યે આગ કબ બુઝેગી:દાવાનળને કારણે ખમીરવંતા કાંગારૂ પ્રદેશની ભયાવહ દુર્દશા!

Published: Jan 12, 2020, 17:07 IST | parakh bhatt | Mumbai Desk

જે દેશમાં પ્રવાસીઓ એના સૌંદર્યને માણવા માટે જતા હતા, એને હવેથી લાલચોળ અગ્નિ અને કાળા ધુમાડાના દેશ તરીકે યાદ રાખવામાં આવશે!

છેલ્લા એક મહિનાથી ઑસ્ટ્રેલિયામાં કુદરતી પ્રલય ફાટ્યો છે અને બુશફાયરને કારણે કરોડો એકર વિસ્તાર આગની લપેટમાં આવી ગયો છે. રશિયા અને અમેઝોનનાં જંગલોમાં લાગેલી આગ કરતાં પણ ઑસ્ટ્રેલિયાની આગ વિકરાળ છે. આગ બુઝાયા પછી પણ એની અસરો હજીયે ઘણી લાંબી રહેશે. ઑસ્ટ્રેલિયાના જે બીચ પર લોકો ઘૂમવા માટે જતા હતા એના પાણીની ગરમી હવે સહન થઈ શકે એમ નથી. ઑસ્ટ્રેલિયાના આકાશનો રંગ હવે નીલો નહીં, પરંતુ પીળો થઈ ગયો છે. જે દેશમાં પ્રવાસીઓ એના સૌંદર્યને માણવા માટે જતા હતા, એને હવેથી લાલચોળ અગ્નિ અને કાળા ધુમાડાના દેશ તરીકે યાદ રાખવામાં આવશે!

ઑસ્ટ્રેલિયા અવારનવાર દાવાનળનો સામનો કરે છે, જેનું મુખ્ય કારણ ક્લાઇમેક્સ-ચેન્જ છે, પરંતુ આ વખતનો કિસ્સો થોડોક જુદો છે. વર્ષોથી ત્યાંનાં જંગલોમાં જોવા મળેલા દુષ્કાળ અને વધી રહેલા તાપમાનના લીધે દાવાનળ ઘણા મોટાપાયે ફેલાઈ રહ્યા છે. છેલ્લા એક મહિનાથી મામલો અત્યંત ગંભીર બની ગયો છે. સૅટેલાઇટ તસવીરોમાં જોવા મળેલો નજારો શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય એવો છે. ત્રણ-ત્રણ ભયાવહ દાવાનળ હવે એકઠા થઈને ઑસ્ટ્રેલિયાના રાજ્ય વિક્ટોરિયા નૉર્થથી શરૂ કરીને ન્યુ સાઉથ વેલ્સ સુધી આગ ફેલાઈ ચૂકી છે જે શાંત થવાનું નામ નથી લઈ રહી. ઑસ્ટ્રેલિયામાં અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન (૪૮ ડિગ્રી સેલ્સિયસ) નોંધવામાં આવ્યું છે!
વૈજ્ઞાનિકોને ભય છે કે આમ ને આમ ચાલતું રહ્યું તો આગામી સમયમાં સમગ્ર પૃથ્વીના વાતાવરણમાં ભયંકર મોટા બદલાવો આવવાની સંભાવના છે. આપણે ત્યાં ‘જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ’ જેવી કહેવતો હવે હકીકતમાં તબદીલ થવાની તૈયારીમાં છે. ઑસ્ટ્રેલિયામાં જે બની રહ્યું છે એની અસર જલદીથી ખતમ થાય એવી કોઈ સંભાવના નથી. ત્યાંની સરકારનું કહેવું છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ અમે આટલી મોટી સંખ્યામાં આર્મીના જવાનોને લોકોની મદદ માટે મોકલ્યા હોય એવું પહેલી વખત બન્યું છે. સાઉથ વેલ્સમાં હાલમાં ૩૦૦૦થી પણ વધુ જવાનો ખડેપગે ત્યાંના નાગરિકોની સહાય કરી રહ્યા છે. કેટકેટલાંય ઘરબારો એવાં છે, જેમની પાંચ-છ પેઢી ત્યાં જ ઊછરીને મોટી થઈ છે. આજે તેમને પોતાના એ રહેઠાણનો ત્યાગ કરીને ખુલ્લા મેદાન કે નેવી-બૉટ પર રહેવાની નોબત આવી છે.
૨૦૨૦ની શરૂઆત આવી હશે એવું તો નહોતું જ ધાર્યું! આંખો ભરાઈ આવી છે સાહેબ. આ લખતી વેળાએ જ મારા ધ્યાનમાં એક વિડિયો આવ્યો જેમાં બળી ગયેલા રીંછ અને હરણ સહિત અન્ય જીવોને બચાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. એમની ચીસ અને કરૂણ આક્રંદને સાંભળીને હૃદય દ્રવિત થઈ ઊઠ્યું છે. એ મૂંગાં પ્રાણીઓની આદ્ર સ્વરની દર્દનાક ચીસો નજરની સામેથી હટવાનું નામ નથી લઈ રહી.
દક્ષિણ-પશ્ચિમ ઑસ્ટ્રેલિયા તેમ જ તાસ્મેનિયા સહિતના વિસ્તારોમાં આગ ફેલાઈ ચૂકી છે. મેલબોર્ન અને સિડનીની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. કેટલાય કલાકોથી તેમનાં ઘરોમાં પાવર નથી. અડધું ઑસ્ટ્રેલિયા અંધકારપટ વચ્ચે જીવી રહ્યું છે. ઉપગ્રહો દ્વારા ખેંચવામાં આવેલી તસવીરોમાં પૃથ્વીનો એક હિસ્સો ભૂરા રંગને બદલે લાલ રંગનો થઈ ગયો હોય એવું પ્રતીત થાય છે. જે પત્રકારો આ સમગ્ર ઘટનાનું કવરેજ લઈ રહ્યા છે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. મંગળ ગ્રહ જેવા દેખાતા વાતાવરણને જીરવવા માટે સત્તાધીશો ઑસ્ટ્રેલિયન નાગરિકોને ઑક્સિજન-માસ્ક અને ફિલ્ટર્સ આપી રહ્યાં છે જેથી તેમના સ્વાસ્થ્યને બને એટલી ઓછી હાનિ પહોંચે. બટ ઇટ્સ લેટ!
દુનિયાભરના લોકો ઑસ્ટ્રેલિયા માટે પ્રાર્થના કરી રહ્યા છે. સતાવાર આંકડાઓનું માનીએ તો, પચાસ કરોડ કરતાં પણ વધુ વન્યજીવો દાવાનળને કારણે મૃત્યુને ભેટ્યા છે, પરંતુ એક અંગ્રેજી વેબસાઇટ કહે છે, આ સંખ્યામાં ફક્ત સરિસૃપ પ્રાણી અને પશુઓનો જ સમાવેશ થયો છે! અગર એ યાદીમાં દેડકાં, પંખી, જીવજંતુઓનો ઉમેરો કરવામાં આવે તો આંકડો લગભગ બમણો થઈ જાય!
પર્યાવરણ પર સંશોધન કરનારા લોકો આ ઘટનાને કોઈ દાવાનળ નહીં, પરંતુ અણુબૉમ્બ દ્વારા થનારી તબાહીનું નામ આપી રહ્યા છે. ઑસ્ટ્રેલિયા ભવિષ્યમાં હજી ઘણું સહન કરશે એવી સંભાવનાઓ સેવાઈ રહી છે. માનવજાત સાવધાન ન થઈ તો આવી ઘટનાઓ વિશ્વના અન્ય દેશોમાં પણ બનતી રહેશે એમાં બેમત નથી.
સારી વાત એ છે કે દુનિયાભરના લોકો ઑસ્ટ્રેલિયાને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે. આ લખાય છે ત્યાં સુધીમાં ત્યાંની સરકાર પાસે બે કરોડ ડૉલરનું ભંડોળ દાનમાં મળી ચૂક્યું છે. ઑસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર સ્કોટ મૉરિસન ૧૩ જાન્યુઆરીએ ભારત આવવાના હતા, પરંતુ દેશમાં આવી પડેલી આપત્તિને કારણે તેમણે પોતાની મુલાકાત રદ કરવી પડી છે.
૨૦૨૦નું પહેલું અઠવાડિયું સમગ્ર વિશ્વ માટે ખતરનાક પુરવાર થયું છે. ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. સવાલ એ છે કે જો ફરી એક વખત મિસાઇલ્સ અથવા ઘાતક અણુબૉમ્બના પ્રયોગો થયા તો કેટલા કરોડો લોકો એનો ભોગ બનશે? એક બાજુ કુદરતી હોનારત વન્યજીવોનો ભોગ લઈ રહી છે, તો બીજી બાજુ માનવસર્જિત આપત્તિ દેશના નાગરિકોનો! ક્યાંક આપણે માનવસર્જિત પ્રલયની દિશામાં આગળ નથી વધી રહ્યાને?

ઑસ્ટ્રેલિયા ઇઝ ઇન એન્ડ-ગેમ!
સંશોધકોનું કહેવું છે કે ૨૦૫૦ની સાલમાં ઑસ્ટ્રેલિયાના નાગરિકો ‘શિયાળો’ શબ્દનો અર્થ વિસરી જશે! આઇ મીન ટુ સે, આગામી ૩૦ વર્ષોની અંદર ઑસ્ટ્રેલિયામાં ફક્ત ઉનાળાનું જ સામ્રાજ્ય જોવા મળશે. ઑસ્ટ્રેલિયામાં પડી રહેલી ગરમીથી તો હવે સૌકોઈ વાકેફ છે, પરંતુ એક સમય એવો પણ આવવાનો છે જેમાં ઑસ્ટ્રેલિયામાં શિયાળાની ઋતુ દરમ્યાન ઓછામાં ઓછું તાપમાન જોવા મળશે, ૪૦ ડિગ્રી સેલ્સિયસ! સંશોધકોએ આને નામ આપ્યું છે, ન્યુ સમર (નવો ઉનાળો)! જે અનુભવી શકાશે ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળા વચ્ચે! દર વર્ષના સરેરાશ તાપમાનમાં જોવા મળતા વધારાને આધારે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. ચિંતાજનક બાબત એ જ છે કે ઑસ્ટ્રેલિયન લોકો માટે શિયાળાની આખેઆખી ઋતુનું નામોનિશાન મટી જશે અને તેઓ એવી સ્થિતિ પર પહોંચી ગયા હશે જ્યાંથી પાછું વળવું તેમના માટે શક્ય નહીં હોય!

ગ્લોબલ વૉર્મિંગ
ગ્રીનહાઉસની અસર પૃથ્વીની સપાટી અને હવાને ગરમ રાખવાનું કામ કરે છે.
સૂર્યથી પૃથ્વી તરફ આવતી ઊર્જાને હવામાં જકડી રાખવાનું કામ વાયુ દ્વારા થાય છે જેને આપણે ગ્રીનહાઉસ ગૅસ તરીકે ઓળખીએ છીએ. મોટે ભાગે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડનો સમાવેશ આમાં થાય છે.
પૃથ્વી પરની જીવસૃષ્ટિને ટકાવી રાખવા અને અહીંના વાતાવરણને સાનુકૂળ બનાવવામાં ગ્રીનહાઉસ ઇફેક્ટનો ફાળો મહત્ત્વનો છે.
ગ્રીનહાઉસની અસર વગર પૃથ્વી પરની ગરમી અવકાશમાં શોષાઈ જાય અને આ ગ્રહ ઠંડો પડવા લાગે!
કોલસા, તેલ અને ઈંધણને કારણે ગ્રીનહાઉસ ગૅસની માત્રા વધે છે જેના કારણે વાતાવરણમાં ગરમી વધુ શોષાય છે અને પરિણામે જન્મે છે ગ્લોબલ વૉર્મિંગ!

આગની વિકરાળતા
ઍમેઝૉનનાં જંગલોમાં લાગેલી આગ ૨૨ લાખ ૪૦ હજાર એકરની જમીનમાં ફેલાયેલી હતી.
રશિયાનાં સાઇબિરિય જંગલોમાં લાગેલી આગ ૬૪ લાખ ૨૫ હજાર એકરની જમીનમાં ફેલાઈ હતી.
જ્યારે છેલ્લા એક મહિનાથી ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં ફાટી નીકળેલો દાવાનળ ૧ કરોડ ૧૩ લાખ એકરની જમીન પર ફેલાયેલો છે જેની અસર હિરોશિમા-નાગાસાકી પર પ્રક્ષેપિત કરવામાં આવેલા અણુબૉમ્બની સરખામણીમાં ઘણી જ વધારે છે!

ઑસ્ટ્રેલિયન આગની ભયાનક અસરો
૫૦ કરોડ વન્ય જીવો જીવતા સળગી ગયા!
૧ કરોડ ૧૩ લાખ એકરની જમીનનો સફાયો થઈ ગયો જેનો વ્યાપ સમગ્ર નેધરલૅન્ડ્સના ભૂવિસ્તાર કરતાં પણ ઘણો વધારે છે.
૨૫૦૦ ઇમારતો ધ્વસ્ત અને ૨૪ જાનહાનિ
ન્યુ સાઉથ વેલ્સ (ઑસ્ટ્રેલિયાનું એક રાજ્ય)ના ૩૦ ટકા કોઆલા (રીંછની એક પ્રજાતિ) એકસાથે ગણતરીના દિવસોમાં ખાખ થઈ ગયા!
પ્રાણનો ખતરો ઊભો થતાં હજારો લોકોએ પોતાના પેઢીઓ જૂના ઘરનો ત્યાગ કરીને સ્થળાંતર કરવું પડ્યું.
સિડનીના નાગરિકો દરરોજ ૩૭ સિગારેટ જેટલો ધુમાડો પોતાના શ્વાસમાં લઈ રહ્યા છે.
તબાહીને કારણે ઑસ્ટ્રેલિયા છેલ્લા એક મહિનાથી દરરોજ પાંચ કરોડ ડૉલરની ખોટ ભોગવી રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK