

03 January, 2020 06:54 PM IST | Mumbai Desk
varsha chitaliya | varsha.chitaliya@mid-day.com

નવજાત શિશુને ફૉર્મ્યુલા મિલ્ક ક્યારે અપાય?

નવજાત શિશુને ફૉર્મ્યુલા મિલ્ક ક્યારે અપાય?


દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ટૉનિક છે માતાનું ધાવણ. સ્તનપાનની તોલે ગાય-ભેંસ કે પાઉડરનું દૂધપાન ન આવે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ કેટલાક સંજોગોમાં નવજાત શિશુને ફૉર્મ્યુલા મિલ્ક આપવાની આવશ્યકતા પડે છે. ફૉર્મ્યુલા મિલ્કની બનાવટમાં માતાના દૂધમાં મળી આવતાં તમામ પોષક તત્ત્વો ઍડ કરવામાં આવ્યાં હોવાનો દાવો થઈ રહ્યો છે. કેટલાક લોકો એને ડુપ્લિકેટ ઑફ મધર્સ મિલ્ક તરીકે ઓળખાવે છે. 

ફૉર્મ્યુલા મિલ્ક પીવડાવવું સગવડભર્યું હોવાથી આજની લાઇફ-સ્ટાઇલમાં એનું ચલણ વધ્યું છે. બીજી તરફ બાળકને દૂધની બૉટલ પકડાવી દો એટલે પત્યું એવી ભાવના પણ પ્રબળ થઈ રહી છે. જોકે બાળકને આ પ્રકારનું દૂધ ક્યારે આપવું જોઈએ, એમાં કઈ વસ્તુ હોવી જોઈએ, કેટલો સમય આપી શકાય, એનો ખર્ચ વગેરે વિશે જોઈએ એવી સભાનતા જોવા મળતી નથી. નવી માતાઓ સામાન્ય રીતે બ્લૉગ્સ અને ઇન્ટરનેટ પર આધાર રાખે છે. વધુમાં તેઓ તેના જેવી જ અન્ય મધરની સલાહને અનુસરે છે. આવી મમ્મીઓને માર્ગદર્શન મળી રહે એવા હેતુથી નીઓનેટોલૉજિસ્ટ ઍન્ડ પીડિયાટ્રિશ્યન ડૉ. મુબાશ્શિર મુઝામ્મિલ ખાન સાથે કરવામાં આવેલી વાતચીતને અહીં રજૂ કરવામાં આવી છે.



ક્યારે અપાય?
નવજાત શિશુને માતાનું ધાવણ જ મળવું જોઈએ. ૯૯ ટકા કેસમાં બાળકને બહારના દૂધની જરૂર પડતી નથી. પ્રેગ્નન્સીમાં કૉમ્પ્લિકેશન, કોઈ ખાસ કારણસર માતાને ધાવણ આવતું ન હોય, પ્રી-મૅચ્યોર ચાઇલ્ડ હોય અને આઇસીયુમાં રાખવામાં આવ્યું હોય અથવા મધરનું ડેથ થઈ જાય અને નવજાત શિશુની ભૂખ સંતોષવા માટેનો અન્ય કોઈ જ વિકલ્પ બચ્યો ન હોય ત્યારે ફૉર્મ્યુલા મિલ્ક પર આધાર રાખવાની ફરજ પડે છે. બ્રેસ્ટ-ફીડિંગના ચાન્સિસ હોય ત્યાં સુધી ડૉક્ટર દ્વારા ફૉર્મ્યુલા મિલ્ક રેકમન્ડ કરવામાં આવતું નથી.
ઇન્ડિયામાં મોટા ભાગે ગાયના દૂધમાંથી ફૉર્મ્યુલા મિલ્ક તૈયાર થાય છે. સામાન્ય રીતે સ્થાનિક પશુના દૂધમાંથી હાઇડ્રોલાઇઝ્ડ પ્રોસેસ કરી ફૉર્મ્યુલા મિલ્ક બને. કેટલાક દેશોમાં આ પ્રોસેસ માટે બકરી અને ઊંટનું દૂધ વપરાય છે. ઇન શૉર્ટ લોકલ ઍનિમલના દૂધમાંથી ફૉર્મ્યુલા મિલ્ક બને. હવે તમને થશે આપણે ત્યાં ગાયનું દૂધ સરળતાથી ઉપલબ્ધ છે તો ફૉર્મ્યુલા મિલ્ક કેમ? એનાં બે કારણો છે. ગાયના દૂધમાં સોડિયમની માત્રા વધુ હોય છે. બીજું, ગાયના દૂધમાં રહેલા પ્રોટીનથી નવજાત શિશુને ઍલર્જી થવાની શક્યતા વધી જાય છે. ગાયનું દૂધ સીધેસીધું પીવડાવવાથી શિશુના પાછળના ભાગમાં લાલ રૅશિસ થઈ જાય અથવા લૅક્ટોઝ ઇન્ટૉલરન્સની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. લૅક્ટોસ ઇન્ટૉલરન્સ એ પાચન વિકાર છે. ડેરી પ્રોડક્ટ્સમાં લૅક્ટોઝની માત્રા ઘણી વધુ હોય છે, જેને શિશુ પચાવી શકતું નથી. સાદી ભાષામાં કહીએ તો ડેરીમાંથી લાવીને દૂધ પીવડાવવાથી જુલાબ થઈ જાય છે.
ફૉર્મ્યુલા મિલ્કની પ્રોસેસમાં સોડિયમ અને પ્રોટીનની માત્રા ઘટાડી વે પ્રોટીન, DHA અને ARA ઍડ કરવામાં આવે છે. DHA અને ARA એવાં પોષક તત્ત્વો છે જે માતાના ધાવણની ગરજ સારે છે. તેથી ઍલર્જી અથવા જુલાબ થવાની સંભાવના ઘટી જાય છે. શરૂઆત ગાયના દૂધથી જ કરવી. કેટલાક જૂજ કેસમાં ઉપરોક્ત પ્રોસેસથી તૈયાર કરવામાં આવેલા ફૉર્મ્યુલા મિલ્કથી પણ ઍલર્જી થાય છે. પશુના દૂધમાંથી તૈયાર કરવામાં આવેલા દૂધને પચાવી ન શકતા શિશુને સોયાબીન મિલ્ક પીવડાવવાની સલાહ આપવી પડે છે.
પસંદગી કેમ કરવી?
બજારમાં અનેક પ્રકારનાં ફૉર્મ્યુલા મિલ્ક અવેલેબલ છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર માત્ર બ્રૅન્ડ અને લેબલિંગ વાંચીને આંધળું અનુકરણ કરવું નહીં. ડૉક્ટર સંતાનને તપાસ્યા બાદ જે લખી આપે એ જ આપવું. મિલ્કનો ડબ્બો ૨૦૦ રૂપિયાનો પણ આવે છે અને ૭૦૦નો પણ. મોંઘો ડબ્બો મમ્મીના ટેલરમેડ દૂધ જેવું હશે એવું માની લેવાની ભૂલ ન કરવી. જોકે ફૉર્મ્યુલા મિલ્ક પીવડાવવું ખર્ચાળ તો છે જ. સામાન્ય રીતે બાળકને દિવસમાં દસ વખત વીસ-વીસ ચમચી જેટલું દૂધ પીવડાવવાની જરૂર પડે છે. ઍવરેજ રેટ પ્રમાણે જોઈએ તો પાંચસો રૂપિયાનો ડબ્બો ચાર દિવસ ચાલશે. છ મહિના આપવાનું હોય તો કેટલા ડબ્બા જોઈશે અને કેટલો ખર્ચ થશે એની ગણતરી માંડી લો. તેમ છતાં ફૉર્મ્યુલા મિલ્ક પીવડાવતા હો તો કાળજી અવશ્ય લો. શક્ય હોય ત્યાં સુધી વાટકી અને ચમચીની સહાયથી દૂધ પીવડાવો. બૉટલનો ઉપયોગ ટાળો. બૉટલમાં આપતા જ હો તો એની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો. ગમેતેવી મોંઘા ભાવની બૉટલ પણ દોઢ મહિનાથી વધુ ન વાપરવી.
ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે માતાને દૂધ ઓછું આવે છે એટલે અમે ફૉર્મ્યુલા મિલ્ક આપીએ છીએ. કેટલાંક વળી પ્રથમ સંતાનમાં સમજણ નથી પડતી એવું બહાનું આગળ ધરે છે. અહીં મારું કહેવું છે કે તમને હેલ્પ કરવા સાસુ-માતા અને ડૉક્ટરની આખી ફોજ છે. લૅક્ટો ઇવૅલ્યુએશનનો ઑપ્શન પણ ખુલ્લો છે. કુદરત તમામ તૈયારી સાથે જ બાળકને મોકલે છે. ત્રણ કિલોનું બાળક હોય તો તેની માતાના શરીરમાં તેની જરૂરિયાત પ્રમાણે દૂધ બને છે અને એક કિલોનું હોય તો તેની જરૂરિયાત મુજબ. કોઈનું બાળક ખૂબ રડ્યા કરતું હોય અથવા શારીરિક રીતે નબળું હોય ત્યારે ઘરની મહિલાઓ એક જ વાત કરે છે કે બાળક ભૂખ્યું રહે છે. તને દૂધ ઓછું આવતું હોય તો બહારનું દૂધ પીવડાવવાનું રાખે. માતા પર જ્યારે ઇમોશનલ સામાજિક પ્રેશર વધે છે ત્યારે એની અસર ધાવણની માત્રા અને ગુણવત્તા પર પડે છે. વાસ્તવમાં માતાનું ધાવણ ક્યારેય ઓછું પડતું નથી.
કોઈ કારણ વગર માત્ર પોતાની સગવડ માટે ફૉર્મ્યુલા મિલ્ક પીવડાવવાનો નિર્ણય સલાહ ભરેલો નથી. આપણા દેશમાં મૅટરનિટી લીવ મળે છે. કેટલીક જગ્યાએ કામના સ્થળે નાના બાળકને સાચવવા મેઇડ રાખવામાં આવે છે. માતાએ એનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. તમારા સંતાનને કામની વચ્ચે સ્તનપાન કરાવી શકો છો. આવી સુવિધા ન હોય તો પમ્પ વડે ધાવણને વાટકીમાં કાઢી લો. માતાના દૂધને ચોવીસ કલાક ડીપ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. ઘરમાં બાળકને સાચવનારી વ્યક્તિ દૂધને રૂમ ટેમ્પરેચરમાં મૂકી પીવડાવી દેશે. યાદ રાખો, ફૉર્મ્યુલા મિલ્ક સબસ્ટિટ્યુટ છે. માતાના ધાવણની સાથે એની તુલના કદાપિ ન થાય.


ફૉર્મ્યુલા મિલ્ક ન પોસાતું હોય તો?
જો બાળકને ફરજિયાત બહારનું દૂધ પીવડાવવું પડે એમ હોય અને ફૉર્મ્યુલા મિલ્કનો ખર્ચ તમારા ખિસ્સાને પરવડે એમ ન હોય ત્યારે થેલીનું દૂધ આપવું. તબેલાના દૂધથી અસ્થમા અને કબજિયાત જેવા રોગ થવાની સંભાવના રહેલી છે. પૅકેટના દૂધની બનાવટની પ્રક્રિયામાં ફૉર્મ્યુલા મિલ્ક જેવી કેટલીક ટેક્નિક વાપરવામાં આવે છે. પશુના દૂધમાંથી મળી આવતાં ફૅટ્સ અને પ્રોટીનને ઓછાં કરી દેવામાં આવે છે તેથી ઍલર્જીની શક્યતા ઘટી જાય છે. તબેલામાંથી આવતા દૂધમાં અનેક પ્રકારના બૅક્ટેરિયા હોય છે જે ગરમ કરવાથી મરતા નથી. તબેલામાંથી દૂધ જ્યારે ફૅક્ટરીમાં પહોંચે છે ત્યારે એને ૧૦૫ ડિગ્રી પર હીટ કરી તાબડતોબ ૭૦ ડિગ્રી ટેમ્પરેચરમાં ઠંડું કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે બૅક્ટેરિયાને અડૅપ્ટ થવાનો સમય મળતો નથી.

માતાનું ધાવણ બાળકને બુદ્ધિશાળી બનાવે છે
વિજ્ઞાને શોધી કાઢ્યું છે કે બાળકના મગજના વિકાસમાં માતાના ધાવણનો બહુ મોટો રોલ હોય છે. ડૉ. ખાન કહે છે, ‘ઇન્ટેલિજન્સ પિતાની નહીં, માતાની દેન છે. માતાના ધાવણમાં DHA અને ARAની માત્રા બ્રેઇન ડેવલપ થવામાં હેલ્પ કરે છે. બુદ્ધિના વિકાસમાં આવશ્યક મુખ્ય પોષક તત્ત્વો બાળકને સૌથી પહેલાં માતાના ધાવણમાંથી જ પ્રાપ્ત થાય છે. બાળક છ મહિનાનું થાય ત્યાં સુધી માત્ર ધાવણ પર રાખવું જોઈએ. ત્યાર બાદ બહારના આહારની સાથે બે વર્ષ સુધી બ્રેસ્ટ- ફીડિંગ કરાવવાથી તેની વિચારશક્તિ સંપૂર્ણપણે ખીલે છે. માતાનું ધાવણ પીને મોટા થયેલા બાળકની સરખામણીએ ફૉર્મ્યુલા મિલ્ક કે ગાય-ભેંસનું દૂધ પીનારા બાળકના IQમાં તફાવત હોય છે એવું સાયન્સ કહે છે એટલું જ નહીં, બ્રેસ્ટ-ફીડિંગના લીધે અનેક પ્રકારની બીમારીનું જોખમ ટળી જાય છે તેમ જ માતા-સંતાન વચ્ચેનું બૉન્ડિંગ સ્ટ્રૉન્ગ બને છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2020 06:54 PM IST | Mumbai Desk | varsha chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK